ડિસ્ટ્રિક્ટ ઈન્ડસ્ટ્રી પ્રમોશન એન્ડ ઓન્તરપ્રેન્યોર ડેવલપમેન્ટ સેન્ટર (ડીઆઈપીઈડીસી) નો અંદાજ છે કે મેરઠમાં ક્રિકેટ-બોલ બનાવવાના 347 એકમો કાર્યરત છે. આ આંકડામાં મેરઠ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલી મોટા કારખાનાઓનો અને જિલ્લાના શહેરી અને ગ્રામીણ રહેણાક વિસ્તારોમાં આવેલા નાના ઉત્પાદન એકમોનો સમાવેશ થાય છે.
જોકે આ અંદાજમાં અસંખ્ય છૂટાછવાયા અસંગઠિત ઉત્પાદન કેન્દ્રો અને ઘરેલુ એકમોનો સમાવેશ થતો નથી જ્યાં આખા બોલ બનાવવામાં આવે છે અથવા બોલના ઉત્પાદન સંબંધિત કોઈ એક ખાસ કામ તેમને આઉટસોર્સ કરવામાં આવેલું હોય છે. તેમાં મેરઠ જિલ્લામાં આવેલા જંગેઠી, ગગૌલ અને ભાવનપુર જેવા ગામોનો સમાવેશ થાય છે. મદન કહે છે, “આજ ગાંવો કે બિના બિલકુલ પૂર્તિ નહીં હોગી મેરઠ મેં [આજે મેરઠના ગામડાઓ વિના ક્રિકેટ બોલનો પૂરવઠો પૂરો પાડવાનું શક્ય જ નથી]."
તેઓ સમજાવે છે, "ગામડાઓમાં અને મોટા કારખાનાઓમાં મોટા ભાગના કારીગર જાટવ સમુદાયના છે, કારણ કે ક્રિકેટના બોલ ચામડાના બનેલા હોય છે." 1904ના ડિસ્ટ્રિક્ટ ગેઝેટિયર મુજબ (યુપીમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ) જાટવ અથવા ચમાર સમુદાય એ મેરઠના ચામડા ઉદ્યોગમાં રોકાયેલા શ્રમિકોનું સૌથી મોટું સામાજિક જૂથ છે. તેઓ ઉમેરે છે, "લોકોને ક્રિકેટ બોલના રૂપમાં ચામડું હોય તો એનો વાંધો નથી હોતો, પરંતુ જ્યારે ચામડા સાથે કામ કરવાની વાત આવે છે ત્યારે તેમને વાંધો આવી જાય છે."
તેમનો પરિવાર શોભાપુરમાં પણ ટેનરી ધરાવે છે, તે એકમાત્ર એવો વિસ્તાર છે જ્યાં કાચી ખાલને ક્રિકેટ બોલ ઉદ્યોગ માટે ફટકડીથી ટેન કરવામાં આવે છે (વાંચો: અણનમ અને હજુ ય પીચ પર ડટી રહેલા મેરઠના ચામડાના કારીગરો). તેઓ કહે છે, "ફટકડીથી ટેન કરેલ ખાલની વધતી જતી માંગ જોઈને મને સમજાયું કે ક્રિકેટ બોલની માંગ ક્યારેય ઘટશે નહીં." બજારની સારી સ્થિતિએ તેમને 20 વર્ષ પહેલાં મેસર્સ. બી.ડી. એન્ડ સન્સ શરુ કરવા પ્રોત્સાહિત કર્યા - જે આ વિસ્તારમાં ક્રિકેટ-બોલ બનાવતા બે એકમોમાંનું એક છે.
મદન કહે છે કે એક બોલ બનાવવા માટે કેટલા કલાકો લાગે તેનો ચોક્કસ અંદાજ કાઢવો મુશ્કેલ છે કારણ કે બોલ બાનાવામાં ઘણી બધી પ્રક્રિયાઓ સામેલ છે અને કેટલીક પ્રક્રિયાઓ સમાંતરે ચાલતી હોય છે, મોસમ અને ચામડાની ગુણવત્તા પણ તેમાં લગતા સમયને અસર કરે છે. તેઓ કહે છે, "દો હફ્તે લગતે હૈં એક ગેંદ કો તૈયર હોને મેં કમ સે કમ [એક બોલ તૈયાર થવામાં ઓછામાં ઓછા બે અઠવાડિયા જેટલો સમય લાગે છે]."
મદનના એકમના શ્રમિકો સૌથી પહેલા ચામડાને ફટકડી વડે પકવે છે, તેને લાલ રંગથી રંગે છે, તડકામાં સૂકવે છે, તેને ટેલો અથવા પ્રાણીની ચરબીથી ગ્રીઝ કરે છે અને પછી તેને નરમ બનાવવા માટે તેના પર લાકડાનો હથોડો ધમ-ધમ કરીને ઠોકે છે મદન કહે છે, “સફેદ બોલ માટે કોઈ રંગ કરવાની જરૂર રહેતી નથી કારણ કે ફટકડીથી ટેન કરેલ ખાલ પહેલેથી સફેદ જ હોય છે. તેને માટે ગાયના દૂધમાંથી બનેલું દહીં ગ્રીઝ તરીકે વપરાય છે,” મદન કહે છે.