"સાવ એકાએક પડી ગયું, હોં!"
"હા, પણ તોફાન પણ કેવું ગજબનું હતું, નહીં?"
"ઝાડ પણ ખાસ્સું જૂનું તો ખરું ને. મને યાદ છે પચાસ વરસ પહેલાં અમે આ સોસાયટીમાં રહેવા આવ્યા ત્યારે પણ આ અહીં હતું."
"ચાલો, જે થાય છે તે સારા માટે. આમેય એનું જોખમ તો હતું જ. અને એમાં ત્યાં પાછી પેલા અબ્દુલની કીટલી. ગામભરના નકામા લોકોનો અડ્ડો હતો ત્યાં. રાતે ચામાચીડિયાં ને દિવસે નકરા નાલાયકો ટોળે વળતાં હતાં."
"અલા, આવાજ કેવો જબરજસ્ત થયેલો નહીં?"
36 કલાક થઇ ગયા મ્યુનિસિપાલિટીની ઇમરજન્સી મદદ માટેની ગાડી આવી ને તૂટેલા ઝાડને હાટાવી, એપાર્ટમેન્ટની સામેનો બંધ થઇ ગયેલો રસ્તો ખુલ્લો કરી ગયે. પણ લોકોની વાતો પતતી નહોતી: હાય હાય કેવું વિચિત્ર, કેટલું ભયાનક, કેટલું અચાનક, ઓહ ગજબનું..., અરે બહુ નસીબવાળા કહેવાઓ...ક્યારેક ક્યારેક એ વિચારતી કે શું એ અને બાકીના લોકો શું એક જ ઘટના વિષે વાત કરી રહયાં હતા. એમણે જોયેલું કે એ દિવસે બપોરે એ ત્યાં જ હતા? કોઈએ એમને દટાઈ મારતાં પણ જોયા હશે કે?
એની રીક્ષા જયારે અબ્દુલચાચાની કીટલી પાસે આવીની ઊભી ત્યારે વરસાદ પણ ભારે હતો. રિક્ષાવાળાએ તો રસ્તે ભરાયેલા પાણી જોઈને આગળ આવવાની સાફ ના પાડી દીધેલી. ચાચાએ એને ઓળખી ને દોડતા આવેલા એક હાથમાં છત્રી લઈને. એક હરફ ઉચ્ચાર્યા વગર એના હાથમાં આપી દીધેલી. બસ એક માથું હલાવેલું. એ સમજી, છત્રી સ્વીકારી, એક હલકું સ્મિત પરત આપી પાણીમાંથી થોડેક દૂર આવેલા પોતાના એપાર્ટમેન્ટ તરફ પોતાનો રસ્તો કરવા લાગેલી. એક ક્ષણ માટે પણ એના મનમાં બદલાતા વાતાવરણ વિષે કોઈ વિચાર નહોતો આવ્યો.
કલાક એક પછી પેલો મોટો ભયાનક આવાજ સાંભળીને જયારે એ દોડીને બારી પાસે ગઈ ત્યારે પણ બે ઘડી તો એને લાગ્યું કે કોઈ જંગલ આખેઆખું આમ રસ્તા ઉપર દોડી આવ્યું છે. એને થોડીક વાર લાગી આખા દ્રશ્યને અંદર ઉતારવામાં, રસ્તા પર પડી ગયેલા એ ઝાડની હકીકતને સમજવામાં, અને થોડેક દૂર કોઈ બખોલમાંના એક સફેદ કબૂરતરની જેમ ડોકાતી એ સફેદ ટોપીને ઓળખવામાં.



