પહેલા વરસાદનો અભાવ અને પછી કમોસમી વરસાદે ચતરા દેવીના પાકને બરબાદ કરી દીધો હતો. રાજસ્થાનના કરૌલી જિલ્લાના ખિરખીરી ગામના 45 વર્ષીય ખેડૂત કહે છે, “અમે બાજરી વાવી હતી અને તે સારી રીતે વધી રહી હતી. પરંતુ જ્યારે અમારે અમારા ખેતરોમાં પાણી આપવાનો સમય થયો ત્યારે વરસાદ નહોતો પડ્યો. પછી લણણી દરમિયાન વરસાદ પડ્યો અને બધો પાક બરબાદ થઈ ગયો.”
કરૌલીનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે અને મોટાભાગના રહેવાસીઓ કાં તો ખેડૂતો છે કાં ખેતમજૂરો છે (વસ્તી ગણતરી 2011). આ રાજ્ય ઐતિહાસિક રીતે પાણીની અછતથી પીડાતું રહ્યું છે અને ખેતી મોટાભાગે વરસાદ પર આધારિત છે.
મીના સમુદાયનાં (રાજ્યમાં ઓ.બી.સી. તરીકે સૂચિબદ્ધ) ચતરા દેવી કહે છે કે તેમણે છેલ્લા 10 વર્ષમાં વરસાદની ભાતમાં ફેરફાર જોયો છે. રાજસ્થાન ભારતનું સૌથી મોટું રાજ્ય (ક્ષેત્રફળની દૃષ્ટિએ) છે અને 70 ટકા વસ્તી તેમની આજીવિકા માટે કૃષિ અને પશુપાલન પર નિર્ભર છે.


