1947 ના લોહિયાળ ભાગલા દ્વારા એક અખંડ દેશ બે દેશોમાં વિભાજિત થઈ ગયો. આ બે દેશો વચ્ચેની સરહદને ચિહ્નિત કરતી રેડક્લિફ લાઈન પંજાબને પણ બે ટુકડામાં વહેંચી દે છે. સીમા કમિશનના અધ્યક્ષ તરીકે ફરજ બજાવતા બ્રિટિશ વકીલના નામ પરથી જેનું નામ અપાયું છે તેવી આ સીમારેખા - રેડક્લિફ લાઈન પંજાબને ભૌગોલિક રીતે તો વહેંચે જ છે પણ પંજાબી ભાષાની બે લિપિઓને પણ વહેંચે છે. રાજ્યના લુધિયાણા જિલ્લાના પાયલ તહેસીલમાં આવેલા કટહરી ગામના કિરપાલ સિંહ પન્નુએ જણાવ્યું હતું કે, “દેશનું વિભાજન પંજાબી ભાષા સાહિત્ય અને પંજાબી ભાષાની બે લિપિઓ પર એક દૂઝતો ઘા છોડી ગયું છે."
પન્નુ 90 વર્ષના ભૂતપૂર્વ સૈનિક છે, તેમણે પોતાના જીવનના ત્રણ દાયકા ભાગલાના આ ઘાને રુઝાવવા માટે સમર્પિત કર્યા છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) ના નિવૃત્ત ડેપ્યુટી કમાન્ડન્ટ પન્નુએ ગુરુ ગ્રંથ સાહિબ, (પંજાબના સૌથી આદરણીય જ્ઞાનકોશમાંના એક) મહાન કોશ જેવા ગ્રંથો અને પવિત્ર પુસ્તકોને અને બીજી સાહિત્યિક કૃતિઓને ગુરમુખીમાંથી શાહમુખીમાં લિપ્યાંતરિત કરી છે. એ જ રીતે તેમણે શાહમુખીમાં ઉપલબ્ધ સાહિત્યને લિપ્યાંતરિત કરીને ગુરમુખીમાં ઉપલબ્ધ કરાવી આપ્યું છે.
ઉર્દૂની જેમ જમણેથી ડાબે લખાતી શાહમુખી ભારતીય પંજાબમાં 1947 થી ઉપયોગમાં લેવાતી નથી. 1995-1996 માં પન્નુએ એક કોમ્પ્યુટર પ્રોગ્રામ વિકસાવ્યો અને તેની મદદથી ગુરુ ગ્રંથ સાહિબના લખાણને ગુરમુખીમાંથી શાહમુખીમાં અને શાહમુખીમાંથી ગુરમુખીમાં લિપ્યાંતરિત કર્યું.
વિભાજન પહેલા ઉર્દૂ બોલનારાઓ પણ શાહમુખીમાં લખાયેલ પંજાબી વાંચી શકતા. પાકિસ્તાનની રચના પહેલા મોટાભાગની સાહિત્યિક કૃતિઓ અને કોર્ટના સત્તાવાર દસ્તાવેજો શાહમુખીમાં હતા. અગાઉના અવિભાજિત (પંજાબ) પ્રાંતના કથાકથનના પરંપરાગત કલાસ્વરૂપ, કિસ્સામાં પણ માત્ર શાહમુખીનો જ ઉપયોગ થતો હતો.
ડાબેથી જમણે લખાતી અને દેવનાગરી લિપિ સાથે થોડી સામ્યતા ધરાવતી ગુરમુખી પાકિસ્તાનના પંજાબમાં ઉપયોગમાં લેવાતી નથી. પરિણામે ગુરમુખી વાંચી ન શકતી પંજાબી-ભાષી પાકિસ્તાનીઓની અનુગામી પેઢીઓ તેમના સાહિત્યથી વંચિત રહી. અવિભાજિત પંજાબની મહાન સાહિત્યિક કૃતિઓ પણ શાહમુખી લિપિમાં ઉપલબ્ઘ હોય તો જ તેઓ તે વાંચી શકે છે.













