નારાયણ કુંડલિક હજારે બજેટ શબ્દને તો સમજે છે કારણ કે તેમની પાસે તે વધારે મોટું નથી.
“આપળા તેવધ બજેટસ નાહીં! [મારી પાસે એવું બજેટ જ નથી.]” ફક્ત ચાર શબ્દોમાં, નારાયણ કાકા નવી કરપ્રણાલીમાં આપવામાં આવેલ 12 લાખ રૂપિયા સુધીની કરમુક્ત આવકની જોગવાઈ આસપાસ થઈ રહેલી હોહાને શમાવી દે છે.
કેન્દ્રીય બજેટ વિશેનો પ્રશ્ન આ 65 વર્ષીય ખેડૂત અને ફળ વિક્રેતાને સખત વિચારવા માટે મજબૂર કરે છે. તેઓ સંપૂર્ણ વિશ્વાસ સાથે જવાબ આપે છે: “મેં આ વિશે કંઈ સાંભળ્યું નથી. આટલાં વર્ષોમાં પણ ક્યારેય નહીં.”
નારાયણ કાકા પાસે તેને જાણવાની પણ કોઈ રીત નથી. “મારી પાસે મોબાઈલ ફોન નથી. અને ઘરમાં ટીવી પણ નથી.” થોડા દિવસો પહેલાં જ એક મિત્રે તેમને રેડિયો ભેટમાં આપ્યો છે. પરંતુ જાહેર પ્રસારણ સેવાએ હજુ સુધી તેમને આ વાર્ષિક કાર્યક્રમ વિશે જાણ કરી નથી. તેઓ પૂછે છે, “આમચ અડાની માણસચ કાંય સંબંધ, તુમ્હિચ સાંગા [શું અમારા જેવા અશિક્ષિત લોકોને તેની સાથે કોઈ સંબંધ છે]?” નારાયણ હજારે માટે, ‘કિસાન ક્રેડિટ કાર્ડ' અથવા આ કાર્ડ્સ માટે ‘વધારેલી લોન મર્યાદા' શબ્દો અજાણ્યા છે.



