ઘણા સમય પહેલાંની વાત છે. એક સમયે, લાલાલેન્ડની રમણીય નગરીમાં ભગવાન-રાજા અમાન્ડી ડેરોન લોખંડી (ઉણપવાળી) મુઠ્ઠીઓ સાથે શાસન કરતા હતા. તે ના પોતે ખાતા ના કોઈને ખાવા દેતા. કદાચ તેમાં જ ઘટાવાતી એમની કાર્યક્ષમતા. ઓહ, તમે પૂછો છો શું ઘટે છે? અરે! ચિંતાનહીં. ઘટતું કંઈ નથી, જે હતું તે બધું પશ્ચિમી ક્ષેત્રોના વામન પ્રભુ એન્ટિગુઆ એડમને વેચી દીધું છે.
એક દિવસ તેમના મહિમાના મસ્તીખોર પાદરી હમાસિથને એક દુઃસ્વપ્ન આવ્યું, તેણે જોયું કે એક ઉચ્ચપ્રદેશનો કોઈ ઉરા સિંહાસન હડપવાની તૈયારી કરી રહ્યો છે. ચોક્કસપણે તે એક ભયંકર દાખલો હતો, કારણ કે ઉરા એક ક્રૂર જાતિ હતી જેણે લોકશાહી અને એના જેવા બીજા ઘણા દુષ્ટ રિવાજોનું પાલન કર્યું હતું. વાતો સાંભળતાની સાથે હજૂરિયાઓની મંડળી ભેગી થઈ, અને લો! તેઓએ એક દૈવી જાદૂ શોધી બતાવ્યો! મુશ્કેલીઓમાં કામધેનુ સમી દેવી આગાતામુના સૌથી શુદ્ધ છાણમાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવવામાં આવે.
આમ નક્કી થતાં અગાતામુના આંતરડા ઉલેચવામાં આવ્યા, તમામ જરૂરી ઘટકોને એકત્રિત કરી અંતે ધૂપ પ્રગટાવવામાં આવ્યો. અને ગંધ જોઈ હોય તો! અહોહોહો.... મીઠી મીઠી ખેડૂત-દ્વેષી, જુમલા-પ્રેમી ગંધ સુગંધિત ગંધ! કહેવાય છે કે લોબાનનો ધુમાડો ધીમે ધીમે ભૂખે મરતા આકાશમાં વહી ગયો, રાજા ડેરોન પોતે એન્ટિગુઆ અને હમાસિથ સાથે નાચ્યો. ભલું થયું, અપશુકન ટળી ગયું, કે કદાચ નહીં, કોણ કહી શકે? આપણે ફક્ત એટલું જ સમજવાની જરૂર છે કે લાલાલેન્ડમાં છેવટે લોકો ખુશીથી જીવ્યા ના જીવ્યા થયા.
ખમ્મા, મહારાજને ઘણી ખમ્મા!
1)
કામથી કોનો પ્રાસ મળે છે, નામથી ચાલે છે ગોળી
આ છે શેર શાયરી, કોઈ મરસિયું કે ખાલી ઠઠ્ઠા મશ્કરી?
ગોબરનું હો તન
મહીં આવે એવીએમની ગંધ
ફૂંકે ભક ભક એકસો આઠ ફૂટની
અગરબત્તિયું કહો ક્યમ?
2)
એક કરોડની વાહવાહી ને મુઠ્ઠીભર 'ના' ના સમ
બળશે દિવસ પિસ્તાલીસ આખા, ના એકેય કમ
કોઈ અજાણ્યો હશે પરભુ
કોઈ શ્રદ્ધા હશે પવિત્તર
વાઢયાં હશે એમણે જ શબમ્બૂકના મસ્તિષ ધડ
3)
બાબરીની કબર ઉપર ફરકે એક સામ્રાજ્યનો ઝંડો
વોટ્સએપ, ગાયો લઈને ચાલ્યા બજરંગી ભાઈઓ
પણ આ ગંધ શું છે?
આ જ સ્વર્ગ છે? આ નર્ક છે કે શું છે?
અરે! બોલો બોલો. દેશ માંગે છે જવાબ, બોલો
4)
એકસો આઠ ફૂટની લઇ કેસરી લાકડી
અમે ચૂંટીએ રાજા, ના છેતરપિંડી ફાંકડી
રાજા પાળે મગરમચ્છ એક
આવો, લ્યો મસ્ત છબી એક
એકસો આઠ ફૂટની જોઈ લો માંસલ ઠેક
5)
ભૂખે મરતો ખેડૂત સસ્તો, ઘર ઘર ફરતો ફતવો સસ્તો
રામરાજમાં રમખાણોનો ખુલ્લમખુલ્લો થયો છે રસ્તો
એક છે અગર ને એક છે બત્તી —
બરબાદ થઇ ફૂટપાથની વસ્તી
હો વામપંથી કે હો કોંગ્રેસી
બધાની છેવટ બુદ્ધિ સરખી!
અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા