“સાંજે, બધા પ્રાણીઓ અહીં આરામ કરવા આવે છે. તે બરગત [વડ]નું વૃક્ષ છે.”
સુરેશ ધર્વે તેઓ જે પોસ્ટર-કદના કાગળ પર કામ કરી રહ્યા છે તેના પર ચપળતાથી રંગની રેખાઓ લાગુ કરતાં કરતાં કહે છે, “આ એક પીપળાનું ઝાડ છે અને તેના પર વધુ પક્ષીઓ આવશે અને બેસશે.” તેઓ આ વિશાળ, સત્કારી વૃક્ષને વધુ શાખાઓ દોરતાં પારીને કહે છે.
49 વર્ષીય ગોંડ કલાકાર મધ્યપ્રદેશના ભોપાલમાં પોતાના ઘરની લાદી પર બેઠા છે. ઉપરના માળે ઓરડાના દરવાજા અને બારીઓમાંથી તથા નજીકના ઝાડમાંથી પ્રકાશ ત્યાં આવી રહ્યો છે. તેમની બાજુમાં લાદી પર લીલા રંગની એક નાની બરણી છે, જેમાં તેઓ પીંછી ડૂબાડતા રહે છે. તેઓ કહે છે, “અગાઉ અમે વાંસની લાકડીઓનો [બ્રશ તરીકે] અને ઘિલેરી કે બાલ [ખિસકોલીના વાળ] નો પીંછી તરીકે ઉપયોગ કરતા હતા. તે [ખિસકોલીના વાળ] હવે પ્રતિબંધિત થઈ ગયા છે, જે સારી બાબત છે. હવે અમે પ્લાસ્ટિકના બ્રશનો ઉપયોગ કરીએ છીએ”
સુરેશ કહે છે કે તેમનાં ચિત્રો વાર્તાઓ કહે છે અને “જ્યારે હું ચિત્રકામ કરું છું ત્યારે મારે શું બનાવવું તે વિચારવામાં ઘણો સમય પસાર કરવો પડે છે. માની લો કે દિવાળી આવી રહી છે, તો મારે તહેવારમાં સંકળાયેલી બધી વસ્તુઓ જેમ કે ગાય અને દીવા વિશે વિચારવું પડશે.” ગોંડ કલાકારો જીવંત પ્રાણીઓ, જંગલ અને આકાશ, દંતકથાઓ અને લોકકથાઓ, ખેતી અને તેમના કામમાં સામાજિક પ્રવૃત્તિઓને આલેખે છે.
તે જંગર સિંહ શ્યામ જ હતા જેઓ ભોપાલ આવ્યા હતા અને પહેલવહેલાં કાપડ પર અને પછી કેનવાસ અને કાગળ પર ચિત્રકામ કરવાનું શરૂ કર્યું હતું. ગોંડ કલાકારો તેમના કાર્યોમાં જીવંત પ્રાણીઓ, જંગલ અને આકાશ, દંતકથાઓ અને લોકકથાઓને આલેખે છે
સુરેશનો જન્મ પાટણગઢ માલમાં થયો હતો − તે ગામ જ્યાંથી ભોપાલના તેમના જેવા તમામ ગોંડ કલાકારો આવેલા છે. આ વિસ્તાર નર્મદા નદીની દક્ષિણે આવેલો છે અને અમરકંટક - અચનકમાર વાઘ અભયારણ્યના જંગલોથી ઘેરાયેલો છે. બાદમાં જંગલી પ્રાણીઓ, વિવિધ પ્રકારના વૃક્ષો, ફૂલો, પક્ષીઓ અને જંતુઓથી ભરપૂર છે, જે બધાં ગોંડ ચિત્રોમાં જોવા મળે છે.
તેઓ યાદ કરતાં કહે છે, “અમે જંગલમાંથી મળતી વસ્તુઓમાંથી રંગકામ કરતા હતા − સેમલ [રેશમી કપાસ] વૃક્ષનાં લીલા પાંદડાં, કાળા પથ્થરો, ફૂલો, લાલ કાદવ, વગેરે. અમે તેને ગોંડ [રાળ] સાથે ભેળવી દેતા. હવે અમે એક્રેલિકનો ઉપયોગ કરીએ છીએ. લોકો કહે છે કે તે કુદરતી રંગોનો ઉપયોગ કરવાથી અમને અમારા કામ માટે વધુ સારી કિંમત મળશે, પરંતુ અમે તે કિંમત મેળવીએ ક્યાંથી?”
ગોંડ પેઇન્ટિંગ એ ગામમાં આદિવાસી લોકોના ઘરો પર દિવાલ પર ચિત્રકામ કરવાની કળા હતી, જે તહેવારો અને લગ્નોના સમયે કરવામાં આવતી હતી. 1970ના દાયકામાં પ્રખ્યાત ગોંડ કલાકાર જંગર સિંહ શ્યામ રાજ્યની રાજધાની ભોપાલ આવ્યા હતા અને પહેલવહેલી વાર કાપડ પર અને પછી કેનવાસ અને કાગળ પર ચિત્રકામ કરવાનું શરૂ કર્યું હતું. કાગળ અને કેનવાસ પર કલાનું નવું સ્વરૂપ બનાવવાનો શ્રેય તેમને ફાળે જાય છે. આ દિવંગત કલાકારને તેમના યોગદાન માટે 1986માં રાજ્યનું સર્વોચ્ચ નાગરિક સન્માન એવું શિકાર સન્માન મળ્યું હતું.
પરંતુ એપ્રિલ 2023 માં, જ્યારે ગોંડ કલાને આખરે ભૌગોલિક સંકેત (GI) ટેગ મળ્યો, ત્યારે જંગરના કલાકારોના સમુદાયની અવગણના કરવામાં આવી અને GI ટેગ ભોપાલ યુવા પર્યાવરણ શિક્ષણ એવમ સામાજિક સંસ્થાન અને દિંડોરી જિલ્લામાં તેજસ્વની મેકલસુતા મહાસંઘ ગોરખપુર સમિતિને એનાયત કરવામાં આવ્યો. આ એક એવું પગલું હતું જેણે ભોપાલના કલાકારો, પરિવાર અને જંગર સિંહના અનુયાયીઓને નારાજ કર્યા છે. આ દિવંગત કલાકારના પુત્ર, મયંક કુમાર શ્યામ કહે છે, “અમે ઇચ્છીએ છીએ કે GI અરજદારોના નામોમાં જંગર સિંહનું નામ હોય. તેમના વિના ગોંડ કલાનું અસ્તિત્વ જ ન હોત.”
આ મુદ્દે GI ટેગ મેળવવા માટે દબાણ કરનારા દિંડોરી જિલ્લા કલેક્ટર વિકાસ મિશ્રાએ ફોન પર કહ્યું, “GI ટેગ તમામ ગોંડ કલાકારો માટે છે. તમે ક્યાં રહો છો તેના આધારે અમે ભેદભાવ નથી કરી રહ્યા. ભોપાલના બધા કલાકારો તેમની કળાને ‘ગોંડ’ કહી શકે છે કારણ કે તેઓ બધા અહીંના છે. તેઓ એ જ લોકો છે.”
જાન્યુઆરી 2024માં, ભોપાલ જૂથના જાંગરના અનુયાયીઓના − જાંગર સંવર્ધન સમિતિએ ચેન્નાઈમાં GI કચેરીને એક પત્ર આપીને અરજદારોના નામોમાં ફેર વિચારણા કરવાની માંગ કરી હતી, પરંતુ આ વાર્તા પ્રકાશિત થાય ત્યાં સુધી કોઈ ફેર પડ્યો નથી.
*****
પાટણગઢમાં ઉછરેલા, અને પરિવારમાં સૌથી નાના અને એકમાત્ર પુરુષ એવા સુરેશને તેમના પિતા દ્વારા તાલીમ આપવામાં આવી હતી, જેઓ એક કુશળ કારીગર હતા અને વિવિધ સામગ્રીઓ પર કામ કરી શકતા હતા. “તેઓ ઠાકુર દેવની મૂર્તિઓ બનાવી શકતા હતા, દરવાજા પર કોતરણી કરી શકતા હતા અને સજાવટ તરીકે નૃત્ય કરતી મૂર્તિઓ કોતરી શકતા હતા. મને ખબર નથી કે તેમને આ કોણે શીખવ્યું હતું, પરંતુ તેઓ ચણતરથી માંડીને સુથારકામ સુધી ઘણી બધી વસ્તુઓ કરી શકતા હતા.”
એક નાના બાળક તરીકે, તેઓ તેમની સાથે ફરતા હતા, અને જોઈ જોઈને આ કુશળતા વિકસાવી હતી. તેઓ યાદ કરીને કહે છે, “મિટ્ટી કા કામ હોતા થા. [અમે તહેવારો માટે માટીની મૂર્તિઓ બનાવતા હતા]. મારા પિતા અમારા ગામના લોકો માટે લાકડાનું કામ કરતા હતા. પરંતુ તે શોખ માટે વધુ હતું, તેથી તેઓ આ કામ માટે પૈસા કમાયા ન હતા. વધુમાં વધુ તેમને આમાંથી થોડો ખોરાક મળી જતો, અને બદલામાં અનાજ મળતું. તો લગભગ અડધો કે એક પાસેરી [પાંચ કિલો] ઘઉં કે ચોખાના દાણા તેમને મળતા.”
આ પરિવાર પાસે માત્ર વરસાદ આધારિત જમીનનો એક નાનો ટુકડો હતો, જેના પર તેઓ તેમના પોતાના વપરાશ માટે ડાંગર, ઘઉં અને ચણાની ખેતી કરતા હતા. નવયુવાન સુરેશ બીજાના ખેતરોમાં કામ કરતો હતો: “હું કોઈના ખેતર અથવા જમીનમાં એક દિવસના કામ માટે દોઢ રૂપિયા કમાતો હતો, પરંતુ તે દરરોજ ઉપલબ્ધ ન હતું.”
1986માં આ યુવાન છોકરો 10 વર્ષની ઉંમરે અનાથ થઈ ગયો હતો. તે યાદ કરીને કહે છે, “હું સંપૂર્ણપણે એકલો હતો.” તેની મોટી બહેનો બધા પરણેલી હતી, તેથી તેણે પોતાનું ધ્યાન જાતે જ રાખવું પડ્યું. તે કહે છે, “એક દિવસ જંગરનાં મા, જેમણે ગામમાં દિવાલો પર મારી કળા જોઈ હતી, તેમણે વિચાર્યું કે મને [ભોપાલ] પણ સાથે લઈ જવામાં આવે. ‘તે કંઈક શીખી શકે તેવો છે.’” તેઓએ પૂર્વ મધ્ય પ્રદેશથી પાટનગર સુધી 600 કિલોમીટરથી વધુની મુસાફરી કરી હતી.
તે સમયે જંગર સિંહ ભોપાલના ભારત ભવનમાં કામ કરતા હતા. “હું જંગરજીને ‘ભૈયા’ કહેતો હતો. તેઓ મારા ગુરુ હતા. તેમણે જ મને કામ પર લગાડ્યો હતો. મેં તે પહેલાં ક્યારેય કેનવાસ પર કામ કર્યું નહોતું, મેં માત્ર દિવાલો પર જ કામ કર્યું હતું.” તેમનું કામ શરૂઆતમાં “પથ્થરો અને અન્ય સામગ્રીને [સતત ઘસીને] યોગ્ય રંગ મેળવવાનું હતું.
તે ચાર દાયકા પહેલાંની વાત છે. ત્યારથી સુરેશે પોતાની આગવી − ‘સીધી પીઢી’ ડિઝાઇન બનાવી છે. તેઓ કહે છે, “આ તમે મારી બધી કૃતિઓમાં જોશો. ચાલો હું તમને આ પેઇન્ટિંગની વાર્તા જણાવું.”
અનુવાદક: ફૈઝ મોહંમદ