સવારે 7 વાગ્યે, ડાલ્ટનગંજ નગરમાં સાદિક મંઝિલ ચોકમાં પહેલેથી જ ધમધમી રહ્યો છે — ટ્રકો ગર્જના કરી રહી છે, દુકાનો શરૂ થઈ રહી છે અને નજીકના મંદિરમાંથી દૂરથી રેકોર્ડ કરેલા હનુમાન ચાલિસા સાંભળી શકાય છે.
એક દુકાનના પગથિયા પર બેસીને ઋષિ મિશ્રા સિગારેટ પીવે છે અને પોતાની આસપાસના લોકો સાથે મોટેથી વાત કરે છે. આજે સવારે તાજેતરમાં સંપન્ન થયેલી સામાન્ય ચૂંટણીઓ અને નવી સરકારની રચના અંગે તેઓ ચર્ચા કરી રહ્યા છે. પોતાની આસપાસના લોકોની દલીલ સાંભળીને, નઝરુદ્દીન અહેમદ પોતાની હથેળીમાં તમાકુ ઘસતાં આખરે દરમિયાનગીરી કરીને કહે છે, “તમે શા માટે દલીલબાજી કરી રહ્યા છો? ભલે કોઈ પણ સરકાર બનાવે, આપણું પેટ તો છેવટે આપણે જ ભરવાનું છે.”
ઋષિ અને નઝરુદ્દીન એવા ઘણા દૈનિક વેતન મજૂરોમાં સામેલ છે, જેઓ દરરોજ સવારે આ વિસ્તારમાં ભેગા થાય છે જેને ‘મજૂર ચોક’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ કહે છે કે પલામૂની આસપાસના ગામડાઓમાં કોઈ કામ ઉપલબ્ધ નથી. શહેરના આવા પાંચ ચોકમાંથી એક એવા સાદિક મંઝિલ ખાતે આવેલા મજૂર ચોક (જંક્શન) પર મજૂરો દૈનિક વેતનના કામની રાહ જોઈ રહ્યા છે, જ્યાં ઝારખંડના નજીકના ગામોના લોકો દરરોજ સવારે કામની શોધમાં એકઠા થાય છે.
ઋષિ તેમના મોબાઇલ ફોન પર સમય તપાસીને કહે છે, “આઠ વાગ્યા સુધી રાહ જુઓ. અહીં એટલા બધા લોકો હશે કે ઊભા રહેવા માટે જગ્યા નહીં હોય.”
રિશીએ 2014માં તેની આઈટીઆઈની તાલીમ પૂર્ણ કરી હતી અને તેથી તે ડ્રિલિંગ મશીન ઓપરેટ કરી શકે છે. તેઓ હાલમાં આ નોકરી શોધી રહ્યા છે. સિંગરાહા કલાન ગામના 28 વર્ષીય કહે છે, “અમે નોકરીની આશાએ આ સરકારને મત આપ્યો હતો. [નરેન્દ્ર] મોદી 10 વર્ષથી સત્તામાં છે. તેમણે કેટલી ખાલી જગ્યાઓ જાહેર કરી છે અને કેટલી નોકરીઓ આપી છે? જો આ સરકાર વધુ પાંચ વર્ષ સુધી રહેશે, તો અમારી પાસે કોઈ આશા નથી.”
45 વર્ષીય નઝરુદ્દીનને પણ એવું જ લાગે છે. નેઉરા ગામના આ મિસ્ત્રી તેમના સાત સભ્યોના પરિવારમાં એકમાત્ર કમાણી કરનાર સભ્ય છે. નઝરુદ્દીન પૂછે છે, “ગરીબો અને ખેડૂતોની કોને પડી છે? અહીં દરરોજ 500 જેટલા લોકો આવે છે. આમાંથી માત્ર 10 લોકોને જ કામ નસીબ થાય છે, બાકીના ખાલી હાથે ઘરે જશે.”
મોટરબાઈક પર સવાર એક માણસના આગમનથી વાતચીતમાં વિક્ષેપ પડે છે. પુરુષો તે તરફ દોડે છે અને દિવસ માટે કામ મેળવવાની આશામાં તેની આસપાસ ભેગા થઈ જાય છે. વેતન નક્કી કર્યા પછી, એક યુવાનની પસંદગી કરવામાં આવે છે. તેની પાછળની સીટ પર સવારી કરીને બાઇક ઝડપથી આગળ વધે છે.
ઋષિ અને તેમના સાથી મજૂરો તેમની જગ્યાએ પાછા ફરે છે. ઋષિ હસવાની કોશિશ કરતાં કહે છે, “તમાશો [સર્કસ] જુઓ. એક આવે છે, અને બધા કૂદી પડે છે.”
ફરી પાછા બેસતાં તેઓ કહે છે, “જે પણ સરકાર બનાવે, તેનાથી ગરીબોને ફાયદો થવો જોઈએ. મોંઘવારીમાં ઘટાડો થવો જોઈએ. શું મંદિર બનાવવાથી ગરીબોના પેટ ભરાઈ જશે?”
અનુવાદક: ફૈઝ મોહંમદ