નબા કુમાર મૈતીના આખા કારખાનામાં બતકના પીંછા વિખેરાયેલા છે. તેમાં સ્વચ્છ પીંછા, ગંદા પીંછા, કાપેલા પીંછા અને વિવિધ આકારના અને સફેદ રંગના વિવિધ રંગના પીંછા હોય છે. ખુલ્લી બારીઓમાંથી આવતી હળવી હવા, પીંછાઓને વેરવિખેર કરી દે છે, અને તે પડે તે પહેલાં તેમને હવામાં લહેરાવે છે.
અમે ઉલુબેરિયામાં નબા કુમારના ત્રણ માળના મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર છીએ. વર્કશોપની અંદરની હવા કાતર કાપવાના અવાજ અને લોખંડને કાપવાના અવાજથી ભરાઈ જાય છે. આ તે જગ્યા છે જ્યાં ભારતના બૅડમિંટન માટેના શટલકૉક્સ બનાવવામાં આવે છે. વિતરણ માટે તૈયાર બેરલમાંથી એકને પસંદ કરીને તેઓ સમજાવે છે, “સફેદ બતકના પીંછા, કૃત્રિમ અથવા લાકડાનો ગોળાકાર કૉર્ક બેઝ, સુતરાઉ દોરી અને ગુંદર સાથે મિશ્રિત નાયલોનમાંથી શટલ બને છે.”
ઓગસ્ટ, 2023ના અંતમાં એક હુંફાળી અને ભેજવાળી સોમવારની સવારે 8 વાગ્યા છે. અમને તે સમયે તેના વિષે ખબર નહોતી, પણ પાંચ અઠવાડિયા પછી, ભારતીય શટલર્સ દક્ષિણ કોરિયાના ખેલાડીઓને 21-18 અને 21-16થી હરાવીને દેશનું પ્રથમ એશિયન ગોલ્ડ મેળવશે.
અહીં ઉલુબેરિયામાં, ઉત્પાદન એકમના પ્રવેશદ્વાર પર કારીગરોનાં ચપ્પલ અને સાઇકલ પહેલેથી જ હરોળમાં ગોઠવેલી છે. ઇસ્ત્રી કરેલ, ફુલ-સ્લીવ મરૂન શર્ટ અને ઔપચારિક પેન્ટ પહેરેલા નબા કુમાર પણ દિવસ માટે તૈયાર છે.
આ ઉદ્યોગમાં પીંછાને આકાર આપવાથી પોતાની સફરની શરૂઆત કરનાર આ 61 વર્ષીય કારીગર કહે છે, “મેં 12 વર્ષની ઉંમરે મારા ગામ બનીબાનના એક કરખાનામાં હંસ-એર પાલક (બતકના પીંછા)થી બૅડમિંટનની દડીઓ બનાવવાનું શરૂ કર્યું હતું.” હાથમાં પકડેલી લોખંડની કાતરનો ઉપયોગ કરીને, તેઓ પીંછાને આકાર આપવા માટે તેમને ત્રણ ઇંચ લાંબા કાપે છે. કારીગરો શટલકૉકને ‘દડા’ તરીકે ઓળખાવે છે.
તેઓ ઉમેરે છે, “[બંગાળમાં] પ્રથમ ફેક્ટરી જે. બોઝ એન્ડ કંપની હતી, જે 1920ના દાયકામાં પીરપુર ગામમાં શરૂ થઈ હતી. ધીમે ધીમે જે. બોઝના કામદારોએ નજીકના ગામડાઓમાં પોતાના એકમો ખોલ્યા. મેં આવા જ એક એકમમાં આ કળા શીખી હતી.”
























