આજે રવિવારની સવાર છે, પણ જ્યોતિરેન્દ્ર નારાયણ લાહિરી વ્યસ્ત છે. હુગલી જિલ્લામાં તેમના એપાર્ટમેન્ટના એક ઓરડામાં, 50 વર્ષીય લાહિરી મેજર જેમ્સ રેનેલ દ્વારા 1778માં તૈયાર કરવામાં આવેલા સુંદરવનના સૌપ્રથમ નકશા પર નજર રાખી રહ્યા છે.
આંગળીથી નકશામાં ઇશારો કરતા લાહિરી કહે છે, “અંગ્રેજોના સર્વેક્ષણના આધારે સુંદરવનનો આ પ્રથમ અધિકૃત નકશો છે. આ નકશો કોલકાતા સુધી વિસ્તરેલા મેંગ્રોવને દર્શાવે છે. ત્યારથી અત્યાર સુધી ઘણું બધું બદલાઈ ગયું છે.” ભારત અને બાંગ્લાદેશ બંનેમાં ફેલાયેલું, વિશ્વના સૌથી મોટા વિસ્તારમાં મેંગ્રોવ ધરાવતું સુંદરવન, તેની અપાર જૈવવિવિધતા અને, અલબત્ત, રોયલ બંગાળ ટાઇગર (પેન્થેરા ટાઈગ્રિસ) માટે જાણીતું છે.
તેમના ઓરડાની દિવાલોને આવરી લેતા ચોપડીઓ મુકવાના ઘોડામાં સુંદરવન વિશેના દરેક કલ્પનીય વિષય પર સેંકડો શીર્ષકો જોવા મળે છે − વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ, રોજિંદું જીવન, નકશા, અને અંગ્રેજી અને બંગાળીમાં બાળકોના પુસ્તકો. આ તે જગ્યા છે જ્યાં તેઓ સુંદરવન વિશે ત્રિમાસિક પ્રકાશન ‘સુધુ સુંદરવન ચર્ચા’ના અંકોનું સંશોધન અને આયોજન કરે છે, જે તેમણે 2009માં ચક્રવાત આઇલાએ આ પ્રદેશમાં વિનાશનો પગેરું છોડ્યા પછી શરૂ કર્યું હતું.
તેઓ તે ભયાનક દિવસને યાદ કરીને કહે છે, “મેં આ વિસ્તારની સ્થિતિ જોવા માટે વારંવાર મુલાકાત લીધી હતી. તે ભયાનક હતું. બાળકોએ અભ્યાસ છોડી દીધો હતો, લોકોએ પોતાનાં ઘર ગુમાવી દીધાં હતાં, મોટી સંખ્યામાં પુરુષો સ્થળાંતર કરી ગયા હતા અને બધું જ મહિલાઓના હવાલે છોડી દેવામાં આવ્યું હતું. લોકોનું ભાગ્ય સંપૂર્ણપણે તેના પર નિર્ભર હતું કે નદીના તટબંધ યથાવત્ રહેશે કે તૂટી પડશે.”
લાહિરીને આ આપત્તિ અંગેના મીડિયા અહેવાલો છૂટાછવાયા અને ઉપરછલ્લા લાગ્યા હતા. તેઓ કહે છે, “મીડિયા સુંદરવન વિશેની રૂઢિચુસ્ત ધારણાઓનું વારેવારે પુનરાવર્તન કરે છે. સામાન્ય રીતે, તમને વાઘના હુમલા અથવા વરસાદના અહેવાલો જોવા મળશે. જ્યારે વરસાદ નથી પડતો અથવા પૂર નથી આવતું, ત્યારે સુંદરવન ભાગ્યે જ સમાચારોમાં આવે છે. મીડિયાને બસ આપત્તિ, વન્યજીવન અને પ્રવાસનમાં જ રસ છે.”
તેમણે ભારતીય અને બાંગ્લાદેશી બંને દૃષ્ટિકોણથી આ પ્રદેશને વ્યાપક રીતે આવરી લેવા માટે સુધુ સુંદરવન ચર્ચાની સ્થાપના કરી હતી. 2010થી તેમણે સામયિકના 49 અંક પ્રકાશિત કર્યા છે. અને 50મો અંક નવેમ્બર 2023માં પ્રકાશિત થવાનો છે. તેઓ કહે છે, “ભૂતકાળના અંકો પાન કેવી રીતે ઉગાડવામાં આવે છે, સુંદરવનના નકશા, છોકરીઓના જીવન, વ્યક્તિગત ગામોની રૂપરેખા, ચાંચિયાગીરી અને વરસાદથી લઈને દરેક વસ્તુ પર કેન્દ્રિત છે.” એક અંકમાં પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના પત્રકારોના દૃષ્ટિકોણને દર્શાવતા સુંદરવનને મીડિયા કેવી રીતે આવરી લે છે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી.
એપ્રિલ 2023 માં પ્રકાશિત મેગેઝીનનો છેલ્લો - 49મો - અંક મેન્ગ્રોવ્સ અને વાઘને સમર્પિત છે. નવેમ્બર 2023માં સામયિકનો તાજેતરનો અંક, જે તેનો 49મો અંક છે, તે મેંગ્રોવ અને વાઘને સમર્પિત છે. તેઓ કહે છે, “સુંદરવન કદાચ વિશ્વમાં એકમાત્ર મેંગ્રોવ છે જ્યાં વાઘ રહે છે. તેથી, અમે આની આસપાસ એક અંક તૈયાર કરવાની યોજના બનાવી.” 50મા અંકનું પણ આયોજન શરૂ થઈ ગયું છે, જે એક નિવૃત્ત યુનિવર્સિટી પ્રોફેસરના કામ વિશે વાત કરશે, જેમણે આબોહવા પરિવર્તન અને દરિયાની વધતી સપાટી સુંદરવનને કેવી અસર કરે છે તેના પર વ્યાપક સંશોધન કર્યું છે.
લાહિરી કહે છે, “અમારા વાચકો સામાન્ય રીતે વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના સંશોધકો હોય છે જે ચોક્કસ માહિતી અથવા ડેટા શોધે છે, અને વ્યક્તિઓને આ પ્રદેશમાં ખરેખર રસ છે. અમારી પાસે 80 વર્ષના આશ્રયદાતાઓ પણ છે જેઓ અમારા અંકોને અક્ષરશ: વાંચે છે.”
આ સામયિકની આશરે 1,000 નકલો દર મહિને છાપવામાં આવે છે. લાહિરી કહે છે, “અમારી પાસે 520-530 નિયમિત ગ્રાહકો છે, મોટે ભાગે પશ્ચિમ બંગાળમાં. આ સામયિક તેમને મોકલવામાં આવે છે. લગભગ 50 નકલો બાંગ્લાદેશમાં જાય છે. અમે આ નકલો સીધી કુરિયર નથી કરતા, કારણ કે તે ખૂબ મોંઘી થઈ જાય છે.” તેના બદલે, બાંગ્લાદેશી પુસ્તક વિક્રેતાઓ કોલેજ સ્ટ્રીટમાં કોલકાતાના લોકપ્રિય પુસ્તક બજારમાંથી નકલો ખરીદે છે અને તેમને તેમના દેશમાં લઈ જાય છે. તેઓ કહે છે, “અમે બાંગ્લાદેશી લેખકો અને ફોટોગ્રાફરોને પણ પ્રકાશિત કરીએ છીએ.”
સામયિક બહાર લાવવું એ એક ખર્ચાળ કવાયત છે, કારણ કે દરેક આવૃત્તિને ટાઇપસેટ કરીને ચળકતા કાગળ પર કાળા અને સફેદ રંગમાં છાપવામાં આવે છે. લાહિરી ઉમેરે છે, “પછી, શાહી, કાગળ અને પરિવહનનો ખર્ચ છે. જો કે, અમારો સંપાદકીય ખર્ચ વધુ નથી કારણ કે અમે બધું જાતે જ કરીએ છીએ.” લાહિરીને તેમનાં પત્ની 48 વર્ષીય શ્રીજાની સધુખાન, 22 વર્ષીય પુત્રી રિતજા, અને 15 વર્ષીય પુત્ર આર્ચીસમેન દ્વારા મદદ કરવામાં આવે છે. સંપાદકીય ટીમમાં લગભગ 15-16 સભ્યોનો સમાવેશ થાય છે, જેઓ સમય ફાળવીને કે તેમનાથી શક્ય તેટલી મહેનત વિના મૂલ્યે કરીને આમાં ફાળો આપે છે. તેઓ કહે છે, “અમારી પાસે લોકોને નોકરી આપવા માટે કોઈ સાધન નથી. જેઓ તેમનો સમય અને મહેનતનું યોગદાન આપે છે. તેઓ આવું એટલા માટે કરે છે કારણ કે તેઓ સામયિકમાં અમે જે મુદ્દાઓ ઉઠાવીએ છીએ તે વિષે વિચારે અને અનુભવે છે.”
આ સામયિકની એક નકલની કિંમત 150 રૂપિયા છે. પ્રકાશનના ખર્ચા વિશે લાહિરી કહે છે, “જો અમારી પોતાની કિંમત 80 રૂપિયા હોય, તો અમારે દરેક નકલ 150 રૂપિયામાં વેચવી પડે છે, કારણ કે અમારે સ્ટેન્ડ માલિકોને 35 ટકા કમિશન આપવાનું હોય છે.”
લગભગ દરરોજ, લાહિરી અને તેમનો પરિવાર આ પ્રદેશના સમાચારો માટે છ બંગાળી અને ત્રણ અંગ્રેજી અખબારો ઝીણવટથી તપાસે છે. તેઓ પોતે આ વિસ્તારમાં એક જાણીતો અવાજ હોવાથી, વાઘના હુમલાના સમાચાર જેવા નવીન સમાચાર ઘણીવાર તેમના સુધી સીધા જ પહોંચે છે. લાહિરી અખબારોના સંપાદકોને વાચકો દ્વારા લખાયેલા પત્રો પણ એકત્રિત કરે છે. તેઓ કહે છે, “જરૂરી નથી કે વાચકો સમૃદ્ધ અથવા શક્તિશાળી હોય, મહત્ત્વનું એ છે કે તેઓ તેમના વિષયને જાણે છે અને સંબંધિત પ્રશ્નો પૂછે છે.”
સામાયિક બહાર પાડવું એ તેમની એકમાત્ર જવાબદારી નથી. તેઓ દરરોજ સરકારી શાળામાં પાંચથી બાર ધોરણના વિદ્યાર્થીઓને ભૂગોળ શીખવવા માટે નજીકના પૂર્વ બર્ધમાન જિલ્લામાં 180 કિમીની મુસાફરી કરે છે. છેલ્લા 26 વર્ષથી વિદ્યાર્થીઓને ભણાવતા લાહિરી કહે છે, “હું સવારે 7 વાગ્યે ઘરેથી નીકળું છું અને રાત્રે 8 વાગ્યે જ પરત આવું છું. પ્રિન્ટિંગ પ્રેસ બર્ધમાન શહેરમાં છે, તેથી જો ત્યાં કામ કરવાનું હોય, તો હું પ્રેસમાં જઈશ અને મોડી સાંજે ઘરે પરત ફરીશ. શિક્ષણ એ મારો શોખ છે, સામયિક છાપવાની જેમ જ.”
અનુવાદક: ફૈઝ મોહંમદ