માયા થામી પોતાની પીઠ પર 30 કિલો વજનનું ગેસનું સિલિન્ડર લઈને ત્રણ કિલોમીટર ચાલ્યાં હતાં. તેમણે આ વજન સાથે 200 સીડીઓ ચઢી અને દિવસ માટેના તેમના પ્રથમ ગ્રાહકને સિલિન્ડર પહોંચાડ્યું.
થાકીને લોથપોથ થયેલાં 32 વર્ષીય માયા બે ઘડી વિસામો લઈને દૂરના એક સ્થળ તરફ ધ્યાન દોરતાં કહે છે, “હવે મારે ત્યાં પેલી ટેકરી પર બીજું સિલિન્ડર પહોંચાડવાનું છે.” સફળતાપૂર્વક એક સિલિન્ડર પહોંચાડીને તે માટે ફી પેટે 80 રૂપિયા લઈને તેઓ લગભગ તરત જ તેમની આગામી ડિલિવરી માટે રવાના થઈ જાય છે. આગામી છ કલાક સુધી તેઓ પગપાળા એલપીજી (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ)નાં સિલિન્ડર લઈ જશે.
માયા કહે છે, “ખાસ કરીને જ્યારે સામાનનો ભાર વધારે હોય છે, ત્યારે તે કામ માટે પુરુષોને પસંદ કરવામાં આવે છે, અને લોકો ઘણીવાર વાટાઘાટો કરે છે કારણ કે અમે પુરુષ નથી.” એક મહિલાને તે સફર દીઠ 80 રૂપિયા મળે છે, જ્યારે તે સમાન અંતર માટે એક પુરુષને 100 રૂપિયા.
પશ્ચિમ બંગાળનું વ્યસ્ત શહેર દાર્જિલિંગ પૂર્વીય હિમાલયમાં 2,042 મીટરની ઊંચાઈએ આવેલું છે. તેનો ડુંગરાળ ભૂપ્રદેશ માર્ગ દ્વારા અવરજવરને અવરોધે છે, અને રહેવાસીઓએ શાકભાજી, પાણી, સિલિન્ડર અને ઘરે લાવવામાં આવતી ફર્નિચરની ખરીદી જેવી રોજિંદી આવશ્યક ચીજો મેળવવા માટે કુલીઓ પર આધાર રાખવો પડે છે. વાહનો આવા સીધા ઢોળાવો પર ચઢી નથી શકતાં, તેથી સામાન લાવવા માટે ફક્ત બે જ વિકલ્પ છે: કાં તેને જાતે ઊંચકીને લાવો કાં પછી ગેસ એજન્સી અથવા દુકાન ચાલક તેને મોકલી આપે એક કુલી મારફતે.











