હમણાં જ ધંધાર્થે ઉત્તરાખંડ મુસાફરી કરીને પાછા ફરેલા માયલાપિલ્લી પટ્ટૈયા કહે છે, “ગામમાં આપણે કોઈ પણ સમયે જઈશું, ગામના અડધા માણસો તો ગામની બહાર જ હશે. કોઈ હૈદરાબાદના અંબરપેટ બજારમાં, કોઈ વિજયવાડાના બેસન્ટ રોડ પર, તો કોઈ વાશી માર્કેટ કે મુંબઈમાં ગેટ વે ઑફ ઇન્ડિયા પાસે, અથવા દિલ્હીમાં પહાડગંજ વિસ્તારમાં હશે. બધા ત્યાં ટોપલીઓ અને ઝૂલા વેચે છે.”
42 વર્ષીય પટ્ટૈયાએ, ગામના બીજા લોકોની જેમ, લગભગ 20 વર્ષ પહેલાં નાયલોનના દોરડાની ટોપલીઓ, થેલા, હીંચકા અને ઝૂલા બનાવવાનું શરૂ કર્યું હતું. એ સમયે, શ્રીકાકુલમ જિલ્લાના રણસ્તલમ મંડળમાં બંગાળની ખાડીને અડીને આવેલા લગભગ 250 લોકોની વસ્તી ધરાવતા દરિયાકાંઠાના નાનકડા ગામ કોવ્વાડામાં (વસ્તી ગણતરીમાં જીરુકોવવાડા તરીકે સૂચિબદ્ધ) માછીમારી મુખ્ય વ્યવસાય હતો.
પછી જળ પ્રદૂષણથી આ વિસ્તારના જળ સંસાધનોનો નાશ થવા લાગ્યો. 1990ના દાયકામાં અહીંથી માંડ 10 કિમી દૂર આવેલા પાયડીભીમાવરમ ગામમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો સ્થપાયા. અભ્યાસો દર્શાવે છે કે આ ઉદ્યોગોએ ભૂગર્ભજળ તેમજ દરિયાઈ પાણીને પ્રદૂષિત કર્યું છે.
ભારતના પર્યાવરણ મંત્રાલયે તેના જોખમી કચરાને કારણે ફાર્માસ્યુટિકલ ઉત્પાદનને ‘રેડ કેટેગરી’ની પ્રવૃત્તિ તરીકે વર્ગીકૃત કર્યું છે. ભારતમાં સમુદાયો અને પર્યાવરણ પર ફાર્માસ્યુટિકલ પ્રદૂષણની અસરો શિર્ષકવાળા અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે, 1990ના દાયકાની શરૂઆતથી વૈશ્વિક ફાર્મા ક્ષેત્રનો ફેલાવો શરૂ થયા પછી, આ ઉદ્યોગ “ભારતીય અર્થતંત્રના સૌથી ઝડપથી વિકસતા ક્ષેત્રોમાંનો એક” બની ગયો છે. આ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રોમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યનો સમાવેશ થાય છે. આ અહેવાલમાં મુખ્યત્વે “તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના અનિયંત્રિત વિસ્તરણની લાંબા ગાળાની નકારાત્મક અસરો” વિશે વાત કરવામાં આવી છે.









