સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવાની બબલુ કૈબ્રતાની આ બીજી તક છે.
છેલ્લી ચૂંટણીમાં જ્યારે બબલુ પ્રથમ વખત મત આપવા ગયા ત્યારે અધિકારીઓએ તેમને જવા દીધા હતા. તેમણે કોઈ પણ કતારમાં રાહ નહોતી જોવી પડી. પરંતુ એક વાર તેઓ પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના પલ્મા ગામમાં મતદાન મથકમાં ગયા ત્યારે બબલુને મત કેવી રીતે આપવો તે અંગે વધુ ખાતરી નહોતી.
24 વર્ષીય બબલુ દિવ્યચક્ષુ વ્યક્તિ છે અને 2019ની સામાન્ય ચૂંટણીમાં મતદાન મથક તરીકે સેવા આપતી સ્થાનિક પ્રાથમિક શાળામાં બ્રેઇલ બૅલેટ પેપર અથવા બ્રેઇલ ઇ.વી.એમ. (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન) ની કોઈ જોગવાઈ નહોતી.
બીજા વર્ષના સ્નાતકના વિદ્યાર્થી બબલુ પૂછે છે, “મને શું કરવું તે સમજાતું નહોતું. જો મને મદદ કરનાર વ્યક્તિ ચૂંટણીના પ્રતીકો વિશે ખોટું બોલે તો?” જો વ્યક્તિ સાચું બોલે તો પણ, તેઓ દલીલ કરે છે કે, ગુપ્ત મતદાનના તેમના લોકશાહી અધિકારનું ઉલ્લંઘન તો થશે જ ને. સહેજ ગભરાતાં, બબલુએ તેમને નિર્દેશિત કરાયેલું બટન દબાવ્યું અને બહાર આવ્યા પછી તેની ચકાસણી કરી. તેઓ કહે છે, “સદ્ભાગ્યે, તે વ્યક્તિ સાચું બોલી હતી.”
ભારતીય ચૂંટણી પંચે પીડબ્લ્યુડી-ફ્રેન્ડલી (દિવ્યાંગ વ્યક્તિઓ) ના બૂથ માટે બ્રેઇલ બૅલેટ અને ઇવીએમનો ઉપયોગ કરવાનું સ્પષ્ટપણે કહ્યું છે. કોલકાતા સ્થિત શ્રુતિ ડિસેબિલિટી રાઇટ્સ સેન્ટરનાં ડિરેક્ટર શમ્પા સેનગુપ્તા કહે છે, “કાગળ પર તો ઘણી જોગવાઈઓ છે, પરંતુ અમલીકરણ નબળું છે.”
સામાન્ય ચૂંટણીઓ ફરી નજીક આવી રહી છે, પરંતુ 2024ની સામાન્ય ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં તેમણે મતદાન કરવા માટે ઘરે જવું કે કેમ તે અંગે બબલુ દ્વિધામાં છે. બબલુ પુરુલિયામાં મતદાર તરીકે નોંધાયેલા છે, જ્યાં 25 મેના રોજ મતદાન થવાનું છે.
તેમના જેવી દિવ્યાંગ વ્યક્તિઓ માટે સુવિધાઓનો અભાવ જ તેમની અનિશ્ચિતતા પાછળનું એકમાત્ર કારણ નથી. જ્યાં તેઓ હવે તેમની યુનિવર્સિટી હોસ્ટેલમાં રહે છે તે કોલકાતાથી પુરુલિયા જવા માટે છથી સાત કલાકની ટ્રેનની મુસાફરી કરવી પડે છે.
બબલુ કહે છે, “મારે પૈસા વિશે પણ વિચારવું પડે છે. મારે મારી ટિકિટ અને સ્ટેશનનું બસ ભાડું પણ ચૂકવવાનું હોય છે.” ભારતમાં 2.68 કરોડ દિવ્યાંગ વ્યક્તિઓ છે, જેમાંથી 1 કરોડ 80 લાખથી વધુ વ્યક્તિઓ ગ્રામીણ વિસ્તારોમાંથી છે અને 19 ટકા દિવ્યાંગોને દૃષ્ટિ સંબંધિત સમસ્યા છે (વસ્તી ગણતરી 2011 અનુસાર). શમ્પા કહે છે કે અમલીકરણ, જ્યારે જ્યારે પણ તે થયું છે, ત્યારે તે મોટાભાગે શહેરી વિસ્તારો સુધી જ મર્યાદિત રહ્યું છે, અને ઉમેરે છે, “આ પ્રકારની જાગૃતિ ત્યારે જ શક્ય છે જ્યારે ચૂંટણી પંચ પહેલ કરે અને તેમાંથી એક માધ્યમ રેડિયો હોવું જોઈએ.”
કોલકાતાની જાદવપુર યુનિવર્સિટીમાં સેન્ટર ફોર પર્સન્સ વિથ ડિસેબિલિટીઝમાં આ પત્રકારે તેમની સાથે વાત કરી ત્યારે બબલુ કહે છે, “કોને મત આપવો તે અંગે હું અવઢવમાં છું.”
બબલુ ફરિયાદ કરે છે, “હું કદાચ એક વ્યક્તિને મત આપું, એમ વિચારીને કે તેમનો પક્ષ અથવા તેમના નેતાઓ સારું કામ કરી રહ્યા છે. પણ ચૂંટણી પછી તો શક્ય છે કે તેઓ બીજી બાજુ જોડાઈ જાય.” છેલ્લા કેટલાક વર્ષોમાં, અને ખાસ કરીને 2021ની રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલાં, પશ્ચિમ બંગાળમાં સંખ્યાબંધ રાજકારણીઓ ઘણીવાર પક્ષ બદલતા જોવા મળ્યા છે.
*****
બબલુ શાળા અથવા કોલેજના શિક્ષક બનવા માંગે છે − એક એવી સરકારી નોકરી કરવા માંગે છે જે સ્થિર આવક પૂરી પાડી શકે.
આ રાજ્યનું સ્કૂલ સર્વિસ કમિશન (SSC) તમામ ખોટા કારણોસર સમાચારોમાં રહ્યું છે. રાજ્યના ઉચ્ચતર માધ્યમિક પરિષદના ભૂતપૂર્વ પ્રોફેસર અને પ્રમુખ ગોપા દત્તા કહે છે, “આ પંચ [યુવાનો માટે] રોજગારનો એક મોટો સ્રોત હતો. આનું કારણ એ છે કે દરેક જગ્યાએ શાળાઓ છે — ગામડાઓ અને નાના નગરોમાં અને મોટા શહેરમાં. શાળાના શિક્ષક બનવું એ ઘણા લોકો માટે એક આકાંક્ષા હતી.”
છેલ્લા સાત-આઠ વર્ષમાં ભરતી પ્રક્રિયા તપાસ હેઠળ આવી છે. એક એપાર્ટમેન્ટમાં નોટોના બંડલ મળી આવ્યા છે, મંત્રીઓ જેલમાં ગયા છે, ઉમેદવારો નિષ્પક્ષ અને પારદર્શક પ્રક્રિયાની માંગ સાથે મહિનાઓ સુધી શાંતિપૂર્ણ ધરણા પર બેઠા છે અને તાજેતરમાં જ કલકત્તા હાઈકોર્ટે 25,000થી વધુ વ્યક્તિઓની ભરતીને રદ કરી છે. આ આદેશને ભારતની સર્વોચ્ચ અદાલતે એ ચેતવણી સાથે સમર્થન આપ્યું હતું કે લાયક ઉમેદવારોની નોકરીઓ જળવાવી જોઈએ.
બબલુ પરિસ્થિતિનો ઉલ્લેખ કરતાં કહે છે, “મને ડર લાગે છે. મેં સાંભળ્યું છે કે તેમાં 104 દિવ્યચક્ષુ ઉમેદવાર હતા. કદાચ તેઓ લાયક હતા. શું કોઈ તેમના વિશે વિચારે છે?”
માત્ર SSC ભરતીના કિસ્સામાં જ નહીં, બબલુને લાગે છે કે સત્તાવાળાઓ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓની જરૂરિયાતોની મોટાભાગે અવગણના જ કરવામાં આવી છે. તેઓ કહે છે, “પશ્ચિમ બંગાળમાં દિવ્યચક્ષુ વ્યક્તિઓ માટે પૂરતી શાળાઓ નથી. અમારે મજબૂત આધાર બનાવવા માટે વિશેષ શાળાઓની જરૂર છે.” વિકલ્પોના અભાવને કારણે તેમણે પોતાનું ઘર છોડવું પડ્યું હતું, અને તેઓ ઇચ્છતા હતા તેમ છતાં, જ્યારે કોલેજ પસંદ કરવાનો સમય આવ્યો ત્યારે તેઓ પરત ફરી શક્યા ન હતા. “મેં ક્યારેય કોઈ સરકારને એમ કહેતા નથી સાંભળી કે તે દિવ્યાંગ લોકોના હિતમાં વિચારી રહી છે.”
પરંતુ બબલુ સકારાત્મક રહે છે. “મારે નોકરી શોધવાનું શરૂ કરવું પડે તે પહેલાં થોડા વર્ષો બાકી છે. હું આશા રાખું છું કે [ત્યાં સુધીમાં] પરિસ્થિતિમાં સુધારો આવશે.”
બબલુ 18 વર્ષના થયા ત્યારથી તેમના પરિવારનો એકમાત્ર કમાણી કરનાર સભ્ય છે. તેમનાં બહેન બુનુરાની કૈબર્તા કલકત્તા બ્લાઇન્ડ સ્કૂલમાં નવમા ધોરણનાં વિદ્યાર્થીની છે. તેમનાં માતા સોંધ્યા પલ્મામાં રહે છે. આ પરિવાર કૈબર્તા સમુદાય (રાજ્યમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ) નો છે, જેનો પરંપરાગત વ્યવસાય માછીમારી છે. બબલુના પિતા માછલી પકડતા અને વેચતા હતા, પરંતુ તેમણે જે થોડી ઘણી બચત કરી હતી તે તેમને કેન્સર હોવાનું નિદાન થયા પછી તેમની સારવાર પર ખર્ચ કરવામાં આવી હતી.
2012માં તેમના પિતાનું અવસાન થયા પછી, બબલુનાં માતા થોડા વર્ષો સુધી બહાર કામ કરતાં હતાં. બબલુ કહે છે, “તે શાકભાજી વેચતાં હતાં.” પરંતુ હવે, 50 વર્ષીય તેમનાં માતા, વધુ શારીરિક મહેનત નથી કરી શકતાં. સોંધ્યા કૈબર્તાને દર મહિને 1,000 રૂપિયાનું વિધવા પેન્શન મળે છે. બબલુ કહે છે, “તેમને ગયા વર્ષે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં તે મળવાનું શરૂ થયું હતું.”
‘મેં ક્યારેય કોઈ સરકારને એમ કહેતા નથી સાંભળી કે તે દિવ્યાંગ લોકોના હિતમાં વિચારી રહી છે’
તેમની પોતાની આવકનો સ્રોત પુરુલિયામાં ટ્યુશન કરાવવાનો અને સ્થાનિક સ્ટુડિયો માટે સંગીત રચવાનો છે. તેમને પણ માનબિક પેન્શન યોજના હેઠળ દર મહિને 1,000 રૂપિયા મળે ખે. પ્રશિક્ષિત ગાયક એવા બબલુ વાંસળી અને સિન્થેસાઇઝર પણ વગાડે છે. બબલુ કહે છે કે તેમના ઘરમાં હંમેશાંથી સંગીતની સંસ્કૃતિ રહી છે. “મારા ઠાકુરદા [દાદા], રવિ કૈબર્ત, પુરુલિયાના જાણીતા લોક કલાકાર હતા. તેઓ વાંસળી વગાડતા હતા.” બબલુનો જન્મ થયો તેના ઘણા સમય પહેલાં તેમનું અવસાન થયું હોવા છતાં, તેમના પૌત્રને લાગે છે કે તેમને સંગીત પ્રત્યેનો તેમનો પ્રેમ વારસામાં મળ્યો હશે. “મારા પિતા આવું જ કહેતા હતા.”
બબલુ પુરુલિયામાં જ રહેતા હતા ત્યારે તેમણે સૌપ્રથમ વાર ઘરે રેડિયો પર વાંસળી સાંભળી હતી. “હું બાંગ્લાદેશના ખુલના સ્ટેશનથી પ્રસારિત થતા સમાચાર સાંભળતો અને તે શરૂ થાય તે પહેલાં તેઓ પ્રસ્તાવનારૂપી વાંસળી વગાડતા. મેં મારી માતાને પૂછ્યું કે તે શેનું સંગીત છે.” જ્યારે તેમણે કહ્યું કે તે વાંસળી છે, ત્યારે બબલુ મૂંઝવણમાં મુકાઈ ગયા. તેમણે ફક્ત ભ્નેપુ જ જોયું હતું, જે મોટો અવાજ કરતી વાંસળીનો એક પ્રકાર હતો, અને જેનાથી તેઓ બાળપણમાં રમતા હતા. થોડા અઠવાડિયા પછી, તેમનાં માતાએ તેમને સ્થાનિક મેળામાંથી 20 રૂપિયામાં વાંસળી ખરીદી આપી. પરંતુ તેને કેવી રીતે વગાડવી તે શીખવનાર કોઈ નહોતું.
પુરુલિયાની બ્લાઇન્ડ સ્કૂલમાં થયેલા એક કપરા અનુભવને કારણે બબલુએ ભણવાનું છોડી દીધું અને બે વર્ષ સુધી ઘરે જ રોકાયા. પછી, 2011માં, તેઓ કોલકાતાની સરહદે નરેન્દ્રપુરમાં આવેલી બ્લાઇન્ડ બોય્ઝ એકેડમીમાં જોડાયા હતા. બબલુ કહે છે, “એક રાત્રે કંઈક એવું થયું જેનાથી હું ડરી ગયો હતો. શાળામાં માળખાગત સુવિધાઓ ખૂબ જ નબળી હતી અને રાત્રે વિદ્યાર્થીઓ એકલા જ રહેતા હતા. તે ઘટના પછી, મેં મારાં માતાપિતાને કહ્યું કે મને ઘરે લઈ જાય.”
તેમની નવી શાળામાં, બબલુને સંગીત વગાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેઓ વાંસળી અને સિન્થેસાઇઝર બંને વગાડવાનું શીખ્યા હતા અને શાળાની સંગીત મંડળીનો એક ભાગ હતા. હવે, તેઓ ઘણી વાર પુરુલિયાના કલાકારો દ્વારા ગવાયેલા ગીતો વચ્ચે વચ્ચે મનોરંજક પ્રસ્તુતિઓ રેકોર્ડ કરવા ઉપરાંત, પ્રસંગોએ પ્રદર્શન પણ કરે છે. દરેક સ્ટુડિયો રેકોર્ડિંગ માટે તેમને 500 રૂપિયા આપવામાં આવે છે. પરંતુ બબલુ કહે છે કે, તે આવકનો સ્થિર સ્રોત નથી.
તેઓ કહે છે, “હું સંગીતમાં કારકિર્દી બનાવી શકતો નથી. મારી પાસે તેને સમર્પિત કરવા માટે પૂરતો સમય નથી. અમારી પાસે પૈસા ન હોવાથી હું પૂરતું શીખી પણ નથી શક્યો. હવે, પરિવારની સંભાળ રાખવાની જવાબદારી મારી છે.”
અનુવાદક: ફૈઝ મોહંમદ