મધ્ય ભારતના ખરગોન શહેરમાં એપ્રિલનો એક ગરમ દિવસ છે. મધ્યપ્રદેશના આ શહેરના ભીડભાડવાળા અને વ્યસ્ત ચાંદની ચોક વિસ્તારમાં ધમધમતા બુલડોઝરના પૈડાંના અવાજથી રહેવાસીઓની વહેલી સવારની રોજીંદી ઘરેડમાં અચાનક વિક્ષેપ પડે છે. રહેવાસીઓ ડરના માર્યા તેમની નાની-નાની દુકાનો અને ઘરોમાંથી બહાર ધસી આવે છે.
35 વર્ષના વસીમ અહેમદ ભયભીત થઈને ચૂપચાપ જોતા રહ્યા હતા અને તેમની નજર સામે બુલડોઝરની સ્ટીલની ભારે બ્લેડના દાંતાઓએ જોતજોતામાં તેમની દુકાનને અને દુકાનની અંદરની કિંમતી ચીજવસ્તુઓને કચડી નાખીને એનું નામોનિશાન મિટાવી દીધું હતું. તેઓ કહે છે, “મેં જે કંઈ પૈસા ભેગા કર્યા હતા એ બધા જ મેં મારી દુકાનમાં નાખ્યા હતા."
રાજ્ય સરકાર દ્વારા અપાયેલા આદેશને પગલે 11 મી એપ્રિલ, 2022 ના રોજ બુલડોઝરોએ માત્ર વસીમની નાનકડી દુકાન જ નહીં, પરંતુ ખરગોનના મોટે ભાગે મુસ્લિમ વસ્તી ધરાવતા આ વિસ્તારમાં લગભગ 50 બીજી દુકાનો અને ઘરો જમીનદોસ્ત કરી દીધા હતા. ખાનગી મિલકતનો આ વિનાશ એ મધ્યપ્રદેશની રાજ્ય સરકાર દ્વારા રામ નવમીના તહેવાર દરમિયાન પથ્થરમારો કરનારા "તોફાનીઓ" ને પાઠ ભણાવવા સજા રૂપે ફરમાવવામાં આવેલ પ્રતિશોધક ન્યાય હતો.
પરંતુ વસીમે પથ્થર ફેંક્યા હોય એ વાત સાબિત કરવી મુશ્કેલ છે - જેના બંને હાથ કાપી નાખવા પડ્યા છે તેવા વસીમ માટે પથ્થર ઉઠાવીને ફેંકવાની વાત તો જવા દો કોઈની મદદ લીધા વિના પોતાની મેળે ચા પીવાનું પણ શક્ય નથી.
વસીમ કહે છે, “એ દિવસની ઘટના સાથે મારે કોઈ લેવાદેવા નથી.
2005માં એક અકસ્માતમાં તેમણે પોતાના બંને હાથ ગુમાવ્યા એ પહેલાં તેઓ એક ચિત્રકાર હતા. તેઓ કહે છે, “એક દિવસ નોકરી પર હતો ત્યારે મને વીજળીનો કરંટ લાગ્યો હતો અને ડોક્ટરોએ મારા બંને હાથ કાપી નાખવા પડ્યા હતા. [આ દુકાન શરુ કરીને] મેં ભારે પ્રતિકૂળતામાંથી બહાર નીકળવાનો માર્ગ પણ શોધી કાઢ્યો હતો." તેમણે નિરાશ થઈને પોતાની જાત માટે દુઃખી થયા કરવામાં સમય બરબાદ કર્યો નહોતો એનો તેમને ગર્વ છે.








