તોપોન મુર્મુ કહે છે, “ચાદોર બાદની કઠપૂતળીનો અમારા પૂર્વજો સાથે ગાઢ સંબંધ છે. જ્યારે હું આ કઠપૂતળીનો ખેલ કરું છું... ત્યારે હું મારી આસપાસ અમારા પૂર્વજોની હાજરી અનુભવું છું."
જાન્યુઆરી 2023 ની શરૂઆત છે, અને પશ્ચિમ બંગાળના બિરભૂમ જિલ્લાના ખોં જોનપુર ગામમાં આવેલા શોરપુકુરડાંગા કસ્બામાં બાંદના હાર્વેસ્ટ ફેસ્ટિવલ (લણણીનો ઉત્સવ) ઉજવાઈ રહ્યો છે. તોપોન સત્યાવીસ-અઠ્યાવીસ વર્ષના એક ખેડૂત છે અને પોતાના સાંથાલ આદિવાસી સમુદાયની સમૃદ્ધ પરંપરાઓ, ખાસ કરીને ચાદોર બાદની નામના કઠપૂતળીના મનમોહક ખેલ પ્રત્યે તેમને ખાસ લાગણી છે.
પારી સાથે વાત કરતી વખતે તોપોને ચમકીલા લાલ કાપડમાં લપેટેલું ગુંબજ આકારનું પાંજરું પકડેલું છે. તેમાં નાની-નાની, લાકડાની અસંખ્ય માનવ આકૃતિઓ - કઠપૂતળીઓ છે - જેને લીવર, વાંસની લાકડીઓ અને એક દોરડાની જટિલ પ્રણાલી દ્વારા કુશળતાપૂર્વક સંચાલિત કરવામાં આવશે.
તેઓ કહે છે, "મારા પગ તરફ જુઓ અને જુઓ હું આ ઢીંગલીઓને કેવી રીતે નચાવું છું." આ ખેડૂત પોતાની માતૃભાષા સાંથાલીમાં ગીત ગણગણવાનું શરૂ કરે છે ત્યારે તેમના મેલા-ઘેલા પગ ગીતના તાલે વેગ પકડે છે.
તોપોન કહે છે, “તમે ચાદોર બાદનીમાં જે જોઈ રહ્યા છો તે ઉત્સવ સંબંધિત નૃત્ય છે. આ કઠપૂતળીનો ખેલ એ અમારા ઉત્સવોનો એક ભાગ છે અને બાંદના [હાર્વેસ્ટ ફેસ્ટિવલ] માં, લગ્ન સમારંભમાં અને દુર્ગા પૂજા દરમિયાન [સાંથાલ આદિવાસીઓ દ્વારા ઉજવવામાં આવતા તહેવાર] દાસાંઈમાં રજૂ કરવામાં આવે છે."
તેઓ કઠપૂતળીઓ તરફ ઈશારો કરીને કહે છે, “આ વચ્ચે છે તે મોરોલ [ગામના વડા] છે. તેઓ તાળીઓ પાડે છે અને બોનોમ [લાકડાનું એક તારવાળું તંતુવાદ્ય] અને પરંપરાગત વાંસળી જેવા વાદ્યો વગાડે છે. ધામસા અને માદોલ [લાકડીથી/હાથથી ઠોકીને વગાડવાના આદિવાસી વાદ્યો] વગાડી રહેલા પુરુષોની સામે એક તરફ મહિલાઓ નૃત્ય કરે છે."
બાંદના (તે સોહરાઈ તરીકે પણ ઓળખાય છે) એ બિરભૂમના સાંથાલ આદિવાસીઓનો સૌથી મોટો લણણીનો તહેવાર છે, તે દરમિયાન વિવિધ પ્રકારની રજૂઆતો અને ઉજવણીઓ થાય છે.
આ ખેલની રજૂઆતમાં વપરાતી કઠપૂતળીઓ સામાન્ય રીતે વાંસ અથવા લાકડામાંથી બનેલી હોય છે અને તેની ઊંચાઈ લગભગ નવ ઈંચ હોય છે. તેમને ચંદરવા સાથેના નાના મંચ પર મૂકવામાં આવે છે. ચાદોર અથવા આવરણ મંચની નીચે રહેલ દોરીઓ, લીવર અને લાકડીઓને છુપાવી દે છે. કઠપૂતળીનો ખેલ રજૂ કરનાર દોરીઓ ખેંચીને લીવરને સક્રિય કરે છે પરિણામે કઠપૂતળીના હાથ-પગ હાલે છે.
સમુદાયના વડીલો કહે છે કે ચાદોર બાદની એ નામ કઠપૂતળીઓ જ્યાં મૂકવામાં આવે છે તે માળખાની આસપાસ બાંધવામાં આવતા (બોંધોન) કાપડના આવરણ (ચાદર/ચાદોર) પરથી આવ્યું છે.
તોપોનનો કઠપૂતળીનો ખેલ એક લાક્ષણિક સાંથાલી નૃત્ય દર્શાવે છે. એ દિવસે પછીથી અમે આ કઠપૂતળીના ખેલની પ્રેરણા જેના પરથી મળી છે એ વાસ્તવિક નૃત્ય જોયું
તોપોન કહે છે કે આ ખેલની રજૂઆત સાથે ગવાતા ગીતો ગામમાં માત્ર થોડા વૃદ્ધ લોકોને જ આવડે છે. મહિલાઓ પોતપોતાના ગામોમાં એ ગીતો ગાય છે, જ્યારે પુરુષો ચાદોર બાદની કઠપૂતળીઓ લઈને નજીકના વિસ્તારોમાં જાય છે. તેઓ કહે છે, “અમારામાંથી સાત કે આઠ લોકો ધામસા અને માદોલ જેવા વાદ્યો સાથે આ વિસ્તારના આદિવાસી ગામોમાં જાય છે. આ કઠપૂતળીના ખેલની રજૂઆત માટે ઘણા વાદ્યોની જરૂર પડે છે.”
તોપોન જાન્યુઆરીની શરૂઆતમાં 10 દિવસ સુધી ઉજવાતા અને જાન્યુઆરીની મધ્યમાં પૌસ સંક્રાંતિ પહેલા પૂરા થતા તહેવારની આ મોસમ દરમિયાન સમુદાયના મનોસ્થિતિનું વર્ણન પણ કરે છે.
તેઓ કહે છે, “બાંદનાની ઉજવણીનો સમય - એ એક આનંદનો પ્રસંગ છે જ્યારે અમારા ઘરો તાજા લણેલા ડાંગરથી ભરેલા હોય છે. આ તહેવારો સાથે અનેક ધાર્મિક વિધિઓ જોડાયેલી છે. દરેક જણ નવા કપડાં પહેરે છે."
પથ્થરો અને વૃક્ષો સાંથાલ આદિવાસીઓના પૂર્વજોના પ્રતીક છે. સાંથાલ આદિવાસીઓ તેમને આહુતિ આપે છે. તેઓ કહે છે, “ખાસ ખોરાક બનાવવામાં આવે છે; તાજા લણેલા ચોખામાંથી અમે અમારો પરંપરાગત દારૂ હેન્રિયા બનાવીએ છીએ; અમે રિવાજ પ્રમાણેના શિકાર માટે જઈએ છીએ અને અમારા ઘરો સાફ કરીને શણગારીએ છીએ. અમે અમારા ખેતીના ઓજારોની મરામત કરીએ છીએ અને તેમને ધોઈએ છીએ. અમે અમારા ગાય અને બળદની પૂજા કરીએ છીએ.”
આ મોસમ દરમિયાન આખા સમુદાયના બધા જ લોકો એકઠા થાય છે અને ગામમાં સારો પાક થાય એવા આશીર્વાદ માટે પૂર્વજોના પ્રતીકરૂપ પથ્થરો અને વૃક્ષોની પ્રાર્થના કરે છે. તોપોન કહે છે, “[અમને] ટકી રહેવામાં જે મદદ કરે છે તે બધું જ પવિત્ર છે અને આ પરબ [ઉત્સવ] દરમિયાન એ બધાની પૂજા કરવામાં આવે છે." સાંજના સમયે આ સમુદાય ગામની વચ્ચે આવેલા માઝીર થાન (તેમના પૂર્વજોની પવિત્ર બેઠક) ખાતે ભેગા થાય છે. તેઓ ઉમેરે છે, "પુરુષો, મહિલાઓ, છોકરાઓ અને છોકરીઓ, નાના બાળકો અને વડીલો બધા જ ભાગ લે છે."
તપનનો કઠપૂતળીનો ખેલ, આ ખેલ એક લાક્ષણિક સાંથાલી નૃત્યનું નિરૂપણ કરે છે, એ તો માત્ર એક ઝલક છે. એ દિવસે પછીથી તેઓ અમને આ ખેલની પાછળની પ્રેરણા જેના પરથી મળી છે એ - વાસ્તવિક નૃત્ય - જોવા માટે આમંત્રે છે.
રંગબેરંગી વસ્ત્રો, પાઘડીઓ અને ફૂલોથી સજાવેલી લાકડાની કઠપૂતળીઓનું સ્થાન અહીં પરંપરાગત સાંથાલી પોશાકમાં સજ્જ જીવતા-જાગતા, શ્વાસ લેતા, ડોલતા માણસો લે છે. પુરુષો તેમના માથા પર પાગડી પહેરે છે જ્યારે મહિલાઓ તેમના વાળના અંબોડામાં તાજા ફૂલો નાખે છે. ધામસા અને માદોલના તાલે ડોલતા નર્તકો એ સાંજને અનોખા ઉત્સાહથી ભરી દે છે.
સમુદાયના વડીલો કઠપૂતળીઓ વિશે પેઢીઓથી ચાલી આવતી એક દંતકથા કહે છે. વાર્તા કંઈક આવી છે: એક નૃત્ય ગુરુએ એકવાર ગામના વડાને પોતાની સાથે નજીકના વિસ્તારોમાં નૃત્યની રજૂઆત કરી શકે એવા નર્તકોને ભેગા કરવા કહ્યું. સાંથાલ કુળના પુરુષોએ તેમની વહુઓ અને દીકરીઓને મોકલવાની ના પાડી પરંતુ તેઓ વાજિંત્રો વગાડવા માટે સંમત થયા. બીજો કોઈ રસ્તો ન હોઈ નછૂટકે ગુરુએ મહિલાઓના ચહેરા યાદ રાખીને તેમને આ ચાદોર બાદની ઢીંગલીઓ પર કોતર્યા.
તોપોન કહે છે, “આજકાલ મારી પેઢીના લોકો અમારી જીવનશૈલીથી સાવ અજાણ છે. તેઓ આ કઠપૂતળીના ખેલ, ખોવાયેલા ડાંગરના બીજ, સુશોભન કલા, વાર્તાઓ કે ગીતો વિગેરે વિશે ખાસ કંઈ જાણતા નથી."
ઉત્સવના ઉત્સાહને ઓછો કરી દે તેવું કંઈ વધુ ન કહેવાની કાળજી રાખતા તેઓ ઉમેરે છે, “મુદ્દો આ [પરંપરાઓને] જાળવવાનો છે. મારાથી જે કંઈ થઈ શકે એમ છે એ હું કરી રહ્યો છું."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક