નીલમ યાદવ કહે છે, "હમે પતા હી નહીં હમારા બેટા એકદમ કૈસે મારા, કંપની ને હમે બતાયા ભી નહીં [અમારો દીકરો અચાનક કેવી રીતે મૃત્યુ પામ્યો એ અમને ખબર જ નથી. કંપનીએ અમને કંઈ કહ્યું પણ નથી]."
33 વર્ષના નીલમ સોનીપતના રાઈ નગરમાં તેમના ઘરની અંદર ઊભા છે, વાત કરતી વખતે તેઓ અમારી સાથે આંખ મેળવતા નથી. લગભગ છ મહિના પહેલા તેમના જેઠનો દીકરો રામ કમલ, જેમને નીલમે 2007 માં તેમના લગ્ન થયા ત્યારથી ઉછેરીને મોટો કર્યો હતો, તે સ્થાનિક ફૂડ રિટેલ ફેક્ટરીમાં કામ કરતી વખતે મૃત્યુ પામ્યો હતો, 27 વર્ષના રામ કમલ ત્યાં એસી રિપેર યુનિટમાં કામ કરતા હતા.
29 મી જૂન, 2023 ની વાત છે અને નીલમ એ દિવસને એક ગરમીના સુસ્તીભર્યા દિવસ તરીકે યાદ કરે છે. નીલમના ત્રણ નાના બાળકો - બે દીકરીઓ અને એક દીકરો, અને તેમના સસરા, શોભનાથ હમણાં જ નીલમે રાંધેલું બપોરનું ભોજન - દાળ ભાતનું રોજીંદુ ભોજન - જમ્યા હતા. નીલમ રસોડું સાફ કરી રહ્યા હતા જ્યારે શોભનાથ બપોરે ઘડીક આરામ કરી લેવાનું વિચારી રહ્યા હતા.
લગભગ બપોરે 1 વાગે દરવાજાની ઘંટડી વાગી. નીલમ હાથ ધોઈને દુપટ્ટાને ઠીક કરતા કરતા કોણ છે એ જોવા ગયા. વાદળી ગણવેશમાં સજ્જ બે માણસો દરવાજે ઊભા હતા અને તેમની મોટર-બાઈકની ચાવી વડે રમતા હતા. નીલમને ખ્યાલ આવી ગયો કે તેઓ રામ કમલ જ્યાં કામ કરતા હતા એ કંપનીના માણસો હતા. નીલમને યાદ છે તેમાંનો એક માણસ બોલ્યો હતો અને તેમને જાણ કરી હતી, “રામને વીજળીનો આંચકો (ઇલેક્ટ્રિક શોક) લાગ્યો છે. જલ્દી સિવિલ હોસ્પિટલ આવો."
નીલમનો અવાજ ભરાઈ આવે છે, તેઓ કહે છે, “હું પૂછતી રહી કે એને કેમ છે, એ ઠીક છે ને, એ ભાનમાં તો છે ને. તેઓએ એટલું જ કહ્યું, એ ભાનમાં નથી." તેમણે અને શોભનાથે જાહેર પરિવહન શોધવામાં સમય બગાડવાને બદલે એ માણસોને જ તેમની મોટર-બાઈક પર તેમને તરત જ હોસ્પિટલ લઈ જવા વિનંતી કરી. તેમને હોસ્પિટલ પહોંચતા લગભગ 20 મિનિટ લાગી હતી.











