લોકપ્રિય નામ છે ‘વિરાટ કોહલી’. અહીં ડુંગરા છોટામાં ભારતના આ ક્રિકેટિંગ આઇકોનના ઘણા ચાહકો છે.
શિયાળાની સવારનો 10 વાગ્યા પછીનો સમય છે અને અહીં રહેતા ડઝન કે તેથી વધુ યુવાનો રમતમાં વ્યસ્ત છે. મકાઈના ચમકતા લીલા ખેતરોથી ઘેરાયેલી ખુલ્લી જમીનનો ચોરસ ટુકડો એ ક્રિકેટનું મેદાન હોઈ શકે એવો વિચાર તમને કદાચ નહીં આવે, પરંતુ બાંસવાડા જિલ્લાના આ ગામના ક્રિકેટ ઉત્સાહીઓ આ મેદાનના પોપિંગ ક્રિઝથી લઈને બાઉન્ડ્રી લાઈન સુધીના એકેએક યાર્ડને જાણે છે.
બધા જાણે છે કે ક્રિકેટ ચાહકો સાથે વાતચીત કરવાની સૌથી અસરકારક રીત તેમના મનપસંદ ખેલાડીઓ કોણ છે એ પૂછવાની છે. અહીં, શરૂઆતમાં કદાચ વિરાટ કોહલીનું નામ લેવામાં આવે, પરંતુ ટૂંક સમયમાં જ બીજા નામો પણ ઉભરી આવે છે - રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, મોહમ્મદ સિરાજ…
અંતે, 18 વર્ષના શિવમ લબાના ઉમેરે છે, "મને સ્મૃતિ મંધાના ગમે છે." ડાબોડી ઓપનિંગ બેટર અને ભારતની મહિલા ટી20 ટીમના ભૂતપૂર્વ કેપ્ટન દેશના સૌથી લોકપ્રિય ક્રિકેટરોમાંના એક છે.
પરંતુ આપણને ટૂંક સમયમાં જ ખબર પડશે કે તેઓ એકમાત્ર ડાબોડી બેટર નથી જેમની ચર્ચા આ મેદાન પર થઈ રહી છે.
મહત્વાકાંક્ષી બોલરો અને બેટ્સમેનો - બધા છોકરાઓ - ના ટોળામાં આ એકલી છોકરી અલગ તરી આવે છે. માત્ર નવ વર્ષની હિતાક્ષી રાહુલ હર્કિશી પાતળા નાજુક બાંધાના શરીર પર જાંઘ અને કોણીના રક્ષકો સુરક્ષિત રીતે બાંધીને સફેદ બુટ અને સફેદ બેટિંગ પેડ્સમાં સંપૂર્ણ સજ્જ છે.










