ફકીરાણી જાટોના 70 વર્ષીય આધ્યાત્મિક નેતા આગા ખાન સાવલાની કહે છે, “અમે આ જે મઝાર [મકબરો] બનાવ્યો છે તે એક કામચલાઉ વ્યવસ્થા છે. સાવલા પીરનું મૂળ મંદિર તો વ્યૂહાત્મક રીતે ભારત-પાક દરિયાઈ સરહદ પર આવેલું છે.” તેઓ જે અસ્થાયી માળખાની વાત કરી રહ્યા છે તે લખપત તાલુકાના પીપર ગામ પાસે એક વિશાળ ખુલ્લી જગ્યાની વચ્ચે ઊભી કરેલી એક નાનકડી, એકલી અટૂલી, હળવા લીલા રંગની સાદી કબરનો ઉલ્લેખ કરી રહ્યા છે; ગણતરીના કલાકોમાં તે સાવલા પીર તહેવારની ઉજવણી કરવા આવેલા લોકોથી ભરાઈ જશે.
મૂળ મંદિર એક ટાપુ પર આવેલું છે, જે સુરક્ષાના કારણોસર 2019થી આરાધના માટે બંધ છે. હાલ તે જગ્યાએ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બી.એસ.એફ.)ની એક ચોકી આવેલી છે. બાયોકલ્ચરલ કોમ્યુનિટી પ્રોટોકોલમાં ઉલ્લેખિત છે કે, “આઝાદી પહેલાં કોટેશ્વરથી આગળ કોરી ખાડીની આવેલા ટાપુ પર સાવલા પીરના ઘરે મેળો ભરાયો હતો. તે સમયે, હાલના પાકિસ્તાનના સિંધના જાટ માલધારીઓ આમાં હાજરી આપવા અને પ્રાર્થના કરવા માટે હોડી દ્વારા મુસાફરી કરતા હતા.”
આ પ્રદેશમાં તમામ જાતિના હિન્દુ અને મુસ્લિમ પરિવારો માટે મેળામાં હાજરી આપીને પ્રાર્થના કરવાની પરંપરા રહી છે. સમુદાય દ્વારા આયોજિત આ મેળો એક વાર્ષિક કાર્યક્રમ છે, જે ગુજરાતી પંચાંગના ચૈત્ર મહિનાના ત્રીજા કે ચોથા દિવસે યોજાય છે, જે માર્ચ અને એપ્રિલની આસપાસ હોય છે.
કચ્છના પીપર ગામમાં રહેતા પચાસેક વર્ષના સોનુ જાટ કહે છે, “સાવલા પીરની દરગાહ પર, પ્રાર્થના માટે દરેકનું સ્વાગત છે; અહીં કોઈ પક્ષપાત નથી. કોઈપણ વ્યક્તિ આવીને તેમની સુખાકારી માટે માંગણી કરી શકે છે. તમે મોડી સાંજ સુધી રાહ જુઓ અને જાતે જ જુઓ કે કેટલી મોટી ભીડ જામે છે.” આ નેસમાં લગભગ 50 થી 80 ફકીરાણી જાટ સમુદાયના પરિવારો રહે છે.


















