નાગી રેડ્ડી તામિલનાડુમાં રહે છે, કન્નડ બોલે છે અને તેલુગુ વાંચે છે. ડિસેમ્બરની એક વહેલી સવારે અમે તેમને મળવા માટે થોડા કિલોમીટર ચાલીને મુસાફરી કરીએ છીએ. તેઓ કહે છે કે તેમનું ઘર “બસ નજીકમાં જ છે.” વાસ્તવમાં, તે છલકાઇ રહેલા તળાવની પેલી બાજુ, મોટા આંબલીના ઝાડની પાછળ, નીલગીરીની ટેકરી ઉપર, કેરીના ઝાડની નીચે, રક્ષા માટે ઊભેલા કૂતરાની બાજુમાં, બૂમો પાડતા ગલુડિયા અને ઢોરઢાંખરના શેડની પાસે હતું.
દેશના કોઈપણ ખેડૂતે વેઠવી પડતી સામાન્ય સમસ્યાઓ અને તકલીફો ઉપરાંત, નાગી રેડ્ડી બીજી એક સમસ્યાનો સામનો કરી રહ્યા છે - જે એટલી કઠીન છે કે તેઓ તેમનો પાક બદલવાનું વિચારી રહ્યા છે. તેમને ત્રણ ભયજનક પાત્રોએ ઘેરી લીધા છે: મોટ્ટે વાલ, મક્કાના અને ગિરી.
અહીંના ખેડૂતોએ શીખી લીધું છે કે આમને હળવાશથી લેવાય તેમ નથી - અર્થાલંકારિક રીતે પણ અને શાબ્દિક રીતે પણ. અને જ્યારે તેમનું વજન ક્રમશ: ૪,૦૦૦ અને ૫,૦૦૦ કિલોની વચ્ચે હોય ત્યારે તો બિલકુલ નહીં. આ લૂંટારૂ હાથીઓના ચોક્કસ વજન અને ઊંચાઈને નજીકથી માપવામાં સ્થાનિક લોકોનો નિરુત્સાહ સમજી શકાય તેમ છે.
અમે કૃષ્ણગિરી જિલ્લામાં છીએ જે બે રાજ્યો સાથે સરહદ ધરાવે – તામિલનાડુ અને કર્ણાટક. દેંકનિકોટ્ટાઈ તાલુકામાં આવેલું નાગી રેડ્ડીનું ગામ વાડરા પલયમ જંગલો અને હાથીઓથી વધારે દૂર નથી. અને અમે જ્યાં બેઠા છીએ એ સિમેન્ટનો વરંડો તેમના ખેતરોથી થોડાક જ મીટર દૂર છે. આ ૮૬ વર્ષીય ખેડૂત, કે જેઓ અત્યંત પૌષ્ટિક અનાજ એવા રાગી (બાજરી)ની ખેતી કરે છે, તેમને ગામના લોકો નાગન્ના કહીને બોલાવે છે. તેઓ છેલ્લા દાયકાઓમાં ખેતીમાં થયેલા દરેક ફેરફારના સાક્ષી પણ છે – પછી ભલે ને તે સારું હોય, ખરાબ હોય કે જેવું મોટેભાગે હોય છે તેમ ભયંકર હોય.
“જ્યારે હું નાનો હતો, ત્યારે વાવણીની મોસમમાં થોડા દિવસો સુધી જ્યારે રાગીની સુગંધ તેમને આકર્ષિત કરતી ત્યારે આનાઈ (હાથી) આવતા હતા.” હવે? “હવે તેઓ વારેઘડીએ આવે છે, અને હવે તેઓ પાક અને ફળો ખાવા માટે ટેવાઈ ગયા છે.”
નાગન્ના તમિલ ભાષામાં સમજાવે છે, “આના પાછળ બે કારણો હોઈ શકે છે. ૧૯૯૦ પછી આ જંગલમાં હાથીઓની સંખ્યા વધી છે, જ્યારે જંગલના વિસ્તાર અને ગુણવત્તામાં ઘટાડો થયો છે. આથી તેઓ અહીંયાં ખોરાકની શોધમાં આવે છે. અને જેમ આપણે કોઈ સારી હોટેલમાં જઈએ તો આપણા મિત્રોને તેના વિષે કહીએ છીએ, તેમ તેઓ પણ કહે છે,” તેઓ નિસાસો નાખીને હસે છે. તેમની આ વ્યંગાત્મક સરખામણીથી તેઓ ખુશ થાય છે, પણ મને આનાથી આશ્ચર્ય થાય છે.
































