“તમે અહીં બહુ વહેલા આવી ગયા છો. રવિવારે, તેઓ સાંજે 4 વાગ્યા પહેલા અહીં આવતા નથી. હું આ સમયે અહીં છું કારણ કે હું હાર્મોનિયમ વગાડવાનું શીખી રહી છું, ” બ્યુટી કહે છે.
‘અહીં’ એટલે બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના મુસાહરી બ્લોકમાં ચતુર્ભુજ સ્થાન નામના એક ખૂબ જ જૂના વેશ્યાગૃહમાં. ‘આ સમય’ સવારે 10 વાગ્યા પછીનો સમય, જ્યારે હું તેને મળી. ‘તેઓ’ એવા ગ્રાહકો છે જેઓ સાંજે તેની મુલાકાત લે છે. અને 19 વર્ષની બ્યુટી - તેનું નોકરી પરનું પસંદીદા નામ - એક સેક્સવર્કર છે જે પાંચ વર્ષ પહેલાથી આ વેપારમાં આવી ચુકી છે. તે ત્રણ મહિનાની ગર્ભવતી પણ છે.
અને તે હજી પણ કામ કરી રહી છે. તે હાર્મોનિયમ વગાડવાનું પણ શીખી રહી છે કારણ કે "અમ્મી [તેની માતા] કહે છે કે મારા બાળક પર સંગીતની સારી અસર પડશે."
તેની આંગળીઓ બોલતી વખતે હાર્મોનિયમની કી પર ફરતી જાય છે, બ્યૂટી ઉમેરે છે, “આ મારું બીજું બાળક હશે. મારે પહેલાથી જ બે વર્ષનો પુત્ર છે. ”
જ્યાં આપણે બેઠા છીએ તે રૂમના - જે બાકીના સમયે એની કામ કરવાની જગ્યામાં પરિવર્તિત થઇ જાય છે - લગભગ અડધા ભાગમાં જમીન પર ખૂબ મોટુ ગાદલું પાથરવામાં આવ્યું છે, જેની પાછળ દિવાલ પર આડો 6-બાય -4 ફુટનો અરીસો છે. રુમ 15 બાય 25 ફૂટનો છે. ગાદલું તકિયાઓ અને ઓશિકાઓથી શણગારેલું છે જેના પર યુવતીઓ જ્યારે મુજરા કરે છે, ત્યારે ગ્રાહકો બેસે છે અથવા આડા પડીને મુજરો માણે છે. મુજરો એક પ્રકારના નૃત્યનું સ્વરૂપ છે જે ભારતમાં અંગ્રેજોના સમય-પૂર્વેથી ઉભરી આવેલ છે. એવું કહેવામાં આવે છે કે ચતુર્ભુજ સ્થાન પોતે મોગલ સમયથી અસ્તિત્વ ધરાવે છે. વેશ્યાગૃહની બધી છોકરીઓ અને મહિલાઓ માટે મુજરા વિષે જાણવું અને મુજરા કરવા જરૂરી છે. બ્યુટી ચોક્કસપણે તે કરે છે.












