ગીતા વાડચલ કહે છે, “વર્તમાન બજેટ અમારું અસ્તિત્વ ટકાવી રાખવાની કોઈ પણ ચિંતાને સંબોધિત કરતું નથી. તે મુખ્યત્વે મધ્યમ વર્ગ, ખાસ કરીને પગારદાર વ્યક્તિઓ માટેનું જ હોવાનું જણાય છે.”
ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ (પી.વી.ટી.જી.) તરીકે વર્ગીકૃત કાડર સમુદાયનાં સભ્ય 36 વર્ષીય ગીતા કેરળના તિશૂર જિલ્લામાં પ્રસ્તાવિત આડિરપલ્લી હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટના જળગ્રહણ વિસ્તારમાં રહે છે.
આ બંધ ચાલકુડી નદીના તટપ્રદેશમાં આવેલો છે અને તેના લીધે આ સમુદાયે ચોથી વખત વિસ્થાપિત થવું પડશે. ડેમ વિરુદ્ધના જન આંદોલનનો ચહેરો બનેલાં ગીતા નિર્દેશ કરે છે, “દેશભરમાં મોટા પાયે માળખાગત યોજનાઓના કારણે આપણે મોટી સંખ્યામાં વિસ્થાપન જોઈ રહ્યાં છીએ. વધુમાં, આપણી જમીન, જંગલો અને સંસાધનોને કોર્પોરેટ દ્વારા પચાવી પાડવામાં આવી રહ્યા છે તેનો કોઈ ઉલ્લેખ નથી.”
કેરળનાં એકમાત્ર મહિલા આદિવાસી સરદાર ગીતા કહે છે, “જંગલોમાં રહેતા આદિવાસી સમુદાયો માટે, આબોહવા પરિવર્તનથી અસ્તિત્વ ટકાવી રાખવાના અભૂતપૂર્વ પડકારો ઊભા થયા છે. અમે પ્રતિકૂળ વાતાવરણ, ઘટી રહેલાં જંગલો અને આજીવિકાના મર્યાદિત વિકલ્પોનો સામનો કરી રહ્યાં છીએ.”




