અનુપરમ સુથારે ક્યારેય કોઈ સંગીત વાદ્ય વગાડ્યું નથી, પરંતુ કયા લાકડાથી શ્રેષ્ઠ સ્વરો ઉત્પન્ન થાય છે તેની તેમને બરોબર ખબર છે. આઠમી પેઢીના ખરતાલ નિર્માતા અનુપરમ કહે છે, “મને લાકડાનો ટુકડો આપો ને હું તમને કહી દઈશ કે તેમાંથી સારું સંગીત વાદ્ય બનશે કે નહીં.”
રાજસ્થાનના લોક અને ભક્તિ સંગીતમાં વપરાતું તાલવાદ્ય, ખરતાલ ચાર ટુકડાઓનું બનેલું હોય છે, અને તેને વગાડવા માટે દરેક હાથમાં બે ટુકડા પકડવાના હોય છે — એક ટુકડો અંગૂઠાથી પકડવામાં આવે છે, અને બીજો બાકીની ચાર આંગળીઓથી. જ્યારે એક સાથે તેમને વગાડવામાં આવે છે, ત્યારે તેમની રણકાર ઉત્પન્ન થાય છે. આ વાદ્યમાં માત્ર બે સ્વરોનો ઉપયોગ થાય છે — તા અને કા. 57 વર્ષીય અનુપરમ કહે છે, “કલાકર બનાવતે હૈ [સંગીતકારો ખરતાલ બનાવડાવે છે].”
રાજસ્થાની ખરતાલોમાં સામાન્ય રીતે મંજીરા અથવા કરતાલમાં હોય છે તેવી ઘંટડીઓ લગાડેલી નથી હોતી.
આ પીઢ કારીગર માત્ર બે કલાકમાં ચાર ટુકડાનો સેટ તૈયાર કરી શકે છે. આ કળામાં તેમનાં શરૂઆતનાં વર્ષોને યાદ કરતાં તેઓ કહે છે, “અગાઉ, મને આખો દિવસ [આઠ કલાક] લાગતો હતો.” અનુપરમનો સુથાર પરિવાર લગભગ બે સદીઓથી ખરતાલ બનાવી રહ્યો છે: “બચપન સે યહી કામ હૈ હમારા [બાળપણથી, આ અમારું કામ રહ્યું છે].”
તેઓ કહે છે કે તેમના પિતા સ્વર્ગસ્થ ઉસ્લારામ એક માયાળુ શિક્ષક હતા, જેમણે તેમને ધીરજથી શીખવ્યું હતું. “મેં ઘણી ભૂલો કરી છે, લેકિન વો કભી નહીં ચિલ્લાતે થે, પ્યાર સે સમાજતે [તેઓ ક્યારેય બૂમબરાડા પાડતા ન હતા અને હંમેશાં પ્રેમથી શીખવતા હતા].” આ સુથાર સમુદાયના પુરુષો જ ખરતાલ બનાવે છે.
બાડમેર જિલ્લાના હર્સાણી ગામમાંથી સ્થળાંતર કરીને આવેલા અનુપરામ 1981માં કામની શોધમાં જેસલમેર આવ્યા હતા, કારણ કે “ગામમાં, અમને પૂરતું સુથારીકામ મળતું ન હતું.” લાકડાના આ કુશળ કારીગર અન્ય સાધનો — હાર્મોનિયમ, કામાઇચા, સારંગી અને વીણા — કેવી રીતે બનાવવી તે પણ જાણે છે, પરંતુ તેઓ કહે છે કે, “મને તેમના ઓર્ડર ભાગ્યે જ મળે છે.” તેમને કામાઇચા અને સારંગી હાથથી બનાવવામાં એક અઠવાડિયાથી વધુ સમય લાગે છે, જેમને તેઓ અનુક્રમે 8,000 અને 4,000 રૂપિયામાં વેચે છે.
સંગીતનાં વાદ્યો બનાવવા ઉપરાંત, તેમણે જટિલ કોતરણીવાળાં ફૂલોવાળા દરવાજા બનાવવામાં પણ નિપુણતા મેળવી છે, જે જેસલમેરની સ્થાપત્યકલાની એક વિશિષ્ટ રચના છે. તેઓ ખુરશીઓ અને લાકડાના ફર્નિચરની વસ્તુઓ, જેવી કે કબાટ અને ડ્રેસિંગ યુનિટ્સ પણ બનાવે છે.
રાજસ્થાનના જેસલમેર અને જોધપુર જિલ્લામાં ખરતaલ શીશમ (દલબર્ગિયા સિસ્સૉ) અથવા સફેદા (નીલગિરી) નાલાકડામાંથી બનાવવામાં આવે છે. યોગ્ય લાકડાની પસંદગી કરવી એ ખરતાલ બનાવવા માટેનું પ્રથમ અને સૌથી મહત્ત્વનું પગલું છે. તેઓ કહે છે, “દેખ કે લેના પડતા હે [તમારે તેને કાળજીપૂર્વક ચકાસવું પડે છે અને પછી જ લાકડું ખરીદાય]. યુવા પેઢીને ખબર પણ નથી કે ખરતાલ જેવાં વાદ્યો બનાવવા માટે યોગ્ય લાકડું કેવી રીતે ઓળખવું.”
અનુપરમ જેસલમેરથી લાકડું ખરીદે છે અને શીશમ અને સફેદા લાકડાથી ખરતાલ બનાવે છે, પરંતુ કહે છે કે હવે યોગ્ય લાકડું શોધવું વધુને વધુ મુશ્કેલ બની ગયું છે.
ચાર ખરતાલનો એક એકમ બનાવવા માટે, તેઓ એક અઢી ફૂટ લાંબા લાકડાના ટુકડાનો ઉપયોગ કરે છે, જેની કિંમત આશરે 150 રૂપિયા છે. પછી તેઓ તેના પરિમાણોને ચિહ્નિત કરે છેઃ 7.25 ઇંચ લાંબું, 2.25 ઇંચ પહોળું અને 6 મિલીમીટર ઊંડું, અને પછી તેને આરીનો ઉપયોગ કરીને કાપે છે.
તે કહે છે, “બુર્દા ઉડતા હૈ ઔર નાક, આંખ મેં ચલા જાતા હૈ [લાકડાનો વહેર ઊડે છે અને ઘણી વાર આંખો અને કાનમાં જતો રહે છે].” તેમનું કહેવું છે કે આનાથી તેમને ઘણી ઉધરસ આવે છે. માસ્ક પહેરવાથી કોઈ ફાયદો થતો નથી, કારણ કે દિવસમાં આઠ કલાકથી વધુ સમય સુધી માસ્ક પહેરવાથી ગૂંગળામણ થાય છે. ઉનાળામાં આ શહેરમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી જાય છે તેનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે, “જેસલમેરની ગરમીમાં, પરિસ્થિતિ વધુ વણસે છે.”
લાકડાને કાપ્યા પછી, તેઓ સપાટીને સુંવાળી બનાવવા માટે રંધાનો ઉપયોગ કરે છે. તેઓ કહે છે, “આ કામ સાવધાનીપૂર્વક કરવાનું હોય છે. જો તમે એક નાનકડી ભૂલ પણ કરો છો, તો તમારે બીજો [લાકડાના] ટુકડો લેવો પડશે.” સંગીતના સૂર રચવા માટે ખરતાલને વારંવાર વગાડવામાં આવે છે, અને જો તેની સપાટીમાં કોઈપણ અસંગતતા રહી જાય, તો તેનો સ્વર અને અવાજ બદલાઈ જાય છે.
ઘણી વખત, આરી તેમની આંગળીઓને ઈજા પહોંચાડે છે, અને હથોડા મારવાથી પણ તેમને પીડા થાય છે, પરંતુ તેઓ તેને નકારી કાઢે છે અને કહે છે કે આ બધું તો તેમના કામનો એક ભાગ જ છે, અને તેમના પિતા, ઉસ્લારામને પણ ઘણી વાર ઈજા પહોંચતી હતી.
લાકડાની સપાટીને સુંવાળી બનાવવામાં તેમને લગભગ એક કલાકનો સમય લાગે છે, અને પછી તેઓ કરવતની મદદથી ચાર ખૂણાઓને ગોળ વળાંક આપે છે. ગોળાકાર ખૂણાઓનું કાળજીપૂર્વક નિરીક્ષણ કર્યા પછી, અનુપરમ સપાટી કાચ જેવી સુંવાળી ન બને ત્યાં સુધી કિનારીઓ પર રેતી ઘસે છે.
ખરતાલ ખરીદ્યા પછી, સંગીતકારો સ્વરને સુધારવા માટે સેન્ડપેપરનો ઉપયોગ કરે છે. સરસવના તેલનો ઉપયોગ કરવાથી આ વાદ્યને બદામી રંગ મળે છે.
ચાર સફેદા ખરતાલનો એક એકમ તેઓ 350 રૂપિયામાં અને શીશમના ખરતાલને 450 રૂપિયામાં વેચે છે, કારણ કે તેઓ કહે છે, “શીશમની ખરતાલો તેમના વધુ સારા સૂર અને નોંધો માટે જાણીતા છે.”
અનુપરમને દર મહિને 5-10 જોડી ખરતાલનો ઓર્ડર મળે છે. જ્યારે તેમણે શરૂઆત કરી ત્યારે આ સંખ્યા બેથી ચારની વચ્ચે હતી. રાજસ્થાનની મુલાકાત લેનારા ઘણા વિદેશી પ્રવાસીઓને કારણે આ વાદ્યની માંગમાં વધારો થયો છે, પરંતુ તેને બનાવનારા લોકો ઘટ્યા છે. બે દાયકા પહેલાં, આ વાદ્યને બનાવનારા સુથારોની સંખ્યા 15થી વધુ હતી, પરંતુ હવે જેસલમેરમાં અનુપરમ જેવા ગ્ણ્યાગાંઠ્યા કારીગરો જ આ કામ કરે છે. યુવાન સુથારો હવે ફર્નિચર બનાવવા માટે શહેરોમાં જઈ રહ્યા છે, કારણ કે તેમાં સારી આવક થાય છે.
પ્રવાસીઓને ખરતાલ વેચતા કેટલાક કારીગરો વિદેશી પ્રવાસીઓ સાથે ઓનલાઇન સત્રો પણ યોજે છે, જેમાં વિવિધ ભાષાઓનો ઉપયોગ થાય છે.
તેઓ ઉમેરે છે, “આ કળા ઘણી જૂની છે, પરંતુ યુવા પેઢી ખરતાલ કેવી રીતે બનાવવી તે શીખવા નથી માંગતી.” અનુપરમ કહે છે કે છેલ્લા 30 વર્ષોમાં તેમણે આશરે સાત લોકોને આ વાદ્યો બનાવવાનું શીખવ્યું છેઃ “તેઓ જ્યાં પણ હોય, હું આશા રાખું છું કે તેઓ ખરતાલ બનાવી રહ્યા હશે.”
તેમના પુત્રો, 28 વર્ષીય પ્રકાશ અને 24 વર્ષીય કૈલાશ ક્યારેય ખરતાલ બનાવતા શીખ્યા જ નથી; તેઓ જુદા જુદા રાજ્યોમાં સુથાર તરીકે કામ કરે છે, અને ઘરો અને કાર્યાલયો માટે ફર્નિચર બનાવે છે. તેમની 20 વર્ષીય દીકરી સંતોષ પરિણીત છે અને ગૃહિણી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમના પુત્રો ક્યારેય આ કળા પસંદ કરશે ખરા, ત્યારે તેઓ કહે છે, “કોઈ ભરોસા નહીં હૈ [તેની કોઈ ખાતરી નથી].”
એક ગ્રાહક અમારી વાતચીત સાંભળીને તેમને પૂછે છે,
“આપ ક્યુ બડે
શહર નહીં ગએ ઝ્યાદા પૈસે કમાને [તમે વધુ પૈસા કમાવવા માટે મોટા શહેરોમાં સ્થળાંતર
કેમ ન કર્યું?]”
અનુપરમ જવાબમાં કહે
છે, “હમ
ઇસ્મે ખુશ હૈ [હું આનાથી ખુશ છું.]”
આ વાર્તા સંકેત જૈન દ્વારા ગ્રામીણ કારીગરો પરની શ્રેણીનો એક ભાગ છે, અને મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન દ્વારા સમર્થિત છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ