અહીં ઝાડી-ઝાંખરામાં અમે ‘ડેવિલ્સ બેકબોન’ શોધી રહ્યા છીએ. આને જ પિરન્ડઈ (સીસસ ક્વોડ્રેન્ગ્યુલારિસ) કહેવાય છે. હું અને રથી જે ચોરસ દાંડીવાળી આ વેલ શોધી રહ્યા છીએ એ ઘણા સારા ગુણોથી ભરપૂર છે. સામાન્ય રીતે નાજુક નવી દાંડીને ચૂંટી, સાફ કરીને લાલ મરચાની ભૂકી, મીઠું અને તલના તેલની મદદથી સાચવવામાં આવે છે. આ પ્રક્રિયા યોગ્ય રીતે કરવામાં આવે તો આ રીતે બનાવેલ અથાણું એક વર્ષ સુધી બગડ્યા વિના સારું રહી શકે છે. અને તે ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
જાન્યુઆરીની ગરમ બપોર છે અને અમારો જંગલનો રસ્તો એક પ્રાચીન, સુકાઈ ગયેલી ખાડીમાંથી થઈને જાય છે. તેનું એક ઉત્તેજક તમિળ નામ છે: યેલ્લયેત્તઅમ્મન વોડઈ. શાબ્દિક રીતે, સીમાઓ વિનાનો દેવીનો પ્રવાહ. એ એક એવો શબ્દસમૂહ છે જે સાંભળીને તમારા રૂંવાડાં ઊભા થઈ જાય છે. અને ખડકો અને રેતી ઉપર થઈને પસાર થતી, અહીં પહોળી તો ત્યાં ભીની એવી પગદંડી જોઈ મારા રૂંવાડા વધારે ઊભા થઈ જાય છે.
અમે ચાલીએ છીએ ત્યારે રથી મને વાર્તાઓ કહે છે. કેટલીક કાલ્પનિક અને મનોરંજક છે - નારંગી અને પતંગિયાંની. તો કેટલીક વાસ્તવિક અને આનંદદાયક - ખાદ્યપદાર્થોના રાજકારણ અને નેવુંના દાયકામાં તેઓ માધ્યમિક શાળામાં હતા ત્યારે અચાનક ફાટી નીકળેલા જાતિઓ વચ્ચેના સંઘર્ષોની. "મારો પરિવાર તૂતુકુડી ભાગી ગયો હતો..."
એક વ્યાવસાયિક વાર્તાકાર, પુસ્તકાલય સલાહકાર અને કઠપૂતળીના ખેલ કરનાર રથી બે દાયકા પછી પોતાના ગામમાં પાછા આવ્યા છે. તેઓ ધીમે ધીમે વાતો કરે છે; ને ઝડપથી વાંચે છે. “કોવિડ મહામારી દરમિયાન સાત મહિનામાં મેં બાળકો માટેના 22000 નાના-મોટા પુસ્તકો વાંચી લીધા હતા. પછી એક સમય આવ્યો હતો કે જ્યારે મારા સહાયક રોજેરોજ મને વાંચવાનું બંધ કરવા વિનંતી કરતા હતા. નહિતર મેં સંવાદોમાં વાત કરવાનું શરૂ કરી દીધું હોત." અને તેઓ હસે છે.
તેઓ હસે છે, તેમનું નામ જે નદી પરથી પડ્યું છે – ભાગીરથી, એની જેમ જ ખળખળ. જો કે એમને સૌ કોઈ રથી ના ટૂંકા નામથી ઓળખે છે, અને તેઓ દક્ષિણ હિમાલયની, જ્યાં તેમની સમનામધારી નદી ગંગા તરીકે ઓળખાય છે, લગભગ 3000 કિલોમીટર દૂર રહે છે. તેમનું ગામ - તમિળનાડુના તિરુનેલવેલી જિલ્લામાં આવેલું તેંકળમ - ટેકરીઓ અને ઝાડી-ઝાંખરાથી ઘેરાયેલું છે. તેઓ એ બધાથી સારી રીતે પરિચિત છે, જે રીતે ગામમાં દરેક વ્યક્તિ તેમનાથી પરિચિત છે એમ જ.
મહિલા શ્રમિકો પૂછે છે, "તમે જંગલમાં કેમ જાઓ છો?" રથી જવાબ વળે છે, "અમે પિરન્ડઈ શોધવા ફરી રહ્યા છીએ." ગોવાળણી જાણવા માગે છે, “આ (બીજી) મહિલા કોણ છે? તમારી મિત્ર છે?" રથી હસીને કહે છે, "હા, હા." હું હાથ હલાવું છું અને અમે આગળ વધીએ છીએ...

















