અરત્તોંડી ગામની સાંકડી ગલીઓમાં એક મીઠી, ફળો જેવી, માદક સુગંધ પ્રસરી રહી છે.
દરેક ઘરના આગળના આંગણામાં, પીળા, લીલા અને કથ્થઈ રંગના મહુઆના ફૂલો વાંસની સાદડીઓ, નરમ ગાદલા અને માટીની લાદી પર સૂકાઈ રહ્યાં છે. તાજા તોડેલા પીળા અને લીલા ફૂલોને તડકામાં સૂકવવાથી તેઓ કથ્થઈ રંગ ધારણ કરે છે.
ચૂંટણી નજીક આવી રહી છે અને મહારાષ્ટ્રના ગોંદિયામાં મહુઆની મોસમ ચાલી રહી છે.
સાર્થિકા કૈલાશ આડે કહે છે, “એપ્રિલમાં મહુઆ ને મેમાં તેંદૂનાં પત્તાં. અમારી પાસે આ જ છે.” 35 વર્ષીય સાર્થિકા અને માના અને ગોંડ આદિજાતિના અન્ય ગામોના લોકો દરરોજ સવારે આસપાસના જંગલોમાં 4 થી 5 કલાક વિતાવે છે, ઊંચા મહુઆ વૃક્ષોમાંથી પડતા નરમ ફૂલો એકત્રિત કરે છે, જેમના પાંદડા હવે લાલ રંગના હોય છે. બપોર સુધીમાં પારો 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે અને ગરમી અસહ્ય થઈ પડે છે.
મહુઆનું દરેક વૃક્ષ સરેરાશ 4 થી 6 કિલોગ્રામ ફૂલો આપે છે. અરત્તોંડી ગામના લોકો (સ્થાનિક લોકો દ્વારા અરકતોંડી પણ કહેવાય છે) તેને વાંસના કેન અથવા પ્લાસ્ટિકની કોથળીઓમાં એકત્રિત કરે છે અને તેને તડકામાં સૂકવવા માટે ઘરે લાવે છે. એક કિલો સૂકા મહુઆમાંથી તેમને 35-40 રૂપિયા ભાવ મળે છે અને દરેક વ્યક્તિ દરરોજ સરેરાશ 5-7 કિલો મહુઓ એકત્રિત કરી શકે છે.
















