સિદ્દદુ ગાવડેએ જ્યારે શાળાએ જવાનું નક્કી કર્યું ત્યારે તેમના માતા-પિતાએ તેમને 50 ઘેટાંનું ટોળું સોંપી તેમને ચરાવવા લઈ જવાનું કહ્યું. બધાની અપેક્ષા હતી કે બીજા ઘણા કુટુંબીજનો અને મિત્રોની જેમ તેમણે પણ જિંદગીના શરૂઆતના વર્ષોથી જ પેઢી-દર-પેઢીથી ચાલ્યો આવતો ઘેટાં-ઉછેરનો વ્યવસાય કરવો જોઈએ; પરિણામે તેઓ ક્યારેય શાળાના પગથિયાં ચડ્યા જ નહીં.
ગાવડે મહારાષ્ટ્રમાં વિચરતી જાતિ તરીકે સૂચિબદ્ધ ઘેટાં-બકરાં પાળતા ધનગર સમુદાયમાંથી છે. આ સમુદાય વર્ષના છ મહિના કે તેથી પણ વધુ લાંબો સમય પોતાના ઘરથી સેંકડો કિલોમીટર દૂર પ્રાણીઓના ઉછેરમાં વિતાવે છે.
એક દિવસ ઉત્તર કર્ણાટકના કારદગા ગામમાં પોતાના ઘરથી લગભગ સો કિલોમીટર દૂર ઘેટાં ઉછેરતી વખતે તેમણે એક સાથી ભરવાડને દોરાની મદદથી ગોળાકાર આંટી વાળી કંઈક બનાવતા જોયો. તેઓ કહે છે, "મને એ બહુ ગમી ગયું." તેઓ યાદ કરે છે કે કેવી રીતે વૃદ્ધ ધનગર (ભરવાડ) કુશળતાપૂર્વક સફેદ સુતરાઉ દોરાઓ વડે જાળી (ગોળાકાર થેલી) ગૂંથતા હતા, જેમ જેમ તેઓ આગળ વણાતી જાય તેમ તેમ દોરાનો રંગ શીંગ જેવો કથ્થઈ થતો જતો હતો.
આ અણધારી મુલાકાત પછી એ નાનકડા છોકરાએ એ હસ્તકલાની સફર શરુ કરી એટલું જ નહીં આગામી 74 વર્ષ સુધી એ હસ્તકલાનો અભ્યાસ કર્યો અને હજી આજે પણ તેમના હાથ અટક્યા નથી.
આ જાળી એ હાથેથી ગૂંથેલો એક સપ્રમાણ બગલથેલો છે જે સુતરાઉ દોરામાંથી બનાવેલો છે અને ખભાની આસપાસ લટકાવવામાં છે. સિદ્દદુ કહે છે, "લગભગ દરેક ધનગર આ જાળીને તેમની લાંબી મુસાફરીએ [ઘેટાં-બકરાં ચારવા જાય ત્યારે સાથે] લઈ જાય છે. તેમાં ઓછામાં ઓછી 10 ભાખરી અને એક જોડી કપડાં તમે મૂકી શકો. ઘણા ધનગરો તેમાં નાગરવેલનાં પાન અને તમાકુ, ચૂનો પણ રાખે છે.”
આ જાળી એક ચોક્કસ માપની હોય છે, પરંતુ આ ભરવાડો કોઈ ફૂટપટ્ટી અથવા વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરતા નથી.એ વાત પરથી એ બનાવવા માટે જરૂરી કૌશલ્યનો ખ્યાલ આવે છે. સિદ્દદુ કહે છે, "તે એક વેંત અને ચાર આંગળ જેટલી ઊંચી હોવી જોઈએ." તેમણે બનાવેલી દરેક જાળી ઓછામાં ઓછા 10 વર્ષ ચાલે છે. “તે વરસાદમાં ભીની ન થવી જોઈએ. ઉપરાંત, ઉંદરોને પણ એ જાળી કાતરવાનું ગમે છે, તેથી તમારે બહુ ધ્યાન રાખવું પડે."


















