અમજદ કહે છે, “અમારા ગામમાં 50 ગોંડ પરિવારો છે. બાકીના બધા હિંદુ, મુસ્લિમ અને ‘જય ભીમ’ [દલિત]. તે બધા ત્યાં છે. તમને અમારા સિવાય આ તમામ સમુદાયોમાં શિક્ષિત લોકો મળશે. પણ મારો ભત્રીજો ભણેલોગણેલો છે. તેનું નામ શિવ છે.” શિવે 15 કે 16 વર્ષની ઉંમર સુધી અભ્યાસ કર્યો હતો અને તે સેનામાં જોડાવા માંગતો હતો પરંતુ તે આગળ વધી શક્યો નહીં. તેઓ કહે છે કે, હવે તે પોલીસમાં ભરતી મેળવવા માટે પ્રયાસ કરી રહ્યો છે. અમજદના પરિવારમાં ઓછામાં ઓછો એક યુવાન તો કારકિર્દી અને શિક્ષણ વિશે વિચારી રહ્યો છે.
અમજદની પણ પોતાની કારકિર્દી છે. “અમારી એક પાર્ટી છે, કે.જી.એન. કવ્વાલી પાર્ટી.” કે.જી.એન. એટલે ખ્વાજા ગરીબ નવાઝ. તેમણે તેમના ભાઈઓ સાથે આની શરૂઆત કરી છે. તેઓ લગ્ન અને અન્ય કાર્યોમાં પ્રદર્શન કરે છે. મેં પૂછ્યું કે, “તમે કેટલું કમાઓ છો?” અમજદ જવાબ આપે છે, “તે આયોજક પર નિર્ભર કરે છે. અમને 5,000 થી 10,000 રૂપિયા મળે છે. દર્શકો પણ કેટલાક પૈસા આપે છે. કુલ મળીને અમે એક કાર્યક્રમમાંથી 15,000 થી 20,000ની કમાણી કરીએ છીએ.” આ કમાણી તમામ સભ્યોમાં વહેંચવામાં આવે છે અને દરેકને ભાગે 2,000-3,000 રૂપિયા આવે છે. એક વાર લગ્નની મોસમ પૂરી થઈ જાય પછી કોઈ કાર્યક્રમો થતા નથી અને પછી અમજદ પૂણે આવી જાય છે.
અહીં ખેડ શિવપુર ખાતેની હઝરત કમર અલી દુર્વેશ દરગાહ પર તેઓ હંમેશાં થોડા ઘણા પૈસા કમાય છે. તેઓ રાત ભોંયરામાં વિતાવે છે. “ઉપરવાલા ભૂખા નહીં સુલાતા! [સર્વશક્તિમાન ઈશ્વર તમને ભૂખ્યા સૂવા નથી દેતા].” જો તેમની ઇચ્છા પૂર્ણ થાય તો ઘણા લોકો ભોજન આપે છે. તેઓ અહીં એક અઠવાડિયા સુધી રહે છે, કવ્વાલી ગાય છે અને તેઓ જે પણ કમાણી કરે તેની સાથે ઘરે પરત ફરે છે. આ તેમનો નિત્યક્રમ છે. અહીં તેઓ કેટલું કમાય છે તે વિશે પૂછતાં અમજદ કહે છે કે તે 10,000-20,000 રૂપિયાની વચ્ચે છે. તેઓ કહે છે, “પણ વ્યક્તિએ વધારે લોભી ન બનવું જોઈએ. અને જો તમે વધુ કમાણી કરશો તો પણ તમે આટલા બધા પૈસા ક્યાં રાખશો? તેથી, હું જે પણ કમાઉં છું તેને લઈને ઘરે પરત ફરું છું!”
હું પૂછું છું, “શું તે ગુજારો કરવા માટે પૂરતું છે?” તેઓ કહે છે, “હા, ચલ જાતા હૈ! [હા, ચાલી જાય છે]. જ્યારે હું મારા ગામમાં પાછો જાઉં છું ત્યારે પણ હું ત્યાં કામ કરું છું.” હું વિચારું છું કે તેઓ શું કામ કરતા હશે, કારણ કે તેમની પાસે કોઈ જમીન કે અન્ય કોઈ સંપત્તિ નથી.
અમજદ આ વિશે વધુ જણાવીને મારી મુંઝવણ દૂર કરતાં કહે છે, “રેડિયમનું કામ. હું આર.ટી.ઓ. (પ્રાદેશિક પરિવહન કાર્યાલય)માં જાઉં છું અને નામ વાહનોની નંબર પ્લેટ રંગું છું. કવ્વાલી કાર્યક્રમો દૂરસ્થ કામ છે તેથી મેં રેગ્યુલર કામ શોધવાનું નક્કી કર્યું હતું. મેં મારી થેલી ઉપાડી અને રેડિયમ પેઇન્ટ ખરીદ્યો. રસ્તામાં, હું એક વાહન પર રોકાયો અને તેને કન્યાની જેમ શણગાર્યું.” આ તેમનો સાઇડ બિઝનેસ છે, એવો બિઝનેસ કે જેમાં કલાનો ઉપયોગ થાય છે, તે શેરીમાં કરવામાં આવે છે, અને તેમને થોડા ઘણા રૂપિયા કમાવી આપે છે.