તે પોલીસ સ્ટેશનની બરાબર સામે જ તેમની પત્નીની મારપીટ કરી રહ્યા હતા એ વાતની એમને જરાય પરવા નહોતી. હૌસાબાઈ પાટિલનો દારૂના નશામાં ધૂત પતિ એમને બેરહેમીથી પીટી રહ્યો હતો. “એ મારથી મારી કમર પણ દુ:ખતી હતી. આ [સાંગલી ખાતેના] ભવાની નગરના નાના પોલીસ સ્ટેશનની સામે બનેલી ઘટના છે,” હૌસાબાઈ યાદ કરતા કહે છે. ત્યાં સ્ટેશનના ચારમાંથી ફક્ત બે જ પોલીસ અધિકારી હાજર હતા. “બાકીના બે પોલીસ અધિકારીઓ બપોરનું ભોજન લેવા માટે ગયા હતા.” ત્યારપછી નાશમાં એમના પતિએ મોટો પથ્થર ઉપાડ્યો ને બરાડો પાડ્યો, ‘આ પથ્થર વડે હું તને અહીંયા ને અહીંયા ખતમ કરી નાખીશ.’
આ જોઇને સ્ટેશનમાં રહેલા બે પોલીસ કર્મીઓ દોડતા બહાર આવી ગયા. “એમણે અમારી લડાઈ બંધ કરાવવાની કોશિશ કરી.” ત્યારે, હૌસાબાઈ ત્યાં હાજર પોતાના ભાઈને સમજાવતા હતા કે તેઓ તેમના અત્યાચારી પતિ પાસે જવા નથી માંગતા. મેં કહ્યું, “હું નહીં જાઉં. હું અહિં જ રહીશ, તમે મને તમારા ઘરની નજીક એક નાનકડો ઓરડો આપી દેજો. મારા પતિ પાસે જઈને મરવા ના બદલે, હું અહિં રહીને જે કંઈ પણ મળશે એના પર જીવન વ્યતીત કરીશ...હું એની મારપીટને સહન કરી શકું એમ નથી.” પરંતુ એમના ભાઈએ એમની વિનંતીઓ સાંભળી નહીં.
પોલીસકર્મીઓએ દંપતીને ઘણી વાર સુધી સમજાવ્યાં. અંતે, એ બંનેને એમના ગામડે જતી ટ્રેનમાં બેસાડી દીધા. “તેમણે અમારા માટે ટીકીટ ખરીદી અને અમારા હાથમાં આપી દીધી. તેમણે મારા પતિને કીધું - જો હવે તમારે પત્ની જોઈતી હોય, તો તેમની બરોબર કાળજી લો. લડાઈ ન કરો.”
આ દરમિયાન, હૌસાબાઈના સાથીઓએ પોલીસ સ્ટેશન લૂંટી દીધું, અને ત્યાં રાખેલી ચાર રાઈફલ લઇ લીધી; એમણે તેમજ એમના નકલી ‘પતિ' અને ‘ભાઈ’ એ આ બધું નાટક પોલીસનું ધ્યાન ભટકાવવા માટે કર્યું હતું. આ ૧૯૪૩ની વાત છે જ્યારે તેઓ ૧૭ વર્ષના હતા અને તેમના લગ્નને ત્રણ વર્ષ થઇ ગયા હતા, અને એમને એક નાનો દીકરો પણ હતો, સુભાષ, જેને તેઓ બ્રિટીશ રાજ વિરોધી મિશન પર રવાના થતા પહેલા તેમના એક કાકી પાસે મૂકીને ગયા હતા. આ બનાવને લગભગ ૭૪ વર્ષ વીતી ચુક્યા છે, પરંતુ એમને હજુ પણ ગુસ્સો આવે છે કે એમની લડાઈને અસલી દેખાડવા માટે તેમના બનાવટી પતિએ તેમને ખૂબજ જોરથી માર માર્યો હતો. અત્યારે તેઓ ૯૧ વર્ષના છે, અને અમને એમની વાર્તા મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના વીટામાં સંભળાવી રહ્યા છે, “મારી આંખો અને કાન [આ ઉંમરે] સાથ નથી આપી રહ્યા, પરંતુ આખી ઘટના હું જાતે જ કહીશ.”







