અંધેરી ખાતે ટ્રેનમાં જોવા મળતી શાંતિ મુસાફરોની હડબડીના ઘોંઘાટથી તદ્દન વિપરીત છે, જેમાં મુસાફરો દરવાજાનું હેન્ડલ, કોઈનો હાથ કે જે કંઈ તેઓ પકડી શકે તેને પકડવાની કોશિશ કરી રહ્યા છે. આસપાસ લોકો ઝપાઝપી કરી રહ્યા છે, ઠોકર ખાઈ રહ્યા છે અને ખાલી સીટ માટે ધક્કામુક્કી કરી રહ્યા છે, અને પહેલેથી જ ત્યાં બેસેલા લોકોને વિનંતી કરી રહ્યા છે,તેમની સાથે દલીલબાજી કરી રહ્યા છે અને તેમને દબાણ પણ કરી રહ્યા છે.
મુસાફરોની ભીડમાં 31 વર્ષીય કિશન જોગી અને તેમની 10 વર્ષની પુત્રી ભારતી સવાર છે, જેમણે આછા વાદળી રંગનું રાજસ્થાની સ્કર્ટ અને બ્લાઉઝ પહેર્યું છે. પશ્ચિમ ઉપનગરીય લાઇન પર 7 વાગ્યે દોડતી મુંબઈ લોકલ ટ્રેન આજે સાંજે પિતા-પુત્રીની જોડી દ્વારા ચઢવામાં આવેલી પાંચમી ટ્રેન છે.
ટ્રેન ઝડપ પકડે છે ને મુસાફરો શાંત થાય છે કે તરત કિશનની સારંગીની ધૂન હવામાં પ્રસરવા લાગે છે.
“તેરી આંખે હૈ ભુલ ભુલૈયા...બાતે હૈ ભુલ ભુલૈયા...”
તેમનો જમણો હાથ કમાનને સારંગીના પાતળા ફિંગરબોર્ડ પર ખેંચીને બાંધેલા ત્રણ તારવાળા વાદ્ય પર ઝડપથી ફરે છે, જેનાથી ઉષ્માભરી અને સમૃદ્ધ ધૂન નીકળે છે. વાદ્યના બીજા છેડે આવેલો નાનો ધ્વનિ કક્ષ, તેમની છાતી અને ડાબા હાથની વચ્ચે રાખેલો છે. તેમની વગાડવાની શૈલી એવી છે કે તેઓ 2022ની બોલિવૂડ ફિલ્મ ભૂલ ભુલૈયાના તે લોકપ્રિય ગીતને વધુ ડરામણું બનાવે છે.
કોચમાં બેઠેલા કેટલાક મુસાફરો થોડા સમય માટે સુંદર ધૂન સાંભળવા માટે રોજિંદા કામોથી વિરામ લે છે. કેટલાક લોકો તેમને રેકોર્ડ કરવા માટે તેમના ફોન બહાર કાઢે છે. કેટલાક લોકો મંદ સ્મિત કરે છે. પરંતુ ઘણા લોકો ફરી પાછા ફોનમાં કંઈક જોવા લાગે છે અને કાનમાં ઇયરપ્લગ લગાવી દે છે. નાનકડી ભારતી ડબ્બામાં દરેક મુસાફરને પૈસા આપવા વિનંતી કરે છે ત્યારે તેમનું ધ્યાનભંગ થાય છે.










