બટર સરીન ગામને પાદરેથી બોલતા બિટ્ટુ માલન કહે છે, "તેઓએ અમારે માટે દિલ્હીના દરવાજા બંધ કરી દીધા હતા, હવે પંજાબના એકેએક ગામના દરવાજા તેમને માટે બંધ છે."

બિટ્ટુ માલન શ્રી મુક્તસર સાહિબ જિલ્લાના મલાન ગામના પાંચ એકર ખેતીની જમીન ધરાવતા ખેડૂત છે. તેઓ 'તેઓએ' અને 'તેમને' દ્વારા ભાજપનો ઉલ્લેખ કરે છે, જે કેન્દ્રમાં સત્તાધારી પક્ષ છે અને પંજાબમાં લોકસભાની ચૂંટણીમાં સાવ એકલો પડી ગયેલો દાવેદાર છે. જે 'અમારે માટે' દિલ્હીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા, જે 'અમને' દિલ્હીમાં પ્રવેશ નકારવામાં આવ્યો હતો એ હતા નવેમ્બર 2020 માં રાષ્ટ્રીય રાજધાની તરફ કૂચ કરી ગયેલા હજારો ખેડૂતો.

કિસાન આંદોલન અને રાષ્ટ્રીય રાજધાનીના દરવાજે ઊભા કરેલા તેના કામચલાઉ કેમ્પ નગરોની યાદો પંજાબના જનમાનસમાં આજેય કોતરાયેલી છે. આ રાજ્યના હજારો ખેડૂતોએ ત્રણ ઉનાળા પહેલા આદરી હતી પ્રતિકાર અને આશાની એક લાંબી કૂચ. ટ્રેક્ટર અને ટ્રેલર્સના તેમના કાફલામાં સેંકડો માઇલની મુસાફરી કરીને તેઓ માત્ર એક માગણી સાથે દેશની રાજધાનીને દરવાજે એકઠા થયા હતા, એ માગણી હતી: તેમની આજીવિકાને જોખમમાં મૂકતા ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની.

દિલ્હીના દરવાજા પર પહોંચ્યા પછી તેઓને ઉદાસીનતાની એક મહાન દીવાલનો સામનો કરવો પડ્યો, આ દીવાલ ઊભી કરનાર હતી એ સરકારે જે તેમની અરજીઓ કાને ધરવા તૈયાર નહોતી. આ વિરોધ પ્રદર્શનમાં સહભાગી થનારા કહે છે તેમ લગભગ એક વર્ષ સુધી, ભલેને થર્મોમીટરમાં માત્ર 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હોય, કે પછી તાપમાનનો પારો 45 સે. સુધી પહોંચી ગયો હોય, તેમની રાતો તો એકાંતની ઠંડીથી અને અન્યાયની ગરમીથી જ ભરેલી હતી. લોખંડના ટ્રેલર જ તેમના ઘર બની ગયા હતા.

358 દિવસના એ ચડાવ-ઉતાર વચ્ચે દિલ્હીની આસપાસ ખેડૂતોએ ઊભી કરેલી વિરોધ-પ્રદર્શન શિબિરોમાં મૃત્યુ પામેલા 700 થી વધુ ખેડૂતોના મૃતદેહો પંજાબ પાછા ફર્યા હતા, એ દરેકેદરેક મૃતદેહ એ ખેડૂતોના સંઘર્ષની તેમણે ચૂકવવી પડેલી કિંમતનું મૌન પ્રમાણપત્ર હતું. પરંતુ તેમ છતાં આ આંદોલન અડીખમ રહ્યું. તેમના બલિદાન અને આ મોટા આંદોલને, એક વર્ષ સુધી નન્નો ભણ્યા પછી અને કોઈ પરિણામ વિનાની અનેક ઉગ્ર ચર્ચાઓ પછી, સરકારને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધી. 19 નવેમ્બર, 2021 ના રોજ વડાપ્રધાને આ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી.

પંજાબમાં હવે સમય છે એ જૂના બાકી હિસાબની પતાવટ કરવાનો. અને બિટ્ટુ માલન અને તેમના જેવા ઘણા ખેડૂતો દિલ્હીમાં તેમની સાથે જેવો વ્યવહાર કરવામાં આવ્યો બરાબર એવો જ વ્યવહાર હવે ભાજપના ઉમેદવારો સાથે કરવા તૈયાર હોય તેમ લાગે છે. 23 મી એપ્રિલના રોજ, બિટ્ટુ, જેઓ મૃત્યુ પામેલા એક-એક ખેડૂતના હિસાબની પતાવટ કરવાને પોતાની ફરજ માને છે, તેમણે બટર સરીન ગામમાં ફરીદકોટ લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર હંસ રાજ હંસનો હિંમતભેર સામનો કર્યો.

વીડિયો જુઓ 'પંજાબના ખેડૂતો પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારો પાસે હિસાબ માગે છે'

નવેમ્બર 2020 માં રાષ્ટ્રીય રાજધાની તરફ કૂચ કરી ગયેલા હજારો ખેડૂતોને દિલ્હીએ પ્રવેશ નકાર્યો. 2024 માં ખેડૂતોએ નક્કી કર્યું છે કે હવે આ સમય છે એ જૂના બાકી હિસાબની પતાવટ કરવાનો

હંસને બિટ્ટુના પ્રશ્નોની ઝડીનો અને ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો: “અમે તો પશુઓની ઉપર પણ વાહન ચલાવવાનું અને તેમને કચડી નાખવાનું વિચારી શકતા નથી, ત્યારે લખીમપુર ખેરીમાં, [અજય મિશ્રા] ટેનીના દીકરાએ નિર્દયતાથી ખેડૂતોની ઉપર જીપ ચલાવીને, તેમને કચડી નાખીને તેમના જીવ લીધા. ખનૌરી અને શંભુ માં ગોળીઓનો વરસાદ થયો. શું હતો પ્રિતપાલનો ગુનો ? તેમના હાડકાં ભાંગીને ભુક્કો થઈ ગયાં, તેમનું જડબું ભાંગી ગયું, કારણ કે તેઓ લંગર પીરસવા ગયા હતા. તેઓ પીજીઆઈ [હોસ્પિટલ] ચંદીગઢમાં પડ્યા છે; તમે તેમની મુલાકાત લીધી છે ખરી?

“પટિયાલાના એક 40 વર્ષના વ્યક્તિએ, બે નાના બાળકોના પિતાએ, ટીયર ગેસના શેલથી તેમની આંખો ગુમાવી દીધી. તેમની પાસે માત્ર ત્રણ એકર જમીન છે. શું તમે તેમના ઘરની મુલાકાત લીધી ખરી? ના. શું તમે સિંઘુ ગયા હતા ખરા? ના." હંસ રાજ હંસ પાસે આ સવાલોના કોઈ જવાબ નહોતા.

સમગ્ર પંજાબમાં, એક હજાર બિટ્ટુઓ ગામડાઓમાં પ્રવેશવાની જગ્યાએ જ ભાજપના ઉમેદવારોના આગમનની આતુરતાથી રાહ જોતા ઊભા છે - તેમાનું દરેકેદરેક ગામ બીજું બટર સરીન હોવાનું જણાય છે. પંજાબમાં 1 લી જૂને મતદાન થવાનું છે. ભગવા પક્ષે પહેલા 13 માંથી માત્ર 9 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા હતા, પરંતુ 17 મી મેના રોજ પોતાની યાદી ભરવા માટે બીજા ચારના નામ આપ્યા હતા. આ તમામ ઉમેદવારોનું ખેડૂતો દ્વારા કાળા વાવટા, સૂત્રોચ્ચાર અને પ્રશ્નોથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને ઘણા ગામડાઓમાં તો તેમને પેસવા દેવામાં જ આવતા નથી.

પટિયાલા જિલ્લાના ડાકલા ગામના ચાર એકર ખેતીની જમીન ધરાવતા ખેડૂત રઘબીર સિંહ કહે છે, “અમે પ્રનીત કૌરને અમારા ગામમાં નહીં આવવા દઈએ. દાયકાઓથી પ્રણીતને વફાદાર છે એવા પરિવારોને પણ અમે સવાલો કર્યા છે.” પ્રનીત કૌર પટિયાલાથી ચાર વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાયા છે અને તેઓ પંજાબના પૂર્વ કોંગ્રેસી મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના પત્ની છે. તેઓ બંને 2021માં કોંગ્રેસ પક્ષ છોડીને ગયા વર્ષે ભાજપમાં જોડાયા હતા. બીજેપીના બીજા ઉમેદવારોની જેમ જ તેમનું પણ ઘણી જગ્યાએ કાળા વાવટાથી અને 'મુર્દાબાદ' ના નારાથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

અમૃતસર, હોશિયારપુર, ગુરદાસપુર અને ભટિંડામાં પણ આ જ હાલ છે, તેમના  પક્ષના ઉમેદવારોને દુઃખદ અનુભવો થઈ રહ્યા છે. તેમની ઉમેદવારી જાહેર થયાના એક મહિના પછી ત્રણ વખતના કોંગ્રેસ સાંસદ અને હવે લુધિયાણાના ભાજપના ઉમેદવાર રવનીત સિંહ બિટ્ટુને આ ગામડાઓમાં પ્રચાર કરવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે.

PHOTO • Courtesy: BKU (Ugrahan)
PHOTO • Vishav Bharti

ડાબે: બરનાલા (સંગરુર) માં શાસક પક્ષના ઉમેદવારોને પોતાના ગામમાં પ્રવેશતા અટકાવવા માટે ખેડૂતો માનવ દીવાલ બનાવીને વિરોધ-પ્રદર્શન કરે છે. જમણે: તાજેતરના વિરોધ-પ્રદર્શન દરમિયાન મનરેગા મજદૂર યુનિયન, પંજાબના પ્રમુખ શેરસિંહ ફરવાહી (ધ્વજથી ઢંકાયેલ ચહેરાવાળા)

PHOTO • Courtesy: BKU (Dakaunda)
PHOTO • Courtesy: BKU (Dakaunda)

ખેડૂત આંદોલનના લાંબા ઈતિહાસ સાથે સંકળાયેલ પ્રદેશ, સંગરુરના બીજા એક ગામ મહેલકલનમાં ભાજપના ઉમેદવારો ગામમાં ન પેસે એ માટે ખેડૂતો તેમના ગામની સીમમાં ચોકી કરતા ઊભા રહે છે

દેશના બીજા ભાગોમાં રાજકારણીઓ લઘુમતી-વિરોધી અને 'લાગણીઓને ઠેસ પહોંચાડવા' ના સત્યથી વેગળા ભાષણોનો મારો ચલાવી શકે છે. પંજાબમાં ખેડૂતો તેમને 11 સવાલો કરે છે (વાર્તાની નીચે જુઓ). તેઓને સવાલ કરવામાં આવે છે, લઘુત્તમ ટેકાના ભાવ (મિનીમમ સપોર્ટ પ્રાઈસ - એમએસપી) માટે કાનૂની બાંયધરી વિશે; વર્ષભર ચાલેલા આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતો વિશે; લખીમપુરના શહીદો વિશે; ખનૌરી ખાતે માથામાં ગોળી વાગવાથી માર્યા ગયેલા શુભકરણ વિશે, ખેડૂતો પરના દેવાના બોજ વિશે.

માત્ર ખેડૂતો જ નહીં પરંતુ ખેતમજૂરો પણ કેન્દ્રમાં સત્તાધારી પક્ષના ઉમેદવારોને પરેશાન કરી રહ્યા છે. પંજાબના મનરેગા મઝદૂર યુનિયનના પ્રમુખ શેરસિંહ ફરવાહી કહે છે, “ભાજપે બજેટ ઓછું કરીને મનરેગાને યોજનાને ખતમ કરી દીધી છે. તેઓ માત્ર ખેડૂતો માટે જ નહીં પરંતુ ખેતમજૂરો માટે પણ જોખમી છે."

અને એટલે 'વ્યવહાર' ચાલુ રહે છે. કૃષિ કાયદા 18 મહિના પહેલા પાછા ખેંચવામાં આવ્યા હતા પરંતુ એ ઘા હજી રૂઝાયા નથી. એ કાયદાઓ હતા: કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર અધિનિયમ, 2020 ; કૃષિક ઉપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) અધિનિયમ, 2020 ; અને આવશ્યક ચીજવસ્તુઓ (સંશોધન) અધિનિયમ, 2020 .  ખેડૂતો શંકાશીલ છે, એમ કહીને કે આ કૃષિ કાયદાઓ પાછલા બારણેથી - છાનેમાને અને બિનસત્તાવાર રીતે ફરીથી રજૂ કરવામાં આવી રહ્યા છે.

મતદાન આડે માત્ર થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પંજાબમાં હજી પ્રચાર અને સાથોસાથ ખેડૂતોનો પ્રતિકાર પણ જોર પકડી રહ્યો છે. 4 થી મેના રોજ પટિયાલાના સેહરા ગામમાં જ્યારે સુરિન્દરપાલ સિંહ અને બીજા ખેડૂતો ભાજપના ઉમેદવાર પ્રનીત કૌરના પ્રવેશનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે સુરિન્દરપાલ સિંહ નામના આ ખેડૂતનું મૃત્યુ થયું હતું. ખેડૂતોનો આરોપ છે કે જ્યારે પ્રનીત કૌરના સુરક્ષાકર્મીઓએ વિરોધ-પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને હઠાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમનું મૃત્યુ થયું હતું, જો કે પ્રનીતે આ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા હતા.

ઘઉંની લણણીની કામગીરી હજી હમણાં જ પૂરી કર્યા પછી ખેડૂતો હવે પ્રમાણમાં પાસે હવે પ્રમાણમાં ખાસ કામ રહ્યું નથી, ત્યારે આવનારા દિવસોમાં આ નાટકમાં વધુ દ્રશ્યો જોવા ઉમેરાશે. ખાસ કરીને સંગરુર જેવા ગઢમાં, જ્યાંની માટી વર્ષોના વર્ષોથી પ્રતિકાર સાથે સંકળાયેલી છે ત્યાં. અને જ્યાં બાળકો તેજા સિંહ સ્વતંતર, ધરમ સિંહ ફક્કર અને જાગીર સિંહ જોગા જેવા આતંકવાદી ખેડૂત નેતાઓની મહાકથાઓ સાંભળીને ઉછરે છે ત્યાં.

આ ગામમાં પ્રવેશતા જ ભાજપના ઉમેદવારોને સામનો કરવા પડતા પ્રશ્નોની યાદી

આગળ ઉપર વધુ મુશ્કેલી થઈ શકે છે. ભારતીય કિસાન યુનિયન (બીકેયુ એકતા ઉગ્રહણ) ના નેતા ઝંડા સિંહ જેઠુકેએ તાજેતરમાં બરનાલામાં જાહેરાત કરી હતી કે: "બસ એક અઠવાડિયા રાહ જુઓ અને તમે જોશો કે તેઓને માત્ર ગામડાઓમાંથી જ નહીં પણ પંજાબના નગરોમાંથી પણ તગેડી મૂકવામાં આવશે. યાદ છે તેઓએ દીવાલો ચણીને અને ખીલાઓ વડે કેવી રીતે અમને દિલ્હીમાં પ્રવેશતા રોક્યા હતા? અમે અવરોધો અથવા ખીલાઓ વડે નહીં પરંતુ માનવ દીવાલ ખડી કરીને બદલો લઈશું. તેઓ લખીમપુરની જેમ અમારા પર વાહન ચલાવી ભલે અમને કચડી નાખે, પરંતુ અમે અમારા જાનના જોખમે પણ તેમને ગામમાં પ્રવેશતા રોકવા તૈયાર છીએ."

તેમ છતાં, શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયા કહે છે તેઓએ ન્યાય પ્રેમી ખેડૂતોનો આભાર માનવો જોઈએ. તેઓ કહે છે, “ખેડૂતોએ માત્ર તેમને ગામડાઓમાં પ્રવેશતા અટકાવ્યા છે. ખેડૂતો બીજેપી નેતાઓને ટીયર ગેસના શેલ અને રબર બુલેટથી આવકારતા નથી જે રીતે એ નેતાઓએ દિલ્હીમાં ખેડૂતોને આવકાર્યા હતા."

પ્રતિકાર અને પ્રચલિત કાર્યવાહીની યાદો, જૂની અને તાજેતરની બંને, પંજાબના જનમાનસમાં કોતરાયેલી છે. માત્ર 28 મહિના પહેલા જ આ રાજ્યના લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફિરોઝપુરના ફ્લાયઓવર પર રોક્યા હતા. આજે તેઓ તેમના પક્ષના ઉમેદવારોને ગામડાઓમાં પ્રવેશતા રોકે છે. મોદી સરકાર દ્વારા બે વખત જુદા જુદા રાજ્યોના રાજ્યપાલ તરીકે નિયુક્ત - સત્યપાલ મલિકે - તેમને એ પદ આપનાર પક્ષને કહેવું પડ્યું હતું: "પંજાબીઓ તેમના દુશ્મનોને સરળતાથી ભૂલતા નથી."

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Vishav Bharti

ବିଶବ ଭାରତୀ ଚଣ୍ଡୀଗଡ଼ର ଜଣେ ସାମ୍ବାଦିକ ଏବଂ ସେ ଗତ ଦୁଇ ଦଶନ୍ଧି ହେଲା ପଞ୍ଜାବର କୃଷି କ୍ଷେତ୍ରରେ ସଂକଟ ଏବଂ କୃଷକମାନଙ୍କର ପ୍ରତିରୋଧମୂଳକ ଆନ୍ଦୋଳନ ସଂପର୍କରେ ରିପୋର୍ଟ କରିଆସୁଛନ୍ତି ।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Vishav Bharti
Editor : P. Sainath

ପି. ସାଇନାଥ, ପିପୁଲ୍ସ ଆର୍କାଇଭ୍ ଅଫ୍ ରୁରାଲ ଇଣ୍ଡିଆର ପ୍ରତିଷ୍ଠାତା ସମ୍ପାଦକ । ସେ ବହୁ ଦଶନ୍ଧି ଧରି ଗ୍ରାମୀଣ ରିପୋର୍ଟର ଭାବେ କାର୍ଯ୍ୟ କରିଛନ୍ତି ଏବଂ ସେ ‘ଏଭ୍ରିବଡି ଲଭସ୍ ଏ ଗୁଡ୍ ଡ୍ରଟ୍’ ଏବଂ ‘ଦ ଲାଷ୍ଟ ହିରୋଜ୍: ଫୁଟ୍ ସୋଲଜର୍ସ ଅଫ୍ ଇଣ୍ଡିଆନ୍ ଫ୍ରିଡମ୍’ ପୁସ୍ତକର ଲେଖକ।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ ପି.ସାଇନାଥ
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Maitreyi Yajnik