“પેપરમાં (કાગળના મતપત્રમાં) કોઈ ભૂલ નહોતી થતી. મશીન વડે મત આપો ત્યારે તમને ખબર જ નથી પડતી કે કયું બટન દબાવાઈ રહ્યું છે અને કોને મત મળી રહ્યો છે!”
તેથી કલમુદિન અંસારી કહે છે કે તેઓ ચોક્કસપણે ઈવીએમ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) કરતાં (કાગળના) મતપત્ર વધુ પસંદ કરે છે. પલામુના કુમની ગામના રહેવાસી, 52 વર્ષના કલમુદિન સ્થાનિક મવેશી બજાર (પશુ બજાર) માં છે, અહીં ઝારખંડમાં એપ્રિલના દઝાડી દેતા સૂર્યથી રક્ષણ મેળવવા માટે તેમણે માથા પર સફેદ ગમછો વીંટાળેલો છે. ગમછો એક પાતળું, બરછટ સુતરાઉ કપડું છે, જેનો પરંપરાગત રીતે ટુવાલ, સ્કાર્ફ અથવા તો પાઘડી તરીકે ઉપયોગ થાય છે. ગમછો એ કોઈપણ પહેરવેશ સાથે ભળી જાય એવું વસ્ત્ર છે. તેઓ 13 કિલોમીટર ચાલીને પાથર ખાતેના આ અઠવાડિક પશુ બજાર માં પોતાનો બળદ વેચવા આવ્યા છે. તેઓ કહે છે, "અમારે પૈસાની જરૂર છે."
ગયા વર્ષે (2023 માં) તેમનો ડાંગરનો પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો હતો. તેમણે રવિ સિઝનમાં સરસવ (રાઈ) નું વાવેતર કર્યું હતું, પરંતુ તેનો ત્રીજો ભાગ જીવાતોને કારણે નષ્ટ થઈ ગયો હતો. કલમુદિન કહે છે, “અમે લગભગ 2.5 ક્વિન્ટલ લણણી કરી હતી. બધુંય દેવાની ચૂકવણીમાં જતું રહ્યું."
એક ખેડૂત, કલમુદિન ચાર વીઘા (લગભગ ત્રણ એકર) જમીન પર ખેતી કરે છે અને સ્થાનિક શાહુકારો પાસેથી લીધેલા અનેક દેવાના બોજ હેઠળ દબાયેલા છે. તેઓ કહે છે, “બહુત પૈસા લે લેવા લે [તેઓએ ખૂબ પૈસા લઈ લીધા છે].” અને એમ પણ ઉમેરે છે કે ઉછીના લીધેલા દર સો રુપિયા દીઠ મહિને પાંચ રુપિયાનું વ્યાજ કમર તોડી નાખનારું છે, “મેં 16000 રુપિયા ઉછીના લીધા હતા, હવે તે 20000 થઈ ગયા છે, પણ મેં તેમાંથી માત્ર 5000 ચૂકવ્યા છે."
હવે તેમની પાસે એક માત્ર વિકલ્પ બચ્યો છે, પોતાનો બળદ વેચી નાખવાનો. 2023માં વરસાદ થશે એવી આશા રાખીને ખેતી કરવાનું ચાલુ રાખનાર કલમુદિન કહે છે કે, “ઈસલિયે કિસાન ચૂરમુરા જાતા હૈ. ખેતી કિયે કી બૈલ બેચા ગયા [આ કારણે ખેડૂતને મુશ્કેલીઓ વેઠવી પડે છે. હું ખેતી કરવાનું ચાલુ રાખું છું અને આખરે મારે મારો બળદ વેચવાનો વારો આવે છે."
ઝારખંડમાં 70 ટકા ખેડૂતો પાસે એક હેક્ટરથી ઓછી જમીન છે. ખેતીની લગભગ તમામ ( 92 ટકા ) જમીન વરસાદ પર આધાર રાખે છે, સિંચાઈની કુલ જરૂરિયાતના માત્ર ત્રીજા ભાગ ( 33 ટકા ) ની જરૂરિયાત કૂવાઓ દ્વારા સંતોષાય છે. કલમુદિન જેવા નાના ખેડૂતો તેમના પાક માટે કોઈ જોખમ લેવા માગતા નથી, અને બિયારણ અને ખાતર માટે પૈસા ઉછીના લે છે.
તેથી તેઓ કહે છે કે જે કોઈ તેમના ગામમાં સિંચાઈની વ્યવસ્થા કરશે તેને 2024 ની આગામી સામાન્ય ચૂંટણીમાં તેમનો મત મળશે. નવી દિલ્હીથી 1000 કિલોમીટર દૂર રહેતા કલમુદિન પાસે ન તો ટેલિવિઝન છે કે ન તો સ્માર્ટફોન, તેઓ કહે છે કે તેઓ ચૂંટણી બોન્ડ અંગેના રાષ્ટ્રીય સમાચારથી અજાણ છે.
બજાર માં જુદા જુદા ગ્રાહકો સાથે લગભગ ત્રણ કલાકની રક્ઝક પછી આખરે કલમુદિને પોતાનો બળદ 5000 રુપિયામાં વેચ્યો; તેમને 7000 રુપિયા મળવાની આશા હતી.
પોતાનો બળદ વેચ્યા પછી કલમુદિન પાસે બે ગાય અને એક વાછરડું રહ્યા છે, અને તેઓ આશા રાખે છે કે આ બાકી બચેલું પશુધન વેચ્યા વિના તેઓ તેમના સાત જણના પરિવારનું ભરણપોષણ કરી શકશે. તેઓ ભારપૂર્વક કહે છે, "જે ખેડૂતો માટે કંઈક કરશે એને જ અમે અમારો મત આપીશું."
સતત દુષ્કાળને કારણે આ રાજ્ય ખરાબ રીતે અસરગ્રસ્ત થયું છે: 2022 માં લગભગ સમગ્ર રાજ્ય - 226 બ્લોક્સ - દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. આગામી વર્ષે (2023 માં) 158 બ્લોક્સ ને દુષ્કાળનો સામનો કરવો પડ્યો હતો.
અહીં પલામુ જિલ્લામાં તમામ 20 બ્લોકમાં ગયા વર્ષે વરસાદની ખાધ હતી અને તેથી આ વર્ષે સરકાર દ્વારા અપાયેલ - પ્રત્યેક ખેડૂત પરિવાર દીઠ 3500 રુપિયાની - આર્થિક રાહતનું વચન એ સામાન્ય ચૂંટણીઓ માટે ચર્ચાનો મુદ્દો છે, કારણ કે ઘણાને હજી એ આર્થિક રાહત મળવાની બાકી છે. સોના દેવી કહે છે, “મેં દુષ્કાળ રાહત ફોર્મ ભરવા માટે પૈસા આપ્યા હતા. મેં એક વર્ષે [2022 માં] 300 રુપિયા અને પછીના વર્ષે [2023 માં] 500 રુપિયા આપ્યા હતા. પરંતુ હજી સુધી મને કંઈ જ મળ્યું નથી."
બપોરનો સમય છે અને અહીં ઝારખંડના બરાંવ ગામમાં તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે. 50 વર્ષના સોના દેવી ફરસી અને હથોડી વડે લાકડું ફાડી રહ્યા છે. આ લાકડું રસોઈ માટે છે. તેમના પતિ કામેશ ભુઈયાને ગયા વર્ષે લકવાનો હુમલો આવ્યા પછી આ કામ સોના દેવી કરે છે. આ દંપતી ભુઈયા દલિત સમુદાય ના છે અને આજીવિકા માટે ખેતી પર આધાર રાખે છે.
કામેશ કહે છે કે 2014માં તેમણે વર્તમાન ધારાસભ્ય આલોક ચૌરસિયા માટે પ્રચાર કર્યો હતો, તેમના ચૂંટણી પ્રચાર માટે 6000 રુપિયા ભેગા કર્યા હતા, પરંતુ એ ધારાસભ્યએ “છેલ્લા 10 વર્ષમાં એક પણ વાર અમારા વિસ્તારની મુલાકાત લીધી નથી.”
તેમના બે રૂમના માટીના ઘરમાંથી તેમની 15 કાથા (આશરે અડધો એકર) જમીન દેખાય છે. સોના કહે છે, “બે વર્ષથી ત્યાં કોઈ ખેતી થઈ નથી. ગયા વર્ષે [2022 માં] બિલકુલ પાણી નહોતું. આ વર્ષે [2023 માં] થોડો વરસાદ હતો, પરંતુ ડાંગરના રોપા બરોબર ઊગ્યા નહોતા."
આ પત્રકારે તેમને સામાન્ય ચૂંટણીઓ અંગે પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે ચિડાઈને તરત સામો જવાબ વાળ્યો: "અમને કોણ ગણે જ છે? માત્ર મતદાનના સમયે, તેઓ [રાજકારણીઓ] અમને 'દીદી [બહેન], ભૈયા [ભાઈ] અને ચાચા [પિતૃ કાકા] કહેતા આવે છે. એકવાર જીતી ગયા પછી કોઈ અમને ઓળખતુંય નથી." સતત બે દુષ્કાળ અને પતિના લકવાના હુમલાની સારવારના ખર્ચ પછી સોના, 30000 રુપિયાના દેવાના બોજ હેઠળ છે. તેઓ કહે છે, "જે અમને મદદ કરશે એ પક્ષને અમે મત આપીશું."
આ પત્રકાર તરફ જોઈને તેઓ ઉમેરે છે, “તમે [રાજકારણીઓને મળવા] જશો તો તમને ખુરશી પર બેસાડશે. અને અમને? અમને એ લોકો બહાર (ઊભા રહીને) રાહ જોવાનું કહેશે."
45 વર્ષના માલતી દેવી સોનાના પાડોશી છે અને એક ખેડૂત પણ છે. તેઓ એક વીઘા (એક એકર કરતા ઓછી) જમીન પર ખેતી કરે છે અને ખેત મજૂર તરીકે પણ કામ કરે છે. તેઓ ઉમેરે છે, “અમને અમારી [એક વીઘા] જમીનમાંથી મળતા ચોખા ઉપરાંત માત્ર બીજી જમીનના બટૈયામાંથી [ગણોતિયા તરીકે ખેતી કરીને તેમાંથી] ઓછામાં ઓછા 15 ક્વિન્ટલ ચોખા મળતા હતા. આ વર્ષે અમે બટાકાની ખેતી કરી હતી, પરંતુ અમને બજારમાં વેચી શકીએ એ માટે પૂરતી ઉપજ જ ન મળી."
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરની ખુશી મેળવનાર તેઓ કહે છે કે આ ફાળવણીએ તેમને કોંગ્રેસ પક્ષના ચૂંટણી પ્રતીક પંજા છાપથી મોદીને મત આપવા તરફ વળ્યા છે. તેઓ ઉમેરે છે, “અમે ગામની બીજી મહિલાઓ સાથે મુદ્દાઓની ચર્ચા કરીએ છીએ અને પછી કોને મત આપવો એ [સામૂહિક રીતે] નક્કી કરીએ છીએ. અમારામાંથી કેટલાકને હેન્ડપંપની જરૂર છે, કોઈને કૂવાની જરૂર છે, કોઈને વસાહતની જરૂર છે. જે કોઈ અમારી આ જરૂરિયાતો પૂરી કરશે એને અમે મત આપીશું."
*****
પલામુના ચિયાંકી ગામના રહેવાસી આશા દેવી કહે છે, "કઠોળ, ઘઉં, ચોખા, બધું જ મોંઘું છે." આ દંપતી તેમની ત્રીસીમાં છે અને તેમને છ બાળકો છે; 35 વર્ષના પતિ સંજય સિંઘ શ્રમિક તરીકે કામ કરે છે. આ કુટુંબ ચેરો જનજાતિ નું છે - જે ઝારખંડની 32 અનુસૂચિત જાતિઓમાંની એક છે. તેઓ ઉમેરે છે, "સારી ખેતીની મોસમમાં અમારી પાસે બે વર્ષ માટે પૂરતું અનાજ હોત. અત્યારે એ જ વસ્તુ અમારે ખરીદવી પડે છે."
જો કે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ મોંઘવારી અને દુષ્કાળ જેવા મુદ્દાઓ પર મતદાન કરશે ત્યારે આશા દેવીએ જવાબ આપતા કહ્યું, “લોગ કહતા હૈ કી બડી મહેંગાઈ હૈ કુછ નહીં કર રહે હૈ મોદી જી.” તેમણે આ પત્રકારને મક્કમતાપૂર્વક કહ્યું, “જનરલ હમલોગ તો ઉસી કો અભી ભી ચૂન રહે હૈ. [લોકો કહે છે કે બહુ મોંઘવારી છે, મોદીજી કંઈ કરતા નથી." તેમણે આ પત્રકારને મક્કમતાપૂર્વક કહ્યું, "પરંતુ તેમ છતાં અમે તો હજી પણ તેમને જ ચૂંટીશું].” તેઓએ એમ પણ કહ્યું કે તેઓ 1600 રુપિયા ફી ભરીને માત્ર એક જ બાળકને ખાનગી શાળામાં મોકલી શકે છે.
2019 ની સામાન્ય ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના વિષ્ણુ દયાલ રામે કુલ મતોના 62 ટકા મત મેળવી જીતી ગયા હતા. તેમણે રાષ્ટ્રીય જનતા દળના ઘુરન રામ સામે જીત મેળવી હતી. આ વર્ષે ફરી એક વાર વિષ્ણુ દયાલ રામ ભાજપના ઉમેદવાર છે, જ્યારે રાષ્ટ્રીય જનતા દળે હજી તેમના ઉમેદવારની જાહેરાત કરવાની બાકી છે. આ મતવિસ્તારમાં 18 લાખથી વધુ મતદારો છે.
ફુગાવા ઉપરાંત ખરેખરી ચિંતા દુષ્કાળની છે. આશા દેવી કહે છે, "અહીંના લોકોને પાણી પીતા પહેલા પણ દસ વાર વિચારવું પડે છે. ગામડાઓમાં અનેક કુવાઓ સુકાઈ ગયા છે. હેન્ડપંપમાં પાણી ખૂબ મોડું આવે છે. અને જ્યારથી નહેર બનાવવામાં આવી છે ત્યારથી ક્યારેય તેમાં પાણી આવ્યું નથી."
તેમના પાડોશી અને તેમની જ જાતિના અમરિકા સિંઘને છેલ્લા બે વર્ષમાં ત્રણ લાખ રુપિયાનું નુકસાન થયું હતું. તેઓ કહે છે, “અગાઉ બીજું કંઈ નહીં તો અમે શાકભાજી તો ઉગાડી શકતા હતા. પણ આ વર્ષે મારો કૂવો સુકાઈ ગયો છે.”
પલામુના બીજા ખેડૂતોની જેમ અમરિકાએ પણ પ્રદેશમાં પાણીની અછતની સમસ્યા પર ભાર મૂક્યો. "પાણી વિના ખેતીનો કોઈ અર્થ નથી. કૂવાના પાણીથી અમે કરીકરીને કેટલી ખેતી કરી શકીએ?”
ઉત્તર કોએલ નદી પરના માંડલ બંધથી મદદ થવાની હતી. અમરિકા સિંઘ કહે છે, "નેતાઓ માત્ર ઠાલાં વચનો આપે છે. મોદીએ
2019
માં કહ્યું હતું કે માંડલ ડેમમાં દરવાજો લગાવવામાં આવશે. જો એ લગાવવામાં આવ્યો હોત તો આજે પાણીનો પુરવઠો હોત. પણ ખેડૂતની કોને પડી છે? ખેડૂતોએ વાજબી ભાવની માંગ સાથે કેટકેટલો વિરોધ કર્યો છતાં કંઈ બદલાયું નથી. સરકાર અદાણી અને અંબાણીની તરફેણ કરે છે, તેમની લોન માફ કરે છે. પણ ખેડૂતનું શું?"
ખેડૂત સુરેન્દર કહે છે, “જુઓ, અત્યારે ભાજપની સરકાર છે. આજે જે કંઈ થોડુંઘણું આપણને મળે છે તે તેમના કારણે છે. માની લઈએ કે એ લોકોએ કંઈ નથી કર્યું, તો બીજા પક્ષે પણ કંઈ નથી કર્યું." ચૂંટણી બોન્ડ અને બેરોજગારીના મુદ્દાઓને અવગણતા તેમણે કહ્યું, “એ બધા મોટા લોકો માટેના (મોટા) મુદ્દાઓ છે. અમે તો એટલું ભણેલા નથી... પલામુ જિલ્લાની સૌથી મોટી સમસ્યા સિંચાઈની છે. અહીંના ખેડૂતો પાણી માટે તરસે છે.”
પલામુના બરાંવ ગામમાં સુરેન્દરની પાંચ વીઘા (3.5 એકર) જમીન છે અને ખેતી માટે તેઓ વરસાદ પર આધાર રાખે છે. "લોકો બેસીને જુગાર રમે છે. અમારે માટે ખેતી કરવી એ જુગાર રમાવા જેવું છે.”
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક