ગાઢ જંગલથી ઘેરાયેલા કુદરે મુકા રાષ્ટ્રીય ઉદ્યાનની ટેકરીઓમાં, ઐતિહાસિક રીતે જંગલમાં રહેતા સમુદાયોમાં સૌથી વધુ આવશ્યક સુવિધાઓનો અભાવ છે. તેમાંથી કુતલૂરુ ગામમાં મલેકુડિયા સમુદાય છે, જ્યાં તેમના 30 ઘરોમાં આજે પણ વીજળીના જોડાણો અને પાણીના પુરવઠા જેવી જરૂરિયાતો ઉપલબ્ધ નથી. કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના બેલતાંગડી તાલુકામાં આવતા કુતલૂરુના ખેડૂત શ્રીધર મલેકુડિયા કહે છે, “અહીંના લોકોમાં વીજળીની મોટી માંગ છે.”
લગભગ આઠ વર્ષ પહેલાં શ્રીધરે પોતાના ઘરે વીજળી મેળવવા માટે પિકો હાઇડ્રો જનરેટર ખરીદ્યું હતું. તેમના સિવાય અન્ય દસ ઘરોએ ઘરે વીજળી મેળવવા માટે આ જનરેટરમાં રોકાણ કર્યું હતું. “બાકીના ઘરોમાં ન તો વીજ પુરવઠો છે, ન તો જળ વિદ્યુત છે, કે ન તો પાણીનો પુરવઠો છે.” હવે ગામના 15 ઘરો પિકો જળવિદ્યુત મશીનોમાંથી જળવિદ્યુત ઉત્પન્ન કરે છે. નાની પાણીની ટર્બાઇન લગભગ 1 કિલોવોટ વીજળી ઉત્પન્ન કરે છે — જે ઘરમાં બે બલ્બ માટે પૂરતી છે.
વન અધિકાર અધિનિયમ લાગુ થયાને 18 વર્ષ થયાં હોવા છતાં, કુદરે મુકા રાષ્ટ્રીય ઉદ્યાનમાં રહેતા લોકોને કાયદા હેઠળ જેની જોગવાઈ કરવામાં આવી છે તેવાં પાણી, રસ્તાઓ, શાળાઓ અને હોસ્પિટલો જેવી મૂળભૂત માળખાગત સુવિધાઓ પૂરી પાડવામાં નથી આવી. વીજળી એ એવી જ એક સુવિધા છે, જેને મેળવવા માટે અનુસૂચિત જનજાતિ તરીકે સુચિબદ્ધ એવો મલેકુડિયા સમુદાય સંઘર્ષ કરી રહ્યો છે.
તાજાકલમ: આ વીડિયો 2017માં બનાવવામાં આવ્યો હતો. કુતલૂરુને આજ સુધી વીજળીનો પુરવઠો મળ્યો નથી.
અનુવાદક: ફૈઝ મોહંમદ