કન્નિસામી ઉત્તર તમિલનાડુમાં તિરુવલ્લુર જિલ્લાના દરિયાકાંઠાના ગામડાઓની સરહદોની રક્ષા કરે છે. માછીમારી સમુદાયોના આ સંરક્ષક દેવતાનો બાહ્ય દેખાવ સમુદાયના સામાન્ય વ્યક્તિ જેવો જ છે: તેઓ તેજસ્વી રંગના શર્ટમાં ઢંકાયેલા હોય છે, અને તેમના માથા પર ટોપી સાથેની વેટી હોય છે. માછીમારો દરિયામાં પ્રવેશતા પહેલાં તેમનો જાપ કરે છે અને સલામત પરત ફરવા માટે પ્રાર્થના કરે છે.
માછીમારી કરતા પરિવારો કન્નિસામીના વિવિધ અવતારોની પૂજા કરે છે અને તે ઉત્તર ચેન્નાઈથી લઈને પાતવેરકાડુ (જે પુલિકટ તરીકે પ્રખ્યાત છે) સુધી અમલ કરાતી એક લોકપ્રિય વિધિ છે.
એન્નુર કુપ્પમના માછીમારો કન્નિસામીની મૂર્તિઓ ખરીદવા માટે લગભગ સાત કિલોમીટર દૂર અતિપટ્ટુ ગયા હતા. જૂનમાં યોજાતો આ તહેવાર વાર્ષિક એક ઉજવણી છે અને તે એક અઠવાડિયા સુધી ચાલે છે. હું 2019માં આ ગામના માછીમારોના જૂથ સાથે પ્રવાસ માટે જોડાયો હતો. અમે ઉત્તર ચેન્નાઈના થર્મલ પાવર પ્લાન્ટ નજીક કોસસ્થલઈયાર નદીના કિનારે ધામા નાખ્યા હતા અને પછી અતિપટ્ટુ ગામ તરફ ચાલીને ગયા હતા.
અમે એક બે માળના એક મકાન પાસે પહોંચ્યા, જ્યાં કન્નિસામીની ઘણી મૂર્તિઓ જમીન પર હરોળબંધ રાખવામાં આવી હતી. મૂર્તિઓને સફેદ કપડામાં લપેટવામાં આવી હતી. 40 વર્ષની એક વ્યક્તિ, સફેદ પટ્ટાવાળી શર્ટ અને કપાળ પર તિરુનીર [પવિત્ર રાખ] સાથે વેટી પહેરીને, મૂર્તિઓની સામે કપૂર પ્રગટાવે છે. તેઓ દરેક માછીમારોના ખભા પર પૂજાઈ મૂકતા પહેલા પોતે પૂજા કરે છે.
દિલ્લી અન્ના સાથેની આ મારી પહેલી મુલાકાત છે અને સંજોગો એવા છે કે તે મને તેમની સાથે વાતચીત કરવાની મંજૂરી આપતા નથી. હું તેમના ખભા પર મૂર્તિઓને ઊંચકીને લઈ જતા માછીમારો સાથે પરત ફરું છું. કોસસ્થલઈયાર નદી પર પાછા ફરવા માટે ચાર કિલોમીટર ચાલવું પડે છે, અને તે પછી એન્નુર કુપ્પમ પાછા જવા માટે ત્રણ કિલોમીટરની હોડીની સવારી કરવી પડે છે.
એક વાર તેઓ ગામમાં પહોંચ્યા પછી, માછીમારો એક મંદિર પાસે મૂર્તિઓને હરોળમાં ગોઠવે છે. ધાર્મિક વિધિઓ અને પૂજા કરવા માટે જરૂરી દરેક વસ્તુ મૂર્તિઓની આગળ મૂકવામાં આવે છે. જેમ જેમ દિવસ અંધારો થાય છે તેમ તેમ, દિલ્લી અન્ના કુપ્પમમાં આવે છે. ગ્રામજનો મૂર્તિઓની આસપાસ ભેગા થવા માંડે છે. દિલ્લી અન્ના સફેદ કપડાને હટાવે છે અને માઈ [કાજલ] નો ઉપયોગ કરીને કન્નિસામીની આંખો પર પાંપણો દોરે છે, પ્રતીકાત્મક રીતે આ મૂર્તિઓની આંખો ખોલે છે. તે પછી, તેઓ કૂકડાની ગરદનને કાપી નાખે છે, જે એક બલિદાનની વિધિ છે જેનાથી દુષ્ટતા દૂર થતી હોવાનું માનવામાં આવે છે.
આ પછી, કન્નિસામીની મૂર્તિઓને ગામની ધાર પર લઈ જવામાં આવે છે.
એન્નોરના દરિયાકાંઠા અને મેન્ગ્રોવ લેન્ડસ્કેપથી મને ઘણા લોકોનો પરિચય થયો છે, અને તેમાં દિલ્લી અન્ના એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિ છે. તેમણે પોતાનું આખું જીવન કન્નિસામીની મૂર્તિઓ બનાવવા માટે સમર્પિત કર્યું છે. જ્યારે હું મે [2023] માં અતિપટ્ટુ ખાતેના તેમના ઘરે દિલ્લી અન્નાની મુલાકાત લેવા પાછો ગયો, ત્યારે મને તેમની અલમાડીમાં કોઈ ઘરગથ્થુ વસ્તુઓ અથવા સુશોભનની વસ્તુઓ જોવા નહોતી મળી. ત્યાં હતા માત્ર માટી, ભૂસું અને મૂર્તિઓના ઢગલા; અને માટીની સુગંધ આખા ઘરમાં ભરાઈ ગઈ.
કન્નિસામીની મૂર્તિ બનાવવા માટે સૌપ્રથમ ગામની સીમમાંથી લેવામાં આવેલ મુઠ્ઠીભર માટીને ચીકણી માટીમાં ભેળવવી પડે છે. 44 વર્ષીય દિલ્લી અન્ના કહે છે, “એવી માન્યતા છે કે જો અમે આમ કરીશું તો ભગવાનની શક્તિ તે ગામમાં જશે. પેઢી દર પેઢી, મારો પરિવાર જ કન્નિસામીની મૂર્તિઓ બનાવતો આવ્યો છે. જ્યારે મારા પિતા હયાત હતા, ત્યારે મને આમાં રસ નહોતો. 2011માં, મારા પિતાનું અવસાન થયું. પછી, મારી આસપાસના લોકોએ કહ્યું કે મારા પિતા પછી મારે આ જવાબદારી સંભાળવી જોઈએ… તેથી મેં આ કામ કરવાનું બીડું ઝડપી લીધું. અહીં આ કામ કરનાર બીજું કોઈ નથી.”
10 દિવસમાં, દિલ્લી અન્ના દિવસમાં આઠ કલાક કામ કરીને એક સાથે 10 મૂર્તિઓ તૈયાર કરી શકે છે. એક વર્ષમાં તેઓ લગભગ 90 મૂર્તિઓ બનાવે છે. દિલ્લી અન્ના કહે છે, “એક મૂર્તિ બનાવવામાં મારે 10 દિવસ લાગશે. પહેલા મારે માટી તોડવી પડશે, પછી પથ્થરો દૂર કરીને તેને સાફ કરવી પડશે, પછી રેતી સાથે ભૂકાને ભેળવવો પડશે.” માળખાને મજબૂતાઈ આપવા માટે છોતરાંનો ઉપયોગ કરવામાં આવે છે, અને તેનાથી મૂર્તિઓનાં સ્તર બનાવવામાં આવે છે.
તેઓ કહે છે, “હું મૂર્તિ બનાવવાનું શરૂ કરું છું ત્યારથી તે તૈયાર થાય ત્યાં સુધી, મારે એકલા એ જ આ કામ કરવું પડે છે. મારી પાસે મદદનીશ રાખવાના પૈસા નથી. આ આખું કામ છાંયડામાં કરવું પડે છે, કારણ કે તડકામાં માટી ચોંટતી નથી, અને તૂટી જાય છે. જ્યારે મૂર્તિઓ તૈયાર થઈ જાય, ત્યારે તેમને તૈયાર કરવા માટે મારે તેમને આગમાં શેકવી પડે છે. આ કામ પૂરું કરવામાં ઓછામાં ઓછા 18 દિવસ લાગે છે.”
દિલ્લી અન્ના અતિપટ્ટુની આસપાસના ગામો માટે ખાસ કરીને એન્નુર કુપ્પમ, મુગાતિવારા કુપ્પમ, તળાનકુપ્પમ, કટ્ટુકુપ્પમ, મેટ્ટુકુપ્પમ, પલથોટીકુપ્પમ, ચિન્નાકુપ્પમ, પેરિયાકુલમ માટે મૂર્તિઓ પૂરી પાડે છે.
તહેવારો દરમિયાન, આ ગામોના લોકો તેમના ગામની સરહદો પર કન્નિસામીની મૂર્તિઓને પ્રસાદ તરીકે મૂકે છે. જ્યારે કેટલાક પુરૂષો કન્નિસામી મૂર્તિ પસંદ કરે છે, ત્યારે અન્ય લોકોને સ્ત્રી દેવી વધારે પસંદ છે. તેમને વિવિધ નામોથી ઓળખવામાં આવે છે: પાપતિ અમ્માન, બોમ્મતિ અમ્માન, પિચાઈ અમ્માન. તેઓને તેમના ગામના દેવતાને ઘોડા અથવા હાથી પર અને કૂતરાની મૂર્તિની બાજુમાં બેસાડવામાં આવે તે પણ ગમે છે. એવું માનવામાં આવે છે કે રાત્રે દેવતાઓ આવીને રમે છે અને બીજા દિવસે સવારે ગામના દેવતાના પગ પર તિરાડ જોવા મળે છે.
દિલ્લી અન્ના કહે છે, “કેટલાક સ્થળોએ, તેઓ (માછીમારો) દર વર્ષે કન્નિસામીની મૂર્તિઓ બદલે છે. અન્ય સ્થળોએ, તેઓ [માછીમારો] તેમને બે વર્ષમાં એક વાર, અથવા ચાર વર્ષમાં એક વાર બદલી નાખે છે.”
આ ગામોના માછીમારોને વેચાણ બંધ થયું નથી કે ઘટ્યું નથી, તેમ છતાં, દિલ્લી અન્નાને ખાતરી નથી કે તેઓ છેલ્લા ત્રણ દાયકાથી કરી રહેલા આ પરંપરાગત વ્યવસાયને કોણ આગળ વધારશે. તે તેમના માટે એક ખર્ચાળ કામ બની ગયું છેઃ “આ દિવસોમાં, ખર્ચ એટલો વધારે છે. જો હું તેના આધારે [મૂર્તિની] કિંમત જણાવું, તો તેઓ [ગ્રાહકો] મને પૂછે છે કે હું તે કિંમત કેમ માંગું છું. પરંતુ, આમાં સામેલ મુશ્કેલીઓ માત્ર અમે જ જાણીએ છીએ.”
ઉત્તર ચેન્નાઈના દરિયાકાંઠે થર્મલ પાવર પ્લાન્ટ્સમાં વધારો થવાથી ભૂગર્ભ જળ ખારું થઈ રહ્યું છે. આનાથી અહીં કૃષિ પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો છે, જે જમીનની પ્રકૃતિને અસર કરે છે. દિલ્લી અન્ના ફરિયાદ કરતાં કહે છે, “આજકાલ, મને ક્યાંય માટી નથી મળતી.”
તેઓ ઉમેરે છે કે માટી ખરીદવી એ મોંઘી બાબત છે અને, “હું માટી માટે મારા ઘરની નજીક જમીનમાં ખાડો ખોદું છું અને પછી તેમાં રેતી ભરી દઉં છું.” અન્ના સમજાવે છે કે રેતી માટી કરતાં સસ્તી છે.
અતિપટ્ટુમાં તેઓ એકમાત્ર મૂર્તિ બનાવનાર હોવાથી, જાહેર જગ્યાઓમાંથી માટી ખોદવા માટે પંચાયત સાથે એકલાહાથે વાટાઘાટો કરવી મુશ્કેલ છે. “જો ત્યાં 10 થી 20 પરિવારો મૂર્તિઓ બનાવતા હોત, તો અમે તળાવ અથવા તળાવોની નજીક ખોદવાનું કહી શક્યા હોત. પંચાયતે અમને મફતમાં માટી પૂરી પાડી હોત. પણ, હવે માત્ર હું જ મૂર્તિઓ બનાવું છું અને મારે મારા એકલા માટે તેની માંગણી કરવી મુશ્કેલ છે, તેથી હું મારા ઘરની આસપાસથી માટી લઉં છું.”
દિલ્લી અન્નાને મૂર્તિઓ બનાવવા માટે જરૂરી ભૂસાની અછત સર્જાઈ રહી છે, કારણ કે હવે હાથથી ઓછા પ્રમાણમાં ડાંગરની લણણી કરવામાં આવે છે. “મશીનથી કરાતી લણણીમાં, આપણને વધારે ભૂસું નથી મળતું. જો ભૂસું હોય તો જ કામ શક્ય છે. જો તે જ ન હોય, તો કામ કેવી રીતે કરવું? જેમણે હાથથી ડાંગરની લણણી કરી હોય તેમને હું શોધું છું અને તેમની પાસેથી ભૂસું મેળવું છું. મેં ફૂલોનો ઘડો અને ચૂલો બનાવવાનું બંધ કરી દીધું છે. તેની માંગ વધારે છે, પણ હું આ વસ્તુઓ બનાવી શકતો નથી.”
તેઓ પોતાની કમાણી સમજાવતાં કહે છેઃ “મને એક ગામની મૂર્તિ માટે 20,000 રૂપિયા મળે છે, પરંતુ ખર્ચ કાયા પછી, હું 4,000 રૂપિયા કમાવું છું. જો હું ચાર ગામો માટે મૂર્તિઓ બનાવું, તો હું 16,000 રૂપિયા કમાઈ શકું છું.”
અન્ના ઉનાળાની ઋતુમાં જ ફેબ્રુઆરીથી જુલાઈ સુધી મૂર્તિઓ બનાવી શકે છે. જ્યારે આદિ [જુલાઈ]માં તહેવારો શરૂ થાય છે, ત્યારે લોકો મૂર્તિઓ ખરીદવા માટે આવે છે. “મેં છથી સાત મહિનામાં જે બનાવવા માટે સખત મહેનત કરી છે, તે બધુ એક મહિનામાં વેચાઈ જાય છે. આગામી પાંચ મહિના સુધી મારે કોઈ કમાણી નહીં થાય. જ્યારે હું મૂર્તિઓ વેચીશ, ત્યારે જ મને પૈસા મળશે.” દિલ્લી અન્ના ઉમેરે છે કે તેઓ અન્ય કોઈ કામ શોધતા નથી.
તેમનો દિવસ સવારે 7 વાગ્યે શરૂ થાય છે અને આઠ કલાક સુધી ચાલે છે. તેમણે સુકાઈ રહેલી મૂર્તિઓ પર સતત નજર રાખવી પડે છે; નહીં તો તે તૂટી શકે છે. તેઓ મને તેમની કળા પ્રત્યેના તેમના સમર્પણને દર્શાવવા માટે એક નાની વાર્તા કહે છેઃ “એક વખત મને ઘણી પીડા થઈ કારણ કે હું રાત્રે શ્વાસ લઈ શકતો ન હતો. હું સવારે એક વાગ્યે સાઇકલ પર હોસ્પિટલ ગયો હતો. ડૉકટરોએ મને ગ્લુકોઝ [IV ફ્લડ] આપ્યું. મારો ભાઈ તે જ સવારે મને સ્કેન કરવા માટે બીજી હોસ્પિટલમાં લઈ ગયો પણ કર્મચારીઓએ કહ્યું કે તે રાત્રે 11 વાગ્યે કરવામાં આવશે.” આવી પરિસ્થિતિમાં, દિલ્લી અન્નાએ સ્કેન કર્યા વિના જ પરત ફરવાનું નક્કી કર્યું કારણ કે, “મારે મૂર્તિઓ જોવાની હતી.”
દિલ્લી અન્નાના પરિવાર પાસે 30 વર્ષ પહેલાં કટ્ટુપલ્લી ગામના ચેપક્કમ નેસમાં ચાર એકર જમીન હતી. તેઓ કહે છે, “તે સમયે, મારું ઘર ગણેશ મંદિર નજીક ચેપક્કમ સિમેન્ટ ફેક્ટરી નજીક હતું. અમે જમીનની નજીક એક ઘર બનાવ્યું હતું જેથી અમે ખેતી કરી શકીએ.” જ્યારે ભૂગર્ભજળ ખારું થઈ ગયું, ત્યારે તેમણે ખેતી કરવાનું બંધ કરવું પડ્યું. તે પછી તેઓએ ઘર વેચી દીધું અને અતિપટ્ટુ રહેવા ગયા.
“અમે ચાર ભાઈ-બહેન છીએ અને માત્ર હું જ આ પરંપરાગત કામ આગળ ધપાવું છું. હું પરણેલો નથી. આટલા પૈસાથી હું પરિવાર કે બાળકની સંભાળ કેવી રીતે રાખી શકું?” દિલ્લી અન્નાને ડર છે કે જો તેઓ અન્ય કોઈ કામ હાથ ધરશે, તો માછીમાર સમુદાયો માટે આ મૂર્તિઓ બનાવનાર કોઈ નહીં બચે. “તે મારા પૂર્વજો દ્વારા મને આપવામાં આવ્યું છે, હું તેને છોડી શકતો નથી. જો તેમની (માછીમારો) પાસે આ મૂર્તિઓ નહીં હોય, તો તેઓ સંઘર્ષ કરશે.”
દિલ્લી અન્ના માટે મૂર્તિ બનાવવી એ માત્ર એક વ્યવસાય નથી, તે એક ઉજવણી છે. તેમને યાદ છે કે તેમના પિતાના સમયમાં તેઓ એક મૂર્તિ 800 કે 900 રૂપિયામાં વેચતા હતા. દરેક વ્યક્તિ જે મૂર્તિ ખરીદવા આવતી તેને ભોજન પીરસવામાં આવતું હતું. તેઓ યાદ કરે છે, “તે લગ્ન સમયે ઘર કેવું હોય છે, તેના જેવું હતું.”
જ્યારે મૂર્તિઓ તૂટ્યા વગર શેકાઈ જાય, ત્યારે દિલ્લી અન્ના ખુશ થાય છે. માટીની કૃતિઓ તેમની સાથી બની ગઈ છે. “જ્યારે હું આ મૂર્તિઓ બનાવતો હોઉં છું, ત્યારે મને એવો ભાસ થાય છે કે મારી સાથે એક વ્યક્તિ છે. મને લાગે છે કે હું આ મૂર્તિઓ સાથે વાત કરી રહ્યો છું. આ મૂર્તિઓ સૌથી મુશ્કેલ સંજોગોમાં મારી સાથે રહી છે. પણ મને ચિંતા થાય છે કે મારા પછી આ મૂર્તિઓ કોણ બનાવશે?”
અનુવાદક: ફૈઝ મોહંમદ