આ વર્ષે ૧૦ મી એપ્રિલે રાત્રે ૧૦:૩૦ વાગે હૈયુલ રહમાન અન્સારી મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ પર હતા. તેઓ ઝારખંડના રાંચી જિલ્લાના હટિયા રેલ્વે સ્ટેશન જવાવાળી હટિયા એક્ષ્પ્રેસની વાટ જોઈ રહ્યા હતા, જે રાત્રે ૧૨:૩૦ વાગે ત્યાં આવવાની હતી. હટિયા સ્ટેશનથી રહમાન ઓટોરીક્ષા લઈને બસ સ્ટેન્ડ જશે, અને ત્યાંથી તેઓ નજીકના ચતરા જિલ્લામાં આવેલા પોતાના ગામ અસરહિયા જવાવાળી બસ પકડશે.
આ આખી મુસાફરીમાં દોઢ દિવસ લાગશે.
પરંતુ ટ્રેનમાં બેસતા પહેલાં સ્ટેશનના એક શાંત ખૂણામાં ઊભેલા૩૩ વર્ષીય રહમાને અમને જણાવ્યું કે તેઓ એક વર્ષના ગાળામાં શા માટે બીજી વખત મુંબઈથી પરત ફરી રહ્યા છે.
તેઓ ઘેર જવા માટે ટ્રેનની વાટ જોઈ રહ્યા હતા એના થોડા દિવસો પહેલાં એમના નવા શેઠે (એમ્પ્લોયરે) એમને કહ્યું હતું કે કામ ધીમું થઈ ગયું છે. “એમણે કહ્યું, ‘રહમાન માફ કરો, અમે તમને કામ પર નહીં રાખી શકીએ. તમે પાછળથી ફરીથી કોશિશ કરી શકો છો’.” અને આ રીતે તેમણે હાલની નોકરી ગુમાવી - જે હજી શરૂ પણ નહોતી થઈ.
રહમાન ૧૦ વર્ષ પહેલાં જમશેદપુરની કરીમ સીટી કોલેજથી માસ કમ્યુનિકેશનમાં સ્નાતક (બીએ) કર્યા પછી મુંબઈ આવ્યા હતા. એમણે વિડિઓ એડિટર તરીકે પ્રોજેક્ટ-આધારિત કામ લેવાનું શરૂ કર્યું, જેનાથી શહેરમાં તેમનો ખર્ચ નીકળી શકે અને થોડા પૈસા ઘેર મોકલી શકે તેટલી આવક થતી હતી.




