હું મજૂર છું, લાચાર નહીં.
હું ફક્ત એક હું મજૂર છું.
એક મદદગાર છું, લાચાર નહીં
હું પણ માનવી છું.
તમારી ગગનચુંબી ઈમારતો,
અમારી વધેરાઈ ગયેલી ઝુંપડીઓ પર ઉભી છે.
તમારા સપનાનાં ઘરોની દીવાલો
અમારા પરસેવાથી રંગાયેલી છે.
હા, હું પણ દેશપ્રેમી છું,
વિકાસનો સમર્થક છું.
આ મેટ્રો રેલ,
પેલો સરકતો હાઇવે –
મારી મહેનત, મારું લોહી
બધે જ છે.
હા, છું હું આત્મનિર્ભર
લારીમાં શાકભાજી વેચું છું
ફૂટપાથ પર મોમોઝ વેચું છું
તમારા ઘરની અંદરનો કચરો કાઢું છું
અને બહારનો પણ –
તમારી ઝેરી ગટરોમાં પણ ઉતરું છું.
હું મારા જીવવાનો હક વેચું છું
હા, હું ગરીબ છું.
હું મારો પરસેવો વેચું છું
તમે મને આ દિવસોમાં –
શેરીમાં ટોળાઓમાં જુઓ છો
હું અહીં તહીં દોડું છું
હારેલો
તૂટેલો
નાશ પામેલો
મરી રહેલો
ભૂખ્યો
તરસ્યો
રસ્તાઓ પર બેચેન
એવા રસ્તે કે જે ક્યાંય જતા નથી
તમે મારા પેટ પર લાત મારો છો
ભાંગો છો મારું નાજુક સ્વત્વ
તમે પરોપકારી લોકો છો.
તમે અમને ઘરે જવા દીધાં
તમે દયાવાન લોકો છો
તમે અમને મરવા દીધાં
તમે ખુબજ માયાળુ છો
જયારે અમે કહ્યું કે
અમે જતા રહીશું
તમે બસો રોકી દીધી
અમે રેલ્વેના રસ્તે ભણ્યા
તમે અમારા પર ટ્રેનો દોડાવી દીધી
તમે આવું શા માટે કર્યું?
કદાચ અમે ગરીબ હતા માટે.
તમે લાગણીશીલ છો
હું જાણું છું
તમે બધું જોઈ રહ્યાં છો
અમને ચાલતા
ધગધગતા રસ્તે
હજારોની સંખ્યામાં ચાલતા
તમને અમારા પર દયા આવતી જ હશે
તમને ખરાબ લાગતું જ હશે
તમારી આંખો ગમગીન હશે
ભવિષ્યની ચિંતામાં
પરંતુ ચિંતા ના કરો,
હું એક મજદૂર છું
જવાબદારી નહીં
હું પણ માનવી છું
(જોકે) ગરીબ છું
મારો વિશ્વાસ કરો,
જયારે સ્થિતિ સામાન્ય થઇ જશે
હું પરત ફરીશ.
તમે કઈ રીતે પ્રગતિ કરશો
જો હું નહિ આવું?
કઈ રીતે વિકસશે શહેરો?
કઈ રીતે બુલેટ ટ્રેનની જેમ
દેશ ચાલશે?
હું ચોક્કસ પાછો આવીશ.
રસ્તાઓ બનાવીશ
પુલ બનાવીશ
ઉંચી ઈમારતો બનાવીશ
દેશને આગળ ધપાવીશ
આ જ હાથો વડે.
હું એક મજદૂર હતો,
હું મજદૂર છું
મજદૂર જ રહીશ.
ઓડીઓ: સુધાન્વા દેશપાંડે એક અભિનેતા અને જન નાટ્ય મંચના નિર્દેશક છે, અને લેફ્ટવર્ડ બુક્સના તંત્રી છે.
અનુવાદ: ફૈઝ મોહંમદ