પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના બનગાંવ શહેરના ગૃહિણી પ્રમિલા નશ્કર કહે છે, “હું મારી ડાબી આંખે કંઈ જોઈ શકતી નથી. વધુ પડતા તેજસ્વી પ્રકાશથી તકલીફ થાય છે. એ પીડાદાયક છે, ખૂબ પીડાદાયક. એને કારણે હું આવી પડકારજનક પરિસ્થિતિમાં જીવી રહી છું." ઉંમરના ચાલીસામાં દાયકાની શરૂઆતમાં પહોંચેલા પ્રમિલા રિજનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓપ્થેલ્મોલોજી (પ્રાદેશિક નેત્રવિજ્ઞાન સંસ્થા), કોલકાતાના સાપ્તાહિક કોર્નિયા ક્લિનિકમાં અમારી સાથે વાત કરી રહ્યા છે, જ્યાં તેઓ સારવાર માટે આવ્યા છે.
હું પ્રમિલા નસ્કર માટે સરળતાથી સહાનુભૂતિ અનુભવી શકતો હતો. એનું કારણ એ હતું કે એક ફોટોગ્રાફર તરીકે એક આંખની દૃષ્ટિ પણ ગુમાવવી એ ડરામણી સંભાવના છે. 2007 માં મને મારી ડાબી આંખમાં કોર્નિયલ અલ્સર થયું હતું અને હું અંધ બનવાને આરે પહોંચી ગયો હતો. તે સમયે હું વિદેશમાં રહેતો હતો અને સારવાર માટે મારે ભારત પાછા ફરવું પડ્યું હતું. સંપૂર્ણ દ્રષ્ટિ પાછી મેળવતા પહેલા દોઢ મહિના સુધી મેં એક ત્રાસદાયક પુનર્વસન પ્રક્રિયા સહન કરી હતી. અને તેમ છતાં સાજા થયાના દોઢ દાયકા પછી હજી પણ મને મનના કોઈ છાના ખૂણે અંધ થઈ જવાનો ડર સતાવ્યા કરે છે. હું મનોમન વિચાર્યા કરું છું કે એક ફોટોગ્રાફરને માટે તેની દૃષ્ટિ ગુમાવી દેવાનું કેટલું પીડાજનક હશે.
વૈશ્વિક સ્તરે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર "ઓછામાં ઓછા 2.2 અબજ લોકો નજીકની અથવા દૂરની દ્રષ્ટિની ક્ષતિ ધરાવે છે. આમાંના ઓછામાં ઓછા 1 અબજ - અથવા લગભગ અડધા - કેસોમાં કાં તો દ્રષ્ટિની ક્ષતિ અટકાવી શકાઈ હોત અથવા તો હજી સુધી તેને અટકાવવા માટે કોઈ પગલાં લેવાયા નથી...
વિશ્વભરમાં મોતિયા પછી અંધત્વનું બીજું સૌથી સામાન્ય કારણ કોર્નિયાના રોગો છે. કોર્નિયલ બ્લાઈન્ડનેસ (કોર્નિયાના રોગોને કારણે આવતા અંધત્વ) નું રોગચાળા-વિજ્ઞાન જટિલ છે. આંખમાં કંઈક સોજો આવ્યો હોય કે કોઈક પ્રકારનો ચેપ લાગ્યો હોય તો તે કોર્નિયા પરના ડાઘમાં (ફૂલામાં) પરિણમે છે, અને આખરે એ કાર્યાત્મક અંધત્વનું કારણ બને છે જેને કારણે વ્યક્તિને તેના રોજબરોજના કામ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વધુમાં કોર્નિયાના રોગનો દર દરેક દેશમાં જુદો જુદો હોય છે.





















