છોકરાને મન વિરાટ કોહલી એટલે એનો ભગવાન. અને છોકરી પૂજે બાબર આઝમને. કોહલી સદી ફટકારે ત્યારે છોકરો છોકરીને ચીડવે અને બાબર રમતમાં શાનદાર પ્રદર્શન કરે ત્યારે છોકરી છોકરાને ચીડવે. ક્રિકેટને લઈને થતી આવી મજાક-મશ્કરી એ આયેશા અને નુરુલ હસનની પ્રેમની ભાષા હતી, આ મજાક-મશ્કરી એવી તો મીઠ્ઠી હતી કે નુરુલ અને આયેશના લગ્ન એ પ્રેમલગ્ન નહીં પણ (બેઉ પરિવારના સભ્યો દ્વારા) ગોઠવાયેલા લગ્ન છે એ વાત માનવા તેમની આસપાસના લોકો તૈયાર નહોતા.
જૂન 2023માં ક્રિકેટ વર્લ્ડ કપનું સમય પત્રક જાહેર થયું ત્યારે આયેશાની આંખોમાં ચમક આવી ગઈ, તે ખુશખુશાલ થઈ ગઈ. 14 મી ઓક્ટોબરે ગુજરાતના અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થવાનો હતો. પશ્ચિમ મહારાષ્ટ્રમાં રાજાચે કુર્લે નામના પોતાના પિયરના ગામમાં બેઠેલી 30 વર્ષની આયેશા યાદ કરે છે, "મેં નુરુલને કહ્યું કે આ મેચ તો આપણે સ્ટેડિયમમાં જઈને જ જોવી જોઈએ. ભારત અને પાકિસ્તાન વચ્ચે આજકાલ ભાગ્યે જ મેચ રમાય છે. આ એક દુર્લભ તક હતી, અમારા બંનેના મનપસંદ ખેલાડીઓને એકસાથે રમતા જોવાની."
વ્યવસાયે સિવિલ એન્જિનિયર 30 વર્ષના નુરુલે કેટલાક ફોનકોલ કર્યા અને બે ટિકિટોની ગોઠવણ થઈ ગઈ, દંપતીની ખુશીનો પર ન રહ્યો. ત્યાં સુધીમાં આયેશા તેની ગર્ભાવસ્થાના છઠ્ઠા મહિનામાં હશે એ વાત ધ્યાનમાં રાખી તેઓએ સાતારા જિલ્લાના તેમના ગામ પુસેસાવળીથી અમદાવાદની 750 કિલોમીટરની આ મુસાફરીનું ખૂબ જ કાળજીપૂર્વક આયોજન કર્યું હતું. ટ્રેનની ટિકિટ બુક કરાવી હતી અને રહેવાની વ્યવસ્થા પણ કરાવી હતી. આખરે એ દિવસ આવી પહોંચ્યો પરંતુ એ દંપતી મેચ જોવા જઈ ન શક્યા.
14 મી ઑક્ટોબર, 2023 નો સૂરજ ઊગ્યો ત્યારે નુરુલને મૃત્યુ પામ્યાને મહિનો થઈ ગયો હતો અને આયેશા બરબાદ થઈ ગઈ હતી, સાવ ભાંગી પડી હતી.
*****
18 મી ઓગસ્ટ, 2023 ના રોજ મહારાષ્ટ્રના સાતારા શહેરથી લગભગ 60 કિલોમીટર દૂર આવેલા એક ગામ - પુસેસાવળીમાં એક સ્ક્રીનશૉટ વાયરલ થયો હતો. આ ગામનો એક મુસ્લિમ છોકરો, 25 વર્ષનો આદિલ બાગવાન, ઇન્સ્ટાગ્રામ પર એક ટિપ્પણી (કમેન્ટ) માં હિન્દુ દેવી-દેવતાઓ વિષે અપમાનજનક વાત કરતો જોવા મળ્યો હતો. હજી આજે પણ આદિલ સ્પષ્ટપણે કહે છે કે છેતરવાના ઈરાદાથી સ્ક્રીનશોટમાં ફેરફાર કરવામાં આવ્યા છે, તેની સાથે છેડછાડ કરવામાં આવી છે (સ્ક્રીનશોટ મોર્ફ કરવામાં આવ્યો છે), એટલે સુધી કે ઇન્સ્ટાગ્રામ પરના તેના મિત્રોમાંથી કોઈએ જ આવી ટિપ્પણી હકીકતમાં જોઈ નથી.
જો કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાય નહીં તે સુનિશ્ચિત કરવા માટે પુસેસાવળીના મુસ્લિમ સમુદાયના વરિષ્ઠ સભ્યો જાતે તેને પોલીસ પાસે લઈ ગયા હતા, અને આ સ્ક્રીનશોટ બાબતે તપાસ કરવાની માંગ કરી હતી. પુસેસાવળી ગામમાં ગેરેજ ચલાવતા 47 વર્ષના સિરાજ બાગવાન કહે છે, "અમે એમ પણ કહ્યું હતું કે જો આદિલ દોષિત સાબિત થાય તો તેને સજા થવી જોઈએ અને અમે તેના આ કૃત્યને વખોડી કાઢીશું. પોલીસે આદિલનો ફોન જપ્ત કરી લીધો હતો અને બે ધર્મો વચ્ચે નફરત ફેલાવવાના આરોપસર તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી."
તેમ છતાં સાતારાના કટ્ટર-જમણેરી હિંદુ જૂથોના રોષે ભરાયેલા સભ્યોએ બીજે દિવસે પુસેસાવળીમાં એક રેલી કાઢી હતી, જેમાં મુસ્લિમો સામે સામૂહિક હિંસાની હાકલ કરવામાં આવી હતી. તેઓએ કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લેવાની ધમકી પણ આપી હતી.
સિરાજ અને મુસ્લિમ સમુદાયના બીજા વરિષ્ઠ સભ્યો, જેઓ આ સ્ક્રીનશોટ બાબતે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ સાથે સ્થાનિક પોલીસ સ્ટેશને દોડી ગયા હતા, તેમણે પોલીસને સ્ક્રીનશોટની આ સમગ્ર ઘટના સાથે જેમને કોઈ લેવાદેવા જ નથી તેવા પુસેસાવળીના બીજા મુસ્લિમ રહેવાસીઓની સલામતી જાળવવાની વિનંતી પણ કરી હતી. સિરાજ યાદ કરે છે, "અમે પોલીસને કહ્યું હતું કે ગમે ત્યારે હુલ્લડ ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે. અમે સાવચેતીનાં કેટલાંક પગલાં લેવાની વિનંતી કરી હતી."
જો કે, સિરાજના જણાવ્યા મુજબ ઔંધ પોલીસ સ્ટેશન, જેના કાયર્ક્ષત્ર હેઠળ પુસેસાવળી આવે છે, તેના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર ગંગાપ્રસાદ કેન્દ્રે તેમની મજાક ઉડાવી હતી. "તેમણે અમને પૂછ્યું હતું કે મોહમ્મદ પયગંબર તો એક સાવ સામાન્ય માણસ માત્ર હતા, તો પછી અમે શા માટે તેમને અનુસરીએ છીએ? એક વર્દીધારી વ્યક્તિ આવું કંઈક કહી શકે એ મારા માન્યામાં આવતું નહોતું."
આગામી બે અઠવાડિયા સુધી, બે કટ્ટરપંથી જમણેરી જૂથો - હિન્દુ એકતા અને શિવપ્રતિષ્ઠાન હિન્દુસ્તાન - ના સભ્યો પુસેસાવળીમાં આવતા-જતા કોઈ પણ મુસ્લિમ પુરુષોને અચાનક રોકીને તેમને 'જય શ્રી રામ' ના નારા લગાવવા મજબૂર કરતા હતા, અને જો એમ ન કરે તો તેમના ઘરોને બાળી નાખવાની ધમકી આપતા હતા. ગામની પરિસ્થિતિ તણાવગ્રસ્ત હતી, સ્થાનિકોમાં બેચેની સ્પષ્ટ હતી.
8 મી સપ્ટેમ્બરના રોજ મુઝમ્મિલ બાગવાન અને અલ્તમશ બાગવાનના નામે પહેલાના જેવા જ બે વધુ સ્ક્રીનશોટ વાયરલ થયા હતા. તેઓ બંને 23 વર્ષના હતા અને બંને પુસેસાવલીના રહેવાસી હતા અને આદિલની જેમ જ ઇન્સ્ટાગ્રામની એક પોસ્ટ પરની ટિપ્પણીમાં હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરતા જોવા મળ્યા હતા. આદિલની જેમ જ આ બંને યુવાનોનો પણ દાવો છે કે એ સ્ક્રીનશોટ્સ ફોટોશોપ કરાયેલા હતા. જે પોસ્ટ હેઠળ આ ટિપ્પણી દેખાય છે તે પોસ્ટ પોતે હિંદુઓ વિરુદ્ધ વિવિધ મુસ્લિમ પુરુષો દ્વારા કરાયેલ અપશબ્દોનો સંગ્રહ છે.
કટ્ટર-જમણેરી હિંદુ જૂથોએ (સ્ક્રીનશોટને કથિત રીતે ફોટોશોપ કરીને) આ પોસ્ટ તૈયાર કરી હોવાનો આરોપ છે.
આ ઘટનાને પાંચ મહિનાથી વધુ સમય થઈ ગયો છે, અને પોલીસ હજી પણ વાયરલ થયેલા ત્રણ સ્ક્રીનશોટ્સની સત્યતા બાબતે તપાસ કરી રહી છે.
પરંતુ એનાથી જે નુકસાન કરવાનો ઈરાદો હતો એ તો પાર પડી ચૂક્યો છે - પહેલેથી જ સાંપ્રદાયિક તણાવમાં રહેલ ગામમાં કોમી હિંસા ભડકી ઊઠી હતી. 9 મી સપ્ટેમ્બરે પુસેસાવળીમાં સ્થાનિક મુસ્લિમો દ્વારા કરાયેલ સાવચેતીનાં પગલાં લેવાનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો.
10 મી સપ્ટેમ્બરના રોજ સૂર્યાસ્ત પછી 100 થી વધુ કટ્ટર- જમણેરી હિંદુઓનું ઉશ્કેરાયેલું ટોળું ગામમાં ઘૂસી ગયું હતું, મુસ્લિમોની માલિકીની દુકાનો, વાહનો અને ઘરોને આગ ચાંપવામાં આવી હતી અને તોડફોડ કરવામાં આવી હતી. મુસ્લિમ સમુદાયના સભ્યોના અંદાજ મુજબ 29 પરિવારોને નિશાન બનાવવામાં આવ્યા હતા અને તેમને પહોંચેલું કુલ આર્થિક નુકસાન 30 લાખ રુપિયા થવા જાય છે. આ પરિવારોની જીવનભરની બચત પળવારમાં ધૂળધાણી થઈ ગઈ હતી.
પુસેસાવલીમાં ઇ-સેવા કેન્દ્ર (સામાન્ય અરજદારની કોર્ટ-સંબંધિત તમામ જરૂરિયાતો માટેનું વન-સ્ટોપ કેન્દ્ર) ચલાવતા 43 વર્ષના અશફાક બાગવાન તેમનો ફોન કાઢે છે અને આ પત્રકારને ફર્શ પર બેઠેલા એક નબળા, વૃદ્ધ માણસની તસવીર બતાવે છે. તેમનું માથું લોહીથી લથબથ હતું. તેઓ યાદ કરે છે, "તેઓએ મારી બારી પર પથ્થરમારો કર્યો ત્યારે કાચ ફૂટીને એના ટૂકડેટૂકડા થઈ ગયા હતા અને મારા પિતાને માથામાં વાગ્યું હતું. એ એક દુઃસ્વપ્ન જેવું હતું, એક અત્યંત ડરામણી ઘટના હતી. ઘા એટલો ઊંડો હતો કે અમે ઘેર તેની સારવાર પણ કરી શક્યા નહોતા."
પરંતુ અશફાક ઉશેરાયેલા બેકાબૂ ટોળા સામે બહાર પણ નીકળી શક્યા નહોતા. જો તેઓ ઘરની બહાર નીકળ્યા હોત તો તેમના હાલહવાલ પણ પેલા ક્રિકેટપ્રેમી યુવાન પતિ નુરુલ હસન જેવા જ થયા હોત.
*****
એ સાંજે નુરુલ કામ પરથી ઘેર પાછો ફર્યો ત્યારે પુસેસાવળી સળગવા માંડ્યું નહોતું. તે દિવસે વહેલી સવારે ગામમાં નીકળી પડેલા તોફાની ટોળાથી અજાણ નુરુલે હાથ-પગ-મોઢું ધોઈ, ફ્રેશ થઈને સાંજની નમાજ અદા કરવા ગામની મસ્જિદમાં જવાનું નક્કી કર્યું. આયેશા યાદ કરે છે, "ઘેર થોડા મહેમાનો આવ્યા હતા એટલે મેં તેમને મસ્જિદમાં જવાને બદલે ઘેર જ નમાજ અદા કરવાનું કહ્યું હતું. પરંતુ થોડી વારમાં જ પાછા આવવાનું કહી તેઓ નીકળી ગયા હતા."
કલાક પછી નુરુલે આયેશાને મસ્જિદમાંથી ફોન કરીને કોઈ પણ સંજોગોમાં ઘરની બહાર ન નીકળવા કહ્યું હતું. નુરુલ મસ્જિદની અંદર છે એ વાતની જાણ થતાં નુરુલને લઈને ખૂબ ચિંતિત આયેશાએ રાહતનો શ્વાસ લીધો હતો. તેઓ કબૂલે છે, "ટોળું કોઈ પ્રાર્થનાસ્થળ (નમાઝ અદા કરવાના સ્થળ) પર હુમલો કરશે એવું મેં ધાર્યું નહોતું. ટોળું આ હદે જશે એવી તો મને કલ્પના સુદ્ધાં નહોતી. મને હતું કે મસ્જિદની અંદર તો નુરુલ સુરક્ષિત રહેશે.”
તેમની ધારણા ખોટી ઠરી હતી.
મુસ્લિમોની માલિકીની મિલકતોની તોડફોડ કરીને આગ ચાંપ્યા પછી ટોળું અંદરથી બંધ કરેલી મસ્જિદ તરફ આગળ વધ્યું હતું. ટોળાંમાંના કેટલાકે બહાર પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી દીધી હતી, જ્યારે બીજાઓએ મસ્જિદની અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. મસ્જિદના દરવાજા પરના દરેક ધક્કા સાથે દરવાજાનો આગળો ઢીલો થતો ગયો હતો. આખરે આગળો તૂટી ગયો હતો ને મસ્જિદના દરવાજા ખુલી ગયા હતા.
હજી તો થોડી જ ક્ષણો પહેલાં શાંતિપૂર્ણ રીતે પોતાની સાંજની નમાઝ અદા કરી રહેલા મુસ્લિમો પર ઉશ્કેરાયેલ બેકાબૂ ટોળાએ લાકડીઓ, ઇંટો અને ફર્શની લાદી વડે નિર્દયતાથી હુમલો કર્યો હતો. તેમાંથી એકે લાદી ઉપાડીને નુરુલના માથા પર પછાડીને તોડી નાખી, ત્યારબાદ ટોળાએ બેરહેમીથી તેને ઢોરમાર મારીને તેનો જીવ લીધો હતો. આ હુમલામાં બીજા 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આયેશા કહે છે, "જ્યાં સુધી મેં તેની લાશ નહોતી જોઈ ત્યાં સુધી હું આ વાત પર વિશ્વાસ કરી શકી નહોતી."
નુરુલની શોક્ગ્રસ્ત પત્ની ઉમેરે છે, “નુરુલની હત્યાના આરોપીઓને હું ઓળખું છું. તેઓ તેને ભાઈ કહીને બોલાવતા હતા. મને નવાઈ એ વાતની લાગે છે કે નુરૂલને ઢોરમાર મારીને મોતને ઘાટ ઉતારતી વખતે તેઓ આ વાત કેવી રીતે ભૂલી ગયા."
પુસેસાવળીના મુસ્લિમો આ પ્રકારના હુમલા સામે સાવચેતીનાં પગલાં લેવા પોલીસને છેલ્લા કેટલાય દિવસોથી સતત વિનંતી કરતા હતા. આવું કંઈક થઈ શકે છે એવી આશંકા તેઓને ઘણા સમયથી હતી જ. આવી રહેલ ખતરાને જો કોઈ ન જોઈ શક્યું હોય તો એ કદાચ માત્ર સાતારા પોલીસ જ હતી.
*****
મસ્જિદ પરના જીવલેણ હુમલાને પાંચ મહિના વીતી ગયા છે પરંતુ પુસેસાવળી હજી પણ વિભાજિત છે, ગામમાં આજે પણ તણાવ છે: હિંદુઓ અને મુસ્લિમો એકબીજા સાથે ભળતા અટકી ગયા છે એટલું જ નહીં હવે તેઓ એકબીજાને શંકાની નજરે જુએ છે. એક સમયે જેઓ એકબીજાને ઘેર જમતા હતા એ લોકો વચ્ચે હવે માત્ર લાગણીશૂન્ય, ઠંડો, ઔપચારિક વિનિમય બાકી બચ્યો છે. પુસેસાવળીના ત્રણ મુસ્લિમ છોકરાઓ, જેમના પર હિંદુ દેવી-દેવતાઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ પોસ્ટ કરવાનો આરોપ હતો તેઓ, પોતાના જીવના ડરથી ગામ છોડી ગયા છે; તેઓ હવે સંબંધીઓ અથવા મિત્રો સાથે રહે છે.
23 વર્ષના મુઝમ્મિલ બાગવાન તેમનું ઠેકાણું જાહેર કરવામાં નહીં આવે એ શરતે આ પત્રકાર સાથે વાત કરવા સંમત થયા હતા. તેઓ કહે છે, "ભારતમાં જ્યાં સુધી તમે દોષિત પુરવાર ન થાઓ ત્યાં સુધી તમને નિર્દોષ માનવામાં આવે છે, પરંતુ જો તમે મુસ્લિમ છો તો જ્યાં સુધી તમે નિર્દોષ સાબિત ન થાઓ ત્યાં સુધી તમે દોષિત છો."
10 મી સપ્ટેમ્બરની રાત્રે એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપીને મુઝમ્મિલ પુસેસાવળી પાછા ફરી રહ્યા હતા ત્યારે પુસેસાવળીથી લગભગ 30 કિલોમીટર દૂર થોડું કંઈક ખાવા માટે રોકાયા હતા. ખાવાનું આવવાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે તેમણે પોતાના ફોન પર વોટ્સએપ ખોલ્યું તો તેમને ખબર પડી કે તેમની સંપર્ક સૂચિમાંના કેટલાક હિન્દુ મિત્રોએ તેમનું સ્ટેટસ અપડેટ કર્યું છે.
અપડેટ શું છે એ જોવા માટે જ્યારે મુઝમ્મિ ક્લિક કર્યું તો તેઓ સ્તબ્ધ થઈ ગયા, તેમને લાગ્યું કે તેમને ઊલટી થઈ જશે. એ બધાએ એક સ્ક્રીનશોટ અપલોડ કર્યો હતો જેમાં મુઝમ્મિલની ટીકા કરવામાં આવી હતી અને તેમની કથિત અપમાનજનક ટિપ્પણી દેખાતી હતી. તેઓ પૂછે છે, "આવું કંઈક પોસ્ટ કરીને હું મારી જાતને મુશ્કેલીમાં શા માટે મૂકું? ફોટોશોપ કરેલી એ તસવીરનો એકમાત્ર હેતુ હિંસા ભડકાવવાનો હતો."
મુઝમ્મિલ તરત જ સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચ્યા અને પોતાનો ફોન પોલીસને હવાલે કરી દીધો. તેઓ ઉમેરે છે, "મેં તેમને કાળજીપૂર્વક તપાસ કરવા વિનંતી કરી."
પોલીસ ટિપ્પણીઓની સત્યતા નક્કી કરી શકી નથી કારણ કે તેઓ મેટા - ઇન્સ્ટાગ્રામની માલિકી ધરાવતી કંપની (પેરન્ટ કંપની) - તરફથી પ્રતિસાદની રાહ જોઈ રહ્યા છે. સાતારા પોલીસના જણાવ્યા અનુસાર કંપનીને જરૂરી વિગતો મોકલી આપવામાં આવી છે, હવે કંપનીએ પોતાના સર્વર પર તપાસ કરીને વળતો જવાબ આપવાનો રહે છે.
ડિજિટલ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશનના સ્થાપક ઓસામા મંઝર કહે છે, " મેટાએ જવાબ આપવામાં આટલો લાંબો સમય લીધો એમાં કશું આશ્ચર્યજનક નથી. એ તેમને માટે પ્રાથમિકતા નથી, અને પોલીસ પણ આ મામલો હલ કરવામાં ઝાઝો રસ નથી. આ આખી પ્રક્રિયા એક પ્રકારની સજા બની જાય છે.
મુઝમ્મિલ કહે છે કે જ્યાં સુધી તેઓ નિર્દોષ પૂરવાર નહીં થાય ત્યાં સુધી તેઓ ગામમાં પાછ નહીં ફરે. હાલમાં તેઓ પશ્ચિમ મહારાષ્ટ્રમાં મહિને 2500 રુપિયામાં એક એપાર્ટમેન્ટ ભાડે રાખીને ત્યાં રહે છે. તેઓ દર 15 દિવસે એકવાર તેમના માતા-પિતાને મળે છે પરંતુ વાતચીત ઓછી થાય છે. મુઝમ્મિલ કહે છે, “જ્યારે પણ અમે મળીએ છીએ ત્યારે મારા માતા-પિતા ભાવુક થઈ જાય છે, તેઓ રડી પડે છે. "મારે તેમની સામે નિશ્ચિંત હોવાનો ડોળ કરવો પડે છે."
મુઝમ્મિલે કરિયાણાની દુકાનમાં નોકરી લઈ લીધી છે, ત્યાં તેમને 8000 રુપિયાનો પગાર મળે છે, તેમાંથી તેમના ઘરનું ભાડું અને બીજા ખર્ચાઓ નીકળી જાય છે. પુસેસાવળીમાં જોકે તેમનું પોતાનું આઈસ્ક્રીમ પાર્લર ધમધોકાર ચાલતું હતું. મુઝમ્મિલ કહે છે, "એ ભાડાની દુકાન હતી. તેના માલિક હિંદુ હતા. સ્ક્રીનશોટ વાયરલ થયાની ઘટના પછી તેમણે મને ત્યાંથી કાઢી મૂક્યો હતો અને કહ્યું હતું કે હું નિર્દોષ પૂરવાર થઈશ એ પછી જ મને દુકાન ફરી પાછી ભાડે મળશે. તેથી મારા માતા-પિતા હવે જીવનનિર્વાહ ચલાવવા માટે શાકભાજી વેચી રહ્યા છે. પરંતુ ગામના હિંદુઓ તેમની પાસેથી ખરીદવાનો ઇનકાર કરે છે.”
નાના બાળકો પણ આ ધાર્મિક ધ્રુવીકરણથી બાકાત નથી રહ્યા.
એક સાંજે અશફાક બાગવાનનો નવ વર્ષનો દીકરો ઉઝેર શાળાએથી ઘેર પાછો ફર્યો ત્યારે ખૂબ ઉદાસ હતો, કારણ કે બીજા બાળકો તેની સાથે રમતા નહોતા. અશફાક મુસ્લિમો વિરુદ્ધ વપરાતા સૌથી સામાન્ય અપશબ્દનો ઉલ્લેખ કરતા કહે છે, "તે 'લોંડ્યા' છે એમ કહીને તેના વર્ગના હિંદુ બાળકોએ તેને રમતમાં સામેલ કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે . 'લોંડ્યા' એ મુસ્લિમ લોકો માટે વપરાતો અશ્લીલ શબ્દ છે જે સુન્નતની વિધિનો સંદર્ભ આપે છે." તેઓ કહે છે, "એમાં બાળકોનો શો દોષ? તેઓ તો જે ઘેર સાંભળે છે એ બોલે છે. દુઃખની વાત તો એ છે કે અમારા ગામમાં આવું વાતાવરણ પહેલા ક્યારેય નહોતું."
પુસેસાવળીમાં દર ત્રણ વર્ષે એક પારાયણ સત્ર યોજાય છે, તેમાં હિંદુઓ આઠ દિવસ સુધી શાસ્ત્રોનો પાઠ કરે છે અને જપ કરે છે. તાજેતરનું સત્ર - ગામમાં હિંસા ફાટી નીકળ્યાના એક મહિના પહેલા - 8 મી ઓગસ્ટના રોજ થયું હતું, જ્યારે કાર્યક્રમના પહેલા દિવસે પહેલું ભોજન સ્થાનિક મુસ્લિમો તરફથી પીરસવામાં આવ્યું હતું. 1200 હિંદુઓ માટે 150 લિટર શીર ખુર્મા (વર્મીસેલીની મીઠી વાનગી) બનાવવામાં આવી હતી.
સિરાજ કહે છે, “એ ભોજન પાછળ અમે 80000 રુપિયા ખર્ચ્યા હતા. સમુદાયની દરેક વ્યક્તિ એ તેમાં ફાળો આપ્યો હતો કારણ કે એ અમારી સંસ્કૃતિ છે. પરંતુ જો એ જ પૈસા મેં મસ્જિદને લોખંડનો દરવાજો લગાવવા માટે વાપર્યા હોત તો અમારામાંનો એક જણ આજે જીવતો હોત."
*****
આ કેસની તપાસનો હવાલો સાંભળી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેવકરના જણાવ્યા અનુસાર 10 મી સપ્ટેમ્બરે થયેલી હિંસા માટે 63 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમના પર આરોપનામું દાખલ કરવામાં આવ્યું છે, 34 આરોપીઓ ફરાર છે અને 59 ને જામીન મળી ચૂક્યા છે.
તેમણે કહ્યું, "રાહુલ કદમ અને નીતિન વીર આ કેસમાં મુખ્ય આરોપી છે. તેઓ બંને હિન્દુ એકતા (સંગઠન) સાથે સંકળાયેલા છે."
પશ્ચિમ મહારાષ્ટ્રમાં સક્રિય કટ્ટર-જમણેરી સંગઠન હિન્દુ એકતાના ટોચના નેતા વિક્રમ પાવસ્કર મહારાષ્ટ્ર રાજ્ય ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ છે. તેમના સોશિયલ મીડિયા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના ફોટા છે, અને તેઓ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની નજીક હોવાનું કહેવાય છે.
વિનાયક પાવસ્કરના દીકરા વિક્રમ એક વરિષ્ઠ હિન્દુત્વવાદી નેતા છે, તેઓ દ્વેષપૂર્ણ ભાષણો આપવાનો અને સાંપ્રદાયિક તણાવને ઉશ્કેરવાનો ઇતિહાસ ધરાવે છે. એપ્રિલ 2023 માં તેમણે સાતારામાં "ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી મસ્જિદ" તોડી પાડવાની માંગ સાથે એક આંદોલનનું નેતૃત્વ કર્યું હતું.
જૂન 2023 માં ઇસ્લામપુર ખાતે એક રેલીમાં પાવસ્કરે 'લવ જેહાદ' સામે લડવા માટે "હિંદુઓને એક થવા" ની હાકલ કરી હતી, 'લવ જેહાદ' એ કટ્ટરપંથી હિંદુઓએ ઉપજાવી કાઢેલ પાયાવિહોણો, કપોલકલ્પિત ષડ્યંત્ર આધારિત, તર્ક છે, એ દાવો કરે છે કે મુસ્લિમ પુરુષો હિંદુ મહિલાઓને ફોસલાવે છે જેથી હિંદુ મહિલાઓ તેમની સાથે લગ્ન કર્યા બાદ ધર્મ-પરિવર્તન કરી ઇસ્લામ ધર્મ સ્વીકારે અને પરિણામે ભારતમાં મુસ્લિમોની વસ્તીમાં વધારો અને આગળ જતાં મુસ્લિમોનું વર્ચસ્વ સુનિશ્ચિત થઈ શકે. "અમારી દીકરીઓ ને અમારી બહેનોનું અપહરણ કરવામાં આવે છે અને તેમને લવ-જેહાદનો શિકાર બનાવવામાં આવે છે. જેહાદીઓ હિંદુ મહિલાઓ અને સંપત્તિને બરબાદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપણે બધાએ મળીને તેમને જડબાતોડ જવાબ આપવો જોઈએ.” તેમણે ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની હાકલ કરતી વખતે મુસ્લિમોના આર્થિક બહિષ્કારને સમર્થન આપ્યું હતું.
સાંપ્રદાયિક હિંસાના એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર પુસેસાવળીમાં હુમલાના થોડા દિવસો પહેલા પાવસ્કરે હુમલામાં સામેલ એક આરોપીને ઘેર બેઠક યોજી હતી. સોથી વધુ અજાણ્યા લોકો આ ગામ પર હુમલો કરનાર હિન્દુત્વવાદી ટોળાનો ભાગ હતા. પરંતુ તેમાંથી 27 લોકો એ જ ગામના હતા અને તેમાંના કેટલાક તે દિવસે પાવસ્કરે યોજેલી બેઠકમાં હાજર હતા, એમ એ સાક્ષીએ પોલીસને જણાવ્યું હતું. જ્યારે ટોળું ગામની મસ્જિદમાં ઘૂસી ગયું ત્યારે તેમાંના એકે કહ્યું, “આજે રાત્રે હવે એક પણ લોંડ્યો જીવતો બચવો ન જોઈએ. વિક્રમ પાવસ્કર આપણી સાથે છે, તેઓ આપણને બચાવવા તૈયાર છે. કોઈની પર જરાય દયા રાખશો નહીં.”
તેમ છતાં પોલીસે તેમની ધરપકડ કરી નથી. સાતારાના પોલીસ અધિક્ષક સમીર શેખે આ ખાસ વાર્તા બાબતે આ પત્રકાર સાથે વાતચીત કરવાનો ઇનકાર કર્યો હતો. "તમામ જરૂરી વિગતો જાહેર કરવામાં આવી છે," એમ કહીને તેમણે તપાસ અથવા પાવસ્કરની ભૂમિકા વિશે વધુ પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું.
જાન્યુઆરી 2024 ના છેલ્લા અઠવાડિયામાં બોમ્બે હાઈકોર્ટે પણ પાવસ્કર વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવા બદલ સાતારા પોલીસને ઠપકો આપ્યો હતો.
*****
સાતારા પોલીસનું ઉદાસીન વલણ જોતાં આયેશાના મનમાં સવાલો ઊઠે છે કે શું તેને ક્યારેય ન્યાય મળશે ખરો? નુરુલના હત્યારાઓને ક્યારેય સજા થશે ખરી? અને આ હિંસાનો અસલી સૂત્રધાર (મુખ્ય આરોપી) ક્યારેય પકડાશે ખરો? નુરુલની દુઃખી પત્ની આયેશા જેઓ પોતે વ્યવસાયે એક વકીલ છે તેમને આ આખોય મામલો રફેદફે કરાતો હોવાની, આખીય ઘટના પર ઢાંકપિછોડો કરાતો હોવાની ગંધ આવે છે.
તેઓ કહે છે, "મોટા ભાગના આરોપીઓ પહેલેથી જ જામીન પર બહાર છે, ગામમાં છૂટથી બેધડક હરેફરે છે. અમારી સાથે એક ક્રૂર મજાક કરાતી હોય એવું લાગે છે."
તેમણે હવે પુસેસાવળીને બદલે તેમના માતાપિતા સાથે રાજાચે કુર્લેમાં વધુ સમય ગાળવાનું નક્કી કર્યું છે, પુસેસાવળીમાં તેઓ અસુરક્ષિતતા અનુભવે છે અને ત્યાં તેમને પતિની યાદ વધુ સતાવે છે. આયેશા કહે છે, "રાજાચે કુર્લે પુસેસાવળીથી માત્ર ચાર કિલોમીટર દૂર છે તેથી હું બે ગામો વચ્ચે આવ-જા કરી શકું છું. પરંતુ અત્યારે મારી પ્રાથમિકતા મારી જિંદગીને ફરી પાટે ચડાવવાની છે."
તેઓએ પોતાની વકીલાત ફરીથી શરૂ કરવાનું વિચાર્યું હતું પરંતુ હાલ પૂરતું તેમણે એ દિશામાં ન વિચારવાનું નક્કી કર્યું છે કારણ કે આ ગામમાં વકીલાતના વ્યવસાય માટે કોઈ ભવિષ્ય નથી. આયેશા કહે છે, "જો હું સાતારા શહેર કે પુણે રહેવા ગઈ હોત તો વાત જુદી હતી. પણ હું મારા માતા-પિતાથી દૂર રહેવા માંગતી નથી. તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે, અને મારે તેમને માટે અહીં રહેવું જરૂરી છે."
આયેશાની માતા 50 વર્ષના શમાને મધુપ્રમેહ (ડાયાબિટીસ) ની બીમારી છે, અને 70 વર્ષના પિતા હનીફને ડિસેમ્બર 2023 માં હૃદયરોગનો હુમલો આવ્યો હતો, દીકરીની હાલતને લઈને ઊભા થયેલ માનસિક તણાવને કારણે આ હુમલો આવ્યો હતો. આયેશા કહે છે, “મારે કોઈ ભાઈ-બહેન નથી. મારા પિતાને ઘણીવાર લાગતું કે તેમને દીકરો નથી, પણ નુરુલે એક દીકરાની જગ્યા લઈ તેમને આ ખાલીપો સાલવા દીધો નહોતો. નુરુલનું મૃત્યુ થયું છે ત્યારથી મારા પિતા એ આઘાતમાંથી બહાર આવી શક્યા નથી, તેઓ પહેલા જેવા રહ્યા નથી."
આયેશાએ પોતાના માતા-પિતા સાથે રહેવાનું અને તેમની સંભાળ રાખવાનું પસંદ કર્યું હોવા છતાં તેઓ બીજું પણ ઘણુંબધું કરવા માગે છે. કંઈક એવું કે જે તેમના જીવનને અર્થ અને હેતુ આપી રહે: તેઓ તેમના સ્વર્ગસ્થ પતિના સપના સાકાર કરવા માંગે છે.
આ કામનસીબ ઘટનાના માત્ર પાંચ મહિના પહેલા જ નુરુલ અને આયેશાએ પોતાની બાંધકામ કંપની અશ્નૂર પ્રાઈવેટ લિમિટેડ બનાવી હતી. નુરુલ કામ લઈ આવવાના હતા, અને આયેશાનું કામ હતું કાયદાકીય પાસાઓનું ધ્યાન રાખવાનું.
હવે જયારે નુરુલ આ દુનિયામાં રહ્યા નથી ત્યારે આયેશા કોઈ પણ સંજોગોમાં એ કંપની બંધ કરવા માગતી નથી. તેઓ કહે છે, "મને બાંધકામ વિશે ઝાઝી ખબર નથી. પરંતુ હું શીખીશ અને કંપનીને આગળ લઈ જઈશ. અત્યારે હું આર્થિક મુશ્કેલીમાં છું, પરંતુ હું ભંડોળ એકઠું કરીશ અને કંપનીને સારી રીતે ચલાવી બતાવીશ.
બીજું સપનું થોડું ઓછું જટિલ છે.
નુરુલનું બીજું સપનું હતું તેમના બાળકને ક્રિકેટ શીખવવાનું. અને તે પણ ગમે તે સ્પોર્ટ્સ એકેડમીમાં નહીં, પરંતુ જ્યાં વિરાટ કોહલીએ ટ્રેનિંગ લીધી હતી ત્યાં. આયેશા નુરુલના એ સપનાને સાકાર કરવા માટે કામે લાગી ગઈ છે. તેઓ દ્રઢતાપૂર્વક કહે છે, "હું નુરુલનું એ સપનું પૂરું કરીને રહીશ."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક