પત્રકારો, અનન્યા ટોપનો, રોહિત ગાગરાઈ, આકાશ એકા અને પલ્લવી લુગુને પારીને તેમના અનુભવ વિશે કહ્યુંઃ “આ પ્રકારનું સંશોધન કાર્ય કરવું અમારા માટે એક નવી જ બાબત છે. અમે લોકોને શાકભાજી વિક્રેતાઓ સાથે વાટાઘાટો કરતા જોયા છે, પરંતુ અમે જાણીએ છીએ કે શાકભાજી ઉગાડવાનું કાર્ય કેટલું મુશ્કેલ છે. અમને આશ્ચર્ય થાય છે કે શા માટે લોકો ખેડૂતો સાથે ભાવ અંગે વાટાઘાટો કરતા હશે?
જે વિદ્યાર્થીઓ ગ્રામીણ ભારતમાં જતા નથી, તેમને પણ ત્રિવેંદ્રમમાં ખુલ્લું રસોડું ચલાવતા કચરો એકત્ર કરનાર એન. સરમ્માની વાર્તા જેવી ઘણી બાબતો વિશે લખવાનો મોકો મળે છે. સરમ્મા કહે છે, “હું આ નિયમનું કડક પાલન કરું છું કે કોઈએ ભૂખ્યું ન રહેવું જોઈએ, કારણ કે મેં મારા બાળપણ દરમિયાન અસહ્ય ગરીબીનો સામનો કર્યો હતો.”
આ વાર્તા આયશા જોયસ દ્વારા લખવામાં આવી હતી અને તેમને મદદ કરવા માંગતા વાચકો તરફથી હજારો લાઈક્સ અને કમેન્ટ્સ મળી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમની દીકરી પણ શા માટે આ જ કામમાં લાગેલી છે, ત્યારે સરમ્મા કહે છે, “દલિતને કોણ નોકરી આપશે?” તેઓ આયશાને કહે છે, “લોકો હંમેશાં તપાસ કરે છે કે અન્ય લોકોના સંબંધમાં તમે કોણ છો. અમે ભલેને ગમે તેટલી કુશળતા દાખવીએ, ગમે તે કરીએ, તેમાંથી કોઈ છટકી શકતું નથી.”
અમે તેમને ઇન્ટરવ્યુ લેવાની તકનીકો, જેમનું ઇન્ટરવ્યુ લેવામાં આવી રહ્યું હોય તેમની પાસેથી યોગ્ય સંમતિ મેળવવા અને વાચકને સંલગ્ન કરતી વિગતોના ક્રોસ-સેક્શનને કેપ્ચર કરવાની જરૂરિયાત પર પણ તાલીમ આપીએ છીએ. મહત્ત્વની વાત એ છે કે, વિદ્યાર્થીઓ આ વાર્તાઓ કેવી રીતે લખવી અને તેનું માળખું કેવી રીતે બનાવવું તે પણ શીખે છે જેથી તેઓ વ્યક્તિગત બ્લોગને બદલે માહિતગાર કરવાના ઉદ્દેશ્યના તરીકે જાહેર થાય.
જ્યારે કે પત્રકારત્વ ઘણીવાર બહુવિધ સ્રોતો અને ડેટા દ્વારા સમર્થિત લાંબા સ્વરૂપના તપાસના અહેવાલો સાથે સંકળાયેલું હોય છે, ત્યારે અમે અમારા વિદ્યાર્થીઓને લોકોની જીવનગાથા અને સરળ વાર્તા લખવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. આ વાર્તાઓ વ્યક્તિઓના રોજિંદા અનુભવો, તેમના કામની પ્રકૃતિ, તેઓ જે રીતે તેમના કલાકો વિતાવે છે, તેઓ જે રીતે આનંદ મેળવે છે, તેઓ જે સંઘર્ષોનો સામનો કરે છે, અવરોધો સામે તેમની સ્થિતિસ્થાપકતા, તેમના જીવનનું અર્થશાસ્ત્ર અને તેમના બાળકો માટે તેમની આકાંક્ષાઓનું દસ્તાવેજીકરણ કરે છે.
પારી એજ્યુકેશન થકી અમારો પ્રયાસ એ છે કે યુવાનો પ્રામાણિક પત્રકારત્વના દૃષ્ટિકોણનો ઉપયોગ કરીને સામાજિક મુદ્દાઓને ઓળખે અને તેમની પ્રશંસા કરે. લોકો અને તેમની વાર્તાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને, વિદ્યાર્થીઓ પત્રકારત્વમાં અને તેમના વર્ગખંડોમાં પણ માનવતાને પાછી લાવે છે.
જો તમે ઇચ્છતા હોવ કે પારી તમારી સંસ્થા સાથે કામ કરે, તો કૃપા કરીને [email protected] પર અમારો સંપર્ક કરો.
આ લેખમાં બતાવવામાં આવેલી છબીઓ પારીના ફોટો એડિટર બિનાઈફર ભરૂચા દ્વારા લેવામાં આવી છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ