"હું લગભગ 450 પક્ષીઓના અવાજો ઓળખી શકું છું."
મિકા રાય માટે તે એક મહત્વપૂર્ણ કૌશલ્ય છે. જંગલમાં ફોટોગ્રાફર તરીકે, દુર્લભ પક્ષીઓ અને પ્રાણીઓના ફોટા લેવા એ રાહ જોવાની રમત છે, અને એક એવી રમત જેમાં અવાજો ઓળખવાથી ઘણો બધો ફરક પડી શકે છે.
છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન મિકાએ પાંખાળાં જીવોથી માંડીને રૂંવાંવાળાં સસ્તન પ્રાણીઓ સુધી, આશરે 300 વિવિધ પ્રજાતિઓના ફોટા લીધા છે. તે એક સૌથી મુશ્કેલ ફોટો લીધાનું યાદ કરે છે, એક પક્ષીનો - બ્લાઇથ્સ ટ્રેગોપેન (ટ્રેગોપેન બ્લિથિ) નો, જે જોવા મળવું ખૂબ જ દુર્લભ છે.
ઓક્ટોબર 2020 ની વાત છે અને મિકાએ સિગ્મા 150mm-600mm ટેલિફોટો ઝૂમ લેન્સ મેળવ્યો હતો. આ શક્તિશાળી લેન્સ વડે તેઓ ટ્રેગોપેનનો ફોટો પાડવા માટે કૃતનિશ્ચયી હતા. તેમણે એ પક્ષીના અવાજનો પીછો કર્યો, સતત, થાક્યા વિના. "કાફી દિન સે આવાઝ તો સુનાઈ દે રહા થા [ઘણા દિવસોથી મને એનો અવાજ તો સંભળાતો હતો]." મહિનાઓ સુધીની (પક્ષીના અવાજનો સતત પીછો કરવાની) આ કવાયત પછી પણ તેઓ એ પક્ષીનો એક પણ ફોટો લઈ શક્યા નહોતા.
છેવટે મે 2021 માં ફરી એકવાર મિકા અરુણાચલ પ્રદેશમાં ઈગલનેસ્ટ વન્યજીવ અભયારણ્ય (વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરી) ના ગાઢ જંગલોમાં બ્લાઇથ્સ ટ્રેગોપેનના અવાજને અનુસરી રહ્યા હતા ત્યારે ભાગ્યે જ જોવા મળતું આ પક્ષી સ્પષ્ટ દૃશ્યમાં આવ્યું. તેઓ તેમના નિકોન ડી7200 પર તેમના સિગ્મા 150mm-600mm ટેલિફોટો ઝૂમ લેન્સ સાથે તૈયાર જ હતા. પરંતુ તેઓ એટલા તો ઉત્તેજિત હતા કે તેઓ સારો ફોટો લઈ શક્યા નહીં. તેઓ યાદ કરે છે, “મને એક અસ્પષ્ટ ફોટો મળ્યો. એ કોઈ કામનો નહોતો."
બે વર્ષ પછી પશ્ચિમ કામેંગમાં બોમ્પુ કેમ્પની નજીક હજી પણ ભાગ્યે જ જોવા મળતું, પીઠ પર નાના સફેદ ટપકાં સાથેનું ચમકીલા કાટ જેવા રાખોડી રંગનું એ પક્ષી જોવામાં આવ્યું, તે પાંદડા દ્વારા આંશિક રીતે ઢંકાયેલું હતું. આ વખતે મિકા ચૂક્યા નહીં. એક પછી એક ઉપરાઉપરી ઝડપભેર લીધેલા 30-40 ફોટાના એક બર્સ્ટમાં તેઓ 1-2 સારા ફોટા મેળવવામાં સફળ રહ્યા. તેમાંનો એક ફોટો સૌથી પહેલા પારી પર, અગમના એંધાણ આપતા અરુણાચલના અબોલ જીવો માં પ્રકાશિત થયો હતો.
મિકા સ્થાનિક લોકોની એક ટીમનો ભાગ છે જેઓ બેંગલુરુ સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ (આઈઆઈએસસી) ના વૈજ્ઞાનિકોને અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કમેંગ જિલ્લાના પૂર્વીય હિમાલયના પર્વતોમાં પક્ષીઓ પર આબોહવા પરિવર્તનની અસરના અભ્યાસમાં મદદ કરે છે.
પક્ષીવિદ્ ડો. ઉમેશ શ્રીનિવાસન કહે છે, "મિકા જેવા લોકો જ અમે ઈગલનેસ્ટમાં જે કામ કરીએ છીએ તેની પાછળનો મુખ્ય આધાર છે. ક્ષેત્રમાં કામ કરીને અમારે જે પ્રકારની માહિતીની જરૂર છે તે એકઠી કરવાનું [તેમના વિના] શક્ય નહોતું."
પક્ષીઓ બાબતે મિકાનો ઉત્સાહ માત્ર વૈજ્ઞાનિક માહિતી સાથે અટકતો નથી. તેઓ બ્લેસિંગ બર્ડ વિશેની એક નેપાળી વાર્તા કહે છે. “સાવકી માતાની ક્રૂરતાથી ત્રાસી ગયેલ એક માણસ જંગલમાં આશ્રય લે છે અને જંગલી કેળામાંથી ભરણપોષણ મેળવે છે અને એક પક્ષીમાં રૂપાંતરિત થાય છે. આ રંગીન નિશાચર જીવ નેપાળી પરંપરામાં મનુષ્યો અને કુદરતી વિશ્વ વચ્ચેના મજબૂત અને રહસ્યમય સંબંધનું પ્રતીક છે.” મિકા કહે છે કે આ પક્ષી એ બીજું કોઈ નહીં પરંતુ ભાગ્યે જ જોવા મળતું માઉન્ટેન સ્કોપ્સ આઉલ છે, જેને ઘણા લોકો બ્લેસિંગ બર્ડનું મૂર્તરૂપ માને છે. એની વિરલતા એ આ વાર્તાનો રહસ્યમય સાર છે.
આ જંગલમાં પક્ષીઓનો પીછો કરતી વખતે, મિકા અને બીજા લોકોનો ચોપગાં જીવો સાથે પણ નજીકથી ભેટો થયો છે, ખાસ કરીને વિશ્વની સૌથી મોટી, સૌથી ઊંચી અને વજનદાર બોવાઇન પ્રજાતિ, જંગલી ગૌર (બોસ ગૌરસ), ઈન્ડિયન બાઇસન સાથે.
મિકા અને બે મિત્રો રાતના વરસાદ પછી રસ્તા પરથી કાટમાળ દૂર કરવા આવ્યા હતા. ત્રણેએ જોરાવર બાઇસનને માત્ર 20 મીટર દૂર જોયો. "મેં મોટેથી બૂમ પાડી અને મિથુન [ગૌર] પૂરપાટ ઝડપે અમારી તરફ દોડવા લાગ્યો!" ગૌરે પીછો કરતા તેમના મિત્ર ગાંડાની માફક જેમ તેમ કરીને ઝાડ ઉપર કેવી રીતે ચડી ગયા હતા એ વાતનું વિગતવાર વર્ણન કરતા મિકા હસે છે; તેઓ અને તેમના બીજા એક મિત્ર છટકી જઈને સલામત સ્થળે પહોંચી ગયા હતા.
તેઓ કહે છે કે ઈગલનેસ્ટના જંગલોમાં તેમનું મનપસંદ પ્રાણી મધ્યમ કદની જંગલી બિલાડી છે જેને એશિયન ગોલ્ડન કેટ (કેટોપ્યુમા ટેમિન્કી) કહેવાય છે, જે ઈગલનેસ્ટના જંગલોમાં જોવા મળે છે. તેમણે બોમ્પુ કેમ્પમાં પાછા ફરતી વખતે સંધ્યા ટાણે આ બિલાડી જોઈ હતી. તેઓ ખુશીથી કહે છે, "મારી પાસે કેમેરા હતો [નિકોન ડી7200] અને હું ફોટો લઈ શક્યો હતો. પરંતુ મેં તેને ફરી ક્યારેય જોઈ નથી."
*****
મિકાનો જન્મ પશ્ચિમ કમેંગના દિરાંગમાં થયો હતો અને તેઓ તેમના પરિવાર સાથે એ જ જિલ્લાના રામલિંગમ ગામમાં સ્થળાંતરિત થયા હતા. 29 વર્ષના મિકા કહે છે, “બધા મને મિકા રાય કહે છે. ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર મારું નામ મિકા રાય છે. દસ્તાવેજોમાં 'શંભુ રાય' છે." તેમણે 5 મા ધોરણ પછી શાળા છોડી દીધી હતી કારણ કે, "પૈસાની સમસ્યા હતી અને મારા નાના ભાઈ-બહેનોને પણ ભણવાનું હતું."
પછીના કેટલાક વર્ષો સખત મહેનતના નાના-મોટા કામોમાં પસાર થઈ ગયા - દિરાંગમાં રસ્તાનું બાંધકામ અને ઈગલનેસ્ટ અભયારણ્યમાં બોમ્પુ કેમ્પમાં અને લામા કેમ્પમાં - સિંગચુંગ બુગુન વિલેજ કમ્યુનિટી રિઝર્વ (એસબીવીસીઆર) માં રસોડામાં કર્મચારી તરીકેનું કામ.
આખરે કિશોરાવસ્થામાં મિકા રામલિંગમ પાછા ફર્યા હતા. "હું મારા માતાપિતા સાથે ઘેર હતો અને તેમને ખેતરોમાં મદદ કરતો હતો." તેમનો પરિવાર નેપાળી મૂળનો છે અને બગુન સમુદાય પાસેથી ગણોતપટે લીધેલી 4-5 વીઘા જમીન પર તેઓ કોબી અને બટાટા ઉગાડે છે, ચાર કલાકની સડક મુસાફરી કરીને આસામના તેઝપુર જઈને એ ઉપજ વેચે છે.
બેંગલુરુમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ (આઈઆઈએસસી) ના સેન્ટર ફોર ઇકોલોજીકલ સાયન્સમાં પક્ષીવિદ્ અને ઇકોલોજીના સહાયક પ્રાધ્યાપક, ડો. ઉમેશ શ્રીનિવાસન જ્યારે પક્ષીઓ પર આબોહવા પરિવર્તનની અસરોનો અભ્યાસ કરવા માટે રામલિંગમ આવ્યા ત્યારે તેમણે ક્ષેત્રીય કર્મચારી (ફિલ્ડ સ્ટાફ) તરીકે કામ કરવા તૈયાર હોય એવા 2-3 યુવાન છોકરાઓને માટે આસપાસમાં પૂછ્યું. સ્થાયી આવક મેળવવાની તક જોઈ મિકાએ તરત ઝંપલાવ્યું. જાન્યુઆરી 2011માં 16 વર્ષના મિકાએ શ્રીનિવાસનની ટીમ સાથે ક્ષેત્રીય કર્મચારી તરીકે કામ કરવાનું શરૂ કર્યું.
તેઓ ખુશીથી સ્વીકારે છે કે તેમનું વાસ્તવિક શિક્ષણ અરુણાચલ પ્રદેશના જંગલોમાં શરૂ થયું હતું. તેઓ કહે છે, "હું પશ્ચિમ કમેંગ જિલ્લામાં પક્ષીઓના અવાજને ખૂબ [સરળતાથી] ઓળખું છું." તેમનું મનગમતું પક્ષી "સિક્કિમ વેજ-બિલ્ડ બેબલર" છે. એ પક્ષીની અનોખી ચાંચ અને તેની આંખો સફેદ રંગથી ઘેરાયેલી હોવાનો ઉલ્લેખ કરીને તેઓ ઉમેરે છે, "તે દેખાવમાં ખાસ જોવા જેવું નથી પણ મને તેની શૈલી ગમે છે." આ એક દુર્લભ પક્ષી છે, તે માત્ર થોડા ગણ્યાગાંઠ્યા સ્થળોએ જ જોવા મળે છે - અહીં અરુણાચલ પ્રદેશ, દૂર પૂર્વીય નેપાળ, સિક્કિમ અને પૂર્વીય ભૂતાનમાં.
મિકા કહે છે, “તાજેતરમાં મેં 2000 મીટરથી વધુ ઊંચાઈ પર વ્હાઈટ-રમ્પ્ડ શમા [કોપ્સાયકસ માલાબેરિકસ] નો ફોટો લીધો હતો. આ એક નવાઈ પમાડે એવી વાત છે કારણ કે આ પક્ષી સામાન્ય રીતે 900 મીટર અને તેનાથી ઓછી ઊંચાઈ પર રહે છે. ગરમીને કારણે આ પક્ષી તેનું સ્થાન બદલી રહ્યું છે."
વૈજ્ઞાનિક શ્રીનિવાસન કહે છે, “પૂર્વીય હિમાલય પૃથ્વી પરનો બીજો સૌથી વધુ જૈવવિવિધતા ધરાવતો વિસ્તાર છે અને અહીં જોવા મળતી ઘણી પ્રજાતિઓ તાપમાન પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. તેથી અહીં જોવા મળતું આબોહવા પરિવર્તન પૃથ્વીની પ્રજાતિઓના નોંધપાત્ર ભાગને જોખમમાં મૂકવાની ક્ષમતા ધરાવે છે.” તેઓ કહે છે કે તેમનું કામ દર્શાવે છે કે અમુક ચોક્કસ ઊંચાઈ પર રહેતા નિવાસી પક્ષીઓ હવે ધીમે ધીમે (પહેલા કરતા) વધુ ઊંચાઈએ રહેવા જઈ રહ્યા છે. વાંચો: અગમના એંધાણ આપતા અરુણાચલના અબોલ જીવો .
મિકા તેમના ફોન પર સ્વાઇપ કરીને મને તેમણે કેટલાક વર્ષોમાં લીધેલા પક્ષીઓના ફોટા બતાવે છે, આબોહવા પરિવર્તનમાં રસ ધરાવતા સાથી ફોટોગ્રાફર તરીકે હું મુગ્ધ થઈને એ ફોટા જોઈ રહું છું. મિકા એ ફોટા બતાવે ત્યારે એ ફોટા લેવાનું જાણે સાવ સરળ હોય એવું લાગે છે પરંતુ અહીંનો મારો પોતાનો અનુભવ મને કહે છે કે યોગ્ય દ્રશ્ય મેળવવા માટે સખત મહેનત, સમર્પણ અને અખૂટ ધીરજની જરૂર પડે છે.
*****
બોમ્પુ કેમ્પ ખાતે આવેલી ટીમની કેમ્પસાઇટ ઈગલનેસ્ટ અભયારણ્યની અંદર આવેલી છે, પક્ષીઓનું તેમના કુદરતી નિવાસસ્થાનમાં નિરીક્ષણ કરવામાં રસ ધરાવતી વિશ્વભરની વ્યક્તિઓ માટે એ એક હોટસ્પોટ છે. એ લાકડાની જાળી અને કાંકરેટના તૂટેલા માળખાની આસપાસ ચુસ્તપણે લપેટાયેલ તાડપત્રીથી બનેલું એક કામચલાઉ ઘર છે. સંશોધન ટીમ વૈજ્ઞાનિકો, એક ઇન્ટર્ન અને પશ્ચિમ કમેંગ જિલ્લાના ક્ષેત્રીય કર્મચારીઓની બનેલી છે. મિકા ડો. ઉમેશ શ્રીનિવાસનની આગેવાની હેઠળની આ ટીમના એક અભિન્ન ભાગ છે.
મિકા અને હું સંશોધન ઝૂંપડીની બહાર ઊભા છીએ ત્યારે અમારી આસપાસ પવન ફૂંકાય છે. ઘટાટોપ ઘેરાયેલાં ભૂખરાં વાદળોમાંથી આજુબાજુના શિખરોની ટોચ બહાર ડોકાય છે. બદલાતી આબોહવા અંગેના તેમના અનુભવો વિશે તેમને બોલતા સાંભળવા હું ઉત્સુક છું.
તેઓ મને કહે છે, “ઓછી ઊંચાઈ પર પુષ્કળ ગરમી હોય તો આ પર્વતીય વિસ્તારમાં એ ઝડપથી વધે છે. અહીં આ પહાડોમાં ગરમી વધી રહી છે. આપણે એ પણ જાણીએ છીએ કે આબોહવા પરિવર્તનને કારણે ચોમાસું ઊંધું-ચત્તું થઈ ગયું છે. પહેલાં લોકો હવામાનની પેટર્ન જાણતા હતા. વૃદ્ધ લોકોને ફેબ્રુઆરી ઠંડા અને વાદળછાયા મહિના તરીકે યાદ છે. હવે ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદ ખેડૂતો અને તેમના પાક માટે મોટી મુશ્કેલી ઊભી કરે છે.
પક્ષીઓના કલરવથી ઘેરાયેલા, ખૂબ ઊંચા દેવદાર, મેપલ અને ઓકના વૃક્ષોથી વીંટળાયેલા ઈગલનેસ્ટ અભયારણ્યના લીલાછમ જંગલોમાં આબોહવા પરિવર્તનની ગંભીર અસરોની કલ્પના કરવી મુશ્કેલ છે. ભારતના આ પૂર્વીય કિનારે સૂર્ય વહેલો ઊગે છે અને કર્મચારીઓ વહેલી સવારના 3:30 વાગ્યાથી જાગે છે, આસમાની આકાશ નીચે તેઓ પોતાના કામમાં વ્યસ્ત છે. સફેદ વાદળોના મોટા ઢગ ધીમે ધીમે પસાર થાય છે.
શ્રીનિવાસનના માર્ગદર્શન હેઠળ મિકા 'મિસ્ટ નેટિંગ' - માટીમાં ખોસેલા વાંસના બે થાંભલાઓ વચ્ચે નાયલોન અથવા પોલિએસ્ટરથી બનેલી ખૂબ જ ઝીણી જાળીને ખેંચીને પક્ષીઓને પકડવાની પ્રક્રિયા - શીખ્યા છે. એકવાર પકડાયા પછી પક્ષીઓને પાઉચની અંદર મૂકવામાં આવે છે. પક્ષીને લીલા રંગના નાના પાઉચમાંથી હળવેથી બહાર કાઢીને મિકા એ પક્ષી શ્રીનિવાસનને સોંપી દે છે.
ઝડપથી કામ કરીને પક્ષીનું વજન, પાંખોનો વિસ્તાર અને તેના પગની લંબાઈ એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં માપી લેવામાં આવે છે. પક્ષીના પગ પર ઓળખ માટેની ધાતુની રિંગ ટેગ કર્યા (લગાવ્યા) પછી પક્ષીને છોડી દેવામાં આવે છે. મિસ્ટ નેટિંગમાં પક્ષીને પકડી, તેને કામચલાઉ ટેબલ પર લાવી, માપ લેવાની અને પછી તેને છોડી મૂકવાની આ આખી પ્રક્રિયામાં લગભગ 15-20 મિનિટનો સમય લાગે છે. હવામાનના આધારે ટીમ દર 20-20 મિનિટથી અડધા-અડધા કલાકે ઓછામાં ઓછા આઠ કલાક સુધી આ કવાયતમાંથી પસાર થાય છે. અને મિકા લગભગ 13 વર્ષથી આ કામ કરી રહ્યા છે.
મિકા કહે છે, “જ્યારે અમે શરુઆતમાં પક્ષીઓને પકડવાનું શરૂ કર્યું, ત્યારે વ્હાઈટ-સ્પેક્ટેક્લ્ડ વોર્બલર (સાઈસરકસ એફિનિસ) જેવા નામોનો ઉચ્ચાર કરવાનું મુશ્કેલ હતું. એ બોલવાનું મુશ્કેલ હતું કારણ કે અમને અંગ્રેજીમાં બોલવાનો મહાવરો નથી. અમે આ શબ્દો ક્યારેય સાંભળ્યા ન હતા."
ઈગલનેસ્ટ અભયારણ્યમાં પક્ષીઓનું તેમના કુદરતી નિવાસસ્થાનમાં નિરીક્ષણ કરવાની પોતાની કુશળતાને મિકાએ વધુ વિકસાવી, પરિણામે તેમને પડોશી મેઘાલયની મુસાફરી કરવાની તક મળી, તેમણે કહ્યું કે ત્યાં તેમણે જોયું કે જંગલનો કેટલોક ભાગ કાપી નાખવામાં આવ્યો હતો. “[2012 માં] અમે ચેરાપુંજીમાં10 દિવસ સુધી ફર્યા અને પક્ષીઓની 20 પ્રજાતિઓ પણ ન જોવા મળી. પછી મને સમજાયું કે મારે ઈગલનેસ્ટમાં કામ કરવું છે કારણ કે અહીં ઘણી વધુ પ્રજાતિઓ છે. અમે બોમ્પુમાં બેઠા બેઠા ઘણા વધુ પક્ષીઓને જોયા છે.”
મિકા કહે છે, "કેમેરા કા ઈન્ટરેસ્ટ 2012 સે શુરુ હુઆ [કેમેરામાં મારો રસ 2012 માં શરૂ થયો]." તેઓ વિઝિટિંગ સાયન્ટિસ્ટ નંદિની વેલ્હોનો કેમેરા ઉછીનો લેતા હતા: “ધ ગ્રીન-ટેઈલ્ડ સનબર્ડ (એઈથોપ્યગા નિપાલેન્સિસ) એક સામાન્ય પક્ષી છે. મેં પ્રેક્ટિસ માટે તેના ફોટો પાડવાનું શરૂ કર્યું.
થોડાં વર્ષો પછી મિકાએ થોડા પ્રવાસીઓને માર્ગદર્શન આપવાનું અને તેમને પક્ષીઓનું તેમના કુદરતી નિવાસસ્થાનમાં નિરીક્ષણ કરવા લઈ જવાનું શરૂ કર્યું. 2018 માં મુંબઈ - બીએનએચએસ (બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી) નું એક જૂથ આવ્યું. તેમના કહેવાથી મિકાએ તેમના ફોટા પાડ્યા. ફોટો પાડતી વખતે મિકાનો આનંદ જોઈ જૂથના એક સભ્યે તેમને નિકોન પી9000 ઓફર કર્યો. ત્યારે જવાબમાં “સર, મારે ડીએસએલઆર (ડિજિટલ સિંગલ-લેન્સ રીફ્લેક્સ) મોડલ ખરીદવું છે. તમે મને જે કેમેરા આપી રહ્યા છો તે મારે નથી જોઈતો” કહ્યાનું મિકા યાદ કરે છે.
એ જ જૂથના ચાર સભ્યોના ઉદાર દાન, તેમના ક્ષેત્રીય કર્મચારી તરીકેના અને પક્ષી માર્ગદર્શક તરીકેના કામના મહેનતાણામાંથી કરેલી બચત બધું મળીને, “મેં 50000 રુપિયા ભેગા કર્યા હતા અને એ કેમેરાની કિંમત હતી 55000. તેથી, મારા બોસ [ઉમેશ] એ કહ્યું કે બાકીની રકમ તેઓ આપશે. આખરે 2018 માં મિકાએ તેમનો પહેલો ડીએસએલઆર, 18-55મિમિ ઝૂમ લેન્સ સાથેનો નિકોન ડી7200 ખરીદ્યો.
"2-3 વર્ષ સુધી નાના 18-55મિમિ ઝૂમ લેન્સ સાથે હું ઘરની આસપાસના ફૂલોના ફોટા લેતો હતો." વિશાળ અંતરથી પક્ષીઓના ક્લોઝ-અપ શોટ્સ લેવા માટે ખૂબ લાંબા અને શક્તિશાળી ટેલિફોટો લેન્સની જરૂર પડે છે. "થોડા વર્ષો પછી મેં વિચાર્યું કે મારે 150-600મિમિ સિગ્મા લેન્સ ખરીદવા જોઈએ." પરંતુ એ લેન્સનો ઉપયોગ કરવાનું મિકા માટે મુશ્કેલ બન્યું. તેઓ કેમેરામાં એપેર્ચર, શટર સ્પીડ અને આઈએસઓ વચ્ચે શું સંબંધ છે એ સમજી શક્યા નહીં. તેઓ યાદ કરે છે, "મેં એટલા ખરાબ ફોટા પાડ્યા હતા." સિનેમેટોગ્રાફર અને મિકાના સારા મિત્ર રામ અલ્લુરીએ તેમને ડીએસએલઆર કેમેરાનો ઉપયોગ કરવાની તકનીકી શીખવી. મિકા ઉમેરે છે, "તેમણે મને સેટિંગ્સનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવ્યું અને હવે હું ફક્ત મેન્યુઅલ [સેટિંગ્સ] નો ઉપયોગ કરું છું."
પરંતુ માત્ર પક્ષીઓના અદભૂત ફોટોગ્રાફ્સ લેવા એ પૂરતું નહોતું. આગળનું પગલું ફોટોશોપ સોફ્ટવેરમાં એ ફોટોગ્રાફ્સ કેવી રીતે એડિટ કરવા એ શીખવાનું હતું. 2021 માં મિકા અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થી સિદ્ધાર્થ શ્રીનિવાસનની સાથે બેસીને ફોટોશોપમાં ફોટોગ્રાફ્સ કેવી રીતે એડિટ કરવા એ શીખ્યા.
ટૂંક સમયમાં જ ફોટોગ્રાફર તરીકેની તેમની કુશળતાના સમાચાર ફેલાઈ ગયા અને હિમાલય પરની વાર્તાઓને સમર્પિત વેબસાઈટ ધ થર્ડ પોલના ‘લોકડાઉન બ્રિંગ્સ હાર્ડશિપ ટુ બર્ડર્સ પેરેડાઈઝ ઈન ઈન્ડિયા’ લેખ માટે ફોટા આપવાનું તેમને કહેવામાં આવ્યું. મિકા કહે છે, “તેઓએ મારા સાત ફોટા [તે લેખમાં વાપરવા માટે] લીધા. મને એ દરેક ફોટોગ્રાફ માટે પૈસા મળ્યા અને મને ખૂબ આનંદ થયો." ફિલ્ડવર્કમાં તેમના સતત યોગદાનને પરિણામે મિકાહ સંખ્યાબંધ વૈજ્ઞાનિક પેપર્સ પર સહ-લેખક બન્યા.
મિકા બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેઓ એક ખૂબ ચોકસાઈવાળા ક્ષેત્રીય કર્મચારી, ઉત્સાહી ફોટોગ્રાફર અને પક્ષી માર્ગદર્શક હોવા ઉપરાંત તેઓ એક ગિટારવાદક પણ છે. ચિત્રે બસ્તીમાં (જેને ત્સેરિંગ પામ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાં) ચર્ચમાં જાઉં છું ત્યારે હું મિકાને તેમના સંગીતકારના અવતારમાં જોઉં છું. સંગીતના તાલે ડોલતી ત્રણ મહિલાઓથી ઘેરાયેલા મિકા ધીમેથી ગિટાર વગાડી તેમના મિત્ર, સ્થાનિક પાદરીની દીકરીના લગ્ન સમારોહ માટેના ગીતનું રિહર્સલ કરી રહ્યા છે. ગિટારના તાર પર તેમની આંગળીઓ ચપળતાથી ફરે છે ત્યારે મને જંગલમાં કરોળિયાના જાળા જેવી ઝીણી મિસ્ટ નેટિંગમાંથી હળવેથી પક્ષીઓને બહાર કાઢતી વખતની તેમની ચપળતા યાદ આવે છે.
મિકાએ છેલ્લા ચાર દિવસમાં માપેલા, (પગ પર ધાતુની નાનકડી રિંગ પહેરાવી) ટેગ કરેલા અને પછી છોડી મૂકેલા બધા - ટૂંક સમયમાં ઊભી થનાર આબોહવા કટોકટીની આગોતરી સૂચના આપનારા - એ પક્ષીઓ ઊડી ગયા છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક