બાળાસાહેબ લોંઢેએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે 20 વર્ષ પહેલાં તેમણે લીધેલો એક નિર્ણય આજે રહી રહીને સતત તેમનો પીછો કરતો રહેશે. મહારાષ્ટ્રના પુણે જિલ્લાના નાના શહેર ફુરસુંગીમાં સીમાંત ખેડૂતોના પરિવારમાં જન્મેલા લોંઢેએ ઘણી નાની ઉંમરે તેમના ખેતરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું, જ્યાં તેઓ મુખ્યત્વે કપાસ ઉગાડતા હતા. તેઓ 18 વર્ષના થયા ત્યારે થોડીઘણી વધારાની આવક માટે તેમણે ખેતી ઉપરાંત ડ્રાઇવર તરીકેનું કામ કરવાનું નક્કી કર્યું.
48 વર્ષના લોંઢે કહે છે, "એક મિત્રએ પશુધનની હેરફેરનો વ્યવસાય કરતા એક મુસ્લિમ પરિવાર સાથે મારી ઓળખાણ કરાવી. તેમને ડ્રાઇવરની જરૂર હતી, તેથી મેં એ કામ કરવાનું સ્વીકાર્યું."
લોંઢે એક સાહસિક યુવાન હતા, જેમણે ઝીણવટપૂર્વક આ વ્યવસાયનો અભ્યાસ કર્યો હતો. લગભગ એક દાયકા પછી લોંઢેને લાગ્યું કે તેઓ (આ વ્યવસાય) બરોબર શીખી ગયા છે અને તેમની પાસે પૂરતી બચત પણ છે.
તેઓ કહે છે, “મેં 8 લાખ રુપિયામાં એક સેકન્ડહેન્ડ ટ્રક ખરીદી એ પછી પણ મારી પાસે 2 લાખ રુપિયાની મૂડી હતી. 10 વર્ષમાં હું બજારમાં ખેડૂતો અને વેપારીઓ સાથે સંપર્ક સ્થાપિત કરી શક્યો હતો."
લોંઢેનું ઉદ્યોગ-સાહસ સફળ થયું અને તેનું પરિણામ સારું આવ્યું. પાકના ભાવમાં ઘટાડો, ફુગાવો અને આબોહવા પરિવર્તનને કારણે તેમની પાંચ એકરની ખેતીની જમીનને નુકસાન વેઠવું પડ્યું ત્યારે તેમનો આ વ્યવસાય જ તેમની મદદે આવ્યો.
કામ સાવ સરળ હતું: ગામના સાપ્તાહિક બજારોમાં પોતાના પશુઓ વેચવા માગતા ખેડૂતો પાસેથી પશુઓ લઈને કતલખાને અથવા પશુઓ ખરીદવા માગતા ખેડૂતોના બીજા સમૂહને દલાલી લઈને વેચવાનું. 2014 માં, આ વ્યવસાયમાં પડ્યાના લગભગ એક દાયકામાં, તેમણે પોતાનો વેપાર વધારવા માટે બીજી ટ્રક ખરીદી.
લોંઢે કહે છે કે પેટ્રોલનો ખર્ચ, વાહનની જાળવણીનો ખર્ચ અને ડ્રાઇવરના પગારને ધ્યાનમાં લીધા પછી તેમની સરેરાશ માસિક આવક તે સમયે આશરે 1 લાખ રુપિયાની આસપાસ રહેતી. મુસ્લિમ કુરેશી સમુદાયનું પ્રભુત્વ ધરાવતા આ વ્યવસાયમાંના બહુ થોડા હિંદુઓમાંના તેઓ એક હતા એ વાત બિનમહત્વની હતી. તેઓ કહે છે, "તેઓ તેમના સંપર્કોની માહિતી અને ઉપયોગી ખાનગી માહિતી મને જણાવવા બાબતે ઉદાર હતા, મને લાગ્યું કે હવે હું આ ધંધામાં બરોબર ગોઠવાઈ ગયો છું."
પરંતુ 2014 માં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) સત્તામાં આવી, અને ગૌરક્ષા ઝુંબેશે વધુ વેગ પકડ્યો. ગૌરક્ષકો દ્વારા થતી હિંસા એ ભારતમાં જોવા મળતી ટોળા આધારિત હેવાનિયત છે. તેમાં હિંદુ રાષ્ટ્રવાદીઓ દ્વારા ગાય, જે હિંદુ ધર્મમાં પવિત્ર દરજ્જો ધરાવતું પ્રાણી છે તેની રક્ષાના નામે બિન-હિંદુઓને, મુખ્યત્વે મુસ્લિમોને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલાઓનો સમાવેશ થાય છે.
2019 માં ન્યુયોર્ક સ્થિત, એક (માનવ) અધિકાર જૂથ, હ્યુમન રાઇટ્સ વોચે શોધી કાઢ્યું કે મે 2015 થી ડિસેમ્બર 2018 ની વચ્ચે ભારતમાં 100 થી વધુ બીફ સંબંધિત હુમલાઓ થયા હતા, જેમાં 280 લોકો ઘાયલ થયા હતા અને 44 લોકો મૃત્યુ પામ્યા હતા - હુમલાઓનું નિશાન બનનારાઓમાં મોટા ભાગના મુસ્લિમો હતા.
2017 માં એક ડેટા વેબસાઈટ, ઈન્ડિયાસ્પેન્ડે એક અહેવાલ બહાર પાડ્યો જેમાં 2010 થી ગાય સંબંધિત હિંસાખોરી (લિંચિંગ) નું વિશ્લેષણ કરવામાં આવ્યું. તેમાં જાણવા મળ્યું કે આવા કિસ્સાઓમાં માર્યા ગયેલા 86 ટકા લોકો મુસ્લિમ હતા, જ્યારે 97 ટકા હુમલાઓ મોદી સત્તા પર આવ્યા પછી થયા હતા. એ પછી વેબસાઈટે તેનું ટ્રેકર હઠાવી દીધું છે.
લોંઢે કહે છે કે આવી હિંસા, જેમાં લોકોના જીવ જોખમમાં મૂકાવાનો સમાવેશ થાય છે તે, છેલ્લા ત્રણ વર્ષમાં માત્ર વધી જ છે. એક સમયે મહિને 1 લાખ રુપિયા કમાનાર લોંઢેને છેલ્લા ત્રણ વર્ષમાં 30 લાખ રુપિયાની ખોટ ગઈ છે. તેઓ શારીરિક રીતે પણ અસુરક્ષિતતા અનુભવે છે અને પોતાના ડ્રાઇવરોની પણ તેમને ચિંતા રહે છે.
તેઓ કહે છે, "આ એક દુઃસ્વપ્ન છે."
*****
21 મી સપ્ટેમ્બર, 2023ના રોજ લોંઢેની બે ટ્રકો, જે દરેક 16 ભેંસોને લઈને પુણેના બજાર તરફ જઈ રહી હતી ત્યારે 'ગૌરક્ષકો'એ તેમને કાત્રજ નજીક - લગભગ અડધો કલાક દૂર - અટકાવ્યા.
મહારાષ્ટ્રમાં 1976 થી ગાયની કતલ પર પ્રતિબંધ છે. પરંતુ 2015 માં તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે આ પ્રતિબંધ હેઠળ આખલા અને બળદને પણ આવરી લીધા હતા . લોંઢેની ટ્રકમાં જે ભેંસો લઈ જવાતી હતી તે આ પ્રતિબંધ હેઠળ આવતી નહોતી.
લોંઢે કહે છે, "તેમ છતાં બંને ડ્રાઇવરોની મારપીટ કરવામાં આવી, તેમને તમાચા મારવામાં આવ્યા અને તેમને ગાળો ભાંડવામાં આવી. એક ડ્રાઇવર હિંદુ હતો, બીજો મુસ્લિમ હતો. કાયદા દ્વારા જરૂરી તમામ પરવાના મારી પાસે હતા. પરંતુ તેમ છતાં મારી ટ્રક જપ્ત કરવામાં આવી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી.
'પશુઓ સાથેની ટ્રક ચલાવવી એ જીવને જોખમમાં મૂકવા જેવું છે. એ ખૂબ માનસિક તણાવવાળું કામ છે. આ ગુંડા-રાજે ગ્રામીણ અર્થવ્યવસ્થાને બરબાદ કરી નાખી છે. આ આખામાં કાયદો અને વ્યવસ્થા ખોરવી નાખનારા લોકો જ ફૂલ્યા-ફાલ્યા છે'/ફાયદો તો કાયદો અને વ્યવસ્થા ખોરવી નાખનારા લોકોને જ થયો છે
પુણે શહેર પોલીસે લોંઢે અને તેમના બે ડ્રાઇવરો સામે પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ, 1960 હેઠળ ફરિયાદ દાખલ કરી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પશુઓને ઘાસચારા અને પાણી વિના અતિશય સાંકડી જગ્યામાં રાખવામાં આવ્યા હતા. લોંઢે કહે છે, "આ ગૌરક્ષકો આક્રમક હોય છે અને પોલીસ ક્યારેય તેમના પગલાંનો વિરોધ કરતી નથી. આ માત્ર એક પજવણીની યુક્તિ છે."
લોંઢેના પશુઓને માવળ તાલુકામાં પુણેના ધામને ગામની એક ગૌશાળામાં તબદીલ કરવામાં આવ્યા અને લોંઢેને કાયદાકીય માર્ગ અપનાવવાની ફરજ પડી. લોંઢેના લગભગ 6.5 લાખ રુપિયા દાવ પર હતા. તેઓ કેટકેટલે ઠેકાણે રખડ્યા, તેમનાથી શક્ય તમામ પ્રયત્નો કરી જોયા પણ કંઈ અર્થ ન સર્યો, સારા વકીલની સલાહ પણ લઈ જોઈ.
બે મહિના પછી, 24 મી નવેમ્બર, 2023 ના રોજ, શિવાજી નગરમાં પુણેની સેશન્સ કોર્ટે આ મામલા બાબતે પોતાનો ચુકાદો આપ્યો. ન્યાયાધીશે ગૌરક્ષકોને લોંઢેનું પશુધન તેમને પરત કરવાનો આદેશ આપ્યો ત્યારે લોંઢેએ રાહતનો શ્વાસ લીધો. આદેશનો અમલ કરવાની જવાબદારી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી.
કમનસીબે લોંઢે માટે આ રાહત અલ્પજીવી નીવડી. અદાલતે લોંઢેની તરફેણમાં આપેલા આદેશને પાંચ મહિના થઈ ગયા છે તેમ છતાં તેમને હજી સુધી તેનું પશુધન પાછું મળ્યું નથી.
તેઓ કહે છે, "અદાલતના આદેશના બે દિવસ પછી મને પોલીસ પાસેથી મારી બે ટ્રક પાછી મળી ગઈ. એ સમયગાળા દરમિયાન મારી પાસે કોઈ ટ્રક ન હોવાને કારણે મને કોઈ જ કામ મળી શક્યું નહોતું. પરંતુ એ પછી જે બન્યું તે વધુ નિરાશાજનક હતું."
લોંઢે યાદ કરે છે, "અદાલતના આદેશ પછી મને મારી ટ્રકો તો પાછી મળી ગઈ, પણ એ પછી નિરાશાજનક ઘટનાઓનો દોર શરુ થયો." તેઓ પોતાના પશુઓ પાછા લેવા માટે સંત તુકારામ મહારાજ ગોશાળામાં ગયા, માત્ર ગૌશાળાના પ્રભારી રૂપેશ ગરાડેને મોઢે કાલે પાછા આવજો એટલું સાંભળવા જ.
એ પછી જે કંઈ બન્યું તેમાં જુદા જુદા દિવસે જુદા જુદા અનેક બહાનાઓ બનાવવામાં આવ્યા - ગરાડેએ પશુઓને છૂટા કરતા પહેલાં તેમના પરીક્ષણો કરવા માટે જે તબીબ જોઈએ એ તબીબની અનુપલબ્ધતાનો ઉલ્લેખ કર્યો. દિવસો પછી આ પશુઓની સંભાળ માટે જવાબદાર ગરાડે સેશન્સ કોર્ટની ઉપરી અદાલતમાંથી સેશન્સ કોર્ટના ચુકાદાને અમાન્ય ઠરાવતો મનાઈહુકમ મેળવી લાવ્યા. લોંઢે કહે છે કે ગરાડે મારા પશુઓ પરત ન કરવા માટે સમય ખરીદતો હતો એ સ્પષ્ટ થઈ રહ્યું હતું. તેઓ કહે છે, "પરંતુ તેમની ગમે તે વાતમાં પોલીસ હા એ હા કરતી, પોલીસ તેમના ગમેતેવા બહાના માન્ય રાખતી. એ વાત બિલકુલ ગેરવ્યાજબી હતી.”
પુણે અને તેની આસપાસના કુરેશી સમુદાય સાથેની વાતચીત દર્શાવે છે કે આ કોઈ વિસંગતતા નથી પરંતુ ગૌરક્ષકોની મોડસ ઓપરેન્ડી (કામ કરવાની રીત) છે. અનેક વેપારીઓએ આ પ્રકારના નુકસાનનો અનુભવ કર્યો છે. ગૌરક્ષકો દલીલ કરે છે કે તેઓ ગાય પ્રત્યેની ચિંતાને કારણે પશુઓ પરત કરતા નથી ત્યારે કુરેશી સમુદાય તેમના ઈરાદા બાબતે શંકાશીલ છે.
પુણેના એક વેપારી, 52 વર્ષના સમીર કુરેશી પૂછે છે, "જો આ ગૌરક્ષકોને પશુઓની આટલી બધી ચિંતા છે, તો ખેડૂતોને કેમ નિશાન બનાવવામાં આવતા નથી? એ લોકો (ખેડૂતો) જ તેમને વેચે છે. અમે તો માત્ર તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ. અસલી ઉદ્દેશ મુસ્લિમોની પાછળ પડવાનો, તેમને હેરાન કરવાનો છે.
ઓગસ્ટ 2023 માં સમીરની ટ્રક અટકાવવામાં આવી ત્યારે તેમને પણ આવો જ અનુભવ થયો હતો. એક મહિના પછી તેઓ અદાલતના તેમની તરફેણમાં અપાયેલા આદેશ સાથે પોતાનું વાહન પાછું મેળવવા માટે પુરંધર તાલુકાના ઝેંડેવાડી ગામની ગૌશાળામાં ગયા હતા.
સમીર કહે છે, "પરંતુ જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે મારા કોઈ પશુઓ ત્યાં હતા જ નહીં. મારી પાસે પાંચ ભેંસ અને 11 વાછરડાં હતા, મારા આ પશુઓની કુલ કિંમત બધું મળીને 1.6 લાખ રુપિયા જેવી થાય.”
સાંજે 4 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી - સાત કલાક સુધી સમીર ધીરજપૂર્વક રાહ જોતા રહ્યા કે કોઈ આવશે અને તેમને તેમના ગુમ થયેલ પશુધન બાબતે સમજાવશે. આખરે પોલીસ અધિકારીએ તેમને બીજે દિવસે પાછા આવવા સમજાવવા ખૂબ પ્રયત્ન કર્યો. સમીર કહે છે, “પોલીસ ગૌરક્ષકોને સવાલ કરતા ડરે છે. બીજે દિવસે હું પાછો ફર્યો ત્યાં સુધીમાં ગૌરક્ષકોના હાથમાં મનાઈહુકમ તૈયાર હતો."
સમીરે કોર્ટ કેસ લડવાનું છોડી દીધું છે કારણ કે તેમને ડર છે કે એમાં તેમના પશુધનની કિંમત કરતાં વધુ પૈસા ખર્ચાઈ જશે, એ ઉપરાંત જે માનસિક તણાવ થાય એ તો અલગ. તેઓ પૂછે છે, "પરંતુ મારે જાણવું છે કે તેઓ અમારી પાસેથી પશુધન જપ્ત કર્યા પછી તેમનું કરે છે શું? મારા પશુઓ ગયા ક્યાં? આ અનુભવ મારો એકલાનો નથી. ગૌરક્ષકોએ તેમના પશુધનને જપ્ત કર્યા પછી મારા ઘણા સાથીદારોએ તેમના પશુધનને ગાયબ થતા જોયા છે. શું તેઓ તેમને ફરીથી વેચી રહ્યા છે? શું આ કોઈ કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે?”
વેપારીઓ કહે છે કે એકાદબે છૂટાછવાયા કિસ્સાઓમાં જ્યારે ગૌરક્ષકો પશુધનને મુક્ત કરે પણ છે ત્યારે તેઓ કોર્ટ કેસના સમયગાળા દરમિયાન પશુઓઓની દેખરેખ રાખવા બદલ વળતરની માગણી કરે છે. પુણેના બીજા એક વેપારી, 28 વર્ષના શાહનવાઝ કુરેશી કહે છે કે ગૌરક્ષકો પશુદીઠ રોજના 50 રુપિયા માગે છે. તેઓ કહે છે, “એનો અર્થ એ કે જો તેઓ બે મહિના માટે 15 પશુઓની સંભાળ રાખે તો અમારે અમારા પશુઓ પાછા મેળવવા માટે તેમને 45000 રુપિયા આપવા પડશે. અમે વર્ષોથી આ વ્યવસાયમાં છીએ. આ તો એક તદ્દન વાહિયાત રકમ છે, આ તો બળજબરીથી પૈસા કઢાવવાની રીત છે, આ એક ખંડણી સિવાય બીજું કશું નથી."
પુણે જિલ્લાના નાનકડા નગર સાસવડમાં 14 વર્ષના સુમિત ગાવડે પશુધનને લઈ જતા ટ્રક ડ્રાઈવરની મારપીટ કરાઈ હતી એ નજરે જોયું હતું. આ 2014 ની વાત છે.
ગાવડે કહે છે, "મને યાદ છે કે હું ખૂબ ઉત્તેજિત થઈ ગયો હતો. મને થયું હતું કે મારે [પણ] આવું કરવું જોઈએ."
પશ્ચિમ મહારાષ્ટ્રનો એ પટ્ટો જેમાં પુણે જિલ્લો આવે છે ત્યાં 88 વર્ષના કટ્ટરપંથી હિન્દુ રાષ્ટ્રવાદી સંભાજી ભીડે ખૂબ જાણીતા છે. તેમણે મુસ્લિમ-વિરોધી વિચારધારાને ઉત્તેજન આપવા નાના-નાના છોકરાઓને બ્રેઈનવોશ કર્યાના અને એક ભૂતપૂર્વ યોદ્ધા શિવાજી મહારાજના વારસાનો દુરુપયોગ કર્યાના દાખલાઓ છે.
ગાવડે કહે છે, "મેં તેમના એ ભાષણોમાં હાજરી આપી હતી, જેમાં તેમણે શિવાજીએ મુગલોને કેવી રીતે હરાવ્યા તે વિશે વાત કરી હતી. તેમણે લોકોને હિંદુ ધર્મ અને પોતાનું રક્ષણ કરવાની જરૂરિયાત અંગે તેમને સમજાવ્યા હતા."
ભીડેના ભાષણોએ સરળતાથી કોઈના પણ પ્રભાવ હેઠળ આવી શકે એવી 14 વર્ષની કાચી વયના આ કિશોર ગાવડેને ઉત્સાહિત કર્યા હતા. ગાવડે કહે છે કે ગૌરક્ષા ઝુંબેશને નજીકથી જોવી એ રોમાંચક હતું. તેઓ ભીડે દ્વારા સ્થાપિત સંગઠન શિવ પ્રતિષ્ઠાન હિન્દુસ્તાનના નેતા પંડિત મોડકના સંપર્કમાં આવ્યા હતા.
સાસવડ સ્થિત મોડક પુણેના એક અગ્રણી હિંદુ રાષ્ટ્રવાદી નેતા છે, અને હાલમાં ભાજપ સાથે નજીકથી સંકળાયેલા છે. સાસવડના અને તેની આજુબાજુના વિસ્તારોના ગૌરક્ષકો મોડકના હાથ નીચે કામ કરે છે.
ગાવડે એક દાયકાથી મોડક માટે કામ કરી રહ્યા છે, અને તેઓ ગૌરક્ષાના હેતુ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેઓ કહે છે, "અમારું જાગરણ રાત્રે 10:30 વાગ્યાથી શરૂ થાય છે અને સવારે ચાર વાગ્યા સુધી ચાલે છે. જો અમને કંઈક શંકાસ્પદ છે એવું લાગે તો અમે ટ્રક રોકીએ છીએ. ડ્રાઈવરની પૂછપરછ કરીને તેને પોલીસ સ્ટેશન લઈ જઈએ છીએ. પોલીસ હંમેશા સહકાર આપે છે.”
ગાવડેનું મુખ્ય કામ બાંધકામનું છે, એ તેમની આવકનો મુખ્ય સ્ત્રોત છે, પરંતુ તેઓ કહે છે કે જ્યારથી તેઓ "ગૌરક્ષક" બન્યા છે ત્યારથી તેમની આસપાસના લોકો તેમની સાથે આદરપૂર્વક વર્તે છે. તેઓ સ્પષ્ટ કરે છે, "આ કામ હું પૈસા માટે નથી કરતો. અમે અમારો જીવ જોખમમાં મૂકીએ છીએ અને અમારી આસપાસના હિંદુઓ તેની કદર કરે છે."
ગાવડે કહે છે કે પુરંધરના જે તાલુકામાં સાસવડ ગામ આવેલું છે ફક્ત એ એક તાલુકામાં જ લગભગ 150 જેટલા ગાયો છે. તેઓ કહે છે, "અમારા લોકો બધા ગામોના સંપર્કમાં છે. તેઓ કદાચ જાગરણમાં ભાગ ન લઈ શકે, પરંતુ જ્યારે પણ તેઓ કોઈ શંકાસ્પદ ટ્રક જુએ છે ત્યારે તેઓ તેની સૂચના આપી અમને મદદ કરે છે."
ગાયો ગ્રામીણ અર્થતંત્ર માટે મહત્વની છે, અનિવાર્ય છે. દાયકાઓથી ખેડૂતો સંભવિત જોખમ સામે રક્ષણ મેળવવા માટે પશુઓનો ઉપયોગ કરતા આવ્યા છે - તેઓ લગ્નો, દવાઓ અથવા આગામી પાકની મોસમ માટે તાત્કાલિક મૂડી ઊભી કરવા માટે તેમના પશુધનનો વેપાર કરતા આવ્યા છે.
પરંતુ ગૌરક્ષક જૂથોના વિશાળ જાળાએ ગ્રામીણ અર્થતંત્રને સંપૂર્ણપણે બરબાદ કરી નાખ્યું છે. પસાર થતા દરેક વર્ષ સાથે તેમની પ્રવૃત્તિઓ વધુ વેગ પકડે છે, તેમનું સંખ્યાબળ વધે છે. હાલમાં શિવ પ્રતિષ્ઠાન હિન્દુસ્તાન ઉપરાંત માત્ર પુણે જિલ્લામાં જ ઓછામાં ઓછા બીજા ચાર હિંદુ રાષ્ટ્રવાદી જૂથો છે – બજરંગ દળ, હિંદુ રાષ્ટ્ર સેના, સમસ્ત હિંદુ અઘાડી અને હોય હિંદુ સેના – જે તમામ લોહિયાળ હિંસાનો ઈતિહાસ ધરાવે છે.
ગાવડે કહે છે, "જમીની સ્તરે કાર્યકર્તાઓ એકબીજાનું કામ કરે છે. આ રચના પ્રવાહી છે. અમે બધા એકબીજાને મદદ કરીએ છીએ કારણ કે અમારો હેતુ એક જ છે.”
ગાવડે કહે છે કે ગૌરક્ષકો માત્ર પુરંધરમાં જ એક મહિનામાં લગભગ પાંચ ટ્રક રોકે છે. આ વિવિધ જૂથોના સભ્યો પુણેના ઓછામાં ઓછા સાત તાલુકાઓમાં સક્રિય છે. એનો અર્થ એ થયો કે તેઓ એક મહિનામાં 35 ટ્રક અથવા આખા વર્ષમાં 400 ટ્રક રોકે છે.
ગણિત કહે છે
પુણેના કુરેશી સમુદાયના વરિષ્ઠ સભ્યોનો અંદાજ છે કે 2023 માં તેમના લગભગ 400-450 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે - દરેકમાં કુલ મળીને જેની કિંમત ઓછામાં ઓછા 2 લાખ રુપિયા જેટલી થાય એટલું પશુધન લઈ જવામાં આવી રહ્યું હતું. રૂઢિચુસ્ત અંદાજ માંડીએ તો પણ ગૌરક્ષકોએ મહારાષ્ટ્રના 36 જિલ્લામાંથી માત્ર એક જિલ્લામાં જ 8 કરોડનું નુકસાન પહોંચાડી કુરેશી સમુદાયને તેમની આજીવિકા છોડવાનું વિચારવા મજબૂર કરી દીધા છે.
ગાવડે દાવો કરે છે કે, "અમે ક્યારેય કાયદો અમારા પોતાના હાથમાં લેતા નથી. અમે હંમેશા નિયમોનું પાલન કરીએ છીએ."
જો કે, આવા ગૌરક્ષકોના રોષનો ભોગ બનેલા ટ્રક ડ્રાઇવરો તમને જુદી જ વાત કરશે.
*****
2023 ની શરૂઆતમાં, શબ્બીર મૌલાનીની 25 ભેંસ સાથેની ટ્રકને સાસવડમાં ગૌરક્ષકોએ અટકાવી હતી. એ ભયાવહ રાતની યાદથી તેઓ હજી આજે પણ ડરથી ફફડી ઊઠે છે.
પુણેથી લગભગ બે કલાક ઉત્તરે - સાતારા જિલ્લાના ભાડલે ગામના રહેવાસી, 43 વર્ષના મૌલાની કહે છે, "મને લાગ્યું હતું કે એ રાત્રે એ લોકો ભેગા મળીને મને મારી નાખશે. મને ગાળો ભાંડવામાં આવી હતી અને ખૂબ માર મારવામાં આવ્યો હતો. મેં તેમને કહેવાની કોશિશ કરી કે હું તો માત્ર એક ડ્રાઈવર છું, પરંતુ તેનાથી કોઈ ફરક ન પડ્યો."
ઘાયલ મૌલાનીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની ઉપર એનિમલ ક્રુઅલ્ટી એક્ટ (પ્રાણી ક્રૂરતા અધિનિયમ) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. જે લોકોએ તેમને માર માર્યો હતો તેમને તેનું કોઈ પરિણામ ભોગવવું પડ્યું નહોતું. તેઓ કહે છે, “ગૌરક્ષકોએ મારી ટ્રકમાંથી 20000 રુપિયાની રોકડ રકમ પણ લૂંટી લીધી હતી. મેં પોલીસને એ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો. શરૂઆતમાં તેઓએ મારી વાત સાંભળી. પરંતુ પછીથી પંડિત મોડક તેમની ગાડીમાં ત્યાં આવી પહોંચ્યા અને પોલીસ સંપૂર્ણપણે તેમના પ્રભાવ હેઠળ આવી ગઈ.
મહિને 15000 રુપિયા કમાતા મૌલાની એક મહિના પછી તેમના શેઠની ટ્રક પાછી મેળવી શક્યા હતા, પરંતુ તેમનું પશુધન હજી પણ ગૌરક્ષકોના કબજામાં છે. તેઓ કહે છે, "જો અમે કંઈક ગેરકાયદેસર કર્યું હોય તો પોલીસ અમને સજા કરે. અમને આ રીતે સરેઆમ રસ્તા પર મારવાનો તેમને શો અધિકાર છે?"
જ્યારે પણ મૌલાની પોતાનું ઘર છોડીને જાય છે ત્યારે તેમના પત્ની, 40 વર્ષના સમીનાની ઊંઘ હરામ થઈ જાય છે. મૌલાની જીવતાતો છે ને તેની ખાતરી કરવા દર અડધા કલાકે સમીના તેમને ફોન કરતા રહે છે. મૌલાની કહે છે, "આમાં તમે તેનો દોષ ન કાઢી શકો. મારે આ કામ છોડી દેવું છે, પરંતુ મેં આખી જીંદગી આ જ કર્યું છે. મારે બે બાળકો અને એક બીમાર માતા છે. ઘર ચલાવવા માટે મારે પૈસા તો જોઈએ ને.”
સાતારા સ્થિત એડવોકેટ સરફરાઝ સૈયદ, જેમણે મૌલાની જેવા અનેક કેસો ચલાવ્યા છે તેઓ કહે છે કે ગૌરક્ષકો નિયમિતપણે ટ્રકમાંથી રોકડ રકમ લૂંટી લે છે અને ડ્રાઇવરોને નિર્દયતાથી મારે ઢોરમાર મારે છે. તેઓ કહે છે, "પરંતુ તેમાંથી કોઈનીય ઉપર ક્યારેય એફઆઈઆર સુદ્ધાં દાખલ થતી નથી. પશુઓની હેરફેર એ તો વર્ષો જૂનો વ્યવસાય છે અને આપણા પશ્ચિમ મહારાષ્ટ્ર પ્રદેશના બજારો જાણીતા છે. ડ્રાઇવરોનું પગેરું મેળવવું અને તેમને હેરાન કરવા એ ગૌરક્ષકો માટે મુશ્કેલ નથી કારણ કે તેઓ બધા એક જ હાઇવે પરથી મુસાફરી કરે છે.”
લોંઢે કહે છે કે કામ પર રાખવા માટે ડ્રાઇવરો શોધવાનું વધુને વધુ મુશ્કેલ બન્યું છે. તેઓ કહે છે, "મહેનતાણું ઘણું ઓછું અને ક્યારેક જ મળતું હોવા છતાં પણ તેઓએ ફરી શ્રમિક તરીકેનું કામ કરવાનું પસંદ કર્યું છે. પશુઓ સાથેની ટ્રક ચલાવવી એ તમારા જીવને જોખમમાં મૂકવા જેવું છે. એ ખૂબ માનસિક તણાવવાળું કામ છે. આ ગુંડા-રાજે ગ્રામીણ અર્થવ્યવસ્થાને બરબાદ કરી નાખી છે.
તેઓ કહે છે કે આજે ખેડૂતોને તેમના પશુધન માટે ઓછા પૈસા ચૂકવવામાં આવે છે વેપારીઓ નાણાં ગુમાવી રહ્યા છે, અને ડ્રાઇવરોની અછતને કારણે પહેલેથી જ ભરાઈ ગયેલા શ્રમ બજાર પર બોજ વધી રહ્યો છે.
"કાયદો અને વ્યવસ્થા ખોરવી નાખનારા લોકો જ ફૂલ્યા-ફાલ્યા છે."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક