શ્યામલાલ કશ્યપના પરિવારજનોને શ્યામલાલના મૃતદેહ પર - શબ્દશ: - બ્લેકમેલ કરવામાં આવ્યા હતા.
મે 2023 માં એર્રાકોટના 20 વર્ષના દાડિયા મજૂરે પોતાનો જીવ લીધો હતો; તેઓ તેમની સગર્ભા પત્ની 20 વર્ષની માર્થાને પાછળ છોડી ગયા હતા.
શ્યામલાલના ભાભી 30 વર્ષના સુક્મિતિ કશ્યપ કહે છે, “એ આત્મહત્યા હતી. મૃતદેહને અહીંથી લગભગ 15 કિલોમીટર દૂર નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો." તેઓ એર્રાકોટ ગામમાં ઉજ્જડ જમીનના કિનારે આવેલ તેમની ઝૂંપડીની બહાર બેઠા છે. ઝૂંપડીમાં ઝાંખું અજવાળું પથરાયેલું છે. તેઓ કહે છે, "શબ પરીક્ષણ અહેવાલમાં કોઈ કાવતરાની શક્યતા નકારી કાઢવામાં આવી હતી."
સરકારી હોસ્પિટલમાં કેટલાક સંબંધીઓ શ્યામલાલના મૃતદેહનો દાવો કરવા અને તેને તેમના ગામમાં ઘેર લઈ જવા માટે રાહ જોઈ રહ્યા હતા, (અચાનક બની ગયેલી આ દુઃખદ ઘટનાથી) ભાંગી પડેલા પરિવારજનો ગામમાં અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી રહ્યા હતા. પરિવારજનો આઘાતમાં હતા, જે કંઈ બની ગયું હતું તેને, હજી સાચું માની શકતા નહોતા.
તે જ વખતે કેટલાક સ્થાનિકોએ પરિવારને જાણ કરી કે જો તેઓ હિંદુ ધર્મ અપનાવશે તો જ મૃતદેહના અંતિમ સંસ્કાર ગામમાં કરી શકશે.
આ પરિવાર મુખ્યત્વે મજૂરી કરીને અને છત્તીસગઢના બસ્તર જિલ્લામાં ત્રણ એકર જમીનમાં ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ જમીન પર તેઓ પોતાના ઉપયોગ માટે ચોખા ઉગાડે છે. પરિવારની એક માત્ર આવક શ્યામલાલની તનતોડ મજૂરીમાંથી થતી હતી, જે મહિને લગભગ 3000 રુપિયા જેટલી થવા જતી હતી.
સુક્મિતિ વિચારે છે કે શું આ કારમી ગરીબીમાં બાળકને ઉછેરવાના બોજને કારણે શ્યામલાલ પરેશાન હશે એટલે તો આત્મહત્યા નહીં કરી હોય? તેઓ કહે છે, "તેઓ કોઈ અંતિમ નોંધ પણ છોડી ગયા નથી."
આ પરિવાર મડિયા જનજાતિનો છે, જે ખ્રિસ્તી ધર્મને અનુસરતી છત્તીસગઢની બે ટકા વસ્તીમાંથી છે. તેમાંના ઘણાખરા રાજ્યના દક્ષિણમાં આવેલા બસ્તર પ્રદેશમાં રહે છે છે.
આ વર્ષની શરૂઆતમાં મેના બીજા સપ્તાહમાં શ્યામલાલ કશ્યપ ગુમ થયા હતા. ગુમ થવાની આ ઘટનાને પગલે પરિવારના સભ્યોએ આખી રાત જાગીને બસ્તરના જંગલોમાં તેમની શોધખોળ શરૂ કરી હતી.
બીજે દિવસે સવારે તેમનો મૃતદેહ તેમના ઘરની નજીક એક ઝાડ પર લટકતો મળી આવ્યો ત્યારે તેમની શોધનો દુઃખદ અંત આવ્યો હતો. સુક્મિતિ યાદ કરે છે, “અમે મૂંઝવણમાં હતા, ભાંગી પડ્યા હતા અને શું કરવું તેની અમને કંઈ સૂઝ પડતી નહોતી. અમે સ્પષ્ટપણે, શાંતિથી કંઈ વિચારી શકવાની હાલતમાં નહોતા."
એર્રાકોટ માંડ 2500 ની વસ્તી ધરાવતું એક નાનકડું ગામ છે. સુક્મિતિ કહે છે, "આવા સમયે તમારા ગામના લોકો તમને ભાવનાત્મક ટેકો આપશે એવી તમને સહેજે આશા હોય."
તેને બદલે પરિવારની પજવણી કરવામાં આવી, તેમને ધાકધમકી આપવામાં આવી - ગામના વગદાર સભ્યો, જમણેરી નેતાઓએ તેમની નબળી મનોસ્થિતિનો લાભ લેવાનું નક્કી કર્યું. તેઓએ હુકમ ફરમાવ્યો કે શ્યામલાલના અંતિમ સંસ્કાર ગામમાં કરવાની મંજૂરી એક શરતે આપવામાં આવશે: પરિવારે ખ્રિસ્તી ધર્મ છોડી હિંદુ ધર્મ અપનાવવો પડશે અને હિંદુ ધાર્મિક વિધિઓ અનુસાર અંતિમ સંસ્કાર કરવા પડશે.
ખ્રિસ્તી પાદરી પાસે દફનવિધિ કરાવવી હોય તો એ ગામની બહાર કરાવવાની રહેશે.
સુક્મિતિ કહે છે કે તેમનો પરિવાર લગભગ 40 વર્ષથી ખ્રિસ્તી ધર્મનું પાલન કરી રહ્યો છે. તેઓ તેમના દરવાજા પર ચિહ્નિત ક્રોસ તરફ ઈશારો કરીને ઉમેરે છે, "હવે એ ધર્મ અમારી જીવનશૈલી બની ગયો છે. અમે નિયમિત પ્રાર્થના કરીએ છીએ, અને એનાથી અમને મુશ્કેલ સમયનો સામનો કરવાની શક્તિ મળે છે. તમે રાતોરાત તમારી શ્રદ્ધા છોડી શી રીતે દઈ શકો?"
જમણેરી સમર્થકોએ શોકગ્રસ્ત પરિવારને ઘેરી લીધો હતો અને તેમને કહ્યું હતું કે ગામના સ્મશાનગૃહમાં, જ્યાં આટઆટલા વર્ષોથી મૃતદેહોની અંતિમ-વિધિ થઈ રહી છે ત્યાં, તેઓ પ્રવેશી શકશે નહીં. સુક્મિતિ કહે છે “અમને ફક્ત એટલા માટે જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે કારણ કે અમે કોઈ એક ચોક્કસ ધર્મને અનુસરવાનું પસંદ કર્યું છે. પરંતુ તમે જે ધર્મને અનુસરવા માગતા હો તેને અનુસરવાની તમને છૂટ છે. મેં છાપામાં વાંચ્યું છે."
તેઓ ઉમેરે છે કે, એટલું જ નહીં, "તેઓ અમને શ્યામલાલને અમારા પાછળના વાડામાં પણ દફનાવવા દેતા નહોતા, અમે શ્યામલાલના દાદીને એ જ જગ્યાએ દફનાવ્યા હતા. અમને થયું કે બંનેને એકબીજાની બાજુ-બાજુમાં દફનાવીએ. પરંતુ અમને કહેવામાં આવ્યું કે અમે તેમ ન કરી શકીએ કારણ એટલું જ કે અમે તેમની સામે થયા હતા અને ધર્મ પરિવર્તન કરવાનો ઈનકાર કર્યો હતો.”
શ્યામલાલનો પરિવાર મડિયા જાતિનો છે અને ખ્રિસ્તી ધર્મને અનુસરે છે. જ્યારે શ્યામલાલ મૃત્યુ પામ્યા ત્યારે ગામના વગદાર સભ્યોએ હુકમ ફરમાવ્યો કે ગામમાં તેમના અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી એક શરતે આપવામાં આવશે: પરિવારે હિંદુ ધર્મ અપનાવવો પડશે અને હિંદુ ધાર્મિક વિધિઓ અનુસાર અંતિમ સંસ્કાર કરવા પડશે
આદિવાસી ખ્રિસ્તીઓ સાથે હિંદુ ધાર્મિક જૂથો દ્વારા કરવામાં આવતા દુશ્મનાવટભર્યા વર્તનની છત્તીસગઢમાં નવાઈ નથી. પરંતુ બસ્તરમાં છત્તીસગઢ ક્રિશ્ચિયન ફોરમના ઉપાધ્યક્ષ રત્નેશ બેન્જામિન કહે છે કે પરિવારમાં મૃત્યુ પછી પરિવારજનોને બ્લેકમેઇલિંગ કરવાની અથવા ધમકાવવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે.
જે પરિવારોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા હોય તેવા પરિવારોને જમણેરી જૂથો નિશાન બનાવી રહ્યા છે અને હેરાનગતિ ગામના એ આદિવાસીઓ દ્વારા પણ થઇ રહી છે જે સૌ ખ્રિસ્તી ધર્મને અનુસરતા નથી. એક ગ્રામસભાએ તો એક ઠરાવ પણ પસાર કર્યો હતો જેમાં ખ્રિસ્તી ધર્મને અનુસરતા લોકો માટે ગામની હદમાં અંતિમ સંસ્કારની મનાઈ ફરમાવવામાં આવી હતી.
છેવટે શ્યામલાલના મૃતદેહને ગામમાં લાવવાને બદલે સીધો - એર્રાકોટથી 40 કિલોમીટર દૂર - જગદલપુર જીલ્લાના મુખ્યાલય ખાતે લઈ જવામાં આવ્યો અને ત્યાં દફનાવવામાં આવ્યો. સુક્મિતિ કહે છે, “અમે અમારા પ્રિયજનને ગુમાવવાની ઘટના સાથે સમાધાન સાધી શકીએ એ માટે દફનવિધિએની યોગ્ય ગતિએ થવી જોઈએ."
શ્યામલાલના અંતિમ સંસ્કાર માત્ર યાંત્રિક વ્યવસ્થા જેવા હતા. તેને ઝડપી આટોપી લેવામાં આવ્યા હતા. પરિવારનું કહેવું છે, "અમને લાગતું હતું કે જાણે અમે તેમને યોગ્ય રીતે અંતિમ વિદાય આપી નથી."
હિંદુ ધર્મ અપનાવવાના તેમના ઈનકારથી ગામમાં તણાવ પેદા થયો, શ્યામલાલના મૃત્યુ પછી દિવસો સુધી આ તણાવ ચાલુ રહ્યો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કમનસીબે શાંતિ માટેનો તેમનો ઉકેલ બહુમતીવાદી માંગણીઓને સ્વીકારવાનો હતો.
બેન્જામિન કહે છે, "આ મોટે ભાગે કોવિડ પછી જોવા મળતું વલણ છે. એ પહેલાં, જમણેરીઓએ અલગ-અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખ્રિસ્તીઓને હિંદુ ધર્મમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મોટાભાગે મૃત્યુનો મલાજો જાળવવામાં આવતો હતો. કમનસીબે હવે એમ થતું નથી.”
*****
બસ્તર ક્ષેત્ર ખનિજ સંપત્તિથી સમૃદ્ધ છે પરંતુ બસ્તરના લોકો ભારતમાં સૌથી ગરીબ લોકોમાંથી છે. મોટાભાગની આદિવાસી ગ્રામીણ વસ્તી ધરાવતા આ રાજ્યની લગભગ 40 ટકા વસ્તી ગરીબી રેખાની નીચે જીવે છે.
1980 ના દાયકાથી આ પ્રદેશ સશસ્ત્ર સંઘર્ષમાં ફસાયેલો છે. માઓવાદી બળવાખોરો અથવા સશસ્ત્ર ગેરીલાઓ, સરકાર અને સમૃદ્ધ કોર્પોરેશનોની જેના પર નજર છે એવા, જંગલોનું સંરક્ષણ કરીને આદિવાસી સમુદાયોના અધિકારો માટે લડતા હોવાનો દાવો કરે છે. છેલ્લા 25 વર્ષમાં સશસ્ત્ર સંઘર્ષે હજારો લોકોના જીવ લીધા છે. રાજ્યમાં ભાજપના શાસનના 15 વર્ષ પછી 2018 માં સત્તા પરિવર્તન જોવા મળ્યું હતું ત્યારે કોંગ્રેસે બસ્તર પ્રદેશમાં - જેમાં બસ્તર જિલ્લા સહિત સાત જિલ્લાઓનો સમાવેશ થાય છે તેમાં - 12 માંથી 11 બેઠકો જીતી લીધી હતી.
હવે છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે જમણેરી જૂથોના સભ્યો રાજ્યને પાછું પોતાના કબજામાં લેવા માટે પ્રજામાં ફાટફૂટ પડાવવાનું કામ કરી રહ્યા છે.
બસ્તરમાં વીએચપી (વિશ્વ હિન્દુ પરિષદ) ના વરિષ્ઠ નેતા રવિ બ્રહ્મચારી કહે છે કે વીએચપી અને બજરંગ દળે છેલ્લા દોઢ વર્ષમાં એવા 70 થી વધુ અંતિમ સંસ્કાર નોંધ્યા છે જેમાં હિન્દુઓએ વચ્ચે પડીને આદિવાસી ખ્રિસ્તીઓ માટે તેમના પ્રિયજનોને દફનાવવાનું મુશ્કેલ બનાવ્યું હોય. તેઓ કહે છે, "ખ્રિસ્તી મિશનરીઓ ગરીબ લોકોને શિકાર બનાવી રહ્યા છે અને તેમની નિરક્ષરતાનો લાભ લઈ રહ્યા છે. અમે ઘરવાપસી [મૂળ ધર્મમાં પાછા લાવવા] માટે કામ કરીએ છીએ . અમારું કામ હિંદુઓને જાગૃત કરવાનું છે. જેઓ અમારા દ્વારા 'પ્રબુદ્ધ' થયા છે તેઓ આદિવાસી ખ્રિસ્તીઓને તેમના ગામમાં અંતિમ સંસ્કાર કરવા દેતા નથી."
એર્રાકોટથી થોડે દૂર નાગલસર ગામમાં બજરંગ દળના સભ્યો ખ્રિસ્તી ધર્મને અનુસરતા આદિવાસી પરિવારને હેરાન કરવામાં એક ડગલું વધારે આગળ વધ્યા.
ઓગસ્ટ 2022 માં 32 વર્ષના પાંડુરામ નાગના દાદી આયતિને મૃત્યુ પામ્યા હતા. તેઓ 65 વર્ષના હતા, પરંતુ બીમાર હતા, અને શાંતિપૂર્વક મૃત્યુ પામ્યા હતા. જો કે તેમના અંતિમ સંસ્કાર શાંતિપૂર્ણ નહોતા.
નાગ યાદ કરે છે, "અમે તેમને કબ્રસ્તાનમાં લઈ ગયા ત્યારે ગ્રામજનોનું એક જૂથ આવીને અમને ધમકી આપવા લાગ્યું અને ધક્કા મારવા લાગ્યું. આ જૂથમાં બજરંગ દળના સભ્યો પણ હતા." નાગ ધુર્વા જનજાતિના છે. તેઓ ઉમેરે છે, “અમે અમારું સંતુલન ગુમાવ્યું અને મારા દાદીનો મૃતદેહ લગભગ પડી ગયો. તેઓએ તેમના મૃતદેહની નીચેનું પાથરણું પણ ખેંચી કાઢ્યું હતું. આ બધું ફક્ત એટલા માટે જ કરવામાં આવ્યું હતું કારણ કે અમે હિંદુ ધર્મ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો."
પરિવાર પોતાની વાત પર અડગ રહ્યો. નાગે બહુમતીવાદી દબાણમાં ન આવી જવાનો આગ્રહ રાખ્યો. તેઓ કહે છે, "અમારી પાસે ત્રણ એકર ખેતીની જમીન છે અને એના પર અમારે શું કરવું ને શું ના કરવું એ અમારી મરજી છે. અમે તેમને ત્યાં જ દફનાવવાનું નક્કી કર્યું. અમે તેમને ગામમાં બીજે ક્યાંય દફનાવી શક્યા ન હોત."
બજરંગ દળના સભ્યોએ આખરે પીછેહઠ કરી અને વધુ વિક્ષેપ વિના દફનવિધિ થઈ શકી. તે પછી પણ લોકોના મનમાં ઉચાટ હતો કે આયતિને આદરપૂર્વક અંતિમ વિદાય આપતી વખતે ક્યાંક કોઈ વિક્ષેપ તો નહિ થાય ને? તેઓ પૂછે છે, "અંતિમ સંસ્કાર કરતી વખતે શાંતિની અપેક્ષા રાખવી શું વધારે પડતું છે? હા, અમે એ લડાઈ તો જીતી ગયા. પરંતુ અમારા બાળકો આવા વાતાવરણમાં ઉછરે એવું અમે નથી ઈચ્છતા. ગામના વડાઓ પણ અમારી પડખે ઊભા નહોતા રહ્યા.”
*****
એટલો બધો ડર છે કે જમણેરી જૂથો સાથે સહમત ન થનારા પણ ઝગડો થાય ત્યારે તટસ્થ રહેવાનું પસંદ કરે છે.
જગદલપુરથી લગભગ 30 કિલોમીટર દૂર - બસ્તર જિલ્લાના અલ્વા ગામમાં બનેલી ઘટનાની આ વાત છે. આ વર્ષે મે મહિનામાં 23 વર્ષના દત્તુરામ પોયમ અને તેમના પિતા 60 વર્ષના કોશા, કોશાની પત્ની વારેના મૃતદેહની બાજુમાં તેમની નાની ઝૂંપડીમાં બેઠા હતા, થોડા સમય માટે પથારીવશ રહ્યા પછી તે જ દિવસે વારેનું મૃત્યુ થયું હતું.
પુરુષોનું એક જૂથ અચાનક તેમના ઘરમાં ઘુસી ગયું અને તેમને માર મારવાનું શરૂ કર્યું. દત્તુરામ કહે છે, “ગામમાંથી કોઈ કરતા કોઈએ દરમિયાનગીરી ન કરી. અમે આખી જિંદગી અહીં જ રહ્યા છીએ. (તેમ છતાં) ગામમાંથી એક પણ વ્યક્તિમાં અમારા માટે ઊભા થવાની હિંમત નહોતી.'
આ ખ્રિસ્તી પરિવાર મડિયા જનજાતિનો છે અને તેમણે હિંદુ ધર્મ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. બજરંગ દળના સભ્યો સહિતના હિંદુ પુરુષોના આ જૂથે વારેના મૃતદેહ સાથેની શબપેટી હજી તો ઘરમાં જ હતી એ વાતની પણ પરવા કરી નહોતી. તેમણે દત્તુરામ અને કોશા બંનેને એવો તો ઢોર માર માર્યો હતો કે કોશા તો બેભાન થઈ ગયા હતા અને એક અઠવાડિયા માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
કોશા કહે છે, “મેં મારા જીવનમાં આટલી લાચારી ક્યારેય અનુભવી નથી. મારી પત્નીનું અવસાન થયું હતું અને હું મારા દીકરા સાથે રહી તેની ખોટનું દુઃખ વહેંચી પણ ન શક્યો."
બેન્જામિન કહે છે કે બિન-ભાજપ સરકાર લઘુમતીઓનું રક્ષણ કરે છે એ ખ્યાલ ખોટો છે કારણ કે બસ્તરમાં 2018 થી તાજેતરના કોંગ્રેસ શાસન હેઠળ પણ ખ્રિસ્તીઓ પર હુમલા થઈ રહ્યા છે.
દત્તુરામને પણ પોતાનો માતાના અંતિમ સંસ્કાર કરવા જગદલપુર જવું પડ્યું. તેઓ કહે છે, “અમે એક પિક-અપ ટ્રક ભાડે લીધી, એના અમારે 3500 રુપિયા ચૂકવવા પડ્યા. અમે તો સાવ સાધારણ મજૂરો છીએ. નસીબ સારું હોય તો મહિનો આખો કામ કરીએ ત્યારે માંડ એટલા રુપિયા કમાઈ શકીએ.”
તેઓ કહે છે કે આ ઘટના અસ્વસ્થ કરી મૂકનારી ચોક્કસ હતી પરંતુ આશ્ચર્યજનક નહોતી. તેઓ ઉમેરે છે, “આ ઘટના સાવ અચાનક નથી બની. અમે ખ્રિસ્તી ધર્મને અનુસરવા માંગતા હોઈએ તો અમારે ગામ છોડી દેવું એવું અમને પહેલા જ કહેવામાં આવ્યું છે."
આદિવાસી ખ્રિસ્તીઓને હાંસિયામાં ધકેલી દેવાનું કેટલાય સમયથી ચાલ્યું આવે છે. કોશા કહે છે, "હવે અમને ગામના જાહેર કૂવામાંથી પાણી ભરવાની પણ મંજૂરી નથી. એ કામ અમારે છાનેમાને કરવું પડે છે."
બસ્તરના બીજા ભાગોમાંથી પણ આવા જ અત્યાચાર થતા હોવાના અહેવાલો આવી રહ્યા છે. ડિસેમ્બર 2022 માં નારાયણપુર જિલ્લામાં 200 થી વધુ આદિવાસી ખ્રિસ્તીઓને તેમના ગામમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સેંકડો સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરની કચેરીની બહાર દેખાવો કર્યા હતા, જમણેરી હિંદુત્વ જૂથો દ્વારા ઉશ્કેરવામાં આવેલા લોકો દ્વારા સ્થાનિકો પર થતા અત્યાચારોનો તેઓએ વિરોધ કર્યો હતો.
વિરોધ કરનારાઓએ કલેકટરને એક પત્ર સુપરત કર્યો હતો જેમાં માત્ર ડિસેમ્બર 2022 મહિનામાં ખ્રિસ્તી લઘુમતીઓ પર થયેલા ડઝનેક હુમલાઓનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું.
આ તરફ એર્રાકોટમાં, સુક્મિતિ કહે છે કે તેમના પરિવારને પડોશી ગામમાં લગ્નમાં જવાની મંજૂરી આપવામાં આવી ન હતી કારણ કે તે એક ખ્રિસ્તી પરિવારમાં લગ્નનો પ્રસંગ હતો: “પરિવારે મહેમાનો માટે બનાવેલું ભોજન ફેંકી દેવું પડ્યું હતું કારણ કે કોઈ ત્યાં પહોંચી શક્યું નહોતું."
બંધારણ (કલમ 25) માં "અંતઃકરણના સ્વાતંત્ર્યનો અને ધર્મના મુક્ત આચરણ, વ્યવહાર અને પ્રસારનો" અધિકાર અપાયો હોવા છતાં આદિવાસી ખ્રિસ્તીઓ વિરોધ અને ધાકધમકીનો સામનો કરી રહ્યા છે.
તેઓ કહે છે, “અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ખ્રિસ્તી પરિવારમાં કોઈ મૃત્યુ પામે છે ત્યારે અમારી પહેલી પ્રતિક્રિયા દુઃખની નહીં પણ ફફડાટની અને મૃતદેહની શી વ્યવસ્થા થશે એની આશંકાની હોય છે. આ તે કેવું મોત?”
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક