ગમે તે ક્ષણે દેવી પૃથ્વી પર અવતરશે, અલબત્ત જો તેમને પહેલા વિશેષ પોશાક પહેરવાની તક મળશે તો. “સાંભળો, સાંભળો, સાંભળો. સાત વાગી ચૂક્યા છે. રજત જ્યુબિલી ગામના વ્હાલા રહેવાસીઓ, મહેરબાની  કરીને ચાદર, સાડી, કાપડ લાવો. અમારે ગ્રીન રૂમ તૈયાર કરવો છે. 'પાલ ગાન' - મનસા એલો મોરતે [દેવીનું પૃથ્વી પર અવતરણ] શરૂ થવાની તૈયારીમાં  છે." સંગીત-નાટિકાની પ્રસ્તુતિ શરૂ થતા પહેલાની જાહેરાતો હવામાં ફરી ફરી ગુંજતી રહે છે અને દક્ષિણ 24 પરગણા જિલ્લાના ગોસાબા બ્લોકના આ ગામની ગલીઓમાં સપ્ટેમ્બરની શાંત, નીરસ સાંજને ઉત્સાહિત કરી મૂકે છે. આજની રાત આનંદોત્સવ અને ઉલ્લાસભરી હશે એ નક્કી.

એક કલાકમાં તો કામચલાઉ ગ્રીન રૂમ ઊભો થઈ ગયો અને ચમકદાર પોશાકમાં સજ્જ કલાકારોથી ધમધમી રહ્યો, કોઈ મેક-અપ લગાડી રહ્યું છે, કોઈ ઘરેણાં પહેરી રહ્યું છે તો કોઈ લેખિત સ્ક્રિપ્ટ વિના તેમના સંવાદોનું  મોઢે પુનરાવર્તન કરી રહ્યા છે. જૂથનું નેતૃત્વ કરતા નિત્યાનંદ સરકાર આજે થોડા ગંભીર લાગે છે,  હું પહેલી વાર હિરણમય અને પ્રિયંકાના લગ્ન દરમિયાન તેમને મળ્યો ત્યારે તેઓ એક ખુશખુશાલ નર્તકના રૂપમાં મળ્યા હતા. આજે તેઓ નાગ દેવી મનસાની ભૂમિકા ભજવશે. તેઓ આજે સાંજે  પાલ ગાનમાં ભાગ લેનાર અન્ય કલાકારો સાથે મારો પરિચય કરાવે છે.

પાલ ગાન મંગલ કાવ્ય પર આધારિત એક સંગીત-નાટિકા છે, તે એક લોકપ્રિય દેવી અથવા દેવતાની પ્રશંસા કરતી મહાકાવ્ય કથા છે.  ઘણી વખત ભારતભરમાં પૂજાતા શિવ જેવા દેવોની પ્રશંસામાં, પરંતુ મોટે ભાગે ધર્મ ઠાકુર, નાગ  દેવી-મા મનસા, શીતળાની દેવી-શીતલા અને જંગલની દેવી- વન બીબી જેવા સ્થાનિક બંગાળી દેવતાઓની પ્રશંસામાં આ સવિસ્તર વૃત્તાન્ત કાવ્યોનું પઠન અથવા ગાન કરાય છે. કલાકારોના જૂથ આખા વર્ષ દરમિયાન સુંદરબનના ટાપુઓની આસપાસ ફરે છે અને મંત્રમુગ્ધ પ્રેક્ષકો સમક્ષ આ સંગીત-નાટિકા રજૂ કરે છે.

પશ્ચિમ બંગાળ, આસામ અને બિહારના વિવિધ ભાગોમાં પ્રસ્તુત કરવામાં આવતું મનસા પાલ ગાન  મનસા મંગલ કાવ્ય પર આધારિત છે, તે એક મહત્વનું મહાકાવ્ય છે, એક અંદાજ અનુસાર તે 13 મી સદીથી પ્રચલિત હોવાનું મનાય  છે, અને તે કાવ્ય પ્રાચીન લોકકથાઓ અને દંતકથાઓ પર આધારિત હોવાનું કહેવાય છે. મનસા એ બંગાળમાં દક્ષિણ 24 પરગણાના તેમજ બાંકુરા, બીરભૂમ અને પુરુલિયા જિલ્લાઓના દલિત સમુદાયોના લોકપ્રિય દેવી છે. દર વર્ષે વિશ્વકર્મા પૂજા (આ વર્ષે 17 મી સપ્ટેમ્બર) ના દિવસે સુંદરવનના ભારતીય વિસ્તારના દૂર-દૂરના ગામોમાં ઘણા પરિવારો નાગ દેવીની પૂજા કરે છે અને પાલ ગાન પ્રસ્તુત કરે છે.

Left: Snake goddess Manasa is a popular among the Dalits of South 24 Paraganas as well as Bankura, Birbhum, and Purulia districts. On the day of Viswakarma Puja (September 17 this year) many households in remote villages in the Indian expanse of the Sundarbans worship the snake goddess and perform pala gaan.  Right: Older women in Rajat Jubilee village welcome others in the community to the Puja.
PHOTO • Ritayan Mukherjee
Left: Snake goddess Manasa is a popular among the Dalits of South 24 Paraganas as well as Bankura, Birbhum, and Purulia districts. On the day of Viswakarma Puja (September 17 this year) many households in remote villages in the Indian expanse of the Sundarbans worship the snake goddess and perform pala gaan.  Right: Older women in Rajat Jubilee village welcome others in the community to the Puja.
PHOTO • Ritayan Mukherjee

ડાબે: નાગ દેવી મનસા દક્ષિણ 24 પરગણા તેમજ બાંકુરા, બીરભૂમ અને પુરુલિયા જિલ્લાઓના દલિત સમુદાયોમાં લોકપ્રિય છે. વિશ્વકર્મા પૂજા (આ વર્ષે 17 સપ્ટેમ્બર) ના દિવસે સુંદરવનના ભારતીય વિસ્તારના દૂર-દૂરના ગામોમાં ઘણા પરિવારો નાગ દેવીની પૂજા કરે છે અને પાલ ગાન પ્રસ્તુત કરે છે. જમણે: રજત જ્યુબિલી ગામમાં વૃદ્ધ મહિલાઓ પૂજામાં સમુદાયના બીજા લોકોનું પણ સ્વાગત કરે  છે

મનસાના પરાક્રમની કથાઓ સાથે જોડાયેલી આ સંગીતમય-ધાર્મિક વિધિ સુંદરવનના લોકોને ટાપુના ઝેરી સર્પોથી બચાવવા માટેની વિનંતી છે,  પ્રાર્થના છે. અહીં સાપની 30 થી વધુ પ્રજાતિઓ છે, જેમાં કિંગ કોબ્રા જેવી કેટલીક ઝેરી પ્રજાતિઓ પણ સામેલ છે - અને સર્પદંશ એ  મૃત્યુનું સામાન્ય કારણ છે, જે આ પ્રદેશમાં ઘણીવાર બિનનોંધાયેલ રહે છે.

આજની પ્રસ્તુતિમાં એક શ્રીમંત શિવ ભક્ત ચાંદ સદાગરની વાત છે.  ચાંદને વશ કરવાના મનસાના વારંવારના પ્રયત્નો છતાં તેઓ મનસાને સર્વોચ્ચ દેવી તરીકે ન સ્વીકારવાનો  હઠીલો દુરાગ્રહ રાખે છે. તેનો બદલો લેવા  શ્રેણીબદ્ધ ઘટનાઓમાં  મનસા ચાંદ સદાગરના  માલસામાનનો  સમુદ્રમાં નાશ કરે છે અને ચાંદના સાત દીકરાઓને સર્પદંશથી મારી નાખે છે, અને ચાંદના દીકરા લખીન્દરને તો તેના લગ્નની રાત્રે જ મારી નાખે છે. પતિના મૃત્યુના દુ:ખથી પાગલ લખીન્દરની પત્ની બેહુલા પોતાના પતિને પુનર્જીવિત કરવા  પતિના શરીર સાથે સ્વર્ગમાં જાય  છે. ત્યાં ઈન્દ્ર તેને ચાંદ સદાગરને દેવી માનસાની પૂજા કરવા માટે મનાવી લેવાની સલાહ આપે  છે. ચાંદ સદાગર શિવની ઉપાસના કરવા માટે પોતાના પવિત્ર જમણા હાથને મુક્ત રાખીને માત્ર ડાબા હાથથી મનસાને માત્ર પ્રતીકરૂપ  ફૂલ અર્પણ કરવાની પોતાની પ્રતિ-શરતો આગળ કરે છે. દેવી મનસા આ પૂજા સ્વીકારે છે અને ચાંદ સદાગરની તમામ સંપત્તિ પરત કરે છે અને લખીન્દરને પુનર્જીવિત કરે  છે.

મનસાની ભૂમિકા ભજવનાર 53 વર્ષના નિત્યાનંદ ખેડૂત છે અને 25 થી વધુ વર્ષથી આ કલા સ્વરૂપ  પ્રસ્તુત કરતા વરિષ્ઠ પાલ ગાન કલાકાર છે. તેઓ  વિવિધ પાલ ગાન માટે એકથી વધુ જૂથ  સાથે કામ કરે છે. તેઓ  કહે છે, "2019 થી પરિસ્થિતિ કથળી રહી છે. આ વર્ષે પણ મહામારીને કારણે અમને ઓછા બુકિંગ મળ્યા છે, કદાચ અત્યાર સુધીના સૌથી ઓછા. અમને મહિનામાં 4 કે 5 બુકિંગ મળતા, પરંતુ આ વર્ષે અમને માત્ર બે જ  બુકિંગ મળ્યા છે. ઓછા નાટ્યપ્રયોગ એટલે ઓછી આવક. અગાઉ અમે કલાકારો દરેક નાટ્યપ્રયોગમાંથી 800-900 રૂપિયા કમાતા; હવે તે આવક ઘટીને  400-500 પર આવી ગઈ  છે."

નથી ગ્રીન રૂમ,  નથી યોગ્ય મંચ, અસરકારક ધ્વનિ અને પ્રકાશ વ્યવસ્થા તો દૂરની વાત, શૌચાલય જેવી સાવ સામાન્ય સુવિધાઓ પણ નથી. આ પરિસ્થિતિમાં ગ્રામીણ રંગભૂમિ કેટલી મહેનત માગી લે છે તે સમજાવવા નિત્યાનંદની બાજુમાં બેઠેલા મંડળના સભ્ય વનમાલી વ્યાપારી વાતમાં જોડાય છે. તેઓ કહે છે, “નાટ્યપ્રયોગો  4-5 કલાક ચાલે છે. તે ખૂબ જ કંટાળાજનક કામ છે. અમે ગ્રામીણ રંગભૂમિ પરત્વેની અમારી નિષ્ઠા અને સમર્પણ ખાતર દિલથી રજૂઆત કરીએ છીએ , આર્થિક લાભ માટે નહીં.” નાટકમાં તેમની બે ભૂમિકાઓ છે: લખીન્દરને મારી નાખનાર કાલનાગિની  સાપની અને બીજી ભાર નામના  વિદુષકની, જે (રમૂજથી થોડું મનોરંજન પૂરું પાડી) પ્રેક્ષકોને  આ ગંભીર નાટકના તણાવમાંથી  જરૂરી રાહત પૂરી પાડે  છે."

PHOTO • Ritayan Mukherjee

53 વર્ષના ખેડૂત અને વરિષ્ઠ પાલ ગાન કલાકાર નિત્યાનંદ, દેવી મનસાની ભૂમિકા ભજવે છે.  તેઓ 25 થી વધુ વર્ષથી આ કલા સ્વરૂપ પ્રસ્તુત કરે છે. પરંતુ 2019 માં કોવિડ મહામારી શરૂ થઈ ત્યારથી તેમના નાટ્યપ્રયોગો માટેના બુકિંગ અત્યાર સુધીમાં થયેલા સૌથી ઓછા બુકિંગ છે. તેઓ કહે છે, 'અગાઉ અમે કલાકારો દરેક નાટ્યપ્રયોગમાંથી 800-900 રૂપિયા કમાતા; હવે તે આવક પણ ઘટીને  400-500 પર આવી ગઈ  છે'

સંગીતકારો તેમના વાદ્યો વગાડવાનું શરૂ કરે છે, જે પ્રસ્તુતિની શરૂઆત સૂચવે છે. નિત્યાનંદ અને તેમના તમામ પુરુષ કલાકારોનું જૂથ સીધું  મંચ તરફ આગળ વધે છે. બધા જ કલાકારો વસ્ત્રાલંકારથી સજ્જ હતા. નાટ્યપ્રયોગની શરૂઆત દેવી મનસા અને ગામના વડીલોના આશીર્વાદ મેળવવા માટેની પ્રાર્થનાથી થાય છે. પોતાના  જાણીતા લોકોને  દૈવી નાટકની સુપરિચિત અને છતાં અદભૂત ભૂમિકાઓ ભજવતા જોઈને  આખા ય નાટ્યપ્રયોગ દરમિયાન ભીડ  મંત્રમુગ્ધ રહે છે. અહીં કોઈપણ કલાકાર પૂર્ણ-સમયના વ્યાવસાયિક અભિનેતા નથી - તેઓ  બધા ખેડૂતો, ખેતમજૂરો અથવા મોસમી સ્થળાંતરિત શ્રમિકો  છે.

નિત્યાનંદને છ લોકોનો પરિવારની સંભાળ રાખવાની છે. તેઓ કહે છે, "આ વર્ષે યાસ ચક્રવાતને કારણે ખેતીમાંથી મારી આવક શૂન્ય થઈ ગઈ છે. મારી જમીન ખારા પાણી હેઠળ આવી ગઈ અને હવે અતિશય વરસાદ પડી રહ્યો છે. મારા સાથી કલાકારો,  જેઓ  ખેડૂતો છે, અથવા બીજી નોકરીઓમાં કામ કરે છે, તેઓ પણ પડકારોનો સામનો કરી રહ્યા છે. સદનસીબે મને સરકાર તરફથી દર મહિને 1000 રૂપિયા મળે છે. [લોકપ્રસાર પ્રકલ્પ, રાજ્ય સરકારની આ યોજના હેઠળ યુવાન અને વૃદ્ધ લોક કલાકારો  એકીકૃત ભથ્થું અથવા માસિક પેન્શન મેળવે છે] ."

જો કે નિત્યાનંદના પોતાના જ દીકરાની જેમ આજની યુવા પેઢીના છોકરાઓને પાલ ગાન પ્રસ્તુત કરવામાં રસ નથી. લહેરીપુર પંચાયતના ગામોમાંથી ઘણા (યુવાનો) બાંધકામના સ્થળોએ શ્રમિકો તરીકે અથવા ખેતમજૂરો તરીકે કામની શોધમાં બીજા રાજ્યોમાં જાય છે. નિત્યાનંદ કહે છે, “સંસ્કૃતિ બદલાઈ રહી છે. 3-5 વર્ષ પછી આ કલા સ્વરૂપ કદાચ લુપ્ત થઈ જશે."

જૂથના બીજા કલાકાર 44-45 વર્ષના વિશ્વજિત મંડલ ઉમેરે છે, “પ્રેક્ષકોની પસંદગી પણ બદલાઈ છે. પરંપરાગત પ્રસ્તુતિઓનું સ્થાન મોબાઇલ મનોરંજને લીધું છે.”

પ્રસ્તુતિ જોવામાં અને કલાકારો સાથે વાત કરવામાં ઘણા કલાકો પસાર કર્યા પછી હવે મારા માટે વિદાય લેવાનો સમય છે. હું જવાની તૈયારી કરું છું ત્યારે નિત્યાનંદ મોટેથી  કહે છે: “મહેરબાની કરીને શિયાળામાં પાછા આવજો. અમે મા વન બીબી પાલ ગાન પ્રસ્તુત કરીશું. તમારે કદાચ તેનું પણ દસ્તાવેજીકરણ કરવું હોય. મને તો ડર છે કે ભવિષ્યમાં લોકો માત્ર ઇતિહાસના પુસ્તકોમાં જ આ કલા વિશે વાંચશે."

PHOTO • Ritayan Mukherjee

મનસા પાલ ગાન પ્રસ્તુત કરનાર આ તમામ પુરુષ કલાકારોના જૂથમાંના એક કલાકાર વિશ્વજીત મંડલ નાટ્યપ્રયોગ શરૂ થાય તે પહેલા કામચલાઉ ગ્રીન રૂમમાં પોતાના વસ્ત્રાલંકાર અને મેક-અપ તપાસે છે


PHOTO • Ritayan Mukherjee

એક કલાકાર મંચ પર જવાના થોડા સમય પહેલા પગે ઘુંઘરુ બાંધે છે


PHOTO • Ritayan Mukherjee

વનમાળી વ્યાપારી નાટકમાં બે ભૂમિકાઓ ભજવે છે: કાલનાગિની  સાપની અને ભાર નામના વિદુષકની. નાટ્યપ્રયોગ 4-5 કલાક સુધી ચાલશે. ગ્રામીણ રંગભૂમિ મહેનત માગી લે છે, પરંતુ તેઓ કહે છે, "અમે ગ્રામીણ રંગભૂમિ પરત્વેની અમારી નિષ્ઠા અને સમર્પણ ખાતર દિલથી રજૂઆત કરીએ છીએ , આર્થિક લાભ માટે નહીં"


PHOTO • Ritayan Mukherjee

સ્વપન મંડલ પોતાની ભૂમિકાના સંવાદોનું મોઢે પુનરાવર્તન કરે છે. કોઈપણ લેખિત સંવાદોની ગેરહાજરીમાં પાલ ગાન કલાકારોએ યાદશક્તિ પર જ પૂરેપૂરો આધાર રાખવો પડે છે


PHOTO • Ritayan Mukherjee

શ્રીપાદ મૃધા શ્રીમંત ઉદ્યોગપતિ અને ભગવાન શિવના પ્રખર ભક્ત ચાંદ સદાગરનું મુખ્ય પાત્ર ભજવે  છે,  મનસા દેવી ચાંદને વશ કરવા પ્રયત્નો કરી રહ્યા છે


PHOTO • Ritayan Mukherjee

એક સંગીતકાર નાટ્યપ્રયોગ શરૂ થતા પહેલા પોતાની જીભથી સિન્થેસાઇઝર વગાડે છે


PHOTO • Ritayan Mukherjee

કરતાલ - લાકડાનું વાજિંત્ર - વગાડનાર સંગીતકાર પાર્શ્વસંગીત પૂરું પાડે  છે


PHOTO • Ritayan Mukherjee

નિત્યાનંદ અને બીજા કલાકારો તેમની પ્રસ્તુતિ શરૂ કરતા પહેલા સ્થાનિક પંડાલમાં દેવતાનું પૂજન કરે છે


PHOTO • Ritayan Mukherjee

નિત્યાનંદ કહે છે, "કલાકારો તરીકે અમે બધા મંચનું સન્માન કરીએ છીએ. તે જ  અમારું મંદિર છે. આપણે તેના આશીર્વાદ મેળવવા જોઈએ"


PHOTO • Ritayan Mukherjee

ડાબેથી:  (ચાંદ સદાગરની પત્ની સનકાની ભૂમિકા ભજવતા) સ્વપન મંડલ,  (દેવી મનસાની ભૂમિકા ભજવતા) નિત્યાનંદ સરકાર અને  (ચાંદ સદાગરની દીકરીની ભૂમિકા ભજવતા) વિશ્વજીત મંડલ ગામના દેવતાઓ અને વડીલ પ્રેક્ષકોના આશીર્વાદ મેળવીને પ્રસ્તુતિની શરૂઆત કરે છે


PHOTO • Ritayan Mukherjee

દેવી મનસાની ભૂમિકા ભજવતા નિત્યાનંદ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દે છે


PHOTO • Ritayan Mukherjee

આ સંગીત-નાટિકા મનસા મંગલ કાવ્ય પર આધારિત છે, તે એક મહત્વનું મહાકાવ્ય છે, એક અંદાજ અનુસાર તે 13 મી સદીથી પ્રચલિત હોવાનું મનાય  છે, અને તે કાવ્ય પ્રાચીન લોકકથાઓ અને દંતકથાઓ પર આધારિત હોવાનું કહેવાય છે

PHOTO • Ritayan Mukherjee

રજત જ્યુબિલી ગામની આ વૃદ્ધ મહિલાની જેમ જ બીજા પ્રેક્ષકો પણ આશ્ચર્યચકિત થઈને જોઈ રહે  છે કારણ તેમના જાણીતા લોકો દૈવી નાટકની સુપરિચિત અને છતાં અદભૂત ભૂમિકાઓ ભજવે છે

PHOTO • Ritayan Mukherjee

મનસાની આજ્ઞાથી ચાંદ સદાગરના પુત્ર લખીન્દરને મારવા ઝેરી કાલનાગિની સાપની ભૂમિકામાં વનમાલી વ્યાપારી મંચ પર પ્રવેશે છે


PHOTO • Ritayan Mukherjee

એક ઉત્કટ દ્રશ્યમાં મનસાની ભૂમિકામાં નિત્યાનંદ અને કાલનાગિની સાપની ભૂમિકામાં વનમાલી વ્યાપારી


PHOTO • Ritayan Mukherjee

પડકારરૂપ દ્રશ્ય ભજવ્યા બાદ થાકેલા વનમાલી વિરામ લેવા મંચની પાછલી બાજુ જાય છે, જ્યાં તેઓ ડીહાઇડ્રેશનને કારણે  બેહોશ થઈ જાય છે. અહીં કોઈપણ કલાકાર પૂર્ણ-સમયના વ્યાવસાયિક અભિનેતા નથી - તેઓ બધા ખેડૂતો, ખેતમજૂરો અથવા મોસમી સ્થળાંતરિત શ્રમિકો  છે


PHOTO • Ritayan Mukherjee

ચાંદ સદાગરની પત્ની સનકાની ભૂમિકામાં સ્વપન મંડલ (ડાબે), શ્રીપાદ મૃધાએ ચાંદ સદાગરની ભૂમિકા ભજવી હતી

PHOTO • Ritayan Mukherjee

મનસાને સર્વોચ્ચ દેવી તરીકે ન સ્વીકારવાના ચાંદ સદાગરના હઠીલા  દુરાગ્રહને પગલે તેમને  મનસાના ક્રોધનો ભોગ બનવું પડે છે, પરિણામે તેમના જહાજને ટક્કર વાગ્યા પછી અને  જહાજમાં લઈ જવાતો તેમનો  માલ ભારે તોફાનમાં નાશ પામ્યા પછી  ચાંદ સદાગરની ભૂમિકામાં શ્રીપાદ મૃધા સમુદ્રમાં તરતા  રહેવાની કોશિશ કરે છે


PHOTO • Ritayan Mukherjee

નિત્યાનંદ તેના જૂથના દરેક સભ્યોની પ્રસ્તુતિ ખૂબ ધ્યાનથી જૂએ છે


PHOTO • Ritayan Mukherjee

મધરાતે નાટ્યપ્રયોગના અંતે અગરબત્તીમાંથીનીકળતા ધુમાડાના ગોટા. બાળપ્રેક્ષકો તો ક્યારના ય સૂઈ ગયા છે

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Ritayan Mukherjee

କୋଲକାତାରେ ରହୁଥିବା ରୀତାୟନ ମୁଖାର୍ଜୀଙ୍କର ଫଟୋଗ୍ରାଫି ପ୍ରତି ଆଗ୍ରହ ରହିଛି ଏବଂ ସେ ୨୦୧୬ର ପରୀ ବ୍ୟକ୍ତିତ୍ୱ । ସେ ତିବ୍ଦତୀୟ ମାଳଭୂମି ଅଞ୍ଚଳରେ ଯାଯାବର ପଶୁପାଳକ ସଂପ୍ରଦାୟର ଜୀବନ ଉପରେ ତଥ୍ୟ ସଂଗ୍ରହ କରୁଥିବା ଏକ ଦୀର୍ଘକାଳୀନ ପ୍ରକଳ୍ପରେ କାମ କରୁଛନ୍ତି ।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Ritayan Mukherjee
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Maitreyi Yajnik