"હુરર...
હેહેહેહે...હો...હેહેહેહે...હો..."
અચાનક વાડીની ઉપરનું આકાશ અસંખ્ય પક્ષીઓથી ભરાઈ ગયું હતું. તેમને ત્યાંથી ઉડાડી મૂકવા માટે સૂરજ જે અવાજો કરી રહ્યો હતો તેનાથી આ પક્ષીઓ ગભરાઈ ગયા હતા. આ પેરની વાડીના રખેવાળ તરીકે સૂરજનું કામ છે ભૂખ્યા પક્ષીઓને પાકેલા ફળોથી દૂર રાખવાનું. તેમને ડરાવીને ઉડાડી મૂકવા માટે તે જોર-જોરથી બૂમો પાડે છે અને કમાન અથવા ગિલોલથી પક્ષીઓને રોડા (માટીની ગોળીઓ) મારવાનો પ્રયત્ન પણ કરે છે.
ઉત્તર-પશ્ચિમ પંજાબમાં તરન તારન જિલ્લાની ધારે આવેલું પટ્ટી તેની ફળોની વાડીઓ માટે જાણીતું છે. દર વર્ષે સ્થળાંતરિત શ્રમિકો પેર અને પીચની વાડીઓની દેખભાળ કરવા માટે અહીં આવે છે. તેમનું કામ છે કોઈપણ સમયે નીચે ઉતરીને પાકેલા ફળોને ચાંચ મારતા અથવા પાકેલા ફળોને તોડી નાખતા પક્ષીઓને દૂર રાખવાનું. આ ફળોની વાડીઓની સંભાળ રાખતા સૂરજ જેવા શ્રમિકો રાખે (રખેવાળ) તરીકે ઓળખાય છે.
સૂરજ બહરદાર જે વાડીની દેખભાળ કરે છે તેમાં આશરે બે એકર જમીનમાં પેરના લગભગ 144 ઝાડ છે. એપ્રિલથી ઓગસ્ટ સુધી ચાલતી આ ફળની મોસમમાં તેમનો કોઈ રખેવાળ હોય તો તે આ એક માત્ર 15 વર્ષનો બાળક જ છે. વાડીના માલિકો તરફથી તેને મહિને 8000 રુપિયા પગાર આપવામાં આવે છે.
સૂરજ અમને કહે છે, “વૃક્ષો પર ફૂલ આવવા માંડે કે તરત જ જમીનમાલિકો તેમની વાડીઓ ભાડાપટે આપી દે છે. વાડીને ભાડાપટે લેનાર ઠેકેદાર (વાડીની સંભાળ લેવા) રખેવાળો રાખે છે." મોટાભાગના રખેવાળો ઉત્તર પ્રદેશ અને બિહારના સ્થળાંતરિત શ્રમિકો છે.
સૂરજ બિહારનો છે અને વાડીમાં કામ કરવા માટે તેણે લગભગ 2000 કિલોમીટરની મુસાફરી કરી છે. અહીં આવવા માટેની તેની સફર શરૂ થઈ હતી બિહારના અરરિયા જિલ્લાના તેના ગામ ભગપરવાહથી એક મોટા નગર સહરસા સુધીની મુસાફરીથી. ત્યારપછી પંજાબના અમૃતસર પહોંચવા માટે 1732 કિલોમીટરની મુસાફરી તેણે ટ્રેનમાં કરી હતી. તેના જેવા શ્રમિકોને અમૃતસરથી એક કલાકના અંતરે આવેલા પટ્ટીમાં લાવવા માટે ઠેકેદારોએ બસની વ્યવસ્થા કરી હતી.
*****
સૂરજ બહરદાર સમુદાયનો છે, જે બિહારમાં અત્યંત પછાત વર્ગ (એક્સટ્રીમલી બેકવર્ડ ક્લાસ - ઈબીસી) તરીકે સૂચિબદ્ધ છે. તે 8 મા ધોરણમાં ભણતો હતો ત્યારે તેના પરિવારની કથળતી જતી આર્થિક સ્થિતિને કારણે તેને શાળા છોડી દેવાની ફરજ પડી હતી. તે કહે છે, “મારી પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. પરંતુ એકવાર હું ઘેર પાછો જઈશ પછી મારી કમાણીથી હું પાછો શાળામાં ભણવા જઈશ.
પંજાબના માઝા ક્ષેત્ર પ્રદેશમાં આવેલું પટ્ટી નગર તરન તારન શહેરથી લગભગ 22 કિમી દૂર છે; પાકિસ્તાનનું લાહોર ત્યાંથી એક કલાક દૂર છે. આ વિસ્તારની મોટા ભાગની વાડીઓ જટ્ટા (જાટ) જેવી વર્ચસ્વ ધરાવતી જાતિના સમુદાયોની માલિકીની છે. ફળોની વાડીઓ ઉપરાંત તેમની પાસે જમીન પણ છે, જેના પર તેઓ ખાદ્ય પાકોની ખેતી કરે છે.
પેર અને પીચના વાડીઓથી વિપરીત જામફળની વાડીઓ માટે વર્ષમાં બે વાર રખેવાળો રાખવાની જરૂર પડે છે. વૃક્ષોની સંભાળ રાખવા માટે કેટલીકવાર સ્થાનિકોને પણ કામ પર રાખવામાં આવે છે અથવા તો ઠેકેદાર આ વિસ્તારમાં સ્થાયી થયેલા સ્થળાંતરિત શ્રમિકોને કામે રાખે છે.
આ કામ માટે બિહારમાંથી સ્થળાંતર કરનારા મોટાભાગના શ્રમિકો સૂરજ કરતા મોટા છે અને સામાન્ય રીતે આવા નાના છોકરા બગીચામાં રાખે તરીકેનું કામ કરતા જોવા મળતા નથી. આ કિશોર ક્યારેક પક્ષીઓ ઉડાડતો તો બીજા સમયે રસોઈ બનાવતો, કપડા સુકવતો અને ઘરના બીજા કામો કરતો જોવા મળતો. સૂરજે કહ્યું કે માલિકોએ તેની પાસે તેમના ઘરની સફાઈ પણ કરાવી હતી અને તેને કરિયાણું અને બીજી ઘરવપરાશની ચીજવસ્તુઓ ખરીદવા માટે પણ મોકલ્યો હતો. બિહાર પાછા ફર્યા પછી તેણે ફોન પર કહ્યું હતું, "જો મને ખબર હોત કે વાડીની સંભાળ રાખવાના નામે મારી પાસે આટલું બધું કામ કરાવવામાં આવશે, તો હું ત્યાં જાત જ નહીં."
એપ્રિલમાં ફૂલો આવે ત્યારથી શ્રમિકો પટ્ટીની વાડીઓમાં તેમનું કામ શરૂ કરે છે અને ઓગસ્ટમાં ફળો ચૂંટવામાં આવે ત્યાં સુધી ત્યાં રહે છે. તેઓ આ પાંચેય મહિના બધો સમય વાડીમાં જ ગાળે છે, જ્યાં (રહેવા માટે) તેમને માથે પાકી છત પણ હોતી નથી. તેઓ ઝાડની વચ્ચે તાડપત્રીની છતવાળી વાંસની કામચલાઉ ઝૂંપડીઓ ઊભી કરે છે. ઉનાળાની ગરમી અને ચોમાસાનો ભેજ સાપને અને અન્ય જીવજંતુઓને આમંત્રે છે - એમાંના કેટલાક સાપ તો ઝેરી હોય છે.
સૂરજ કહે છે, "કમાવવાની જરૂરિયાત સામે આવા ખતરનાક સરિસૃપનો ડર પણ ફિક્કો પડી જાય છે." કામ છોડી દઈને ખાલી હાથે ઘેર પાછા ફરવાનું શક્ય હોતું નથી.
*****
પટ્ટીના શિંગારા સિંહે ત્રણ એકરની જામફળની વાડી ભાડાપટે લીધી છે અને તેઓ અને તેમના પત્ની પરમજીત કૌર એ બંને જ રાખેનું કામ કરે છે. 49 વર્ષના શિંગારા મેહરા શીખ સમુદાયમાંથી છે અને પંજાબમાં તેઓ પછાત વર્ગ (બેકવર્ડ ક્લાસ - બીસી) તરીકે સૂચિબદ્ધ છે. તેઓએ વાડીના 2 વર્ષના ભાડાપટા માટે 1.1 લાખ રુપિયા ચૂકવ્યા હતા. શિંગારા સિંહના કહેવા પ્રમાણે, "માલિકે કુલ વિસ્તારને બદલે વૃક્ષોની સંખ્યાના આધારે ભાડાપટાની રકમ નક્કી કરી હતી એટલે આ વાડી મને ઓછા દરે મળી ગઈ."
તેમણે કહ્યું કે મોટાભાગના લોકો એકર દીઠ 55 થી 56 જામફળના વૃક્ષો વાવે છે, પરંતુ આ કિસ્સામાં આખી વાડીમાં માત્ર 60 વૃક્ષો હતા. સિંહ મંડીમાં આ ફળો વેચીને 50000 થી 55000 રુપિયા કમાય છે. તેમણે કહ્યું કે મળતર ખૂબ જ ઓછું છે અને તેથી તેઓ બીજા કોઈને રાખે તરીકે કામે રાખી શકતા નથી.
શિંગારાએ કહ્યું, “આગામી બે વર્ષ માટે આ જમીન અમારી છે. શિયાળા દરમિયાન જામફળ ઉપરાંત અમે ઝાડની વચ્ચેની ખુલ્લી જમીનના ટુકડામાં શાકભાજી ઉગાડીએ છીએ અને મંડીમાં વેચીએ છીએ. ઉનાળામાં અમારી કમાણીનો પૂરેપૂરો આધાર અમારા વાડીમાંના ફળ પર છે."
વાડીની સંભાળ રાખવામાં આવતા પડકારોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, “પક્ષીઓમાં પોપટ અમને સૌથી વધુ પરેશાન કરે છે. જામફળ તેમનું પ્રિય ફળ છે! જો તેઓ આખું ફળ ખાઈ જતા હોય તો તો અમને કોઈ વાંધો નથી. પરંતુ તેમને માત્ર બીજ જોઈએ છે, બાકીના જામફળને બચકાં ભરીને તેના ટુકડા કરીને તેઓ તેને ફેંકી દે છે.”
પરંતુ સિંહ જણાવે છે કે પોપટોમાં પણ કેટલાક બહુ દુષ્ટ હોય છે, “પોપટમાં એલેક્ઝાન્ડ્રીન પ્રકારના પોપટ સૌથી વધુ નુકસાન કરે છે. જો આખું ટોળું એક વાડીમાં ઊતરે તો પછી એ વાડી ગયા ખાતે સમજવાની, એમાંથી ફળ મેળવવાની આશા છોડી દેવાની. આવા કિસ્સાઓમાં વાડીના રખેવાળોએ સૂરજની જેમ ડરામણા અવાજો કરવા પડે છે અને ગિલોલનો આશરો લેવો પડે છે છે.
સૂરજ જેવા સ્થળાંતરિત શ્રમિકોને સ્થાનિક શ્રમિકો કરતા ઓછા પૈસા ચૂકવવામાં આવે છે. શિંગારા જણાવે છે, "યુપી અને બિહારના શ્રમિકો ઘણા ઓછા વેતન પર કામ કરવા માટે સંમત થઈ જાય છે, અને વળી ઠેકેદારો તેમની નોંધણી કરાવવાની ઝંઝટમાં પડવાનું પણ ટાળી શકે છે."
2011ની વસ્તી ગણતરી મુજબ ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી સૌથી વધુ લોકો કામની શોધમાં સ્થળાંતર કરતા જોવા મળ્યા હતા. તેમાંથી મોટા ભાગના લોકો એવા સમુદાયોમાંથી છે જેઓ સદીઓથી છેવાડાના સમુદાયો રહ્યા છે. તેઓ ફેક્ટરીઓ, ખેતરો, ઈંટોના ભઠ્ઠાઓ અને વાડીઓમાં શ્રમિકો તરીકે કામ કરે છે અને નવાઈની વાત તો એ છે કે રાજ્ય પાસે તેમને અંગેની કોઈ વ્યવસ્થિત લેખિત નોંધ નથી. શ્રમિક સંગઠનો અને શ્રમ સાથે સંકળાયેલી બીજી સંસ્થાઓ પાસે વિગતવાર નોંધ રાખવા માટે જરૂરી સંસાધનો નથી.
એક સામાજિક કાર્યકર કંવલજીત સિંહ જણાવે છે કે, “સ્થળાંતરિત શ્રમિકો બેવડી કટોકટીનો સામનો કરે છે. ધ ઈન્ટર-સ્ટેટ માઈગ્રન્ટ વર્કર્સ એક્ટ હેઠળ આ શ્રમિકોની તેમના એમ્પ્લોયર (તેમને કામ પર રાખનાર) સાથે નોંધણી કરાવવી ફરજિયાત છે. આ કાયદાનું ભાગ્યે જ કોઈ પાલન કરે છે.” સિંહ ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસિસ્ટ-લેનિનિસ્ટ) ની કેન્દ્રીય સમિતિના સભ્ય છે. તેઓ ઉમેરે છે, “પરિણામે અહીં કામ કરવા આવતા સ્થળાંતરિત શ્રમિકો વિશે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. અને તેથી ઘણી વખત તેઓ તેમને માટેની કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી શકતા નથી."
*****
આ વાડીમાં આશરે બે એકર જમીનમાં પેરના લગભગ 144 ઝાડ છે. એપ્રિલથી ઓગસ્ટ સુધી ચાલતી આ ફળની મોસમમાં તેમનો કોઈ રખેવાળ હોય તો તે આ એક માત્ર 15 વર્ષનો બાળક જ છે. વાડીના માલિકો તરફથી તેને મહિને 8000 રુપિયા પગાર આપવામાં આવે છે
અરરિયા જિલ્લાના ભગપરવાહ ગામમાં સૂરજને ઘેર તેના પિતા અનિરુદ્ધ બહરદાર પટવારી (મુખી) ને મદદ કરે છે અને તેમને મહિને 12000 રુપિયા મળે છે - જમીનવિહોણા પરિવાર માટે આવકનો આ એકમાત્ર નિશ્ચિત સ્ત્રોત છે. સૂરજના કહેવા પ્રમાણે કામ કરવા માટે એ આટલી દૂરની મુસાફરી કરે એવી તેના પિતાની જરાય ઈચ્છા નહોતી, પરંતુ પરિવાર પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. સૂરજ ઉમેરે છે, “મેં મારા એક સંબંધીને કહેતા સાંભળ્યા કે અહીંથી ઘણા પૈસા મળી શકે છે." અને એટલે એ પંજાબ આવી ગયો.
છ જણનો આ પરિવાર કાચા મકાનમાં રહે છે, મકાનની છત તરીકે ખાપરેલ [માટીના નળિયાં] જ છે. તેની માતા સુરતી દેવી કહે છે, “ચોમાસામાં વરસાદનું પાણી અંદર આવે છે. અમારા ગામની બધી ઝૂંપડીઓ માટીની દીવાલોથી બનેલી છે, માંડ થોડીઘણી ઝૂંપડીઓને જ પતરાની છત છે.” પંજાબમાં સુરજ જે પૈસા કમાયો તે તેની ઈચ્છા હતી એ પ્રમાણે તેના ભણતર પાછળ ખર્ચાવાને બદલે ઘરના સમારકામમાં ખર્ચાઈ ગયા છે. ઘેર પાછા ફર્યા પછી તેણે ફોન પર કહ્યું, "મારી ઈચ્છા તો નથી પણ એવું લાગે છે કે મારે પંજાબ પાછા આવવું પડશે."
35 વર્ષના સુરતી દેવી ઘરનું કામકાજ સંભાળે છે અને જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે શ્રમિક તરીકે પણ કામ કરે છે. સૂરજના ત્રણ નાના ભાઈઓ સરકારી શાળામાં અભ્યાસ કરે છે - નીરજ 13 વર્ષનો છે અને 6 ઠ્ઠા ધોરણમાં છે, બિપિન 11 વર્ષનો છે અને 4 થા ધોરણમાં છે અને સૌથી નાનો આશિષ 6 વર્ષનો છે અને બાલમંદિરમાં છે. આ પરિવાર પાસે કોઈ જમીન નથી અને તેમણે ખેતી કરવા માટે લગભગ 2.5 એકર જમીન ભાડાપટે લીધી છે, જેમાંથી 1.5 એકર જમીન પર તેઓએ માછલીઓ ઉછેરવા માટે તળાવ ખોદ્યું છે. બાકીની એક એકર જમીનમાં તેઓ ડાંગર અને શાકભાજીની ખેતી કરે છે. સૂરજ ઘેર હોય છે ત્યારે તે કેટલાક શાકભાજી મંડીમાં વેચવા માટે લઈ જાય છે. પરિવાર આ રીતે વર્ષે લગભગ 20000 રુપિયા કમાઈ શકે છે, પરંતુ તે નિશ્ચિત નથી.
હવે ઘેર પાછા ફરેલા સૂરજને ખબર નથી કે તેનું ભાવિ શું છે. કદાચ તેને ફરીથી કમાવા માટે પંજાબ પાછા ફરવું પડે. જો કે તેને વધુ ભણવાની ખૂબ ઈચ્છા છે: "જ્યારે પણ હું બીજા બાળકોને તેમની શાળાએ જતા જોઉં છું, ત્યારે મને પણ શાળાએ જવાનું ખૂબ મન થાય છે."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક