ભારતમાં ખેડૂત કુટુંબોની સરેરાશ માસિક અવાક છે રૂ. 6,426 (માથાદીઠ આશરે રૂ. 1,300). અને આ તમામ સરેરાશ માસિક આંકડાઓમાં આવકના બધા સ્ત્રોતની ગણના કરાઈ છે. જે આવક માત્ર ખેતીથી જ નહીં, પશુધન, બિનખેતીનો વ્યવસાય અને વેતન અને પગારથી પણ થાય છે.
રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ 70 ‘ભારતના કૃષિ કુટુંબોની પરિસ્થિતિના મુખ્ય સૂચક’ (2013)માં જણાવ્યા મુજબની આ ભારતીય ખેડૂતની સ્થિતિ છે. એ પણ યાદ રહે કે આ ખેડૂતોની આવક આગામી 12 મહિનામાં - 2022 સુધીમાં બમણી કરવાનો વાયદો સરકારે કરેલો છે. આ કામ આમેય અઘરું છે ને એમાં વળી વધારે હેરાન કરે છે રિહાના અને થનબર્ગ્સની વિક્ષેપજનક દખલઅંદાજી.
અરે, આ દિલ્હીની સરહદ પરના શ્રીમંત ખેડૂતો, જે 2 ડિગ્રી સેલ્સિયસ અથવા તેથી ઓછા તાપમાનમાં ધાતુની ટ્રોલીમાં સૂએ છે, 5 થી 6 ડિગ્રી ટાઢમાં ખુલ્લામાં સ્નાન કરે છે - તેમણે તો ભારતીય શ્રીમંત વર્ગ માટે મારી સરાહનામાં વધારો કર્યો છે. એ વર્ગ આપણે ધાર્યાં કરતાં ઘણો મહેનતુ નીકળ્યો.
તે દરમિયાન, સુપ્રીમ કોર્ટ દ્વારા ખેડૂતો સાથે વાત કરવા નિમાયેલી કમિટી અંદરોઅંદર જ સુસંગત રીતે વાત કરવામાં અસમર્થ જણાઈ રહી છે - તેના ચાર સભ્યોમાંથી એક સભ્યએ તો કમિટીની પહેલી બેઠક પહેલાં જ પદ છોડ્યું છે. અને વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો સાથેની વાતનો પ્રશ્ન છે, એની તો શરૂઆત પણ નથી થઇ.
12 માર્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિએ એને આદેશ મુજબ ફાળવવામાં આવેલા બે મહિના (કૃષિ માટેના નિર્ણાયક જંતુ પરાગ રજકોના મહત્તમ જીવનકાળ જેટલો સમય) પૂરા કરી દીધા હશે. ત્યારબાદ સમિતિ પાસે તેઓએ જેમની સાથે વાત ના કરી હોય એવા લોકોની લાંબી સૂચિ હશે અને એનાથી ય લાંબી સૂચિ હશે એવા લોકોની જેમણે તેમની સાથે વાત કરવાની મનાઈ કરી દીધી. અને કદાચ એક ટૂંકી સૂચિ એવા લોકોની ય હશે જેમની સાથે એમને ક્યારેય વાત કરવા જેવી જ નહોતી.
વિરોધ કરી રહેલા ખેડૂતોને પજવવાના અને ધમકાવવાના તમામ પ્રયત્નો એમની વધતી જતી સંખ્યાને રોકી શક્યા નથી. એમને બદનામ કરવાના તમામ પ્રયત્નો એ સત્તાના કેદી એવા મીડિયા માટે આકર્ષણરૂપ બન્યા છે -- પણ મેદાનમાં પરિસ્થિતિ કંઈ ઉલટી જ જોવા મળે છે. સૌથી વધુ ખતરનાક વસ્તુ તો એ છે કે આ બધાથી આ સરકારના વધતા જતા ઘાતકી, ક્રૂર, અને સરમુખત્યારશાહી વલણમાં જરાય ફેર પાડવાનો નથી.
કોર્પોરેટ મીડિયામાં ઘણા જાણે છે, અને ભાજપામાં ઘણા એનાથી વધુ સારી રીતે જાણે છે કે આ વિવાદમાં જો પાર ના કરી શકાય એવો કોઈ અવરોધ હોય તો એ નથી નીતિ, કે નથી શ્રીમંત કોર્પોરેશનને આપેલા વચનો (એ વચનો પાળવાના દિવસો પણ આવશે), કે નથી એ પેલા કાયદાઓની પવિત્રતા (જે સરકારના પોતાના જણાવ્યા પ્રમાણે ઘણા સુધારા માંગે છે), પરંતુ એ છે વ્યક્તિગત અહંકાર. ફક્ત એ કે રાજા કોઈ દિવસ કંઈ ભૂલ ના કરે. અને ભૂલને સ્વીકારવી અને એથી ય ખરાબ એને સુધારવી -- એવો તો વિચાર પણ ના થાય. પછી ભલે દેશનો દરેક ખેડૂત વિમુખ થઇ જાય નેતા ખોટો ના કોઈ શકે, નેતા ભોંઠો ના પડી શકે. મોટા દૈનિકોના એક પણ સંપાદકીયમાં કોઈને આ વિષે ફરફ સુદ્ધાં ઉચ્ચારતાં મેં જોયાં નથી, જો કે સૌ જાણે છે કે સચ્ચાઈ શું છે.
આ ગડબડીમાં અહંકાર કેટલો મહત્વપૂર્ણ છે? વિચાર કરો ઇન્ટરનેટ શટડાઉન પર રિધમ એન્ડ બ્લૂઝના ગાયક દ્વારા કરવામાં આવેલ સીધાસાદા ટ્વિટ: "આપણે આ બાબતે કેમ ચૂપ છીએ?" ને મળેલા પ્રતિભાવ વિષે. જયારે આને લગતો વિવાદ ‘અરે-રિહાન્ના-કરતા-વધુ-ફોલોઅર્સ-તો-ટ્વીટર-પર-મોદી-પાસે-છે’ પર ઉતરી આવે ત્યારે સમજવાનું કે આપણે હારી ગયા. ખરેખર તો આપણે ત્યારે જ હારી ગયા જ્યારે વિદેશ મંત્રાલયે કામિકેઝ જેવા આત્મઘાતી હુમલાનું નેતૃત્વ આતંકવાદ વિરોધી વીરતાની વાતો કરીને કર્યું. જેનાથી પ્રેરાઈને દેશભક્ત સેલિબ્રિટીઓનું હયદળ પોતાનો સાયબર હુમલો કરવા નીકળી પડ્યું. (વિનાશની ડિજિટલ ખાઈએ કૂદ્યા, ટ્વિટો ગરજ્યાં, વરસ્યાં, વણથંભ્યા વધતાં અંધારા સામે, સેંકડો કુલીન સવારો કૂદ્યા).
‘આપણે આ બાબતે કેમ ચૂપ છીએ’ એમ કહી આશ્ચર્ય વર્તાવતા મૂળ વાંધાજનક ટ્વિટમાં, કોઈ સ્પષ્ટ વલણ નોહ્તું, ના કોઈની તરફેણ કરાઈ હતી - આઇએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી અને સંદેશાવ્યવહારના નિયામકના નિવેદનો, જેમાં તેમણે બંને કૃષિ કાયદાઓની જાહેર પ્રશંસા કરી છે ('સાવધાની રાખવાના ઉપાયો' વિષે 'ચેતવણીઓ' ઉમેરીને -- જેમ નિકોટિન વેચતા ફેરિયાઓ સંપૂર્ણ પ્રામાણિકતા સાથે કાનૂની ચેતવણી તેમના સિગારેટ પેક પર છાપે એમ) કરતાં એ ટ્વીટ ઘણું વિપરીત હતું.
ના હોં, આ આર એન્ડ બી કલાકાર અને 18 વરસની કલાઇમેટ એક્ટિવિસ્ટ ખરેખર ખતરનાક છે, અને એમની સાથે સખત હાથે અને કોઈ દયાભાવ વિના વર્તવું રહ્યું. દિલ્હી પોલીસ એમાં કાર્યરત છે એ આશ્વાસનરૂપ છે. અને જો એમને આનાથી આગળ વધીને આમાં કોઈ પૃથ્વી બહારની કોઈ દુનિયાનું ષડયંત્ર મળી આવે -- આજે વૈશ્વિક તો કાલે આ વાર્તાનું કોઈ ઈતર વૈશ્વિક પાસું મળી આવે - તો હું તેમની ઠેકડી કરવાવાળાઓમાં નહીં હોઉં. આજકાલ ઈન્ટરનેટ પર વહેતુ થયેલું મને ખૂબ ગમતું વાક્ય કહે છે એમ: “આ પૃથ્વી સિવાય પણ બીજી કોઈ દુનિયાનું અસ્તિત્વ છે એનો જો તમને પૂરાવો જોઈતો હોય તો એ છે કે તેઓએ અમને એકલા છોડી દીધા છે.”
આ લેખ પ્રથમ વખત 'ધ વાયર' માં પ્રકાશિત થયો હતો
મુખપૃષ્ઠનું ચિત્ર: લાબાની જાંગી, મૂળ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના એક નાના શહેરના વતની છે, અને કોલકાતાના સેન્ટર ફોર સોશિયલ સ્ટીડીઝમાં પી એચ ડી ના અભ્યાસી છે. તેઓ બંગાળી મજૂરોના સ્થળાંતરના વિષય પર સંશોધન કામ કરે છે. તે સ્વયં શિક્ષિત ચિત્રકાર છે અને મુસાફરી કરવાનું પસંદ કરે છે.
અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા