જૂન 2023ના મધ્યમાં અઝીમ શેખ ઔરંગાબાદમાં ડિવિઝનલ કમિશનરની ઓફિસ સામે પાંચ દિવસ સુધી ભૂખ હડતાળ પર ઊતર્યા હતા.
કાળઝાળ ગરમી હોવા છતાં 26 વર્ષના અઝીમે હાઇડ્રેટેડ રહેવા માટે પાણી સિવાય બીજું કંઈ જ પીધું ન હતું. ઉપવાસના અંતે તેમને નબળાઈ આવી ગઈ હતી, તેઓ ખૂબ થાકી ગયા હતા અને તેમને ચક્કર આવતા હતા, એટલે સુધી કે સીધા ચાલવામાં પણ તેમને મુશ્કેલી પડતી હતી.
શું હતી તેમની માંગ? તેઓ માત્ર પોલીસમાં ફરિયાદ નોંધાવવા માગતા હતા. પરંતુ ઔરંગાબાદથી લગભગ 80 કિલોમીટર દૂર જાલના જિલ્લામાં તેમના ગામની નજીકના સ્થાનિક પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવાનો ઈન્કાર કરી દીધો હતો.
19 મી મે, 2023 ના રોજ - મરાઠા સમુદાયના - સ્થાનિક સોનાવણે પરિવારના સભ્યો રાત્રે 11 વાગ્યે અઝીમના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેમના પરિવારના સભ્યોને લાકડીઓ અને પથ્થરો વડે માર્યા હતા. તેમના ભાઈ અને માતા-પિતાને ઈજાઓ પહોંચી હતી. તેમણે પારીને કહ્યું, “મારી વૃદ્ધ માતાને તો હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. તે એક ઘાતકી હુમલો હતો. તેઓએ અમારા ઘરમાંથી 1.5 લાખથી વધુની કિંમતના દાગીના અને રોકડની ચોરી પણ કરી હતી.”
નીતિન સોનવણે હુમલો કરનાર ટોળાનો ભાગ હોવાનો અઝીમે આક્ષેપ કર્યો હતો, જ્યારે આ પત્રકારે નીતિન સોનવણેનો સંપર્ક કર્યો ત્યારે તેમણે આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, "મને આ ઘટના વિશે કંઈ જ ખબર નથી."
અઝીમનું ઘર મધ્ય મહારાષ્ટ્રના ભોકરદન તાલુકામાં આવેલા તેમના ગામ પળાસખેડા મુર્તાડની વસાહતથી લગભગ બે કિલોમીટર દૂર તેમની આઠ એકર ખેતીની જમીન પર આવેલું છે.
તેઓ કહે છે, "રાત્રે આ વિસ્તાર નિર્જન અને શાંત હોય છે. અમે મદદ માટે કોઈને બોલાવી પણ ન શક્યા."







