મસ્તુ (તેઓ પોતાના ફક્ત આ જ નામનો ઉપયોગ કરે છે) કહે છે, “મને ખબર નથી કે આ જંગલમાં અમારી કેટલી પેઢીઓએ તેમનું જીવન વિતાવ્યું છે.” વન ગુજ્જર સમુદાયના આ પશુપાલક સહારનપુર જિલ્લાના બેહત ગામમાં શકુંભરી રેન્જ નજીક રહે છે.
વન ગુજ્જરો ઉત્તર ભારતમાં મેદાનો અને હિમાલયના પર્વતો વચ્ચે મોસમી સ્થળાંતર કરતા વિચરતા પશુપાલન સમુદાયનો એક ભાગ છે. મસ્તુ અને તેમનું જૂથ ઉત્તરકાશી જિલ્લાના બુગ્યાલો પાસે જવા માટે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની સરહદે આવેલી શિવાલિક પર્વતમાળાઓમાંથી પસાર થઈ રહ્યા છે. શિયાળો નજીક આવશે એટલે તેઓ શિવાલિક પર્વતમાળામાં પરત ફરશે.
વન અધિકાર અધિનિયમ (એફ.આર.એ.) 2006 એ જંગલોમાં રહેતા અથવા જેમની આજીવિકા જંગલ પર નિર્ભર હોય તેવા લોકોનું રક્ષણ કરે છે. આ અધિનિયમ આ સમુદાયો અને અન્ય પરંપરાગત વનવાસીઓના સંસાધનો પરના અધિકારોને માન્યતા આપે છે, જેના પર તેઓ તેમની આજીવિકા માટે આધાર રાખે છે. આમ છતાં, કાયદા દ્વારા તેમને જે અધિકારો આપવામાં આવ્યા છે તે મેળવવા વન ગુજ્જર સમુદાય માટે લગભગ અશક્ય બની ગયા છે.
જળવાયુ સંકટની અસરોએ પણ જંગલોની સ્થિતિને વધુ ખરાબ કરી છે. સોસાયટી ફોર પ્રમોશન ઓફ હિમાલયન ઇન્ડિજિનિયસ એક્ટિવિટીઝના સહાયક નિર્દેશક મુનેશ શર્મા કહે છે, “પર્વતોની પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે, જેમાં અખાદ્ય છોડનો ફેલાવો થઈ રહ્યો છે અને ગોચર વધુને વધુ દુર્લભ બની રહ્યાં છે.”
સાહન બીબી કહે છે, “જ્યારે જંગલો ખતમ થઈ જશે, ત્યારે અમે અમારાં જાનવરોનો ઉછેર કેવી રીતે કરીશું?” તેઓ તેમના પુત્ર ગુલામ નબી સાથે મસ્તુના જૂથ સાથે ઉત્તરાખંડ જઈ રહ્યાં છે.
આ ફિલ્મ તેમના જૂથ અને તેઓ વર્ષ દરમિયાન તેમની સફરમાં જે પડકારોનો સામનો કરે છે તેને પ્રસ્તુત કરે છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ