“એસ.ડી.એમ. [પેટા વિભાગીય મૅજિસ્ટ્રેટ] જૂનમાં આવ્યા હતા અને તેમણે કહ્યું હતું, ‘આ લો, જગ્યા ખાલી કરવા માટેની નોટિસ’.”
બાબુલાલ આદિવાસી તેમના ગામ ગાદરાના પ્રવેશદ્વાર પર જ્યાં સમુદાયની બેઠકો યોજાય છે તે વડના મોટા ઝાડ તરફ ઈશારો કરે છે. આ એ જ જગ્યા છે જ્યાં આ લોકોનું ભવિષ્ય એક જ દિવસમાં બદલાઈ ગયું છે.
મધ્યપ્રદેશમાં પન્ના વાઘ પ્રકલ્પ (પી.ટી.આર.) અને તેની આસપાસના 22 ગામોના હજારો રહેવાસીઓને બંધ અને નદી જોડવાના પ્રોજેક્ટ માટે તેમનાં ઘર અને જમીન છોડવા માટે કહેવામાં આવ્યું છે. 2017માં અંતિમ પર્યાવરણીય મંજૂરીઓ મળી હતી અને ત્યારથી આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં વૃક્ષો કાપવાની કવાયત હાથ ધરાઈ છે. પરંતુ હવે તેમને તાત્કાલિક આ જગ્યા ખાલી કરાવવાની ધમકીઓએ વેગ પકડ્યો છે.
બે દાયકા કરતાં વધુ સમયથી સરકારી ચોપડે પડેલા આ પ્રોજેક્ટમાં રૂ. 44, 605 કરોડના ખર્ચે (પ્રથમ તબક્કામાં) કેન અને બેતવા નદીઓને 218 કિલોમીટર લાંબી નહેર સાથે જોડવાની યોજના છે.
આ પ્રોજેક્ટની ભારે ટીકા થઈ છે. 35 વર્ષથી જળ ક્ષેત્ર સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક હિમાંશુ ઠક્કર કહે છે, “આ પ્રોજેક્ટ માટે કોઈ વાજબી કારણ નથી, જળશાસ્ત્રીય દૃષ્ટિકોણથી પણ તેને વાજબી ઠેરવી શકાય તેમ નથી. પહેલું તો એ કે કેન નદી પાસે વધારાનું પાણી નથી. આમાં કોઈ વિશ્વસનીય મૂલ્યાંકન કે નિષ્પક્ષ અભ્યાસ કરવામાં નથી આવ્યો, બધું પૂર્વ નિર્ધારિત તારણોના આધારે ચાલે છે.”
ઠક્કર સાઉથ એશિયા નેટવર્ક ઑન ડેમ્સ, રિવર્સ એન્ડ પીપલ (એસ.એ.એન.ડી.આર.પી.)ના સંયોજક છે. તેઓ 2004ની આસપાસ જળ સંસાધન મંત્રાલય (હવે જલ શક્તિ) દ્વારા નદીઓને એકબીજા સાથે જોડવા માટે રચવામાં આવેલી નિષ્ણાત સમિતિના સભ્ય હતા. તેઓ કહે છે કે આ પ્રોજેક્ટનો આધાર જ આઘાતજનક છેઃ “નદીઓને જોડવાથી માઠી પર્યાવરણીય અસરો જોવા મળશે અને પરિણામે જંગલ, નદી, અને જૈવવિવિધતા પર પ્રતિકૂળ સામાજિક અસરો પડશે. સાથે સાથે, અહીં તેમજ બુંદેલખંડ અને તેનાથી દૂરના લોકો ગરીબ બનશે.”





























