સરત મોરાન કહે છે કે હાથી તેના ફાંદી (પ્રશિક્ષક) ને ક્યારેય ભૂલતો નથી. તેમણે 90 થી વધુ હાથીઓને તાલીમ આપી છે. તેઓ ઉમેરે છે કે આ વિશાળકાય પ્રાણી તેના જીવનકાળ દરમિયાન જંગલી હાથીઓના ટોળાની વચ્ચે ગાઢ જંગલમાં હોય તો પણ તેના ફાંદી તરફ દોડી આવે છે
પિલખાના - તાલીમ માટેની એક કામચલાઉ શિબિર - માં નવજાત મદનિયાને ધીમે ધીમે માનવીય સ્પર્શથી પરિચિત કરવામાં આવે છે, અને જ્યાં સુધી તે નિત્યક્રમ ન બની જાય ત્યાં સુધી રોજેરોજ એ પ્રક્રિયા પુનરાવર્તિત કરવામાં આવે છે. સરત કહે છે, “તાલીમ દરમિયાન થોડી પીડા પણ ઘણી વધારે લાગે છે.
જેમ જેમ દિવસો જતા જાય છે તેમ તેમ મદનિયાની આસપાસ લોકોની સંખ્યા વધતી જાય છે, અંતે આ પ્રાણી માણસોની હાજરીથી ટેવાઈ જાય છે.
સરત અને બીજા પ્રશિક્ષકો તાલીમ દરમિયાન આ વિશાળકાય પ્રાણી માટે એને આરામ મળે એવા ગીતો ગાય છે, આ ગીતો આ પ્રાણી અને તેના પ્રશિક્ષક વચ્ચેની મિત્રતાની વાર્તા વર્ણવે છે.





