“તે હું ...હું જ...” અમન મોહંમદ બીજા કોઈની પહેલાં મારા પ્રશ્નનો જવાબ આપવા આતુર હતો. મેં 12 કે તેથી વધુ બાળકોના જૂથને વિનાયક ચોથ માટેના આ વર્ષના પંડાલના મુખ્ય આયોજક વિષે પૂછ્યું હતું. જૂથનાં સૌથી વયસ્ક સભ્ય ટી. રાગિણીએ કહ્યું, “તેણે એકલાએ 2,000 રૂપિયા ભેગા કર્યા હતા.” તેથી કોઈએ અમનના દાવા પર શક નહોતો કર્યો.
આ વર્ષે તેમનો હિસ્સો સૌથી વધુ હતો: પંડાલ આયોજકોના આ જૂથ દ્વારા એકત્ર કરાયેલા 3,000 રૂપિયામાંથી બે તૃતીયાંશ ભાગ. તેમણે આંધ્રપ્રદેશના અનંતપુર નગરના સાંઇનગર વિસ્તારમાં તેમની શેરીમાંથી પસાર થતા વાહનચાલકો પાસેથી દાન એકઠું કર્યું હતું.
અમણે મને કહ્યું કે આ તેનો પ્રિય તહેવાર છે. મને નવાઈ ન લાગી.
2018માં એક રવિવારે, સાંઇનગરમાં વિનાયક ચોથની ઉજવણીના થોડા અઠવાડિયા પછી, મેં ચાર બાળકોને આ તહેવારની નકલ કરીને રમતાં જોયાં. તેથી મેં તેમની છબી કંડારી. આ રમત ‘અવ્વા અપ્પાચી’નું રૂપાંતરિત કરેલું સંસ્કરણ હતું, જે બાળકોનું પ્રિય છે. વિનાયક ચોથના દિવસે જેમની જન્મજયંતિ ઉજવવામાં આવે છે, તે હિંદૂ દેવતા ગણેશનું પાત્ર તે છોકરો ભજવવાનો હતો. બે મોટી છોકરીઓ તેને ઉંચકીને આમતેમ ફરી રહી હતી અને અંતે તેને જમીન પર મૂકીને – ગણેશ નિમર્જનમ, ભગવાનની મૂર્તિનું વિસર્જનને ફરીથી તાજું કરી દીધું.
નાનકડો ગણેશ બનેલ છોકરો અમન મોહંમદ હતો. હાલ 11 વર્ષની વયે પહોંચેલો તે છોકરો, ઉપરના કવર ફોટોમાં આગળની હરોળમાં (ડાબી બાજુએ છેલ્લે) ઉભો જોવા મળે છે.
આ વર્ષે ઓગસ્ટમાં વિનાયક ચોથની ઉજવણી માટે અમન અને તેના મિત્રોએ 2x2 ફૂટના પંડાલમાં ભગવાનની મૂર્તિ સ્થાપિત કરી હતી – જે કદાચ અનંતપુરમાં સૌથી નાની મૂર્તિ હશે. હું તેમના પંડાલનો ફોટો પાડવા માટે થોડો મોડો પડેલો. બાળકોએ મને કહ્યું કે તેમણે 1,000 રૂપિયામાં મૂર્તિ ખરીદી હતી; બાકીના 2,000 રૂપિયા માળખું બનાવવા અને તેની સજાવટ પાછળ ખર્ચવામાં આવ્યા હતા. મૂર્તિને સાંઇનગરના ત્રીજી ચોકડી નજીક આવેલી દરગાહની બાજુમાં જ સ્થાપિત કરવામાં આવી હતી.







