આવશ્યક પ્રવુત્તિઓ સિવાય, સાંજે ૭થી સવારે ૭ વાગ્યા સુધી વ્યક્તિઓની અવરજવર સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.
- ગૃહ મંત્રાલયનો પરિપત્ર (૧૭ મીમે એ ઇન્ડિયા ટુડે ના અહેવાલ મુજબ)આ પરિપત્રમાં યાત્રી વાહનો અને બસોની આંતર-રાજ્ય ગતિવિધિઓને (જો બે પાડોશી રાજ્યો તેના પર સંમત થાય તો) મંજુરી આપીને સ્થળાંતરિત શ્રમિકોને રાહત આપવામાં આવી હતી. પરંતુ, લાખો લોકો શહેર છોડીને વતન પરત જવા ધોરીમાર્ગો પર પગપાળા ચાલી નીકળ્યા હતા તેમના વિષે આ પરિપત્રમાં કોઈ ઉલ્લેખ નહોતો.
કર્ફ્યુના આ કલાકોની પસંદગીએ તેમને ઉનાળાના સૌથી ગરમ તબક્કામાં સવારે ૭ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધીના સમયમાં ૪૭ ડીગ્રી સેલ્સીયસ તાપમાનમાં ચાલવા મજબૂર કર્યા છે.
એક મહિના પહેલા તેલંગાણાના મરચાના ખેતરોમાં કામ કરતી ૧૨ વર્ષીય આદિવાસી છોકરી જમલો મદ્કમ લોકડાઉનના કારણે કામ અને પગાર બંધ થઇ જતા છત્તીસગઢ સ્થિત પોતાને ઘેર જવા પગપાળા ચાલી નીકળી હતી. આ બાળકી ત્રણ દિવસમાં ૧૪૦ કિલોમીટર ચાલી, પછી તેના ઘરથી ૬૦ કિલોમીટર દૂર, થાક, ડીહાઇડ્રેશન અને સ્નાયુઓના થાકને લીધે મૃત્યુ પામી. આવા કર્ફ્યુ ઓર્ડર કેટલા વધારે જમલો બનાવશે?
પ્રથમ તો પ્રધાનમંત્રીની ૨૪ માર્ચની ૧૩૦ કરોડ લોકોની વસ્તીવાળા દેશને ૪ કલાકમાં સંપૂર્ણપણે બંધ કરી દેવાની જાહેરાતે લોકોમાં ગભરાટ ફેલાવી દીધો. દરેક જગ્યાએ સ્થળાંતરિત શ્રમિકોએ તેમની ઘર તરફની લાંબી પગપાળા મુસાફરી શરૂ કરી દીધી. પછી, પોલીસ જેમને તેમની શહેરી વસાહતોમાં બળજબરી પાછા ન ધકેલી શકી તેમને રાજ્યની સરહદો પર અટકાવવામાં આવ્યા. આપણે લોકો પર જતુંનાશકોનો છંટકાવ કર્યો. ઘણા લોકો ‘સહાય શિબિરો’માં રોકાયા, હવે એ સહાય કોના માટે હતી એ કહેવું અઘરું છે.
મુંબઈ-નાસિક હાઇવે સામાન્ય સમય કરતા લોકડાઉનમાં વધુ વ્યસ્ત લાગતો હતો. લોકો જે રીતે જઈ શકતા હતા તે રીતે જવા લાગ્યા. બિમલેશ જૈસ્વાલ, કે જેમણે વર્ષો પહેલાં અકસ્માતમાં એક પગ ગુમાવ્યો હતો તેઓ એ તેમની પત્ની અને ૩ વર્ષીય બાળકી સાથે મહારાષ્ટ્રના પનવેલથી મધ્યપ્રદેશના રેવા સુધી ૧૨૦૦ કિમી મુસાફરી ગિયર વગરના સ્કુટર પર કરી. તે પૂછે છે કે, “આખા દેશને ૪ કલાકની સુચના આપીને કોણ બંધ કરી દે છે?” ચાલ હવે બિમલેશ, આનો જવાબ તો તમને ખબર છે.










