હરમનદીપ સિંહ તેમની આસપાસ રંગબેરંગી પતંગો સાથે ઊભા છે. આગળ રસ્તામાં, પંજાબ અને હરિયાણા વચ્ચેની શંભુ સરહદ પર, ખેડૂતોને દિલ્હી તરફ કૂચ કરતા અટકાવવા માટે પોલીસ દ્વારા વિશાળ બેરિકેડ્સ ગોઠવવામાં આવ્યા છે.
અમૃતસરના આ 17 વર્ષીય છોકરાએ વિરોધ કરી રહેલા ખેડૂતો પર આંસુ ગેસના ગોળા છોડતા ડ્રોનને નીચે પાડી દેવા માટે પતંગોનો ઉપયોગ કર્યો હતો, જે આવા હુમલાનો સામનો કરવાની એક અવનવી રીત છે. તેઓ કહે છે, “મેં મારી આંખોની આસપાસ ટૂથપેસ્ટ પણ લગાવી છે, કારણ કે તેનાથી આંસુ ગેસની અસરોને ઘટાડવામાં મદદ મળે છે. અમે આગળ વધતા રહીશું અને આ લડાઈ જીતીને જ રહીશું.”
હરમનદીપ પંજાબના હજારો ખેડૂતો અને મજૂરોમાંના એક છે, જેમણે 13 ફેબ્રુઆરી, 2024ના રોજ દિલ્હી તરફ શાંતિપૂર્ણ કૂચ શરૂ કરી હતી. શંભુ સરહદ પર તેમણે અર્ધલશ્કરી દળ, રેપિડ એક્શન ફોર્સ (આર.એ.એફ.) ના જવાનો અને પોલીસ અધિકારીઓનો સામનો કરવો પડ્યો હતો. રસ્તા પર લોખંડની ખીલીઓ અને કોંક્રિટની દિવાલો ઊભી કરવામાં આવી હતી, જે ખેડૂતોને દિલ્હીમાં તેમના વિરોધ સ્થળ સુધી પહોંચતા અટકાવવાના ભાગરૂપે કરવામાં આવ્યું હતું.
પ્રથમ બેરિકેડ પર, ગુરજંદ સિંહ ખાલસા પાંચ મુખ્ય માંગણીઓ − સ્વામીનાથન આયોગની ભલામણો અનુસાર લઘુતમ ટેકાના ભાવ (એમ.એસ.પી.) ની બાંયધરી, ખેડૂતો અને ખેત મજૂરોના દેવાની સંપૂર્ણ માફી, લખીમપુર ખેરી હત્યાકાંડમાં અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાય આપવા અને ગુનેગારોની ધરપકડ કરવા, ખેડૂતો અને મજૂરો માટે પેન્શન યોજના શરૂ કરવા અને વિરોધ પ્રદર્શનમાં શહીદ થયેલા ખેડૂતોના પરિવારોને વળતર આપવા − ને પુનરાવર્તિત કરીને એક સભાને સંબોધે છે.
2020-21માં, દેશભરના ખેડૂતો ત્રણ કૃષિ કાયદાઓ − કૃષિક ઊપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) કાયદો, 2020 ; કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર કાયદો, 2020 , અને આવશ્યક વસ્તુ (સંશોધન) કાયદો, 2020 − ના વિરોધમાં એકત્ર થયા હતા, જેમને સપ્ટેમ્બર 2020માં સંસદમાં પસાર કરવામાં આવ્યા હતા. સરકાર નવેમ્બર 2021માં કાયદાઓને રદ કરવા માટે સંમત થઈ હતી. આ આંદોલન પર પારીની વાર્તાઓ વાંચોઃ કૃષિ કાયદાઓ સામેના વિરોધનું સંપૂર્ણ કવરેજ
કરનાલના 22 વર્ષીય ખાલસા કહે છે, “અમે ક્યારેય વિરોધ બંધ કર્યો નથી. અમે તેને થોડા સમય માટે રોકી દીધો હતો, કારણ કે અમે કેન્દ્ર સરકાર સાથે બેઠક કરી હતી જેમાં કેન્દ્રીય મંત્રીઓ અમારી તમામ માંગણીઓ પર સંમત થયા હતા અને તેમને પૂર્ણ કરવાનું વચન આપ્યું હતું. સરકાર દ્વારા રચાયેલી સમિતિ સાથે વાતચીત ચાલુ હોવાથી અમે આટલા લાંબા સમય સુધી રાહ જોઈ. પરંતુ બે વર્ષ પછી, બેઠકો અચાનક બંધ થઈ ગઈ અને સમિતિને ભંગ કરી દેવામાં આવી, જેના કારણે અમને પાછા ફરવાની ફરજ પડી છે.”
ખેડૂતો અને મજૂરોનું એક મોટું જૂથ રસ્તાની બાજુના ખેતરોમાં એકત્ર થયું અને તેમણે અધિકારીઓને પડકારવા અને વિચલિત કરવાનું શરૂ કર્યું, જેથી કરીને પ્રદર્શનકારીઓ સરહદ પાર કરી શકે.
પ્રદર્શનકારીઓએ શંભુ સરહદ ખાતે બેરિકેડ્સ તોડવાનું શરૂ કર્યું, ત્યારે પોલીસ અધિકારીઓએ ઘણા ટીયર ગેસના ગોળા છોડ્યા હતા જેના પરિણામે ઘણા લોકો ઘાયલ થયા હતા. દેખાવકારોએ અહેવાલ આપ્યો હતો કે પોલીસ ભીડને વિખેરવા માટે હવામાં ગોળીબાર કરવાને બદલે વ્યક્તિઓ પર આંસુ ગેસના ગોળા વરસાવી રહી હતી. પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પાણીની તોપનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘણા વૃદ્ધ ખેડૂતો અને મજૂરો આંસુ ગેસના ગોળાને નિષ્ક્રિય કરવા માટે લાકડીઓ સાથે આવ્યા હતા. આ ટોળું દરેક ગોળાને નિષ્ક્રિય કરીને હર્ષોલ્લાસ કરતું અને ઉજવણી કરતું.
અમૃતસરના ખેડૂત તિરપાલ સિંહ આંસુ ગેસના ગોળાઓને નિષ્ક્રીય કરનારાઓમાં સામેલ હતા. તેઓ કહે છે, “અમે હથિયારબંધ નથી, તેમ છતાં તેઓ રબરની ગોળીઓ,પેલેટ્સ, પેટ્રોલ બોમ્બ અને આંસુ ગેસ જેવા હથિયારોનો ઉપયોગ કરે છે. આ રસ્તો સાર્વજનિક છે, અમે માત્ર આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે શાંતિપૂર્ણ હોવા છતાં અમારા પર હુમલા થઈ રહ્યા છે. અત્યારે હું શંભુ સરહદ પર જાણે કેદ થઈ ગયો હોવ તેવો અનુભવ થાય છે.”
50 વર્ષીય તિરપાલને લાગે છે કે સરકારે તેમની સાથે દગો કર્યો છે. તેઓ કહે છે, “સરકાર એમ.એસ.પી.ની બાંયધરી નથી આપી રહી કારણ કે તેઓ તો તે સમૃદ્ધ કોર્પોરેટ્સને ખુશ રાખવા માંગે છે જેઓ તેમના પક્ષને ભંડોળ પૂરું પાડે છે. એમ.એસ.પી.ની બાંયધરી ન હોય તો, મોટા કોર્પોરેશનો અમારું શોષણ કરી શકે છે. તેઓ કોઈપણ સમયે આવી શકે છે, અમારા પાકને અત્યંત સસ્તા દરે ખરીદી શકે છે અને પછી તેને ઊંચા દરે વેચી શકે છે.” તિરપાલ સિંહનું માનવું છે કે, જો સરકાર મોટા કોર્પોરેશનો માટે સેંકડો કરોડ રૂપિયાની લોન માફ કરી શકે છે, તો તે એવા ખેડૂતો અને મજૂરોની પણ લોન માફ કરી શકવી જોઈએ જેમની પાસે માત્ર થોડા લાખ રૂપિયા કે તેથી ઓછી રકમ છે.
આંસુ ગેસના ધુમાડાની અને પાણીની તોપોનો સામનો કર્યા પછી, ઘણા પ્રદર્શનકારીઓએ બેરિકેડિંગના બીજા સ્તર પરના ખિલા દૂર કરવાનો પ્રયાસ કર્યો. તે સમયે, પોલીસ ભીડ પર રબરની ગોળીઓ ચલાવતી જોવા મળી હતી, અને ખાસ કરીને તેમના પગને નિશાન બનાવતી હતી જેથી તેઓ પીછેહઠ કરવા માટે મજબૂર થાય.
થોડી જ મિનિટોમાં, ઘણા ખેડૂતો અને મજૂરો લોહીલુહાણ થતાં તેમને સ્વતંત્ર ડોકટરો દ્વારા સ્થાપિત તબીબી શિબિરમાં લઈ જતા જોવા મળ્યા હતા.
આવી જ એક શિબિરના પ્રભારી ડૉ. મંદીપ સિંહ કહે છે, “છેલ્લા એક કલાકમાં, મેં 50 દર્દીઓ તપાસ્યા છે. [દર્દીઓ એટલા બધા છે કે] હું શંભુ સરહદ પર આવ્યો ત્યારથી મેં કેટલા દર્દીઓ તપાસ્યા એ મને ખબર જ નથી.” 28 વર્ષીય ડૉક્ટર કહે છે કે તેમના ગામ હોશિયારપુરમાં, મંદીપ બાબા શ્રી ચંદ જી હોસ્પિટલ ચલાવે છે. આ યુવાન ડૉક્ટર પણ ખેડૂતોના પરિવારમાંથી આવે છે અને 2020માં પણ તેમણે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો, જ્યાં તેણે સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલી હિમાયત અને માનવતાવાદી રાહત સંસ્થા યુનાઇટેડ શીખના નેજા હેઠળ શિબિર ચલાવી હતી.
તેઓ કહે છે, “દર્દીઓ વિવિધ પ્રકારની સમસ્યાઓ સાથે આવ્યા છે, જેમાં કપાયેલા ઘાથી માંડીને ઉઝરડા થયેલા ઘા અને કેટલાકને શ્વાસ લેવામાં તકલીફના કિસ્સા સામે આવ્યા છે. સરકારે આપણા ખેડૂતો અને તેમની સુખાકારીનું ધ્યાન રાખવું જોઈએ. આપણે જ તો તેમને ચૂંટીને સત્તામાં લાવીએ છીએ.”
આમાં કાર્યરત અન્ય એક ડૉક્ટર દીપિકા હિમાચલ પ્રદેશના શિમલાથી તબીબી શિબિરમાં મદદ કરવા માટે આવ્યાં છે. આ 25 વર્ષીય યુવતી કહે છે, “શ્વાસ લેવામાં તકલીફની સાથે લોકો ચિંતા અને બેચેની અનુભવી રહ્યા છે. તેઓ કલાકો સુધી આંસુ ગેસની સતત ગોળીબારના કારણે પેટની સમસ્યાઓની ફરિયાદ કરી રહ્યા છે.”
અહીં માત્ર ડૉક્ટરો જ મદદ કરે છે એવું નથી − બેરિકેડ્સથી થોડા મીટર દૂર, લોકો તેમની ટ્રોલીઓ ગોઠવવામાં અને બધા લોકો માટે લંગર તૈયાર કરવામાં વ્યસ્ત છે. ઘણા લોકો તેમના પરિવાર સાથે આવ્યા છે. ગુરપ્રીત સિંહ અહીં પોતાના યુવાન પુત્ર તેજસ્વીર સાથે આવ્યા છે. પટિયાલાથી આવેલા ગુરપ્રીત કહે છે, “હું મારા દીકરાને અહીં લઈને લાવ્યો છું, જેથી તે અમારો સંઘર્ષ જોઈ શકે. હું તેને શીખવવા માગું છું કે આપણા અધિકારો માટે લડવું શા માટે મહત્ત્વપૂર્ણ છે, અને તેને બતાવવા માગું છું કે ખેડૂતો અને મજૂરો પર જુલમ કરવા કમર કસીને તૈયાર થયેલી સરકારનો સામનો કરવા આપણે શું શું કરવું પડે છે.”
વિરોધ સ્થળની આસપાસ ક્રાંતિકારી ગીતો અને સૂત્રોચ્ચાર સંભળાય છે: “ઇક્કી ડુક્કી ચક દેયાંગે, ધૌં તે ગોડા રાખ દેયાંગે [અમે દરેક ઐરા ગૈરા ને નથ્થુ ખૈરાને પછાડી દઈશું, તેમની ગરદનો અમારા પગ તળે હશે]”. આ ટોળીઓ જેમ જેમ કૂચ કરે છે અને વધુને વધુ લોકો તેમાં જોડાતા જાય છે ત્યારે આવી હાકલ બુલંદ થતી રહે છે.
રાજ કુમાર ગિલ કહે છે, “હું આ વિરોધમાં જોડાયું છું, કારણ કે તે ખેડૂતોના મૂળભૂત અધિકારો માટેની લડાઈ છે.” ચંદીગઢના 40 વર્ષીય રાજ 2021માં મટકા ચોક ખાતેના વિરોધમાં પણ ડિખમ ઊભા હતા, જે ચંદીગઢમાં ખેડૂતોના વિરોધનું કેન્દ્ર બિંદુ હતું.
“એમ.એસ.પી. ન આપીને સરકાર ખેડૂતોનું અસ્તિત્વ ખતરામાં મૂકી રહી છે. આ બધું એટલા માટે કે મોટા કોર્પોરેટ ગૃહો વિકાસ કરી શકે અને દેશનું પેટ ભરનારા ખેડુતોનું શોષણ કરી શકે,” તેઓ કહે છે, અને ઉમેરે છે,
“તેઓ ક્યારેય સફળ નહીં થાય.”
અનુવાદક: ફૈઝ મોહંમદ